ઢળતી સંધ્યા
ઢળતી સંધ્યા
શહેરથી દુર કુદરતી વાતાવરણ ચારેબાજુ હરિયાળી ફેલાયેલી છે. અને ત્યાં એક વૃદ્ધાશ્રમ આવેલુ છે. નામ છે. "આશરો " ત્યાં રીમાબેન હમણા નવા નવા આવ્યા છે. બગીચાની સફાઈ કરતાં કરતાં ઘરની યાદ આવતાં ઉદાસ થાય છે. હિંચકા પર બેસે છે. અને તેના જૂના દિવસોને યાદ કરે છે.
***
રીમાબેન ખુબ જ દેખાવડા, સાલસ અને સરળ સ્વભાવનાં હતાં. રાકેશભાઈ સાથે લગ્ન કરી શહેરમાં આવ્યા. બંને પતિ-પત્ની એકબીજાનાં સહકારથી જીવન જીવતાં હતાં. લગ્નજીવનનાં ફળ સ્વરૂપે એમને એક દિકરાને જન્મ આપ્યો. તેનું નામ આરવ પોતે વેઠેલી મુસીબતો પોતાનાં દિકરાને ન ભોગવવી પડે એ માટે બંને કાળજી રાખતાં. આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ આરવને અંગ્રેજી મિડયમમાં ભણવા મુકયો. પોતે ખાસ ભણેલા ન હતાં પણ આરવ ખુબ હોશિયાર હતો. રાકેશભાઈ એક કંપનીમાં નોકરી કરે અને સાથે નાનો ધંધો પણ કરતાં આમને આમ સમય પસાર થવા લાગ્યો.
આરવ હવે કોલેજમાં આવ્યો. એ કોમ્પ્યુટર એન્જિનિરિંગનો અભ્યાસ કરતો હતો. અચાનક એક દિવસ રાકેશભાઈની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કર્યા. સારવાર મળવા છતાં બી.પી વધી જવાથી એટેક આવ્યો. રીમાબેનને ખુબ આઘાત લાગ્યો. આમ મઝધારમાં એકલા મુકી ચાલ્યા ગયા. હવે ઘરની જવાબદારી, આરવની જવાબદારી,તેનો ભણવાનો ખર્ચો આ બધુ વિચારી રીમાબેન ખુબ ઉદાસ થયાં.પણ એમ કંઈ જીંદગી થોડી છુટી જાય છે. હિંમત રાખી રીમાબેને જીવવાનું શરૂ કર્યું. પિતાનાં જવાથી આરવ પણ નાની ઉંમરે અનાથ થઈ ગયો.
રીમાબેન પહેલેથી જ રસોઈ સારી બનાવતાં બધા જ એમની રસોઈનાં વખાણ કરતાં અને રીમાબેને ટિફિન સર્વિસ ચાલુ કરી. ધીમે-ધીમે એમનો ધંધો જોરદાર ચાલવા લાગ્યો. હવે તેને લગ્ન પ્રસંગે, બર્થ-ડે પાર્ટીમાં અને નાના મોટા પ્રસંગોમાં પણ ઓર્ડર મળવા લાગ્યા. આરવ પણ હવે કોલેજમાંથી પ્લેસમેન્ટ થતાં સારી કંપનીમાં નોકરી કરવા લાગ્યો. આરવ કહે, " મા, હવે તારે કામ કરવાનું નથી.બહુ કર્યું તે હવે આરામ કર." પણ રીમાબેન કહે,"આરામ તો તારા લગ્ન થાય પછી જ કરીશ."
ભગવાન દુઃખ આપે પણ સાથે રસ્તો પણ દેખાડે છે. આરવ હવે નોકરી કરતો હતો.સેલેરી પણ સારી મળતી હતી. રીમાબેને પણ હવે કામ ઓછુ કરી નાખ્યું. આરવની સાથે કામ કરતી અમી સાથે આરવને સારુ ફાવતું. બંને એકબીજાને પસંદ કરતાં હતાં. આજે આરવ અમીને પોતાના ઘરે લાવે છે.રીમાબેન અમીને જોઈ ખુશ થાય છે.તેના જીવનમાં તેના પુત્રની ખુશી સિવાય કંઈ નહોતું.
