Jyotindra Mehta

Thriller Others

3  

Jyotindra Mehta

Thriller Others

ચંદ્રની સાખે

ચંદ્રની સાખે

16 mins
625


અજવાળી રાત હતી. એક વ્યક્તિ નીચે ફર્શ પર ટૂંટિયું વાળીને બેઠી હતી. અને બારીમાંથી બહાર દેખાતા ચંદ્રને જોઈ રહી હતી. ચંદ્રને જોઈને તેના ચેહરા પર હાસ્યની લહેરખી આવી ગઈ. પછી હાસ્ય તેના કાબુમાં ન રહ્યું. તે જોરજોરથી હસવા લાગ્યો અને તેની આજુબાજુમાં રહેલી વ્યક્તિઓ પણ વગર કારણે તેની સાથે હસવામાં જોડાઈ. તે લોકો ત્યાં સુધી હસતા રહ્યા જ્યાં સુધી સળિયા પર ડંડા ન પડ્યા અને સુઈ જાઓ એવો અવાજ ન આવ્યો. તેને છોડીને બધા સુઈ ગયા. તે પ્રસન્ન મુદ્રામાં ચંદ્રને જોઈ રહ્યો. તે ચંદ્રમા એક ચેહરો જોઈ રહ્યો હતો વિનીનો. તેણે આહનો ઉદગાર કાઢ્યો અને ભૂતકાળમાં ખોવાઈ ગયો.


રીસેપ્શન પરથી તેની કેબિનમાં ફોન આવ્યો અને રિસેપશનિસ્ટ કહ્યું, 'સર કોઈ મિસ્ટર પારસ આપને મળવા માંગે છે. કહે છે કે ગઈકાલે આપણે ફોન કરીને અપોઈન્ટમેન્ટ લીધી હતી.' મનને કહ્યું 'ઓહ સોરી હું તને કહેવાનું ભૂલી ગયો, તેમને મોકલી દે અંદર. મનન સી.એ.ની દુનિયામાં જાણીતો ચેહરો હતો. પારસે મનનની કેબિનમાં એન્ટ્રી લીધી અને તેની સામેની સીટમાં ગોઠવાયો.

મનન, એક અદભુત વ્યક્તિત્વનો સ્વામી ૫ ફૂટ ને ૮ ઇંચની ઊંચાઈ, પહોળા ખભા, ગોરો વાન, તીખા નૈનનક્ષ, પાતળા હોઠ. કુલ મળીને કોઈ ફિલ્મી હીરો જેવો દેખાતો હતો. બહુ મહેનતથી આ ઊંચાઈએ પહોંચ્યો હતો. કેટલાય કાળાધોળા કરવા પડ્યા હતી આ પોઝિશન પર પહોંચવા. પિતા સાયન્ટિસ્ટ હતા અને તેમણે આખી જિંદગી સરકારી પ્રયોગશાળામાં ખર્ચી કાઢી. મનનનું બચપણ અભાવમાં ગુજર્યું તેથી મનમાં ઊંડે બીજ રોપાઈ ગયું હતું પૈસા કમાવવાનું. ગમે તે કરીશ પણ સાયન્ટિસ્ટ બનીને આખી જિંદગી ઢસરડા નહિ કરું. પિતાની ઈચ્છાને અવગણીને તે કોમર્સ ક્ષેત્રમાં ગયો અને પોતાની મહેનત ને બુદ્ધિથી સી.એ.બન્યો. અને ફક્ત પાંચ વર્ષના ગાળામાં તો પોતાની ઓફિસ વસાવી લીધી અને નવા બંગલામાં રહેવા ગયો. સૌથી વધુ આનંદ તેના મમ્મી પપ્પાને થયો હતો. મનનના પપ્પા રિટાયર્ડ થયા પછી ગામડામાં જઈને વસ્યા હતા. ગામડે પૈત્રિક સંપત્તિ તરીકે એક ઘર હતું અને એક ખેતર હતું . તેના પપ્પાએ ખેતરમાં એક રૂમ બનાવી દીધી . તે આખો દિવસ કહેતા કરતા અને મોડી રાત્રે ઘરે આવતા. થાકી જતા ત્યારે તે રૂમમાં આરામ કરતા.


