જીવનનો ઉદ્દેશ્ય
જીવનનો ઉદ્દેશ્ય
માનવ જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વયંની ઓળખ જ છે. સનાતન ધર્મનાં માર્ગે ચાલવું એ સ્વયંની ઓળખનાં ઉદ્દેશ્ય માટે રાજમાર્ગ છે. "અહં બ્રહ્માસ્મિ" એટલે કે "હું જ બ્રહ્મ છું" "સોહમ્" સો એટલે તે અને હમ્ એટલે હું. તે આત્મા પરમાત્મા હું જ છું. આવી અતિ ગૂઢ સંવેદના આપણાં માનસપટલ પર અંકિત થાય ત્યારે ભીતરમાં જ સ્વયંને મળવાની કે ઓળખવાની શરૂઆત થાય.
સંત શિરોમણિ નરસિંહ મહેતાનાં શબ્દોમાં કહીએ તો "જયાં લગી આત્મતત્વ ચિંધ્યો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી. એટલાં માટે જ મનુષ્યે સાચો પુરુષાર્થ સ્વની ઓળખ માટે જ કરવો રહ્યો.
સ્વયં એટલે સ્વ, પોતે, હું, ખુદ.. સ્વ એટલે કે ફક્ત નામથી જ નહીં પરંતુ આધ્યાત્મિક અને તાર્કિક દ્રષ્ટિએ "હું કોણ" અથવા "કયાંથી આવ્યો છું" અને "કયાં જવાનો છું", "મારે કેવું જીવન જીવવાનું છે" આવાં વિચારો જ સ્વયંની ઓળખ માટે મહત્વની ભૂમિકા ભજવે છે.
સ્વયંને ઓળખવું અને એ ઓળખ સાથે જીવવું એ માનવ જીવનની સહજ પ્રક્રિયા છે. માનવ જીવન ખૂબ અણમોલ છે. જીવન હકારાત્મક અને નકારાત્મક બે પાસાઓ સાથે જોડાયેલું હોવાથી આ બંને પાસાઓનું પ્રામાણિકપણે કરાતું મૂલ્યાંકન સ્વયંને ઓળખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
મનુષ્ય સામાજિક રીતે પણ જન્મથી મૃત્યુ સુધી પોતાની આગવી ઓળખ ઉભી કરવા મથતો જ રહે છે. માનવને સામાજિક જીવનમાં પ્રત્યેક સંબંધોમાં પોતાનું આગવું અસ્તિત્વ સ્થાપિત કરવાનું ખૂબ જ રુચે છે અને એટલે જ પ્રકૃતિ અને સમાજ સાથે તાલમેલ બનાવી જીવનમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવા સતત પ્રયત્નશીલ રહેતો જ હોય છે અને પોતાનાં નામ સાથે વ્યક્તિગત ઓળખ ઉભી કરે જ છે.
આપણી પાસે સ્વયંની ઓળખ માટે મદદરૂપ થતાં શ્રી કૃષ્ણ કથિત ભગવદ્ ગીતા અને બીજાં અસંખ્ય પુસ્તકો છે. ભારતની ભૂમિ આખાં વિશ્વમાં એકમાત્ર ભૂમિ છે જે સ્વયંની ઓળખ માટે સર્વને પ્રેરે છે. અહીંનાં અસંખ્ય માનવો સ્વયંને ઓળખવામાં સફળ થઈ અન્યને માર્ગ ચિંધતા રહ્યાં છે.
જયાં સુધી સ્વયંની ઓળખ થતી નથી ત્યાં સુધી માણસ હું પણાંની ભાવનામાં દઢપણે રાચતો હોય છે. જેને હું કહેવાય છે એ ખરેખર તો આપણી સાચી ઓળખ નથી જ. ખરેખર સ્વયંની ઓળખ માટે હું સહિત સઘળાં જીવ ઈશ્વરનાં જ અંશ છે એ માનવું પાયાની વાત છે. આ વિચારભાવ રોજ મનન અને ચિંતન કરવાથી અનુભવાય છે.
સાચાં અર્થમાં સ્વયંની ઓળખ માટે સ્વયંને સમસ્તિ સાથે જોડવામાં આવે તો જ સ્વયંની ઓળખ શક્ય બને છે.
