ડાયરીનું પહેલું પાનું
ડાયરીનું પહેલું પાનું
દિવાળીનાં દિવસો નજીક હોવાથી ઘરમાં સાફ-સફાઈ અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું હતું. આજે મારા કપડાનાં કબાટનો વારો હતો. જૂનાં કપડાં બહાર કાઢી, નવાં કપડાંની જગ્યા કરીને મન પ્રફુલ્લિત થઈ ગયું.
સાડીઓ વ્યવસ્થિત કરતી વખતે ગડીબંધ સાડીની વચ્ચેથી એક ડાયરી સરકીને નીચે પડી. "લાલ ડાયરી ? આ તો મારી રોજનીશી" આજુબાજુ નજર કરી, કોઈ જોતું નથી એ ખાતરી કરીને રૂમનું બારણું બંધ કર્યું. પલંગ પર આડી પડી ને ડાયરી વાંચવાનો પ્રયાસ કર્યો. "લગ્ન પહેલાં રોજ લખતી. પરિવારની આર્થિક સ્થિતિ, માતા-પિતાનો સંઘર્ષ અને..ઘણું બધું.."
"પિતાની સાયકલ સ્વપ્નનો ભાર વેંઢારીને ચાલતી અને રોજ એક નવાં આકાશની શોધમાં નીકળી પડતી. રોજ કંઈ કેટલાંયે કિલોમીટરનો પ્રવાસ કરીને પરત ફરતી."
"ક્યારેક કંઈ જ લીધા વગર પાછા ફરતાં, ત્યારે નિરાશા ઘેરી વળતી. "કાલે શું ?" ના સવાલ સાથે. જાણે સાયકલમાં પંક્ચર પડ્યું હોય એમ સ્વપ્નરથનાં પૈંડાં ત્યાં જ થંભી જતાં."
"ફરી આગળનાં દિવસો સૂરજની સોનેરી સવાર સાથે શરૂ થઈ જતાં. સાયકલને ફરી એ જ રીતે કપડાંથી લૂછીને ચમકાવી દેતાં. એ ચળકાટમાં જાણે ભવિષ્ય ઝલકી રહ્યું હોય એમ માનીને આંખોમાં ફરી નવી ચમક આવી જતી. કૂપી વડે તેલ પૂરાતું ને આગલાં દિવસની નિરાશાને કારણે ભૂખ્યાં પેટે, એક વખતનો ઉપવાસ કરીને પણ, નિરાશા ખંખેરી, એ જ સ્ફૂર્તિ, એ જ ઉત્સાહ-ઊમંગ સાથે સ્વપ્નનો ભાર સાયકલ પર લાદી ને નીકળી પડતાં."
"પહેલું પાનું માંડ વાંચ્યું. આંખો ભરાઈ આવી. આગળ વાંચી ના શકી. ફરી એ જ સાડીમાં એ જ રીતે મૂકી દીધી. ક્યારેય કોઈ ના હાથમાં ના આવે એ રીતે.."