બીજી બાજુ અમીના માતા-પિતા પણ બંનેના લગ્ન માટે રાજી હતાં. બંનેના લગ્ન ધામધૂમથી થયાં. હવે ઘરમાં એક જણનો ઉમેરો થયો. અમી માતા-પિતાનું એક જ સંતાન હોવાથી થોડી જીદ્દી હતી. આરવ અને અમી સવારથી જોબ પર જતાં. ઘરનું બધુ જ કામ રીમાબેન હસતે મોઢે કરતાં પણ અમી કયારેય તેની સાથે સરખી રીતે વાત કરતી નહીં. ઘરનાં કોઈ કામ પણ કરતી નહીં. સાંજે જોબ પરથી આવી જમીને પોતાનો મોબાઇલ લઇને બેડરૂમમાં જતી રહેતી. આરવ પણ રવિવારે એક દિવસ હોય તો બંને બહાર ફરવા જતાં રહેતાં. હવે અમીને રીમાબેનની હાજરી ખુંચતી હતી. તેણે આરવને કીધુ આ ઘર નાનું પડે છે. આપણે નવુ ઘર લંઈએ.અને આરવે શહેરનાં પોશ વિસ્તારમાં એક ફલેટ બુક કરાવી દીધો. આ ઘર પણ વેચી નાખ્યું. રીમાબેનને ઘણુ દુઃખ થયું. હવે આરવ પણ અમીની વાત માનતો. નવા ફલેટમાં રહેવાનો સમય આવ્યો તો અમી કહે, "આરવ મને નવા ફલેટમાં ફર્નિચર બધુ જ નવુ જોઈએ અને હા આ મમ્મીની પણ કંઈક વ્યવસ્થા કરજે એમને ફલેટમાં ફાવે નહિ આપણે આપણી રીતે જીવીશું." આરવને થોડુ દુઃખ થયું પણ અમી પાસે તેનું કંઈ ચાલ્યુ નહીં.
આજે નવા ફ્લેટનું વાસ્તુ પુજન કર્યુ. બધા જ સગા સંબંધીઓને બોલાવ્યા. બધુ જ પતી ગયું પછી આરવે રીમાબેનને ક્હ્યું, "મમ્મી, તું તારો સામાન પેક કરજે ! તને અહીં નહીં ફાવે હું અને અમી તો જોબ પર જતા રહીએ અહીં તું એકલી કંટાળી જઈશ." "રીમાબેને પુછ્યું," ક્યાં ?" તો આરવ બોલ્યો, "એક વૃદ્ધાશ્રમ છે. ત્યાં તમારી ઉંમરનાં જ છે બધા તમને ફાવશે."
આ સાંભળીને રીમાબેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આજે તેને રાકેશભાઈની યાદ આવી ગઈ. જૂનુ ઘર પણ વેચાઈ ગયું. હવે તો રીમાબેન માટે કોઈ "આશરો " બાકી ન રહ્યો. તે એકપણ શબ્દ બોલ્યા વગર પોતાનાં બે જોડી કપડા, રાકેશભાઈનો ફોટો લઈને તૈયાર થઈ ગયાં. આરવ કાર લઈને અહીં "આશરો "માં મુકી ગયો.એને આજે છ મહિના થયા વચ્ચે એકવાર આરવ મળવા આવ્યો હતો એ કહે અમીની તબિયત સારી નથી. અને આજે જૂની યાદો તાજી કરી રીમાબેન દુઃખી થઈ ગયા. ત્યાંજ બાજુમાં ભારતીબેન આવ્યા, "અરે ! એમ કંઈ હિંમત નહીં હારવાની અમે છે તમારી સાથે." આ સાંભળીને રીમાબેન બોલ્યા, "પોતાના પેટનો જાયો આમ એકલી મુકીને ગયો હવે હું ઉદાસ થઈ શું કરું ?" અને રીમાબેનની આંખોનાં આંસુ ત્યાંજ થીજી ગયા.
