ડેન્ગ્યુ સામે એક જંગ
ડેન્ગ્યુ સામે એક જંગ
બહુ દિવસ પછી આજે સમય મળ્યો. મને થયું કે ચાલો તારી સાથે વાત કરી લઉં. જીવનમાં ભાગદોડ ચાલ્યા કરે છે, ક્યારે ક્યારે પળ આવી જાય છે કે કોઈ વાત યાદ આવી જાય તો આંખમાં આંસુ આવી જાય છે અને કશું જ થઈ શકતુંં નથી.
તું તો મારી સખી છે તને ખબર તો છે જ, આ વાત પણ આજે ફરી આ વાત કરીને પોતાનું મન હળવું કરી લઉં. આજ થી પાંચ વરસ પહેલાની આ વાત છે. અચાનક એક દિવસ મને ઠંડી લાગીને તાવ આવ્યો. મેડિકલ સ્ટોરથી દવા લઈ આવી અને લઈ લીધી. કેમ કે મને એવુ હતુંં કે બે દિવસ પહેલા જ હું હિંમતનગર એક નર્મદા મહોત્સવના કાર્યક્રમ માટે ગઈ હતી. એક અઠવાડિયું ત્યાં રોકાઈ હતી એટલે કદાચ ખાવા-પીવામાં અને કામના લીધે આરામ ન મળ્યો હોય એટલે થાકના હિસાબે એવુ લાગે છે. મેડિકલની દવાથી એક બે દિવસ આરામ રહ્યો પણ ફરી બીજા દિવસે મને પગના સાંધા ખૂબ જ દેખાતા હતા. ઘરના કે ફેમિલી ડોક્ટરને બતાવી દઈએ. ડોક્ટરને બતાવ્યું તો એમને પાંચ દિવસની દવા લખી આપી અને કહ્યું કે પાંચ દિવસ પછી બતાવી જજો. દવા લેવાથી એક દિવસ જ સારું રહ્યું પણ બીજા દિવસે તબિયત વધારે બગડી ગઈ. સખત તાવ અને ઊલટીઓ ચાલુ થઈ ગઈ અને પગના સાંધા તો ન પૂછો વાત એટલા દુખાય. થોડું પણ કામ કરું તો થાકી જવાય. માથું પણ સખત દુઃખે અને ઊંધ જ આવ્યા કરે. તાવ ચઢ-ઉતર કરે ઘડીકમાં ઠંડી લાગે તો ઘડીકમાં ગરમી લાગવા માંડે. ચોથા દિવસે અમે ફરી હોસ્પિટલ ગયા. ડોક્ટરે બ્લડ રિપોર્ટ કરાવવાનું કહ્યું ,કેમ કે તાવ 102 હતો. ડોક્ટર કે રિપોર્ટ કાલે આવશે. તબિયત વધારે બગડે એના પહેલા એમને એડમિટ કરવા પડશે. મે સ્પષ્ટ શબ્દોમાં ડોક્ટરને ના પાડી દીધી કે હુ દવા લઈશ ઠીક થઈ જશે. ડોક્ટરને કહ્યું કે તમે દવા બદલી આપો. સારુ થઈ જશે. ભાઈ એ મને ઘણી સમજાવી કે જિદ ન કર કંઈ વધારે થાય એ પહેલા માનીલે વાત. જો હોસ્પિટલ એડમિટ થઉ તો ખર્ચા ખૂબ વધી જશે અને મેડીક્લેમ પણ ન હતો મારો ,એટલે ચિંતા વધારે હતી. દવા લઈને અમે ઘરે આવ્યા. ઘરે આવીને થોડી ખીચડી ખાધી અને દવા લઈને સૂઈ ગઈ. બીજા દિવસે મને થોડું સારું લાગ્યું એટલે હું ઘરના કામ કરતી હતી. રસોઈ કરી રહી હતી કે મને ચક્કર આવવા લાગ્યાં. પપ્પા જમવા બેઠા હતા અને હું રોટલી કરી રહી હતી. રોટલી પપ્પાને આપવા જતાં જતાં હું પડી ગઈ. ઘરના લોકો તાત્કાલિક મને લઈને હોસ્પિટલ પહોંચ્યા. તાત્કાલિક સારવાર ચાલુ કરવામાં આવી, તાવ 104 હતો. બી. પી ઘટી ગયું હતું.
