Rutambhara Thakar

Thriller

4  

Rutambhara Thakar

Thriller

ચોમાસાની યાદગાર યાત્રા

ચોમાસાની યાદગાર યાત્રા

8 mins
461


આ વાત એ એક સત્ય ઘટના છે. ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. મારી પોતાની સાથે બનેલી વાત છે. મારૂ આખું શાળાકીય ભણતર ભરૂચમાં થયું. ત્યારબાદ વધુ અભ્યાસ અર્થે મને અમદાવાદની કોલેજમાં એડમીશન મળ્યું. એ કુલ ત્રણ વર્ષનો કોર્સ હતો. મેં હોસ્ટેલમાં રહી અભ્યાસ પૂર્ણ કર્યો. હોસ્ટેલ ખાલી કરીને બધો સામાન હવે પાછો ભરૂચ લઈને જવાનો હતો.  

મેં પેંકિગ ચાલુ કર્યુ. બધું જ યાદ રાખીને બરાબર પેક કર્યું. મારા મામા એમાં મને મદદરૂપ થયાં, તેઓ મને ભરૂચની એસ ટી બસમાં બેસાડીને પરત ગયાં. બપોરનાં બાર વાગ્યે બસ ઉપડશે અને આશરે પાંચેક વાગ્યે મને ભરૂચ પહોંચાડી દેશે એવી કંડક્ટરે વાત કરી. કારણકે એ વખતે નેશનલ હાઈવે નંબર આઠ પર સીક્સ લેનની સુવીધા નહોતી શરૂ થઈ. બધો સરસામાન બસમાં ગોઠવાઈ ગયો. મને પણ બેસવાની સરસ જગ્યા મળી. ચોમાસું શરૂ થઈ ગયું હતું પણ એટલી સિઝન બરાબર જામી ન હતી.  

બસ ઉપડી. બે જ લેનનો રોડ. એક લેન જવાની, બીજી લેન આવવાની. ત્યાં ઝરમર વરસાદ ચાલું થયો. બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી. નેશનલ હાઈવે નંબર આઠ વરસોથી દેશની ધોરી નશ જેવો ધમધમતો હાઈવે છે. ટ્રાફિક ખાસ્સો બધો હતો. ટ્રકો, બસો અને કારોની સાથેસાથે નાના ટુ વ્હીલર તો ખરા જ. . ! 

એકદમ બસની સ્પીડ ધીમી થઈ ગઈ. કંડકટરને પૂછ્યું, તો કહે, "આગળ એક્સિડન્ટ થયો છે એટલે છેકથી ટ્રાફિક જામ છે તો બસની સ્પીડ ઘટી ગઈ છે. " 

જ્યાં સુધી એક્સિડન્ટલ સાઈટ પરથી બધુંજ નોર્મલ નહીં ત્યાં સુધી કાંઈ કરી નહી શકીએ. સાંજનાં સાડા પાંચ થવા આવ્યાં હતાં. બપોરનાં બાર વાગ્યાની ઉપડેલી બસ વડોદરા વટાવી હજુ તો પોર ગામ પાસે જ પહોંચી શકી હતી. બીજા પેસેન્જરોની હવે ધીરજ ઓછી થઈ રહી હતી. પાંચ કલાકમાં ભરૂચ પહોંચાડતી બસે હજુ તો માંડ વડોદરા વટાવ્યું હતું. કંડક્ટર અને ડ્રાઈવરની પણ હાલત ખરાબ હતો. આગળ ટ્રાફિક જામ હતો. એમને સહુએ પૂછપરછ કરીને પરેશાન કરી દીધા હતાં. ઝરમર વરસાદ ચાલું જ હતો.  

