Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

ચતુર કરો વિચાર -૨ : એક્સિલરેટર

ચતુર કરો વિચાર -૨ : એક્સિલરેટર

2 mins
435


શું કે છે હેં...?

એ... વે'લો પોંચશે... આપણાથી...?

અમદાવાદ - બરોડા એક્સપ્રેસ હાઇવે પર ૬૦-૭૦ ની પ્રમાણમાં ઓછી કહી શકાય એવી સ્પીડ થી જઈ રહેલ સ્કોડા કારમાંથી આ વાક્ય ગાડીના એન્જિન ના મૃદુ ગડગડાટમાં સમાઈ ગયું...

દીનાકર ભાઈ તેમના એકના એક પુત્ર સાથે બરોડા ખાતે એક મિત્રના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા નીકળ્યા હતાં. સામાન્ય રીતે, યુવાન પુત્ર પોતાના પિતા સાથે વાત ના વિષયો સંભાળ પૂર્વક સજાવતો હોય છે પણ અહી વાત જુદી હતી. જનરેશન ગેપ ને સંસ્કાર અને મર્યાદાની લૂગદી એ પૂરી દીધી હતી. 

એક સ્કોર્પિયો ગાડી જોખમી સ્પીડથી સ્કોડા ને ઓવર ટેક કરી ગઈ અને આ ઉદગાર નીકળી પડ્યા હતાં...અને પુત્રએ કારનું એક્સિલરેટર દબાવી દીધું હતું..

પોતે ઉચ્ચારેલા આ ઉદગારો ની સાથે જ દિનાકર ભાઈ આશરે ૩૭ વર્ષ અગાઉના એક દૃશ્યમાં સરકી પડ્યા હતાં.

...નાનકડો દિનાકર પિતાની સાથે સાયકલના આગળના ભાગે લગાવેલ નાનકડી સીટ પર બેસી અલક મલક મહાલતા પાંચમા ધોરણની ચાલતી પરીક્ષા માટે સરકારી પ્રાથમિક શાળા તરફ જઈ રહ્યો હતો. સાયકલ પર પિતાની સાથે સવારી માણવી એ તેના બાળ જીવનનો સૌથી આનંદ દાયક અવસર રહેતો ...

આજે થોડું મોડું થયેલું...પિતાના પગ સાયકલના પેડલ ને ધકેલતાં સમયને રોકવાની મથામણ માં હતાં. એવામાં, તેમની પાડોશમાં રહેતી દિનાકરની સાથે ભણતી વિભુ પણ તેના પિતા સાથે અને નવી લીધેલ લ્યુના મોપેડ પર પાછ્ળ ઊંધી દિશામાં હાથ ફેલાવતી અને દિનાકર ને ચિડવતી આગળ નીકળી ગઈ...

નાનકડા દિનાકરથી આ હાર શેની સહેવાય...!

રોડ પર પૂરપાટ જતા વાહનોના અવાજ વચ્ચે પિતા નાનકડા દિનાકર ના ઉદાસ અને ખિન્ન થતાં ચહેરાને પામી ગયા...અને બોલી ઉઠ્યા...

શું કે છે હેં...? એ... વે'લો પોંચશે... આપણા થી...?

પિતાના પગ માં વ્હાલપ નું જોર આવ્યું અને સાયકલને મોપેડની હરીફાઈમાં લાવવા મથી રહ્યા.

અચાનક, મોટો અવાજ થયો....., નાનકડા પુત્રને બચાવવા સાયકલ સવાર પિતાએ ટ્રક સાથે બાથ ભીડી જાણે...!

દિનાકર એક બાજુ ફંગોળાઈ ગયો હતો અને એકઠા થયેલ ટોળાએ ટ્રક ચાલકની ધોલાઈ શરુ કરેલ...પણ તેની વ્હાલ નો દરિયો સૂકાઈ ગયો હતો...પિતા નિષ્પ્રાણ હતાં.

આજે, જાણે અજાણે એ ઉદગારોનું પુનરાવર્તન થઈ ગયું હતું. 

એકાએક, દિનાકરભાઈ વિચાર તંદ્રામાંથી જાગી ગયા ..ને...બોલી ઊઠ્યા...

"કાર્તિક, ગાડી ધીમી પાડ... આપણે આગળ રિલાયન્સ હાઇવે હોટલમાં ચા પાણી કરી શાંતિથી જઈએ..."


Rate this content
Log in

Similar gujarati story from Abstract