દેખાડો
દેખાડો
"હવે જલ્દીથી તૈયાર થઈ જા, આ ઘરેણાં પહેરીને... તું તો કાંઈ લાવી નથી અમારે તો બતાડવું પડશે ને." સાસુની તિરસ્કાર ભરેલી નજરને અપશબ્દોથી તંદ્રામાંથી જાગી તે તૈયાર થવા લાગી... આજ એની મુહદિખાઈ હતી, પણ શું કોઈનેય પણ તેના ગુણ કે તેના સ્વભાવ જોવાની ઈચ્છા કે દરકાર હતી?
"સરલાબેન ! તમારી વહુ તો ઘણુંય લાવી છે ને કાઈ! ભાગ ખુલી ગયા તમરા તો, આવી ભણેલી ગણેલી વહુ અને ઉપરથી દહેજ..."
"અરે ના ના બેન, અમે તો દહેજમાં માનતા જ નથી. અમેતો ચોખ્ખુજ઼ કીધું'તું... મારેતો દીકરી જોઈએ બસ બાકી આપણા ઘરમાં કાઈ કમી છે? પણ એના માં-બાપ નેય હરખ હોય ને. એટલે રાજીખુશીથી આપ્યું, એતો એમનો આશીર્વાદ જ કહેવાય આપડે ના પણ કેમ પાડવી?"
સરલાબેનની આ વાતથી સુલોચના ભૂતકાળમાં સારી પડી...
"જોવો વેવાણજી, અમારેતો ભગવાનનું દીધું બધુંજ છે ને અમારો દીકરોય વ્યસન વગરનોને ભણેલો ગણેલો છે, તમારી દીકરી પણ ડાહ્યીને સંસ્કારી છે, અમે તો એને એક જોડી કપડામાં પણ લઇ જઈએ અમારે તો જરાય અપેક્ષાઓ નથી પણ... આ સમાજ સામે 'દેખાડો' તો કરવોજ પડશે એટલે બસ ખાલી ૪૦ - ૫૦ તોલા સોનુ, જાનૈયાઓ માટે ચાંદીના સિક્કાને ઘરના લોકો માટે સોનાના સિક્કા બસ એટલું તો કરવુંજ પડશે..."
લગ્નના બે દિવસ પહેલા આવેલા ફોનથી ઘર પર જાણે વીજળી ત્રાટકી હતી...
"પપ્પા આતો સીધેસીધું દહેજ જ છે મારે નથી પરણવું... અત્યારેજ ફોન કરીને ના પાડી દો."
"ના દીકરા લગ્નને બેજ દિવસ બાકી છે, સગું-વ્હાલું પણ આવી ગયું છે, હવે જો લગ્ન ન થયા તો તારી નાની બહેનોનું શું થશે? ને અમારે તો ઝેર પીવાનો વારો આવશે."
"પણ પપ્પા..." પોતાની બહેનોને જોઈ સુલોચનાના શબ્દો ગળામાંજ અટકી ગયા હતા. એક છેલ્લી કોશિશ રૂપે તેને જતીનને ફોન કરેલો.
"જતીન, મારા પપ્પા તાત્કાલિક આટલી મોટી રકમની વ્યવસ્થા કેમ કરશે? તું પ્લીઝ તારા મોમ ડેડને સમજાવ."
"સિલું, આ વડીલોનો વહેવાર છે, મમ્મી ક્યાં પોતાની કે ઘર માટે માંગે છે? અને આપશે તો તમારું જ સારું દેખાશે ને... એટલે ખાલી 'દેખાડવા' માટે આટલું તો કરવુંજ પડશે." અને ફોન મુકાઈ ગયો...
પોતે આખી રાત રડી રડીને આંખો લાલ કરી હતી ને બીજે દિવસે બિચારા પપ્પાએ સગાં અને મિત્રો સામે લાચાર બની "દેખાડાના દહેજ"ની વ્યવસ્થા કરી હતી.
પોતે જેને મનનો માણીગરને સુખ દુઃખનો સાથી માનેલો એ આજે હંમેશ માટે પોતાની નજરમાંથી ઉતરી ગયો હતો.
લગ્ન લેવાઈ ગયા, પોતે કહ્યા પ્રમાણે કરિયાવર લઇ આવી હોવા છતાં તેના સાસુનું મોં બગડી ગયું હતું અને મુદિખાઈમાં પોતાની સાથે સાથે સાસુના ઘરેણાં પણ પહેરવા મળેલ... "દેખાડા" માટેસ્તો... લગ્નની રસમોને રિવાજોના દેખાવડા પુરા થયા, હવે આજથી તેના દામ્પત્ય જીવનની શરૂઆત થવાની હતી, આજ તેની સુહાગની, સમર્પણની રાત હતી...
મનમાં ચાલતા ઉથલ-પાથલ સાથે હાથમાં દૂધના ગ્લાસ સાથે તે રૂમમાં પ્રવેશી...
"ઓહ મારી સિલું... આ દિવસની તો હું ક્યારની રાહ જોતો હતો." કેહતા જતીન તેને આલિંગનમાં લેવા આગળ આવ્યો પણ... સુલોચના પાછળ હટી ગઇ, જતીન પ્રશ્નાર્થ નજરે સુલોચનાને જોઈ રહ્યો.
"જો જતીન, મેં તારી સાથે લગ્ન માત્ર મારી બહેનોના ભવિષ્યને પિતાની ઈજ્જત માટેજ કર્યા છે, તું તો તે દિવસેજ મારી નજરથી ઉતરી ગયેલો જ્યારે તે દહેજને સમર્થન આપેલું."
"શું સિલું તું પણ, આ તે કઈ આવી વાતો કરવાનો સમય છે? જે થવાનું હતું તે થઈ ગયું, હવે આપણા ભવિષ્ય વિશે વિચાર... આઈ લવ યુ." કહી જતીન ફરી આગળ વધ્યો...
"ખબરદાર...." સુલોચનાની આંખોમાં તગતગતો અગ્નિ જોઈ જતીન જરા પાછો પડ્યો.
"મને સ્પર્શવાની કોશિશ પણ ન કરતો. મારુ ચાલે તો હું તારી સાથે એક મિનિટ પણ આ રૂમમાં ન રહું."
આંખોમાં તગતગતો અગ્નિ અચાનક કોઈ રહસ્યમયી ચમકમાં ફેરવાઈ ગયો..
જતીનની એકદમ નજીક જઈ સુલોચના ધીમેથી બોલી... "પણ... આતો શું છે, કે મારે પણ તારી સાથે રેહવાનો "દેખાડો" તો કરવોજ પડશે ને!?"
ચાદરને તકિયો જતીનના હાથમાં પકડાવી સુલોચના ગૂઢ, રહસ્યમયી, ને સંતોષકારક સ્મિત સાથે પલંગ પર સુઈ ગઈ...
જતીન ક્યાંય સુધી અનિમેષ નજરે સુલોચનાની પોતાના તરફ મંડાયેલી પીઠને તાકી રહ્યો... તેના મનમાં એકજ શબ્દનો વારંવાર પડઘો પડી રહ્યો હતો...
દેખાડો...