આજુબાજુનાં થોડા ભોમિયા પેસેન્જરો પાલેજ ઉતરીને ભરૂચનો કોઈ આંતરીક રસ્તો પકડી લેવાની વાત કરતા હતાં. બસ પાછી લેવાય એવી કોઈજ જગ્યા બચી નહતી. જાણીતા પેસેન્જરોનાં ભરોસે બાકીના લગભગ ઘણાં બધાં પેસેન્જર્સ ઉતરીને ચાલતાં જ પાલેજનાં એસ ટી ડેપો તરફ પ્રયાણ કર્યુ. મારી પાસે ઘણો સામાન હોવાથી એ રસ્તો મારા માટે સરળ નહતો. મારી પાસે ઈશ્વરની ઉપર ભરોસો રાખી બસમાં જ બેસી રહેવા સિવાય કોઈ છૂટકો નહતો. હવે તો રાતનાં નવેક વાગવાં આવ્યાં હતાં. વરસાદે તેની સ્પીડ વધારવાં માંડી હતી પણ બસ સ્પીડ પકડે એવાં કોઈજ એંધાણ વર્તાતા ન હતાં. મારા મામીએ મોકલાવેલ નાસ્તો પણ પૂરો થઈ ગયો હતો અને પાણી પણ ખૂટવાંને આરે હતું. રસ્તો ક્યારે ક્લીયર થશે એ કાંઈજ એંધાણ ન હતાં. મારી ધીરજ હવે ચરમસીમાએ હતી. બસમાંથી ધીરે ધીરે બધાં જ મુસાફરો જતાં રહ્યાં હતાં. બસમાં ફક્ત રહ્યાં હતાં તો ફક્ત અમે ત્રણ જણાં. ડ્રાઈવર, કંડક્ટર અને હું.

વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો.

મને હવે મનમાં ડર લાગી રહ્યો હતો. ટ્રાફિક જામ ને લીધે બસ સાવ ગોકળગાયની ગતિએ ચાલતી હતી. ઘણી વખત આપણને એવાં કપરા સંજોગોમાંથી પસાર થવું પડે છે ત્યારે આપણી ધીરજ, ઇશ્વર પ્રત્યેની નિષ્ઠા અને ખુદ પરનો ભરોસો આ ત્રણ વસ્તુઓ બહુજ અગત્યનો ભાગ ભજવતી હોય છે. અમુકવાર સંજોગોને સામે બાથ ભીડવા કરતાં, એને સ્વીકારી લેવામાં શાણપણ હોય છે. કંડક્ટર સારો માણસ હતો. એ મને નજીક આવી સધિયારો આપી ગયો. "બહેન, તમે ચિંતા ના કરશો, તમને અમે કાંઈ નહીં થવા દઈએ. સહી સલામત ભરૂચ પહોંચાડી દઈશું. " 

જ્યારે આપણે ખૂબ કપરી પરિસ્થિતિમાંથી પસાર થતાં હોઈએ છીએ ત્યારે જ આપણને ઈશ્વરની ચેતનાનો અનુભવ થતો હોય છે. એ સુક્ષ્મ રૂપે આપણું ધ્યાન રાખતો હોવાની પ્રતિતી થાય છે. એનું નામ સ્મરણ સતત મારા મનમાં ચાલું હતું. એમાં વરસતો ધોધમાર વરસાદ,વીજળીઓનાં કડાંકા વધારે બીવડાવતાં હતાં. બહાર ધોધમાર વરસાદ, આગળ થયેલ એક્સિડન્ટ અને ટ્રાફિક જામ એ પરિસ્થિતિને વધું ભયાનક બનાવી રહ્યાં હતાં.

આવી જ મૂશળધાર વરસાદની કાળી રાત્રીમાં તો શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો. એ વખતે એમનાં પિતા વસુદેવજીને પણ આવીજ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે ને.

 મને હવે જોરદાર કકડીને ભૂખ લાગી હતી, બહાર આટલું પાણી બધું વરસતું હોવાં છતાં હું તરસથી પીડાતી હતી. લીધેલ પાણી પણ પુરુ થઈ ગયું હતું. ચારે તરફ બસ ફક્ત ટ્રાફિક, વરસાદ અને અંધકાર હતો. બસને માટે સહેજેય ચસકાય એટલી પણ જગ્યા નહતી. બારણું ખોલવાની પણ જગ્યા નહતી એટલો ભયંકર ટ્રાફિક જામ હતો. તરસથી મારું ગળું સુકાતું હતું.  

