Prashant Subhashchandra Salunke

Drama Horror Inspirational

4.8  

Prashant Subhashchandra Salunke

Drama Horror Inspirational

ચુડેલનો ત્રાસ

ચુડેલનો ત્રાસ

5 mins
3.9K


દિવાળી વેકેશનમાં રાજુ તેના મામાના ગામડે ગયો હતો. રાજુએ તેના મામા વિલાસભાઈ જોડે ફટાકડા ફોડીને ખૂબ મજા કરવાનું વિચાર્યું હતું. સાંજે તે ફટાકડા લઈને ઘરની બહાર નીકળતો જ હતો કે ત્યાં તેના મામા વિલાસભાઈ બોલ્યા, “રાજુ, ઘરની બહાર ન જઈશ. આ ગામમાં સાંજ પડ્યે સહુને ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ છે.”

રાજુ બોલ્યો, “મામા, ઘરમાંથી કોઈ બહાર જ નહીં નીકળે તો ફટાકડા કેવી રીતે ફોડશે?”

વિલાસભાઈ બોલ્યા, “બેટા, આ ગામમાં ચુડેલનો ત્રાસ છે... સાંજ પડ્યે ચુડેલ શિકાર કરવા ગામમાં આવે છે અને કોઈપણ એકલદોકલ ગામવાસી દેખાય તો તેને ઉઠાવીને પોતાની સાથે લઇ જાય છે. ચુડેલના ત્રાસથી બચવા ગામવાસીઓએ એક માર્ગ શોધી કાઢ્યો છે, હવે તેઓ રોજે સાંજે કૂવા પાસે એક કૂકડાને બાંધી રાખે છે. આમ ચુડેલને નિયમિતપણે તેનું ભોજન મળી રહેતા તે રાજી રહે છે અને કોઈ ગામવાસીને નુકસાન પહોંચાડતી નથી.”

રાજુ આ સાંભળી હસી પડ્યો. આ જોઈ વિલાસભાઈના મિત્ર રાઘવે કહ્યું, “રાજુ, તું મેડીકલ લાઈનનો વિદ્યાર્થી છું એટલે આવી વાતો પર વિશ્વાસ કરતો નથી પરંતુ મેં મારી સગી આંખે એ ચુડેલને માણસોના શિકાર કરીને તેમને ખાતા જોઈ છે.”

રાજુ બોલ્યો, “એમ? ચુડેલે જેમનો શિકાર કર્યો હતો તે લોકો કોણ હતા?”

રાઘવે કહ્યું, “ખબર નહીં બિચારા કોઈ વટેમાર્ગુ હતા જે ચુડેલના શિકાર થયા હતા.”

રાજુએ આ સાંભળી મનોમન કંઇક નક્કી કર્યું અને સાંજ પડવાની રાહ જોવા લાગ્યો.

*****


સાંજે રાઘવ હાંફળો ફાંફળો વિલાસભાઈ પાસે આવીને બોલ્યો, “વિલાસભાઈ... વિલાસભાઈ... જલદી સીમના કૂવા પાસે ચાલો...”

વિલાસભાઈએ પૂછ્યું, “કેમ શું થયું?”

રાઘવ બોલ્યો, “તમારો રાજુ...”

પોતાના ભત્રીજા રાજુનું નામ સાંભળતા જ વિલાસભાઈ ગભરાઈને ઉભા થયા અને કૂવા પાસે દોટ લગાવી. કૂવા પાસે ભેગા થયેલા ગામવાસીઓના ટોળાને જોઈ વિલાસભાઈ ખૂબ ગભરાયા. ધબકતે હૈયે તેમણે નજીક જઈને જોયું તો રાજુ સહુ ગામવાસીઓને સંબોધીને કંઇક કહેતો હતો. આ જોઈ તેમણે નિરાંતનો શ્વાસ લીધો પરંતુ બીજી જ ક્ષણે રાજુના વેણ સાંભળી તેઓ ચમક્યા. રાજુ સહુને સંબોધીને કહી રહ્યો હતો કે, “ગામવાસીઓ, હવે એ ચુડેલની તમે જરાયે ચિંતા કરશો નહીં. તમે જણાતા નથી પરંતુ હું તંત્ર વિદ્યામાં માહેર છું અને આવી કંઈ કેટલીયે ચુડેલોને મેં મારા વશમાં કરી છે.”

એક ગામવાસીએ કહ્યું, “પરંતુ અમે કેવી રીતે માની લઈએ કે તું એ ચુડેલ કરતા વધુ શક્તિશાળી છું.”


