ડેસ્ટિની
ડેસ્ટિની


કેસરિયાળો સાફો અને રાતી ચુંદડીના મિલનની વેળ હતી.
સ્લેટમાં એકબીજાનું નામ લખતાં શિખતાં સપન અને સુહાની એકમેકના હ્રદયમાં નામ કોતરી ચૂક્યાં અને બંને પરિવાર આનંદથી એક થયા.
બંને પોતાની વિવાહિત દુનિયા સ્વર્ગ સમી સર્જવા ધરતી પરના સ્વર્ગ કેરાલા નીકળ્યાં. પહાડી રસ્તા પર નવયુગલ આંખમાં નવી સુંદર જિંદગીનાં શમણાં ભરી હાથમાં હાથ પરોવી સહેજ તંદ્રામાં ગરકાવ હતું.
ધડામ્.....
હજી કંઈ સમજાય એ પહેલાં તો સપનના હાથમાંથી સુહાની સરકીને બસની બારીમાંથી બહાર ખીણમાં ઉથલી પડી.
ચોતરફ બેબકળા અને મદદ માટે બૂમો પાડતા અવાજોમાં સપન હાંફળોફાંફળો ખીણની ધાર પર જઈ ઉભો. થોડે નીચે સુહાની એક ઝાડની ડાળ પર લટકીને મદદની બુહાર કરતી હતી.
સપન આજુબાજુ નજર દોડાવીને કંઈ દોરડું કે લાંબી ડાળ માટે શોધખોળ કરતો હતો ત્યાં તો થોડે દૂરથી એક નવયૌવના હાથમાં જાડું દોરડું લઇને સપન તરફ આવી. સપનના જીવમાં જીવ આવ્યો.
પંદરેક મિનિટની જહેમત બાદ સુહાનીને હેમખેમ ઉપર લાવવામાં સફળ થયેલા સપને એ જીવનદાતા નવયૌવનાનો આભાર માનવા સલોનીને કહ્યું પણ...
“ના ના મારી જેમ બધા કમનસીબ ન હોય કે જિંદગી શરુ થતાં પહેલાં આવા જ અકસ્માતમાં પૂરી થઈ ગઈ હોય.”
સપન કંઈ સમજે એ પહેલાં હવાના એક ઝોકાએ જાણે કાનમાં કંઈ કહીને વિદાય લીધી.