ડાયેટીંગ
ડાયેટીંગ
વસુબેન ખૂબ વ્યથિત હતા. દીકરા સાથે ફોન પર વાત કર્યા પછી કામમાં એમનું ચિત્ત ચોટતું ન હતું. તેમની નજર સામે તોફાની નિર્દોષ મૃગાનાે ચહેરો ઘૂમ્યા કરતો હતો. મૃગા એટલે હાસ્યનો પર્યાય. મૃગા એટલે હંમેશા તરોતાજા મુખારવિંદની માલિક. મૃગાએ પ્રેમ સિવાય બીજી કોઈ ચીજ જોઈ જ કયાં હતી ? મૃગા દુશ્મનને પણ વહાલી લાગે એવી હતી. કુદરતે જાણે ઠાંસી ઠાંસીને એની આંખોમાં નિર્દોષતા ભરેલી હતી. બે ભાઈઓની લાડકી બહેન. મા-બાપની તો લાડકી હતી જ. કારણ એમના કુટુંબમાં છેલ્લી સાત પેઢીમાં દીકરીઓ હતી જ નહીં. મૃગાના મમ્મી પપ્પા હંમેશ ભગવાનને પ્રાર્થના કરતા કે અમારે ત્યાં કન્યારત્ન આપજો. બીજા દીકરાના જન્મ બાદ ૧૫ વર્ષે મૃગાનો જન્મ થતાં બંને ભાઈઓ ખુશ હતા. એમને તો જાણે રમવા માટે એક રમકડું મળી ગયું હતું.
મૃગા મા-બાપને તો વહાલી હતી જ. પરંતુ બંને ભાઈઓને પણ એ અધિક વહાલી હતી. બન્ને ભાઈઓમાં પણ જાણે સ્પર્ધા યોજી ના હોય કે બંનેમાંથી કોણ વધારે મૃગાને ખુશ રાખે છે ! મૃગા નાનપણથી મીઠાઈ અને ચોકલેટાે ખાવાની શોખીન હતી. બંને ભાઈઓ પણ બહારથી આવે તો મૃગા માટે ચોકલેટ લઈને જ આવે. બંને ભાઈઓએ લગ્ન બાદ એમની પત્નીઓને પણ કહી દીધું હતું કે ," મૃગા અમારી બહેન નહીં, પણ દીકરી છે,એમ જ એની સાથે વર્તન કરજો. "
બંને ભાઈઓની પત્નીઓ પણ ખૂબ જ સંસ્કારી અને ઉચ્ચ કુટુંબમાંથી આવી હતી. બન્ને ખાનદાન હતી. મૃગાને ખૂબ સારી રીતે રાખતાં હતાં. એમને ત્યાં એમનાં પોતાનાં બાળકો થયા હોવા છતાંય મૃગાને ખૂબ લાડ-પ્યારથી રાખતાં. મા-બાપ પણ પોતાના બાળકોને સંપીને રહેતા જોઈ ક્યારેક બોલતા, " મારું આવું હસતું રમતું સુખી કુટુંબ જોયા બાદ મને સંતોષ છે. હવે મોત આવે તો એને પ્રેમથી વધાવીશ. " ક્યારેક મનુષ્યનું બોલવું ઈશ્વર જલ્દીથી સાંભળી લે છે. ટૂંકી માંદગીમાં જ મૃગાના મમ્મી મૃત્યુ પામ્યાં. અને એ આઘાતમાં મહિના બાદ મૃગાના પપ્પાનું મૃત્યુ થયું. વાત્સલ્યના મમ્મી વસુબહેને ઘણી બધી છોકરીઓ પોતાના પુત્ર માટે જોઈ હતી. પરંતુ તેમનું મન ક્યાંક ઠરતું ન હતું. મૃગાને જોતાં જ એમને લાગ્યું કે એમને જેવી જોઈએ છે એવી પુત્રવધૂની તપાસ પૂરી થઈ ગઈ. વસુ બહેનને પણ વાત્સલ્ય એકનો એક હતો તેથી એમને વિચાર્યું કે મૃગા જેવી હસતી -રમતી નિર્દોષ હસમુખી છોકરી મારા ઘરની પુત્રવધુ બને તો મારી વર્ષોની દીકરી માટેની ઝંખના પૂરી થઈ જશે.