ડોક્ટર કહે એડમિટ કરતા પહેલા એક વાર વજન ચેક કરી લો. વજન 39 કિલો હતું. ડોક્ટર કહે એક પણ વોર્ડ ખાલી નથી. ડીલેક્સ રૂમ ખાલી છે ,જે રૂમ નો ચાર્જ 3000 રૂપિયા છે. પપ્પા કહે કંઈપણ કરો અમારી છોકરી ને બચાવી લો. ઘરના બધા ખૂબ ગભરાઈ ગયા હતા. ડોક્ટર કહે 104 તાવ અને આટલું બીપી ઘટી ગયો ત્યાં સુધી તમને કોઈને ખ્યાલ ના આવ્યો કે આની તબિયત ખરાબ છે. રિપોર્ટ પર રિપોર્ટો ચાલુ કરી દીધા. એક બાજુ પગના સાંધાનો ખૂબ જ દુખાવો, ખૂબ જ દર્દ થતુંં હતુંં. બે રિપોર્ટ કઢાવવામાં આવ્યા પહેલા રિપોર્ટો આવે એ પહેલા તો સારવાર શરૂ કરવામાં આવી. મને ગુલકોઝની બોટલો ચઢાવવામાં આવી,ઈન્જેક્શન આપવામાં આવ્યા. એક બાજુ ઠંડી પણ લાગતી હતી અને દુખાવો પણ થતો હતો. કયારે ઊંધ આવી ખબર ન પડી. બીજા દિવસે રિપોર્ટ આવ્યા. જેમાં હિમોગ્લોબીન ઓછું બોડીમાં એ કહેવામાં આવ્યું અને બીજા એક રિપોર્ટ કઢાવો પડશે એ કીધું. ફરી રિપોર્ટ કઢાવવા માટે બોડીમાંથી બ્લડ લેવામાં આવ્યું. એ રિપોર્ટના કહે બે હજાર રૂપિયા થશે. ત્રણ દિવસ થઈ ગયા તો પણ પગના સાંધાનો દુખાવો એટલો જ હતો. તાવ ચઢ-ઊતર થતો હતો. ત્રીજા દિવસે સાંજે ખબર પડી કે રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ. અને કેસ ઘણો ક્રિટિકલ થઈ ચૂક્યો છે. તારીખ હજુ પણ યાદ છે. 4-10-17 મને હોસ્પિટલ એડમીટ કરી હતી ,6-10-17 સાંજે ખબર પડી કે ડેન્ગ્યુ પોઝિટિવ છે. ડોક્ટરે પછી ડેન્ગ્યુની સારવાર ચાલુ કરી. ખ્યાલ તો મને આવી ગયો હતો કે મારી તબિયત વધારે ખરાબ છે કેમ કે ક્યારે ક્યારે મને એ. સી માં પરસેવો થતો તો ક્યારેય ઠંડી લાગી જતી, ક્યારેક ક્યારેક ઉલ્ટી થઈ જતી. એક બાજુ હોસ્પિટલનું બિલ વધતુંં જતુંં હતું એનુ પણ ટેન્શન હતું. 7 ઓક્ટોબર ભાઈનો બર્થ ડે હતી. મારા ભાઈ ખૂબ નાનો હતો. સતત મારા પગ દબાવતો મારી પાસે બેસી રહેતો,મમ્મી-પપ્પા ઉમરલાયક છે, એટલે ખૂબ ડર લાગ્યો કે મને કઈ થઈ જશે તો આખો પંખીનો માળો વિખરાઈ જશે. મમ્મી એ શ્રદ્ધા રાખીને બાધાઓ રાખી અને હું હારી જવું એવી ખેલાડી તો નથી ઉપરવાળાને ચેલેન્જ કરી કે હે ભગવાન લાઈફને બીજા પાંચ વર્ષ ઉધાર આપી દે. આમ તો અત્યારે હું નહીં આવી શકું , કેમ કે અત્યારે તને વધારે જરૂર નથી, મારા ફેમિલીને મારી વધારે જરૂર છે. બસ પાંચ નહિ તો થોડો સમય આપી દે. આવા વિચારોમાં ઊંઘ આવી ગઈ. એક બાજુ તબિયત સુધારવાનું નામ નથી લેતી.