ગાડી બંગલો વસાવ્યા પછી તેણે મમ્મી પપ્પાને ત્યાં આવીને રહેવા મનાવ્યા પણ તેના પપ્પાએ કહ્યું 'હું માટીનો છોરો આખી જિંદગી શહેરમાં વિતાવી પણ હવે મને મારી માટી સાથે રહેવા દે અને અમે આવતા જતા રહેશું ને.' મનનની મમ્મીની ઈચ્છા હતી બંગલામાં જઈને રહેવાની પણ તેણે પોતાના પતિની ઈચ્છાનું માન રાખ્યું. થોડાજ સમય પછી મનનની સગાઇ પ્રખ્યાત ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ દેવજીભાઈની દીકરી રીમા સાથે ધામધૂમ સાથે થઇ અને બે મહિના પછી લગ્ન હતા.


મનને ઉભા થઈને પારસ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું, 'કહો મિસ્ટર પારસ. હું આપની કઈ રીતે મદદ કરી શકું ?' પારસે પોતાના ખિસ્સાનું કાર્ડ કાઢ્યું અને મનન સામે ધાર્યું અને કહ્યું હું પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટર છું અને મને ગવર્નમેન્ટ ફાયનાન્સીયલ ડિપાર્ટમેન્ટે હાયર કર્યો હતો ઇન્ડસ્ટ્રીમાં થતા ફ્રોડનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે, આ રહ્યો તે માટેનો લેટર .મારી ઇન્વેસ્ટીગેશનના પ્રાથમિક તપાસમાં એવું માલુમ પડ્યું છે કે આપનો આ સ્કેમમાં મોટો હાથ છે તેથી આ ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થાય ત્યાં સુધી આપની ઓફિસ અને આપના એકાઉન્ટ સીલ કરવામાં આવે છે. અને જો આપનો ગુનો સાબિત થશે તો આપની ઉપર પ્રતિબંધ, ઉપરાંત દંડ અથવા સજા થઇ શકે છે .


'મનન તેને વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યો હતો. તેને ખબર નહોતી પડતી કે આ બધું કેવી રીતે થઇ ગયું. હવામાં ચાલતો તેનો રથ અચાનક જમીન પર આવી ગયો હતો. જોકે ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થઇ નહોતી એટલે તેને અરેસ્ટ કરવામાં આવ્યો ન હતો. બીજે દિવસે ટીવીમાં બ્રેકીંગ ન્યુઝ ચાલુ હતી, બેલેન્સશીટ સ્કેમ પકડમાં આવ્યું છે, થોડાજ સમયમાં આ બાબત વધુ ખુલાસો થશે. ઘણા બધા ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ અને સી.એ. કાયદાની પકડમાં આવશે. પારસને ખબર નહોતી પડતી કે આ ન્યુઝ કોણે લીક કરી પણ હવે કઈ થઇ શકે તેમ ન હતું કારણ ઘોડા તબેલામાંથી નાસી ચુક્યા હતા.


મનનની હાલત ગંભીર હતી. એક આંચકો પચાવીને ઘરે પેહોચ્યો. ત્યાં બીજો આંચકો તેની રાહ જોઈ રહ્યો હતો. રીમા બંગલા પર તેની રાહ જોઈ રહી હતી. તે પહોંચ્યો અને રીમા તેના પર વરસી પડી તે સગાઇ તોડીને ત્યાંથી નીકળી ગઈ તેણે આરોપ લગાવ્યો હતો કે મનનના લીધે દેવજીભાઈ ફસાઈ ગયા હતા. મનન માથું પકડીને બેસી ગયો. ત્યાંજ મનનની મમ્મીનો ફોન આવ્યો કે 'ગામડે જલ્દી આવ તારા પપ્પાની હાલત ગંભીર છે.' મનનનો દિવસ જ ખરાબ હતો તે ઝડપથી તૈયાર થઈને ગાડી લઈને ગામડે જવા નીકળી પડ્યો. પોતાના ઘર પાસે આખું ગામ જમા હતું એટલે તેને ફડકો પડ્યો કે નક્કી કંઈક અજુગતું બની ગયું છે. તેનો અંદાજો જયારે સાચો પડ્યો ત્યારે તેની આંખ સામે અંધારા આવી ગયા, તેના માથેથી પિતાની છત્રછાયા દૂર થઇ ગઈ હતી. તેના પપ્પા ભીષ્મ દવેનું મૃત્યુ થઇ ગયું હતું. ગઈકાલ સુધી રાજાની જેમ રહેનારને કિસ્મતે એકજ દિવસમાં ભીખરી બનાવી દીધો હતો.