વાત્સલ્ય પણ એકનો એક અને ખાનદાન કુટુંબનો ભણેલો-ગણેલો યુવક હતો. વાત્સલ્યનો અસ્વીકાર કરવાનું કોઈ કારણ ન હતું. વાત્સલ્ય તો હંમેશ કહેતાે ," મમ્મી ! તને જે છોકરી યોગ્ય લાગે એની જોડે જ હું લગ્ન કરીશ. દિવસનો મોટા ભાગનો સમય તો તારે જ એની જાેડે વિતાવવાનો છે ને ! ત્યારે વસુબહેન કહેતા," બેટા ! અમે તો ખર્યું પાન છીએ. આખી જિંદગી તારે જેની જોડે વિતાવવાની છે એની પસંદગી તારે જ કરવાની હાેય. "
"ભલે , પણ મમ્મી ! તું પહેલા પસંદ કરજે. પછી હું પસંદ કરીશ. " પરંતુ મૃગાની નિર્દોષતા અને મૃગાનું રૂપ મા- દીકરાને આકર્ષી ગયાં હતાં. જ્યારે લેવડદેવડની વાત ચાલુ થઈ ત્યારે વસુબેન પોતાની જગ્યાએથી ઉઠી ગયાં હતાં અને બોલ્યાં " અમારે તમારી પાસેથી કાંઈ જોઈતું નથી. ખરેખર તો છોકરાવાળા તમારી પાસે લેવા આવ્યા છે. અને તે પણ તમારી દીકરીનો હાથ. અમે તો સંસ્કારી અને ખાનદાન કુટુંબની દીકરી લેવા આવ્યા છે. "
મૃગા લગ્ન કરી સાસરે આવી ત્યારે પણ અલ્લડ- મસ્તીખોર હતી. ઘરમાં નોકર-ચાકર, રસોઈયા, ડ્રાઈવર બધું જ હતું. તેથી એને માથે કોઈ જવાબદારી જ ન હતી. સાસરીમાં એણે એના હસમુખ સ્વભાવને કારણે બધાના દિલ જીતી લીધા હતા. પરંતુ બહુ ટૂંક સમયમાં વાત્સલ્યની મુંબઈ બદલી થઈ ગઈ. વાત્સલ્યએ તો કહી દીધું, " હું નવી નોકરી શોધી લઈશ, પણ મારે મારા મા-બાપને છોડી ને કશે જવું નથી. " પરંતુ વાત્સલ્યના માબાપે જ એને કહયું " સારી તક મળતી હોય તો હાથથી જવા ના દેવાય. હવે તો અમને તમારી ચિંતા પણ નથી. મૃગા તારી સાથે છે. હું શરૂઆતમાં થોડા દિવસ ઘર ગોઠવવા આવીશ. ત્યારબાદ હું અને તારા પપ્પા અવારનવાર આવતા જતા રહીશું. " મૃગાને મુંબઈ અને મુંબઈની ચમકદમક ગમી ગઈ હતી. ધીરે ધીરે મૃગા મુંબઈના રંગે રંગાવા લાગી હતી. મૃગા વાત્સલ્યને વારંવાર કહેતી," આપણે આપણા મોજશોખ પૂરા કરી શકીએ એટલી તમારી આવક નથી. મને પણ હવે દરરોજ ક્લબમાં જવાનું, ત્યાં રમી રમવાનું ગમે છે. કીટી પાર્ટીઓ કરવી છે. "
" મૃગા, તને કદાચ ખબર નહીં હોય કે અહીંની ક્લબમાં સભ્યફી 30થી 40 લાખ રૂપિયા છે. સભ્ય થયા પછી પણ ત્યાંની ક્લબમાં જે ખર્ચા થશે એનું શું ? જવા- આવવા માટે દરેક જણ પાસે કાર હોય જ. ધીરે ધીરે તારી ઈચ્છા પૂરી કરીશ. તું ઊતાવળ ના કરીશ. ".
"વાત્સલ્ય ! તને ખબર છે કે એમાં વર્ષો વીતી જશે ? મારી જુવાની જતી રહેશે. પછી બધું મળે એનો શો અર્થ ?"