રાજુ બોલ્યો, “અરે! એમાં શું આજે રાતે જ આપણે આ વાતની પરીક્ષા કરી લઈએ. સાંભળો.. હું આ કૂવા પાસે કૂકડાની જગ્યાએ મારી આ મંત્રેલી ઢીંગલીને મૂકી રહ્યો છું. જો તમારી એ ચુડેલ ખરેખર શક્તિશાળી હોય તો મારી આ ઢીંગલીને કપાળે લગાડીને દેખાડે! જો તે આમ કરશે તો હું મારી હાર સ્વીકારીશ.”

વિલાસભાઈએ પૂછ્યું, “પરંતુ ચુડેલે ઢીંગલીને કપાળે લગાડી કે નહીં એ વાતની જાણ આપણને કેવી રીતે થશે?”

રાજુએ કહ્યું, “આજે રાતે હું આ ઝાડીઓમાંજ છુપાઈને ચુડેલની હિલચાલ પર નજર રાખવાનો છું. બોલો, મારી સાથે બીજું કોણ અહિયાં આવવા તૈયાર છે?”

રાજુની વાત સાંભળી સહુ કોઈ ધ્રુજી ઉઠ્યા.


રાજુએ તેમને આશ્વાસન આપતા કહ્યું, “વિશ્વાસ કરો જ્યાં સુધી હું છું ત્યાં સુધી ચુડેલ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે.”

રાજુની હિમંત જોઇને વિલાસભાઈ સાથે ગામના બીજા કેટલાક નીડર ગામવાસીઓ તેની સાથે ઝાડીઓમાં છુપાઈ બેસવા તૈયાર થયા. આ જોઈ અત્યાર સુધી ચુપચાપ ઉભેલા રાઘવે પૂછ્યું, “ધારોકે, એ ચુડેલ તારી પરીક્ષા આપવા નહીં આવી તો?”

રાજુએ જોશભેર કહ્યું, “તો એ સાબિત થઇ જશે કે હું એ ચુડેલ કરતા વધારે શક્તિશાળી છું અને એવી સ્થિતિમાં ગામવાસીઓને મારો આદેશ છે કે આજ પછી કોઈએ એ ચુડેલ માટે આ કૂવા પાસે કુકડો બાંધવો નહીં. જો કોઈ પોતાનો જીવ બચાવવાની લાલસાએ નિર્દોષ કુકડાનો બલી એ ચુડેલને આપવાનું પણ વિચારશે તો તેને મારા ક્રોધનો સામનો કરવો પડશે.”

રાજુની વાત સાંભળી સહુ ગામવાસી ખૂબ ગભરાઈ ગયા. અંદરોઅંદર વાતો કરતા તે સહુ ત્યાંથી છુટા પડ્યા.

*****


રાતે રાજુ સાથે વિલાસભાઈ અને કેટલાક ગામવાસીઓ કૂવા પાસે આવ્યા. રાજુએ તે સહુને ઝાડીઓ પાછળ છુપાઈ જવાનું કહ્યું અને પોતે કૂવા પાસે ગયો અને મોટે મોટેથી કેટલાક મંત્રોચ્ચાર બોલવા લાગ્યો. સહુ કોઈ અચરજથી રાજુને જોઈ રહ્યા હતા. આખરે કૂવા પાસે ઢીંગલી મૂકી રાજુ ઝાડી પાછળ છુપાયેલા વિલાસભાઈ પાસે આવ્યો.

વિલાસભાઈએ ધીમેકથી પૂછ્યું, “રાજુ, તને વિશ્વાસ છે કે ચુડેલ તારી પરીક્ષા આપવા આવશે?”

રાજુ મક્કમતાથી બોલ્યો, “પોતાની જાતને સાબિત કરવા માટે તેને મારી પરીક્ષા આપવા આવું જ પડશે.”

વિલાસભાઈએ પૂછ્યું, “બેટા, એક વાત પૂછું?”

રાજુએ કહ્યું, “પૂછો”

વિલાસભાઈ, “આ તંત્ર વિદ્યા તું ક્યાંથી શીખ્યો?”

રાજુએ હસીને કહ્યું, “મને કોઈ તંત્ર વિદ્યા આવડતી નથી.”

આ સાંભળી વિલાસભાઈ ધ્રુજી ઉઠ્યા, “તો પછી પેલી ચુડેલ આવશે ત્યારે?”

રાજુ બોલ્યો, “તમને કંઈ નહીં થાય... બસ તમે ચુપચાપ તમાશો જોતા રહો...”


