દાદાજીનું ઘર
દાદાજીનું ઘર


૩૦ સપ્ટેમ્બર,૩૦૮૯ આજે ટીન-પ્લાઝા કોલોનીના બાળકો એકદમ ખુશ હતાં. તેમણે એક એક્સપેરીમેન્ટ અંતર્ગત માત્ર સાત દિવસ માટે એક અજાણયા સ્થળે જવાનું હતું. જો તેઓ સાત દિવસ આ સ્થળે કોઈનાયે સંપર્ક વગર, મશીન્સ વાપર્યા વગર રહી શકે તો પછી તેમને ૩૦ દિવસની સાતેય ખંડની ટૂર વીથ સ્પીડો ફાઈ (1080 G) 3૦૦ TB નેટ સાથે મળવાની હતી.
અત્યારે તેઓ બસ કલ્પના ‘ઇમેજીનેશન’ 17.2માં બેસી જ રહયા હતા. થોડીવારમાં આ વાહન નેનાશી, વોયાર અને પદુકને એક્સ્પરીમેન્ટનાં સ્થળે લઈ જવાનું હતું. આંખનો પલકારો થાય એટલી વારમાં તો ત્રણેય એક ચોક્કસ સ્થળે પહોચી પણ ગયા.
ત્રણેયને ઇમેજીનેશનમાંથી નીચે ઉતારવામાં આવ્યા. આ જગ્યાએ ખૂબ ધૂળ ઉડતી હતી . નેનાસી, વોયાર અને પદુકને આ સ્થળ બહુ વિચિત્ર લાગતું હતું. શહેરના પ્લાસ્ટિક કોટેડ સ્માર્ટ રોડ પર તેમણે ક્યારેય ધૂળ તો જોઈ જ ન હોતી. થોડીવારમાં તેમને કઈક અવાજ સંભળાયો. આ અવાજ તેમના કાનને મધુર લાગ્યો. પગે ઘુઘરી બાંધેલ ગાય અને બળદ આ ત્રણેયની સામે આવીને ઉભા રહયા. તેઓએ ગાય માત્ર તેમની જી.કે.ની વર્કફાઈલમાં જ જોયેલ અને તેઓ દૂધ પણ સ્પેશિયલ મિલ્ક પાવડરનું જ પીતાં હતા. માટે શરૂઆત માં તેઓ થોડા ડર્યા. પણ , પછી ગાય તેમને આવીને ચાટવા લાગી તો એમને ગાય સાથે રમવાની મજા પડી. પછી તો ગોવાળે આવીને તેમને ગાયને દોહતાં પણ શીખવાડ્યું અને શેડકઢૂ દૂધ પણ પાયું. પદુકે તો બળદની સવારી પણ કરી. બધાને આ બધું કોઈ ડેન્જરસ અને એકસાઇટ રાઈડ કરતાં પણ વધારે રોમાંચક લાગ્યું.
આગળ તેઓ ગયા ત્યાં નેનાસી એક ઝરણું જોઈ ગઈ “વાઉ ત્યાં ઘણું જ પાણી છે, ચાલો ત્યાં જઈએ. ”ત્રણેય મિત્રોએ ત્યાં નાહવાનો ભરપુર આનંદ લીધો, વહેતાં પાણીમાં તેઓ પોતાના મલ્ટીસ્માર્ટ બાથરૂમ્સને તો ભૂલી જ ગયા. ખુબ નાહયા બાદ ત્રણેયને ભૂખ લાગી. ત્રણેયને પોતાના ટેબ્લેટ ફોન યાદ આવ્યા તેના પર ક્લિક કરી તેઓ ગમે તે ખાવાનું ખાઈ શકતાં હતાં. પણ અહીતો ફોન એલાઉડ જ નહોતો. છેવટે તેમને એક વૃદ્ધ માણસ મળ્યો. તેમના સ્માર્ટ સિટીમાં તો આવા માણસો જ નહોતા. તેઓ ડર્યા પણ દાદાએ તેમનો ડંગોરો પાછળ સંતાડી બધાને પ્રેમથી બોલાવ્યા “ભૂખ લાગી છે ?” દાદાજીએ પૂછ્યું. “આપનું નામ શું છે ? અને આપને કેમ ખબર પડી કે અમે ભૂખ્યા છીએ ? ”
વોયારે આખો જીણી કરીને પૂછ્યું. “આઈ નો એવરીથીંગ, બીકોઝ આઈ એમ દાદાજી” દાદાએ મુછમાં હસતાં-હસતાં કીધું. “ચાલો એ બધી ચર્ચા પછી કરશું પહેલા કઈક જમીલો.” દાદાજીએ તો ધણા બધા ફળો અને શાકભાજી એકઠાં કરીને બાળકોને ખવડાવ્યા અને વહેતા ઝરણાનું ઠંડું પાણી પાયું.