"મૃગા ! આપણે સુખી જ છીએ. તું પિયરમાં પણ કયાં ક્લબ કે કીટીપાર્ટી ઓમાં જતી હતી ? છતાં પણ તું સુખી હતી. ક્લબમાં જવા કરતાં આપણે સાથે દરિયાકિનારે ચોપાટી પર બેસી ભેળપૂરી ખાવાનો લ્હાવો લઈશું સૂર્યાસ્ત જોઈશું. મૃગા ! પતિપત્ની એકબીજાના પૂરક
છે. આખી જિંદગી સાથે રહીએ,ચોવીસે કલાક સાથે રહેવા છતાં વધુને વધુ સહવાસની ઝંખના કરતાં રહીએ એવો આપણો પ્રેમ હોવો જોઈએ. સાંજે હું ઓફિસથી આવું ત્યારે તું ક્લબમાં હોય. આખા દિવસનો થાક. . . . તારો હસતો ચહેરો જોઈ ઉતરી જાય. તું આ બધા વિચારો છોડી દે. આપણે સુખી જ છીએ અને આખરે સુખ -દુઃખ એ તો આપણા મનનું કારણ છે. "
"આ બધું તમે મને એટલા માટે કહો છો કે તમારે ક્લબના પૈસા નથી ભરવા. જો કે તમારી પાસે એટલા પૈસા નથી એની મને ખબર છે. તમે તમારાં મમ્મી પપ્પા પાસે પૈસો નથી માંગતા તે પણ મને ખબર છે. પરંતુ તમને એ ખબર નથી કે હું મારા પિયરમાં પૈસો માંગી શકુ છું. હું તો બધાંની લાડકી છું. મને કોઈ ના કહેવાનું નથી". અને ખરેખર મૃગાએ એના ભાઈઓને ફોન કરી ચાલીસ લાખ મંગાવી લીધા. ભાઈઓએ માની લીધું કે બહેનને કંઈક જરૂર પડી હશે જે આપણને કહેવા નથી માંગતી. છતાં ય ભાઈઓએ એટલું તો પૂછ્યું જ કે,"તારી તબિયત તો સારી છે ને ? તને કંઈ તકલીફ તો નથી ને ?" પોતે સુખી છે અને ખૂબ ખુશ છે. વાત્સલ્યનો સ્વભાવ પણ ખૂબ સારો છે એવું ભારપૂર્વક કહ્યું હતું.
એકાદ વર્ષમાં મૃગાનું શરીર વધતું જ ગયું. નોકર-ચાકર, રસોઈયો હોવાથી ખાસ કામ કરતી ન હતી એમાંય સાંજે ક્લબમાં જતી અને ત્યાં જ જમી લેતી અથવા ફાસ્ટફુડ કે ભારે નાસ્તો કરી લેતી. બહારનું ખાવાનું વધતું જ જતું હતું. વાત્સલ્ય ઘણીવાર કહેતો," મૃગા તું ખર્ચા ઓછા કર. આ બધા ખર્ચને હું પહોંચી નથી વળતો. "
"તો એમાં શું થઈ ગયુ ? મારા પિયરથી પૈસો મંગાવી લઈશ. મારા ભાઈઓ મને કદીયે ના પાડતાં નથી". વાત્સલ્ય ચૂપ થઈ ગયો.
મૃગા ખુશ રહેતી હતી. જવાબદારી વગરની જિંદગી. વાત્સલ્ય જેવો શાંત પતિ. વાત્સલ્યએ ધીરેધીરે ઘરમાં વાતચીત કરવાનું ઓછું કરી દીધું. હવે એ માત્ર શ્રોતા જ હતો.
એક દિવસ મૃગાએ માથું દુઃખવાની ફરિયાદ કરી. ત્યારબાદ અવારનવાર આવી ફરિયાદ કરતી રહેતી હતી. કયારેક ચક્કર પણ આવતાં હતાં. ડૉકટરને બતાવ્યું ત્યારે બ્લડપ્રેશર અને ડાયાબિટીશ બંને રોગનો શિકાર બની ચૂકી હતી. વજન પણ દિવસે દિવસે વધતું જતું હતું
કલબમાં વાતો થતી રહેતી,એમાં સાચા હીરાના દાગીનાની,સિલ્કની સાડીઓની વાતો મુખ્યત્વે રહેતી. મૃગાની ઈચ્છાઓને ખુલ્લું મેદાન મળવા લાગ્યું હતું.
હવે અવારનવાર નાની-મોટી ચીજ-વસ્તુઓ માટે પિયર ફોન કરતી. જયારે એના ભાઈઓએ `ના´ કહી ત્યારે મૃગાનો મિજાજ સાતમાં આસમાને પહોંચી ગયો. આમ પણ મૃગાને બી. પી. ની તકલીફ હતી. . . . એમાં. ગુસ્સો કરવા માંડી.
છેવટે એણે જે ભાઈઓએ દીકરીની જેમ રાખી હતી એને નોટિસ આપી દીધી કે મિલકતમાંથી ત્રીજો ભાગ મને મળવો જ જોઈએ.
ભાઈઓ નોટિસ જોઈને પણ માનવા તૈયાર ન હતા કે એમની બહેન પૈસા માટે આ હદે પહોંચી જશે !