હોસ્પિટલમાં છઠ્ઠો દિવસ હતો. ડોક્ટર ચેકઅપ માટે આવ્યા. મેં ડોક્ટરને કહ્યું મને રજા આપી દો. કેમકે તમારા હોસ્પિટલનું બિલ ચડતુંં જાય છે અને મારો મેડીક્લેમ નથી,40000 રૂપિયાથી પણ વધારે થઈ ચૂક્યા હતા તો પણ સુધારો થતો નહતો. એટલે રજા આપો તો ઠીક રહેશે. અત્યારે મને થોડું ઠીક છે એટલે આપ રજા આપી દો. ડોક્ટર કહે હું મારી જવાબદારી પર રજા ના આપી શકું. કેમ કે રજા આપવા પહેલા ફરીવાર રિપોર્ટ કઢાવો પડશે. રિપોર્ટ ફરી કાઢવામાં આવ્યો બોડી માં જેટલા કાઉન્ટ હોવા જોઈએ એ હતા નહિ. ડોક્ટર કહે હું મારી જવાબદારી પર રજા નથી આપતો. તમે પોતે તમારી જવાબદારી પણ રજા લો છો , અને મેં હોસ્પિટલથી રજા લીધી. ડોક્ટર કહે ઘરે ગયા પછી અમને ફરી તાવ આવશે જ તો ગભરાતા નહીં આ દવા આપી દેજો અને દવા લેવાથી કોઈ સુધારો ન દેખાય તો રાહ જોયા વગર તાત્કાલિક હોસ્પિટલ લઈને આવી જજો. મે મારી જવાબદારી પર રજા લીધી કેમ કે મન માં લાગતુંં હતું કે ફરીવાર હું ઘરના જોઈ શકું તો. ઘરે આવ્યા પછી પપૈયાના પાનનો ઉકાળો પીધો સવાર સાંજ. ખૂબ હકારાત્મક વિચાર સાથે નક્કી કરી લીધું હતું કે ડેન્ગ્યુને હું હરાવીશ જ. આમ તો મજબૂત ખેલાડી છું આમના હારી શકું ઘરે આવ્યા પછી તાવ તો મને આવ્યો હતો પણ દવાથી ફેર પડી ગયો હતો. મગ,કેવી, પપૈયાના પાનનો ઉકાળો,પપૈયું ખાવામાં ખૂબ રાખ્યું. સવારે પ્રાણાયમ કરતી. થોડું થોડું ચાલતી. થાકી તો જવાતુંં હતું, પણ નક્કી હતું કે જો થાકીને હું બેસી જઈશ તો ડેન્ગ્યુ જીતી જશે અને હું હારી જઈશ. હારેલી બાજી ને ફરી જીતવી હતી. જે પણ મારી ખબર કાઢવા હોસ્પિટલ આવતા,ઘરે આવતા એ કહેતા કે હવે રશ્મી નહીં બચે. એ લોકો પણ ખોટા તો ન હતા કેમ કે ડોક્ટર પોતે જ પરિણામ શું આવવાનો છે એ કહેવા તૈયાર ન હતો. એટલે પછી મોતને મેં ચેલેન્જ કરી કે જિંદગી તો હું જીતીને રહીશ.
કહેવાય છે ને એક આત્મવિશ્વાસ મનોબળ મજબૂત હોય તો કંઈ પણ થઈ શકે છે. પાંચ દિવસ પછી ફરી હોસ્પિટલ બતાવા ગયા. ત્યાં સુધી ડોક્ટરે આપેલી દવા ચાલુ રાખી હતી. ડોક્ટરે ફરી રિપોર્ટ કઢાવ્યા. રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરે કહ્યું કે હવે સ્થિતિ એકદમ નોર્મલ છે આ છેલ્લા પાંચ દિવસની દવા લખી આપું છું એ પૂરી કરજો. હવે તમારે હોસ્પિટલ આવું નહીં પડે. જિંદગીના હોસ્પિટલના એ દિવસ અને ઘરે લાવ્યા પછીના થોડા દિવસ મારા માટે ખૂબ મોટી ચેલેન્જ રહી. આજે પણ એ દિવસ યાદ કરું છું તો ખૂબ જ ડરી જવું છું કેમ કે મને પોતાને મોતથી ડર નથી લાગતો પણ મા-બાપનું તૂટવાનું ડર લાગતો હતો. આજે સહી સલામત છું એક વરસથી પ્રતિલિપિ પર લખી રહી છું,ઘણા પેપરમાં લેખ કવિતા લખી રહી છું. જીવનમાં એક વાત તો સમજાઈ ગઈ આત્મવિશ્વાસથી કોઈપણ જંગ જીતી શકાય છે.
ડાયરી તુંં હંમેશા મારી સાથે રહેજો.