બાળપણનાં ધાર્મિક સંસ્કાર, ઈશ્વર પરનો અતૂટ ભરોસો અને પોતાનાં પરનાં હકારાત્મક આત્મવિશ્વાસનાં ભરોસે બેસી રહી.  

એક વાત ખબર પડી કે, ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાં પોતાનાં પરનો ભરોસો ક્યારેય ના ગુમાવવો. જેણે તમને આ ધરતી પર મોકલ્યાં છે એ પરમકૃપાળુ પરમાત્મા કોઈને કોઈ સ્વરૂપે તમારું રક્ષણ કરવાં તત્પર જ હોય છે. કોઈ ગૂઢ શક્તિ મને હિંમત અને દ્રઢ મનોબળ વધારી રહી હોય એવું લાગતું હતું. ઊંઘ આવે તો સૂવું એ પણ મને આવા સમયે હિતાવહ ના લાગ્યું. મારી આવી પરિસ્થિતિ અને એકલી અટુલી સ્ત્રીની મનોવ્યથા કોઈબીજી સ્રી જ ખૂબ સારી રીતે સમજી શકશે એવું મને લાગે છે. હું પોતે કંડક્ટર અને ડ્રાઈવર પર ભરોસો રાખી કેવી રીતે સૂઈ શકું ?

દરેક બહેનો અને દીકરીઓમાં એક પ્રકારની છઠ્ઠી ઈન્દ્રિય કાર્યરત હોય છે જે એનાં શીલનું રક્ષણ કરવા માટે હંમેશા સ્ટેન્ડ બાય મોડ પર રહેતી હોય છે.

ભયંકર વીજળીઓ સાથે ધોધમાર વરસાદ બસની બહાર વરસી રહ્યો હતો અને બસની અંદર મારા મન મસ્તિષ્કમાં જાતજાતનાં વિચારોનું ઘોડાપૂર ઉમટી રહ્યું હતું. જોરદાર પવનની સાથે પડતો મૂશળધાર વરસાદ બસની બારી પણ ખોલવા પરમિશન આપતો નહતો.

 કાળી ડિબાંગ રાત્રી, ભયંકર તોફાની વરસાદ સાથે અમારી બસ આગળ વધી રહી હતી, સાથે સાથે મારી ધીરજની પરીક્ષા લેવાઈ રહી હતી.  ઈશ્વર સ્મરણ કરતાં કરતાં પરોઢીયું થવા આવ્યું. . !

વરસાદનું જોર હવે ઓછું થયું હતું એનું હજી ધીમી ધારે વરસવાનું તો ચાલુ જ હતું. આગળ ટ્રાફિક જામ હવે ઓછો થયો હોય એવું કંડક્ટર કહેવા આવ્યો.

ધીમે ધીમે સૂર્યનારાયણે પણ ધરતી પર આગમન કર્યુ. પ્રકાશનું આપણાં જીવનમાં કેટલું બધું મહત્વ છે એ વાત મને સૂર્ય નારાયણે સાક્ષાત સમજાવી દીધી. વરસાદથી તૃપ્ત ધરતીને થોડીક વાર રાહત આપવા સૂર્ય કિરણો ના હોય તો ? કલ્પના કરી જોજો. . ! પૃથ્વી પર હાહાકાર થઈ જાત. . !

ઈશ્વરે ગજબની બારીકાઈથી એકેએક વસ્તુનું નિર્માણ કર્યુ છે. દરેકનું એક ચોક્કસ મહત્વ છે. એની કદર કરતાં શીખવું પડશે. સહજતાથી અને સરળતાથી ઉપલબ્ધ વસ્તુની ક્યારેય કદર નથી થતી.

પ્રકૃતિએ કેટલી સરસ સીસ્ટમ ગોઠવી છે. ૠતુઓ,એની સાથે સંકળાયેલ પરિબળો, નાની નાની વાત માટે એકબીજા પર નિર્ભર રહેતી કુદરતની કાર્યશૈલી એ ઈશ્વર તરફથી ગોઠવવામાં આવેલ જબરજસ્ત ટીમવર્કનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એકમેક પર ભરોસો એ એની આગવી ઓળખ છે. કોઈપણ એકબીજાંને નડ્યાં વગર નિરંતર, અવિરત અને સતત વિના વિલંબે કાર્ય કરે જ જાય છે. એમાં કામચોરીને ક્યાંય અવકાશ નથી. પ્રભુએ કમાલનું મેનેજમેન્ટ ગોઠવ્યું છે. સમય આ બધાનો બોસ છે.