મોડીરાતે એક ભયાનક આકૃતિ કૂવા પાસે આવી. સહુ કોઈ તેને જોઇને ડરી ગયા. એ આકૃતિએ કૂવા પાસે પડેલી ઢીંગલીને ઉઠાવી અને ભયાવહ અટ્ટહાસ્ય કરતા કપાળે લગાડી. એક ગામવાસીએ નિરાશાથી રાજુ તરફ જોઇને કહ્યું, “બેટા, ચુડેલ તો તારી પરીક્ષામાં પાસ થઇ ગઈ.”

રાજુ કંઇક કહે એ પહેલા જ એક ચમત્કાર થયો. ચુડેલ એક આંચકા સાથે પોતાની જગ્યા પર જ ઢળી પડી. આ જોઈ સહુ કોઈ આનંદથી ચિચિઆરીઓ પાડી ઉઠ્યા. તેમનો હર્ષનાદ સાંભળી જોતજોતામાં કૂવા પાસે ગામવાસીઓનું ટોળું ભેગું થઇ ગયું.

સરપંચે દુરથી બેહોશ પડેલી ચુડેલને જોઇને કહ્યું, “અરે! વિલાસભાઈ તમારા રાજુએ તો કમાલ કરી દીધી. તેના મંત્રના પ્રભાવથી જુઓ આ ચુડેલ કેવી બેહોશ થઇ ગઈ છે.”

આ સાંભળી રાજુએ આગળ આવીને કહ્યું, “એ કોઈ ચુડેલ બુડેલ નથી...” આમ બોલી રાજુ ચુડેલ પાસે ગયો અને તેના મોઢા પર લગાવેલું મહોરું એક ઝાટકે દુર કર્યું. એ સાથે સહુ કોઈ અચંબો પામીને બોલી ઉઠ્યા, “અરે! આ તો...”


રાજુએ કહ્યું, “હા, તમને બધાને ચુડેલ અને વટેમાર્ગુઓની ઉપજાવી કાઢેલી વાતોથી ભરમાવીને રોજેરોજ તમારા નિર્દોષ મરઘાની મિજબાની કરતો બીજો કોઈ નહીં પરંતુ તમારા જ ગામનો રાઘવ છે.”

સરપંચએ પૂછ્યું, “બેટા, જો આ ચુડેલ નથી તો તારી મંત્રેલી ઢીંગલીથી એ બેહોશ કેવી રીતે થયો?”

રાજુએ કહ્યું, “સરપંચજી, આ ઢીંગલી મંત્રેલી નથી પરંતુ કલોરોફોર્મ લગાડેલી છે. જો તમે એને કપાળે લગાડવા જશો તો તેમાં લાગેલા કલોરોફોર્મને કારણે તમે પણ બેહોશ થઇ જશો.”

વિલાસભાઈએ રાજુને પૂછ્યું, “પરંતુ બેટા, રાઘવ તારી પરીક્ષા આપવા આવશે જ એવો તને કેવી રીતે વિશ્વાસ હતો?”


રાજુએ મલકાઈને કહ્યું, “મામા, જો ખરેખર ચુડેલ હોત તો તેને મારી પરીક્ષા આપવા કરતા કૂવા પર ગામવાસીઓએ મરઘો કેમ બાંધ્યો નહીં એ વાતમાં વધારે રસ હોત પરંતુ રાઘવ ચુડેલનું નાટક કરી રહ્યો હતો એટલે પોતાની જાતને ચુડેલ સાબિત કરવા તેને કોઇપણ હિસાબે મારી પરીક્ષા આપવી પડે એમ જ હતી.”

સરપંચે હસીને કહ્યું, “નહીંતર તેને રોજેરોજ મફતમાં મળતા મરઘા બંધ થઇ ગયા હોત!”


આ સાંભળી સહુ કોઈ હસી પડ્યા. ગામના સરપંચે પોલીસને બોલાવી રાઘવને ગિરફતાર કરાવ્યો. સહુ ગામવાસીઓએ આનંદથી રાજુના નામનો જયજયકાર બોલાવ્યો. તે રાતે આખા ગામે ખૂબ આનંદ અને ઉત્સાહથી દિવાળી ઉજવી.

બીજા દિવસે સહુ ગામવાસીના મોઢે રાજુની તારીફ સાંભળી વિલાસભાઈની છાતી ગર્વથી ફૂલી રહી હતી અને કેમ ન હોય આખરે તેમના ભત્રીજાએ ગામવાળાઓને અંધશ્રદ્ધામાંથી છુટકારો અપાવ્યો હતો. વળી ચાલાકીથી ચુડેલને પરીક્ષામાં ફસાવી ગામમાંથી કાયમ માટે દુર કર્યો હતો ચુડેલનો ત્રાસ. 


Rate this content
Log in

Similar gujarati story from Drama