“મારી સાથે રમશો ?” દાદાજીએ હસતાાં-હસતાાં પૂછ્યું. બધા બાળકોને હવે દાદાજી ગમવા માંડેલા. બધાએ હા પાડી. દાદાજીએ તો તેમને સંતાઈ-પંતાઈ, સંતાકૂકડી, નારગોલ, કલર રે કલર તારો કેવો રે કલર, ભમરડો, ઠેરી(લખોટીઓ) ની એવી કેટલીયે રમતો રમાડી કે ત્રણેય છોકરાએ ત્રણ-ચાર કલાકમાં તો ત્રણ જીવનનો આનંદ મેળવી લીધો.
દાદાજી તેમને પોતાની ગારવાળી ઝુંપડી એ લઈ ગયા. ત્યાં તો દાદીમાં હતા દાદીમાએ આ બધા છોકરાઓને ગળે વળગાડયા. પ્રેમથી બેસાડીને અવનવી વાર્તાઓ કીધી. દાદીમાના હાવભાવનાં કારણે બાળકો તેમની બધી જ વાત સમજી જતા હતા. આવી રમતો કે આવી વાર્તાઓ તો તેમણે ક્યાંય સાંભળી નહોતી. હવે તેઓ તેમના ઘર, ફોન, સ્માર્ટ સીટી ને યુરોપ ટુર એ બધું જ ભૂલવા માંડ્યા હતા.
દાદીમાએ બધાને કબાટમાંથી કાઢી સુંદર મજાના અંગરખા, ધોતિયા, ચણિયા-ચોળી વગેરે આપ્યાં. આ કપડા કેમ પહેરાય તે કહ્યું. રાત્રે દાદીમાએ જમવામાં કઢી-ખીચડી, રોટલો, ઓળો, લસણવાળી ચટણી, દૂધ વગેરે આપ્યું. છોકરાઓએ તો આ બધી વાનગીઓ આંગળા ચાટી –ચાટીને ખાધી. આવું ને આવું છ દિવસ ચાલ્યું. સાતમાં દિવસે સવારમાં છોકરાઓ મોં-સૂઝણું થતા દાદીમાના પ્રભાતિયા સાંભળવા ઉઠ્યા.
આજે સવાર થી જ તેમને ગમતું ન હતું કારણકે તેમની આ યાત્રા આજ પુરી થવાની હતી અને તેમને પાછુ ઘરે જવાનું હતું. ત્રણેય બાળકોએ નક્કી કર્યું કે આપણે હવે ક્યાય જવું નથી. તેમણે આ વાત દાદાજીને કરી. દાદાજીએ કહ્યું “ના , બેટા તમારા મમ્મી-પપા તમારી ચિંતા કરે નહી એ માટે તમારે જવું તો પડશે પણ મને એક વચન આપો કે તમે પણ પાછા જઈને તમારા ઘરને આવું દાદાજીનું ઘર બનાવશો.”
છેવટે તેમનું ટાઈમ મશીન કલ્પના ઇમેજીનેશન17.2 આવ્યું. બધા બાળકો તેમાં મને-કમને બેઠા. પેલું મશીન ઉડ્યું ને પદુક હસ્યો. વોયાર અને નેનાસીએ તેને પૂછ્યું કે તું કેમ હસે છે તો તેણે મશીનનો ફયૂઝ પોતાના હાથમાં બતાવ્યો. ત્રણેય હસી પડ્યા ખળખળાટ વહેતા ઝરણાની જેમ.