વરસાદ લગભગ નહીંવત માત્રામાં ફોરાં સ્વરૂપે પડી રહ્યો હતો.

બસે પણ હવે થોડી વધારે ગતિ પકડી હતી. ટ્રાફિક પણ હવે હળવો થયો, રોડ પણ ક્લિયર થવાં માંડ્યો.

ઝાડેશ્વર ચોકડી નજીક આવતી દેખાઈ. . !

હાશ. . !

શબ્દ અચાનક મોંઢામાંથી સરી પડ્યો. હાશ શબ્દ કેટલો સરસ છે નહીં ? એને બોલતાં જ મારા મગજની વ્યથાઓ, અકળામણ, ગડમથલ, સવાલો અને અટકળો એકી સાથે, એકીશ્વાસે બહાર ફેંકાઈ ગયાં. હળવીફૂલ થઈ ગઈ. ભૂખ,તરસ,ઊંઘ અને ભયંકર થાક છૂમંતર થઈ ગયાં. મારું ડેસ્ટીનેશન,મારું ઘર હવે નજીક હતું. . !

 મનોમન ઈશ્વરને ધન્યવાદ કર્યો.

"હે પરમકૃપાળુ પરમાત્મા તારી કૃપા અપાર છે, તારો કોઈ પાર પામી શકાય એમ છે જ નહીં. "

"હે પ્રભુ, મારો રક્ષક અને પાલનહારો તું જ છે. "

"તારા પરનો ભરોસો કાયમ રાખજે,પ્રભુ. "

 એકદમ સાચા હ્રદયથી શબ્દો સરી પડ્યાં. ખરા અર્થમાં, મારા બોડીગાર્ડ બની એણે મારું રક્ષણ કર્યુ એ મારે માટે બહું મોટી ઉપલબ્ધી હતી. મારી ચેતનાને એ ઊર્જા આપતો રહ્યો.  

કોઈ એવી અદ્રશ્ય પરાશક્તિ છે જે આપણું અને આ સૃષ્ટિનું સંચાલન કરે છે. આપણને હૈયાધારણ આપતી રહે છે કે તું ગભરાઈશ નહીં, હું સતત તારી સાથે છું. પણ આપણી અધીરાઈનો પડદો આપણી દ્રષ્ટિને એ જોવા દેતો નથી. એને માટે આવો એકાદ અનુભવ જ કાફી છે. ઈશ્વરે મને આ યાદગાર પ્રવાસની ભેટ આપી જેનાંથી હું વધું મજબૂત બની શકી. મારી જાત પરનો, મારો ખુદ પરનો ભરોસો દ્રઢ થયો.

હવે વરસાદ લગભગ બંધ થઈ ગયો હતો. આખરે સવારે છ વાગ્યે અમારી એસ. ટી બસ ભરૂચ ડેપોમાં પ્રવેશી. જે મુસાફરી પાંચ કલાકમાં પૂરી થાય એને પૂર્ણ કરતાં આજે પૂરા ઓગણિસ કલાક થયાં. કંડક્ટરે મારો બધો સામાન ઉતારવામાં મદદ કરી. રીક્ષા બોલાવી એમાં મારો સામાન ગોઠવી દીધો.

મેં કંડક્ટર અને ડ્રાઈવરનો આભાર માન્યો. મારી આંખોમાં કૃતજ્ઞતાનો ભાવ હતો. મારે સગો ભાઈ નથી પણ જો એ હોત તો કદાચ આ ડ્રાઇવર-કંડક્ટર જેવો જ સહ્રદયી, મદદગાર અને દરિયાદીલ ઈન્સાન હોત. જે બહેનો, દીકરીઓ અને બીજી દરેક સ્રીઓ માટે આટલો જ સાહજીક રહેત.  

