Kalpesh Patel

Drama Inspirational

5.0  

Kalpesh Patel

Drama Inspirational

દાદુની ડબ્બી

દાદુની ડબ્બી

3 mins
1.1K


સુમન એક અનાથ છોકરી હતી, તે તેના ઘરડા દાદા સાથે રહેતી. દાદાનું નામ ચમન હતું તે ગામના વડલે બેસી જૂતાં સાંધવા અને બનાવાનું કામ કરનાર મોચી હતાં. દાદા મોચી કામ કરતાં અને સુમન ગામમાં છૂટક કચરો–વાસણ –વાસીદું જેવુ કામ કરતી. નાનકડા ઘરમાં આ ચમન મોચી અને અને તેની પૌત્રી સુમન સુખેથી રહેતા. ક્યારેક સુમનને એકલું લાગતું તે કંટાળી જતી. ગામમાં તે નીચલા વર્ગની હોઈ તેની સાથે કોઈ બીજા છોકરા રમતા નહીં અને તેનાથી દૂર રહેતા હતાં. તેથી તે કંટાળી, દાદાને ફરિયાદ કરતી. ચમન આથી દુ:ખી હતો, એકતો જુવાન જોધ છોકરો અને પુત્રવધૂ ગયે ચોમાસે આવેલા પૂરમાં તણાઇ ગયેલા તેનું દુઃખ અને ઉપરથી આ માસૂમ લાડકી સુમનની કેફિયત. ચમન મોચીની દુનિયા આ નાનકડી છોકરીજ હતી તેને દુ:ખી થતાં જોઈ, તે મનોમન દુ:ખી થયો અને પ્રભુને ફરિયાદ કરતો હતો કે, શું કામ પ્રભુ તેં, એક રંગના લોહી આપીને સમાજમાં કેમ રમકડાં બનાવી આવા વર્ગ ઊભાં કર્યા ? પોતાના દુ:ખને મનમાં રાખી મોં ઉપર હાસ્ય રેલાવી, સુમનને સમજાવી. અરે ગાંડી, તું સુખી થવા જ સર્જાયેલી છે, તેઓ મૂરખા છે. ચલ તને એક બેજોડ ડબ્બી આપું. એમ કહી, તેને તેની જૂની પુરાણી પેટીમાંથી એક બુટ પૉલીશની ડબ્બી આપી.

દાદુ આ ડબલી નું, હું શું કરું?

રે સુમન આ સામાન્ય ડબ્બી નથી, તે તારી એકલતાની સાથી છે. કાલથી તું એકલી પડે ત્યારે તે ડબ્બી ખોલજે અને તેમાં જોજે, તને તારી ખોવાયેલી દુનિયા મળશે અને તારા દિવસો તેને સહારે આનંદમય રહેશે !

બીજે દિવસે સવારે ચમન મોચી તેનું ટિફિન લઈ કામે નીકળ્યો, આજે સુમન ઉત્સાહિત હતી, તેણે તેનું બાંધેલું કામ પતાવી ઝટપટ જમી લીઘૂ અને, દાદાએ આપેલી ડબ્બી લઈ, ઢોલિયા ઉપર બેસી તેણે ડબ્બી ખોલી.

 સુમનને બીજું કોઈ કામ કરવાનું ન હતું. એની પાસે એ ડબ્બીને જોવા માટે પૂરતો સમય હતો. એણે તેના દાદુની વાત ઉપર ભરોસો રાખી કુકા – કોડી રમવાની ખેવના કરી અને ડબ્બીની અંદર સૂકાઈ ગયેલી કાળી ભમ્મર પૉલીસના પડમાં સુમન તેની સખીને શોધતી હતી. ઊંઘ કહો કે શમણું એના વિચારો, તેને એક ઘરના ઓટલે લઈ ગયા. એણે ડબ્બીના પડળમાં એક ઉજળિયાત છોકરીને સાદ દેતી સાંભળી,તે ત્યાં ગઈ, સુમનને આજ દિન સુધી નહીં મળેલી સખી મળી, બંને સખીઓએ સાથે મળી, કોડી રમીને મજા કરી. અને સાંજે તે છોકરીએ સુમનને ચાર કુકા રમવા આપ્યા. ગુલાબી રંગના તે લાખમાંથી બનેલા કુકા ઉપર રંગબેરંગી પથ્થર જડેલા છે. સુમનને એ કુકા ગમી જાય છે. એ કુકાને રાખી લે છે. અને છૂટા પડે છે..

.....દાદુએ ડબ્બી આપ્યા પછી સુમનનું જીવન બદલાઈ જાય છે. એ ધીમે ધીમે ડબ્બીની દુનિયામાં તેની અતૃપ્ત ઈચ્છાઓને શોધી જીવવા લાગી. એટલું જ નહીં, એ બહારના જગત પર ઓછામાં ઓછો સંબંધ રાખતી થઈ જાય છે. અને આ પ્રકારનું એકાકી જીવન સુમનને બરાબર ફાવી ગયેલું. કેમ કે, તેને હવે ડબ્બીની બહારના જગતની કોઈ ચિંતા ન હતી !

ડબ્બીએ હકીકતમાં તો તેના જગતને બે ભાગમાં વહેંચી નાખ્યું હતું. એક જગત તે એવું જેમાં બધી જ વસ્તુઓ હાજર હતી, ઉપસ્થિત હતી, છતાં તેને માટે સહજ નહતી, અને ક્યારેય મળતી નહતી કે મળવાની નહતી. બીજા જગતમાં દાદુએ આપેલી પૉલીશની ડબ્બી હતી. જેમાં જગતની માંગો તે વસ્તુઓ હાજર હતી, જે સુમન માટે સહજ હતું.

સમય જતાં ચમન મોચી પરલોક સીધાવે છે. અવિરત ચાલતા આમ માનવ જીવનમાં સુખ દુ:ખના ચક્ર વચ્ચે પણ સદ્‌નસીબે એકલી અટુલી સુમનની વેરાન જિંદગીમાં દાદુની આપેલી કાળી પૉલીશની ડબ્બીના સહારે હર હમેશ વસંત લહેરાઈ ફક્ત આનંદ જ હતો. હા.. તેને હવે જીવનમાં વાસ્તવિક જગતની ચિંતા કરવાની કોઈ જરૂર ન હતી. સુમન દુનિયાદારીથી પર, સ્વ સાથે એકાકાર થઈ નિજાનંદમાં રાચતી હતી !

~~~~~

વાર્તા બીજ / વિચાર વિસ્તાર :- વાર્તા લખવામાં કરકસર કરી છે તે દરગુજર કરશો. ચમન દાદુ અને તેની પૌત્રી સુમન કેવું જીવન જીવતા હતાં એની વાત નથી કરી. પણ દાદુએ આપેલી ડબ્બી પછી 'કથક' (સુમન) કેવું જીવન જીવે છે એની વાત કરી છે. અને, એ વાત કથકના મનોભાવમાં આભાસી સુખમાં સુખ મૂકવા પ્રયાસ કરેલ છે. સૌ સારા વાના છે અને થશે એ આશા સહ "કથકને હવે બીજા જગતની ચિંતા જ કરવાની નહતી ".. હવે એ ચિંતામુક્ત હતી તે દર્શાવેલ છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama