Vaghela Shilpa

Inspirational Tragedy

4  

Vaghela Shilpa

Inspirational Tragedy

બળતા બપોરનો વહેવાર

બળતા બપોરનો વહેવાર

5 mins
14.9K


કચ્છની સફેદ ધરતીને લાલ કરવા રવિ કાળઝાળ તડકો વરસાવી મથતો હોય, નેહડાની સ્ત્રીઓ પાણી માટે પાંચ-પાંચ ગાઉ હાલીને જતી હોય, જન્મભૂમિથી ટેવાયેલા છોરુઓ ખરા બપોરેય ઉઘાડા પગે નવનાગરોની રમત માંડતા હોય, ને દૂર દૂર સુધી મનેખ કે જનાવર નજરેય ન ચઢતું હોય, એવાં ખરા તડકાનું એક કૃશકાય માનવ શરીર હાલ્યું આવે છે, નેહડાની નજીક આવતા સુધીમાં તો તેને ફેર ચઢીને જીવ જવું જવું થઈ રહે છે, માંડ તે પોતાના આખરી પડાવ એવા દીકરીની ઝાંપલીયે પહોંચે છે, ઝાંપલી ખોલતા ખોલતા તો એ અધમુઓ થઈ રહે છે.

છોરુંને ડારો દેતી અને ઢોર-ઢાંખરને નીર દેતી જવલીની નજર એ મનેખ પર પડે છે, ઘડીક તો ઓળખાણની ભાળ મેળવવા એ નીરખી રયે છે... અચાનક મનમાં ઝબકારો થતાં મોંમાંથી એક આશ્ચર્ય, ખુશી, ને થોડી વેદના મિશ્રિત ચીખ નીકળે છે... "અરે! બાપુ તમે !"

જવલી દોડીને પોતાના બાપુને સહારો આપી ફળિયા સુધી લાવે છે. ઢોલિયો પાથરી બાપુને બેસાડી, ઓટલે મૂકેલી માટીની નાનમાંથી કળશયો ભરી બાપુને ધરે છે. અજમલ એકી શ્વાસે આખો કળશયો સુકાયેલા ગળાને આરપાર ઉતારી દે છે. જવલી તો આઘાતની નજરે પોતાના બાપને જોઇજ રહી છે, તેને હજી વિશ્વાસ નથી બેસતો કે બાર હાંતીનો હાંમભેલખા, ને દસ પહેલવાન જેવા નેય ઉભા ઉભા પછાડનાર, ખમતીધર બાપની આવી દશા?

આંખમાં આવેલા ખારા પાણીને પોતાના પાલવે સંતાડતી જવલી પૂછે છે, "બાપુ કેમ છો?" આમ અચાનક? ને આ તે શું હાલ કર્યા છે?"

"કાઈ નઈ દીકરા, આતો કાળા કાળના ઉઝરડા છે."

વધુ કઈ વાત થાય તે પહેલાં તો જવલીના સાસુ ને સસરા ઘરમાંથી નીકળે છે, વેવાઈને જોઈ જરાક મલકાઈને આવકારો આપે છે. જવલીને આંખના ઈશારે ઘરમાં મોકલી તેની સાસુ વેવાઈ સામે મીઠાશના પોટલાં ખોલતા બોલે છે. "પધારો, તમે તો સાવ દેખાતાજ નથીને, દીકરી નથી સાંભરતી કે?"

"સાંભળેને બેનબા પણ હવે શરીર સાથ નથી દેતું ને દીકરીના ઘરનું ધાન થોડું ખપે?" અજમલ એ લાચારી ભર્યો જવાબ આપ્યો.

જવલીના સસરાએ મીઠી મારતા કહ્યું, "અરે હોતું હશે કાઈ, હવે આવ્યાજ છો તો તમારોય રોટલો ઘડાઈ જશે, પણ... આમ અચાનક ? બધું સારેવાને તો છે ને?"

અજમલે પછેડી ખોલીને તેમાં સચવાયેલી કંકોત્રી આપતા કહ્યું, "એકના એક દીકરાના લગ્ન લીધા છે, મારી દીકરીએ ઘણા વર્ષોથી પિયર નથી ભાળ્યું, આ પ્રસંગે પેટના જણ્યાં છોરુંઓ બે ઘડી ભેગા થાય ને ઘરમાં આનંદ કિલ્લોલ થઈ રહે એ માટે દીકરીનું તેડું કરવા આવ્યો છું બાપ." થોડા ગરીબડા ને ધ્રુજતા અવાજે અજમલે હાથ જોડી જાણે આજીજી જ કરી.

"વાહ, તમારે પણ હવે સુખના દા'ડા આવીજ ગયા, સરસ લ્યો દીકરો થાળે પડી જશે." કંકોત્રી હાથમાં લેતાં જવલીના સસરાએ કહ્યું.