મારી દ્રષ્ટિએ એક પુરુષ માટે સૌથી મોટી ઉપલબ્ધી એ છે કે દુનિયાની કોઈપણ સ્ત્રીને પોતાની હાજરીમાં કંફર્ટેબલ ફીલ કરાવે. એને જે તે વ્યક્તિ પાસે સુરક્ષિત છે એવો ભાવ ઊભો કરે એ ખૂબ જરૂરી છે. આવું કામ કરવામાં તથા આવો ભાવ ઊભો કરવામાં મારા તરફથી આ બંને પુરુષો ફૂલ્લી પાસ થયા હતાં.

આખરે, હું રીક્ષા કરી મારા ઘરે પહોંચી. ધરતીનો છેડો ઘર એમનેમ થોડું કહેવાતું હશે. . ! 

ડોરબેલ વગાડ્યો. મમ્મીએ બારણું ખોલ્યું. બધું ફેંકીને હું મમ્મીને ભેટી પડી. એને ભેટીને ખૂબ રડી. રડતાં રડતાં જ મારા મમ્મી -પપ્પાને આખાય ઘટનાક્રમનું વર્ણન કર્યું. આ વાતનું વર્ણન કરતાંની સાથે જ બહાર તદ્દન બંધ થયેલો વરસાદ મારી આંખોમાંથી ધોધમાર વરસવાનો ચાલું થઈ ગયો. . !

મારા આંસુઓની હેલીમાં મારો આખો પરિવાર પલળતો ગયો ! મારી બહાદૂરી અને મારા આત્મવિશ્વાસનાં વખાણ થયાં.  ડ્રાઈવર- કંડક્ટરની કાર્યનિષ્ઠા અને માણસાઈનાં બધાએ ભરપેટ વખાણ કર્યા.

એ વખતે મને એક વાતની ચોક્કસ ખાતરી થઈ કે એ ડ્રાઈવર- કંડક્ટર બીજું કોઈ નહી મારો પરમકૃપાળુ પરમાત્મા જ મારી સાથે હતો. ખુદ સારથી બની મારી બસ ચલાવી રહ્યો હતો. સારથી અને પાલનહારો મારી સાથે છેકથી છેક હતો. એક ખુદ બસ ચલાવતો હોય અને બીજો મારું ધ્યાન રાખતો હોય તો પછી મારે શેનો ભય રાખવાનો હોય. . . ?  

હા, હું ચોક્કસ અર્જુન બની શકવા મારા પ્રયત્ન આજીવન ચાલું રાખીશ. એ વિશ્વાસ મેં એ દિવસે જ દ્રઢ કરી લીધો.

આ ઘટનાને આશરે બત્રીસેક વર્ષ થવા આવ્યાં પણ મને હજીય ડ્રાઈવર કંડક્ટરનાં ચહેરા બરાબર યાદ છે. મળે તો તરત જ ઓળખી જઈશ. આ ઘટના જ્યારે પણ યાદ કરું ત્યારે એની સાથે જીવેલી એકેએક ક્ષણ માનસપટલ પર તાદ્રશ્ય થઈ જાય છે. દરેક મૂશળધાર વરસાદની સાથે એ યાદગાર પ્રવાસની હેલી મારા દિલોદિમાગ પર હાવી થઈ જાય છે. દરેક ક્ષણ ફરી જીવતી હોઉંને એવો અહેસાસ થાય છે. દરેક ચોમાસાનાં પવનની લહેરખી એ ધોધમાર વરસાદની રાત, એ યાદગાર બસની યાત્રાને જીવતી કરી દે છે.

ઈશ્વરને જોયાં નથી પણ એનાં હોવાની એ સાબિતી આપણને આવી ઘટનાઓ થકી આપતો રહે છે. . !

ઈશ્વરનાં હોવાની સાબિતીનો આનાથી તાદ્રશ્ય પૂરાવો બીજો તો શું હોઈ શકે. . ?

બાકી તો બહું અઘરી હતી એ ધોધમાર વરસતી એ કાળરાત્રી અને બસની મુસાફરી.

મારા જીવનનો, આજીવન ના ભૂલાય એવો મૂશળધાર વરસાદ અને બસની એ યાદગાર યાત્રા. . !


Rate this content
Log in

Similar gujarati story from Thriller