મૃગાની તબિયત દિવસે દિવસે વધારે બગડતી જતી હતી. ડૉકટરોએ શરીર ઉતારવાની સલાહ આપી. પરિણામ સ્વરૂપ ફાસ્ટ ફૂડ, તળેલા ચટાકેદાર નાસ્તા બંધ થઈ ગયા હતા. તેથી એનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. ક્યારેક બીપી વધી જાય તો ક્યારેક ડાયાબિટીસ વધી જવાથી એ બેભાન થઈ જવા લાગી. ધીરેધીરે એનું ક્લબમાં જવાનું બંધ થતું ગયું. જ્યારે વાત્સલ્યએ એની મમ્મીને મૃગાની તબિયતની વાત કરી તો એ ચિંતામાં પડી ગયાં હતાં. જે મૃગાને પોતે સર્વગુણસંપન્ન માની બેઠા હતા એ જ મૃગા અત્યારે આવું વર્તન કરી રહી છે ! જોકે વસુબહેનને જ્ઞાતિમાંથી ખબર તો પડેલી કે મૃગાએ તેના ભાઈઓને મિલકતમાંથી ભાગ આપવા નોટિસ આપી છે. પરંતુ પુત્રવધુ અપમાન કરી બેસે એ બીકે એમણે કશું જ પૂછ્યું ન હતું.
મૃગાને ડોક્ટરે ડાયેટીંગ કરવાનું કહયું , ત્યારે તે ખૂબ અકળાઈ ગઈ હતી. મીઠાઈ, તળેલું ,ફાસ્ટફુડ બધું બંધ થઈ ગયું હતું ! ખાવાનું ભાવતું ન હતું. સ્વભાવે ચીડીયલ બની ગેયેલી મૃગાને છેવટે દવાખાને દાખલ કરવી પડી. ભાઈઓ અને ભાભીઓને પિયર ખબર મોકલાવી હતી. મૃગા માનતી હતી કે ભાઈઓ અને ભાભીઓની આવવાની ફરજ છે. . . . એ લોકો ચોક્કસ આવશે. પરંતુ આવ્યાં નહીં. જો કે એની સાસુને ખબર પડતાં જ એ મૃગા પાસે દોડી આવી હતી. મૃગા પાસે ક્લબની કોઈ બહેનપણી કે કોઈ પડોશી પણ ન હતું. ચૂપચાપ પલંગમાં પડી-પડી રડી રહી હતી. વસુબહેને આવીને મૃગાના માથે હાથ ફેરવ્યો એ સાથે જ મૃગા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
ડોક્ટરે કહ્યું કે, " કેટલાય દિવસથી કશું ખાધું ન હોવાથી બેભાન થઈ ગઈ હતી. " વસુબહેન મૃગાને માથે હાથ ફેરવતાં બાેલ્યાં , " બેટા, શરીર વધી ગયું છે. ડાયેટીંગ કરવાથી જરુર ઊતરી જશે. કદાચ તું પહેલા જેવી સાજી-સમી થઈ જઈશ. પણ તે ક્યારે એવું વિચાર્યું છે કે પૈસાનું પણ ડાયટિંગ થવું જોઈએ ! પૈસા પિયરમાંથી પ્રમાણસર પ્રેમથી આપે એટલા જ લેવા જોઈએ. જેમ શરીર વધી જવાથી શ્વાસની તકલીફ, કોલેસ્ટ્રોલ વધવાની તકલીફ, બી. પી, ડાયાબિટીસ થાય છે એમ જ વધારે પૈસા પિયરમાંથી માંગવામાં આવે તો પ્રેમની સમાપ્તિ થઈ જાય છે. જેમ વધુ શરીર હોવાથી સૌંદર્યની સમાપ્તિ થઈ જાય છે. રોગના ઘર થાય છે તેમ ભાઈઓના પ્રેમની જગ્યાએ નફરત થઈ જાય છે. તું એકવાર પિયરથી લીધેલા પૈસાનું ડાયેટીંગ કર. ભત્રીજીના લગ્નમાં પૈસા કન્યાદાન તરીકે આપી દે. ભાઈઓને આપેલી નોટિસ પાછી ખેંચી લે. તું આપોઆપ સાજી થઈ જઈશ. જે પૈસા સંબંધ બગાડે, નફરત પેદા કરે એ પૈસાનું પણ ડાયટિંગ કરવું જરૂરી છે. બાકી તો તારી મરજી. " વસુબહેનનું વાક્ય પૂરું થતાં જ મૃગાને પોતાની ભૂલો સમજાઈ ગઈ હતી.