ઘરના રસોડે ચૂલા પર ચા મૂકતી જવલી આ સંવાદ સાંભળી રહી હતી, તે મનો મન હરખાઈ ઊઠી કે આટલા વરસે પોતાના પિયરનું મુખ ભાળશે. "શું લઈ જઉં? મારી પેલી લાલ સાડી તો હું ચોક્કસ લઇ જઈશ, મારા કરિયાવરમાં માએ જાતેજ ભરેલી ને... ને પેલી પીળી સાડી જે મને પહેલાં આણે બાપુએ લાઇ આપેલી એ પણ, પણ ફુલેકામાં શું પેહરીશ? અરે! ઓલી રાણી ગુલાબી સાડી છે ને, હજીતો બે વરસ પહેલાંજ તો માએ સંપેતરામાં મોકલેલી જરી ગોટા વાળી, ભાઈ માટે રક્ષાબન્ધને મોકલવા જે જભ્ભાનું કાપડ લઇ મેં ભરત કામ કરેલું એ પણ લેતી જઈશ..."

આવું તો કેટકેટલું જવલીએ ચાના ઉકાળે વિચારી લીધું.

ચા લઇ ચમકીલી આંખો સાથે તે ફળિયામાં આવી, ત્યાં જવલીની સાસુ બોલી, "હા ભઈલા, વાત તો તમારી ખરા સોના જેવી છે, ઘરના પ્રસંગે દીકરીઓ મોજ ન કરે તો ક્યારે કરે? ને દીકરીનું તેડું તો મરણ પથારીએય નિભાવવું જ રહ્યું, પણ ભઈલા... વાત એમ છે કે... તમારા દીકરાને અમારા દે'રની દીકરીનો પ્રસંગ હારે હારે જ છે, હવે નણંદના પ્રસંગમાં ભાભી ન હોય તો કેમ હાલે? એટલે જવલ વહુ તો નઇ આવી શકે પણ તમારા વેવાઈ કે જમાઈ કોક આવી જાશે."

એકજ ઘડીમાં પોતાના બધાજ વિચારો ને હરખ પર ગરમ ગરમ ચા હાંસી ઉડાવતી ને ફરી વળી હોય તેમ જવલી નો જીવ દાઝી ગયો.

અજમલ પણ શું કહે ? દીકરીના સાસરિયા સામે તે કેમ બોલાય ? મુસાફરીનો થાક જે દીકરીને જોતા ઓસરાઈ ગયો હતો એ ફરી બમણા વેગે ચહેરા પર ધસી આવ્યો, માંડ ડૂસકું રોકતા તે બોલ્યો.

"જેમ ઠીક સમજો બેનબા, આતો દીકરીના તેડાનો વહેવાર હતો તે બળતા બપોરેય નિભાવી જાણ્યો, બાકી જેમ તમને ઠીક લાગે એમ હવે રજા આપો." હાથ જોડી ઉભા થવા જતા અજમલ બોલ્યો.

"અરે એમ કાંઈ હોતું હશે?" અજમલનો હાથ પકડી ફરી બેસાડતા જવલીના સસરા એ કીધું. "હવે આવ્યાજ છો તો રાત રોકાઈ ને જ જાજો, આ સૂરજ માથે આવ્યો."

"ના રે બાપુ ના, દીકરીના ઘરનું ધાન ન ખપે બાપ, તમે કહ્યું ને આવી ગયું હવે રજા આપો." અજમલે ઢોલિયામાંથી ઉભા થતા કીધું.

"ઠીક ત્યારે, લગન પછી વરઘોડિયાને રોટલો ખાવા મોકલજો." જવલીની સાસુએ આગ્રહ કરતા કહ્યું. પછી જવલીને સાદ કરતા બોલ્યા. "જવલ વહુ આ તમારા બાપુ જાય સે જરા મળી લ્યો."

જવલી હારેલા પગલે બહાર આવી, બાપુના આશીર્વાદ લેતા બોલી, "ભાઈને માને મારી યાદી આપજો, ને બાપુ આમ હેરાન થવાની ક્યાં જરૂર હતી? સાંપેતરું મોકલી દીધું હોત તોય..."

અજમલે વાત કાપતા કહ્યું, "ના રે દીકરા આતો વહેવાર છે. સાસરવાસી દીકરીને તેડા કરવાનો, એતો બળતા બપોરેય નિભાવોજ રહ્યો, બસ તને ખુશ જોઈ આ કાળજામાં ટાઢક થઈ, તારું ઘર સાચવજે." માથે હાથ મૂકી અજમલ તરતજ પૂંઠે ફરી હાલતો થયો. રખે ને ક્યાંક દીકરી તેની આંખનું આંસુ જોઈ જય તો ?

અહીં જવલી પણ દોડીને રસોડામાં જઈ મૂંગું ડૂસકું ભરી રહી... રખે ને ક્યાંક તેના બાપુને સંભળાઈ જાય તો?

"બાપ ઓસવાય દીકરીને ડૂસકે, દીકરી ઓસવાય બાપની લાજે,

"નવ્યા" કહે "નવલા નજરાણા" થકી, હૈયું ચિરાય આ વિચારને કાજે."

"હોય દિવાળી, હોળી, વિરપસલી, કે હોય પ્રસંગનો તહેવાર,

મરણપથારીએ ય સાચવવો રહ્યો, આ પીટયો, "બળતા બપોરનો વહેવાર..."

-વાઘેલા શિલ્પા"નવ્યા"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational