પુસ્તક એટલે
પુસ્તક એટલે
પુસ્તક એટલે મુખેથી વ્યકત ન થઈ શકતી, મનમાં ધરબાયેલી લાગણીઓ, સ્વપ્નાંઓ, વિચારો, કલ્પનાઓ અને ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં થઈ રહેલી ઘટનાઓનો શબ્દો સ્વરૂપે ચિતાર આપતું સર્જન છે.
માનવીનાં મનમાં ઉદ્દભવતા વિચારોને વાચા આપી સ્થૂળ સ્વરૂપે વર્ણન રજૂ કરતું સર્જન એટલે પુસ્તક.
પુસ્તક દ્વારા આપણે વ્યક્તિઓની લાગણીઓને સમજી શકીએ છીએ. આપણું જીવન ચરિત્ર આપણે પુસ્તક વડે વર્ણવી શકીએ છીએ. અને બીજાનાં જીવન ચરિત્રો વાતો કર્યા વગર આપણે જાણી શકીએ અને શીખ મેળવી શકીએ છીએ.
પુસ્તકોની દુનિયા ખુબ જ વિશાળ અને અદ્ભુત છે. દુનિયાની નાનામાં નાની બાબત અને ઝીણામાં ઝીણું અવલોકન આપણે પુસ્તકો દ્વારા જાણી શકીએ છીએ.
દુનિયાના સુકા રણવિસ્તારથી લઈને ખળ-ખળ વહેતી નદીઓ કે ઉતુંગ શિખરોની માહિતી, પશુ-પંખીઓની દુનિયા, વન્ય જીવન કે ભૌગોલિક માહિતી, ઈતિહાસ કે પછી આપણું સંવિધાન અને એનાં નિયમો, દેશ અને દુનિયાનાં કાયદાઓ વિશે માહિતી અને વર્ણન આપણે પુસ્તકો દ્વારા જાણી શકીએ છીએ. પુસ્તકો આપણને દેશ-દુનિયાનો અદ્ભુત પરિચય કરાવે છે.
પુસ્તકો દ્વારા આપણે આપણાં પૂર્વજોનો અદ્ભુત વારસો જાણી શક્યાં છીએ. ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, ચાણક્ય નીતિ, વિગેરે અસંખ્ય મહાન ગ્રંથો દ્વારા જ આપણે સાચું જ્ઞાન અને સમજણનો અમૂલ્ય વારસો જાળવી શકયા છીએ.
ખરેખર પુસ્તકો એક ઉત્તમ મિત્રની ગરજ સારે છે. પુસ્તકો આપણને એકલતામાં સાથ સાથે માહિતીસભર પણ બનાવે છે. પુસ્તકો આપણને ઉત્તમ જ્ઞાન અને માર્ગદર્શન આપે જ છે. પુસ્તકોની દુનિયા એટલી અદ્ભત અને વિશાળ છે કે જે એમાં ખોવાઈ જાય છે, એ વિચારોથી સમૃધ્ધ થઈ જાય છે.
