લાગણીનો અહેસાસ
લાગણીનો અહેસાસ
લાગણીનો એક બીજો અર્એથટલે લગાવ. લાગણીની ભાવના ધીરે-ધીરે પરિપક્વ બનતાં "લગાવ"માં પરિણમે છે. વ્યક્તિ, પશુ-પક્ષી કે પ્રકૃતિ પ્રત્યેની લાગણીનો અતિરેક જે લગાવ કહેવાય છે. આ માનવીય શરીર કુદરતી અજાયબી છે. અને એમાં પણ લાગણીની અનુભૂતિ સૃષ્ટિની સૌથી સુંદર અનુભૂતિ છે. આ લાગણીનો અનુભવ મનને પાંખો લગાવી દે છે. મનને પ્રફુલ્લિત કરી દે છે. પરંતુ આ જ લાગણીને જયારે ઠેસ પહોંચે ત્યારે દુઃખમાં પણ ફેરવાઈ શકે છે.
શું લાગણી નિર્દોષ હોઈ શકે ? તો હા, કોઈ નાના બાળક પ્રત્યે થતી વ્હાલની લાગણી, કોઈ નિખાલસ વ્યક્તિના વિચારોથી થતી લાગણી. કોઈ પશુ-પંખીઓ પ્રત્યે થતી લાગણી.આ પ્રકારની લાગણી નિર્દોષ હોય.
લાગણીની સૌથી વધુ અસર લાગણીશીલ વ્યકિતને થતી હોય છે. મારા મતે આવી વ્યક્તિએ પોતાને કમજોર માનવાની જરૂર જ નથી. લાગણી જ લાગણીશીલ વ્યક્તિનું મજબૂત મનોબળ હોય છે. ઈશ્વરનો ખરા દિલથી આભાર માનવો કેમકે એમનું હૃદય સંવેદનાઓ અનુભવી શકે છે. પોતે નસીબદાર સમજવું કેમકે ભાવનાઓ, લાગણીને મહેસૂસ કરવાની ક્ષમતાએ પણ એક શ્રેષ્ઠ ગુણ જ છે. આવી વ્યક્તિ કુદરતની નજીક હોય છે. આવી વ્યકિતઓએ પોતાને ભાગ્યશાળી સમજવું કારણ ઈશ્વર તમને સુખદ અને દુઃખદ બન્ને લાગણીનો અનુભવ કરાવે છે.
લાગણીશીલ વ્યક્તિ મોટે ભાગે પ્રમાણિક હોય છે. એમનો આત્મા શુદ્ધ હોય છે. તેઓ પ્રેમને સર્વોપરી માનતા હોય છે. અને એટલે જ એમને સંબંધો અને ભાવનાઓની સૌથી વધારે કદર હોય છે.
