ચતુર કરો વિચાર - ૧ : 'વિચાર'
ચતુર કરો વિચાર - ૧ : 'વિચાર'
'વિચાર' થી જ શરૂઆત કરીએ...
ઘણીવાર વિચારવાનો સમય નથી હોતો...અને ઘણીવાર વિચારો હોય છે પણ સમય નથી હોતો !
આવું જ કંઈક માનવ જીવનની ઘટમાળનું પણ છે. સેવેલા શમણાં ઘણીવાર સાકાર થઈ શકતા નથી, તો કોઈ વાર ફળીભૂત થતી મહેચ્છાઓ માણવા માટે માનવને સમય કે જીવન ઓછું પડી જાય છે.
માટે, વિચારોને હંમેશા સમય પટલ પર પથરાવા દેવા જોઈએ. અક્ષર દેહે ઉતારવા જોઈએ....કારણ કે, વિચાર જ વિચારનો જનક છે.
વિચારનો પ્રકાર કે ગુણવત્તાને આ ચર્ચા સાથે નિસબત નથી. કારણકે, ઘણીવાર આસ્ફાલ્ટની મુલાયમ સડક પર રેલાતી જતી કારમાં બેઠેલો માણસ પણ કોઈ ને કોઈ વિચારે તો ચડેલો હોય છે જ, તો એ જ રોડની બે બાજુ કોઈ ને કોઈ પ્રકારની મજૂરી કરતો પરસેવે તરબતર મનુષ્ય પણ વિચારોની દુનિયાનો બાદશાહ હોય છે.
માણસનો એક જ મૂડી પર અબાધિત અધિકાર છે અને તે છે તેનો વિચાર...!
પવિત્રતા તરફ દોરતા, કુતૂહલ ને વ્યક્ત કરતા કે સર્વ સમાવેશક પ્રગતિ દાયક વિચારોની ખેતી જે સભ્ય સમાજના મનુષ્યોના હૃદયે થાય છે તે સમાજ, દેશ કે સંસ્કૃતિ ઉત્તરોત્તર સામાજિક, આર્થિક અને બૌદ્ધિક વૃદ્ધિ પામ્યો છે.
આવા જ વિચારો કે ઘટનાઓના પરિપ્રેક્ષ્યના મનોભાવો વ્યક્ત કરવાની કોશિશ એટલે સમય પટલ પર તેની કોતરણી...!
આ વિચાર માળા સતત ચાલશે....માણતા રહેશો.