પંદર દિવસ સુધી તેણે મરણોપરાંતની વિધિઓ પતાવી ત્યાં સુધી તેણે મમ્મીને પોતાના પતનની વાત કરી ન હતી. ૨૦માં દિવસે તેની મમ્મીએ પૂછ્યું 'કેમ દીકરા શહેર નથી જવાનું તારે ?' ત્યારે મનને શહેરમાં થયેલી બીનાની વાત કરી. તેની મમ્મીએ કહ્યું 'કોઈ વાંધો નહિ બેટા, આમ નિરાશ ન થા. ખોટા કામમાંથી આવેલો પૈસો તેનો જવાનો માર્ગ કરી લે છે અને જ્યાં સુધી રીમાની વાત છે તે કઈ ગુમાવ્યું નથી. મમ્મીના આ શાતા ભરેલા શબ્દોએ પણ તેને ઠંડક નહોતી આપી. તેનું જિંદગીથી મન ઉઠી ચૂક્યું હતું તેને વારેઘડીયે આત્મહત્યાના વિચારો આવતા હતા. તે ઘરમાં આખો દિવસ પડી રહેતો હતો.


એક દિવસ તેની મમ્મીએ કહ્યું 'ક્યાં સુધી આમ દુઃખ મનાવતો રહીશ તેના કરતા ખેતરે આંટો મારી આવ. તેને મમ્મીની વાત યોગ્ય લાગી આમેય અડોશ પાડોશના લોકો આવીને તેને પિતાના મૃત્યુની સાંત્વના આપતા રહેતા હતા જેનાથી તે કંટાળી ગયો હતો. તેણે ખેતરમાંના રૂમની ચાવી લીધી અને ખેતરે ગયો અને તે રૂમ ખોલીને ખાટલો ઢાળીને તેમાં સુઈ ગયો. કલાક પછી જયારે તેની આંખ ખુલી તે રૂમનું નિરીક્ષણ કરવા લાગ્યો. ખૂણામાં ખેતરમાં કામ કરવાના સાધનો, ચા ખાંડનો ડબ્બો અને કપ રકાબી પડ્યા હતા, એટલામાં તેની નજર બીજા ખૂણામાં પડેલી પેટી પર પડી. તેણે કઈ વિચાર્યા વગર તે ખોલી અને અંદર મુકેલો સમાન જોવા લાગ્યો. નીચેની તરફ એક ડાયરી મુકેલી હતી, જે તે ખોલીને જોવા લાગ્યો. તે પપ્પાના અક્ષરો ઓળખતો હતો, આંખમાંથી બે આંસુ નીકળીને ડાયરી પર પડ્યા. તેણે ડાયરી વાંચવાનું શરુ કર્યું અને જેમ જેમ આગળ વાંચતો ગયો તેમ તેમ તેની આંખો પહોળી થતી ગઈ. તેને ડાયરીમાં લખેલી વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. તેણે તે ફરી વાંચી પછી તે ઉભો થઈને દીવાલ પર લાગેલા દાદાજીના ફોટો પાસે ગયો અને તેની પાછળ લાગેલી એક સ્વિચ દબાવી અને ખૂણામાંની એક ટાઇલ થોડી ઉપર થઇ ગઈ. તેણે તે ઉપાડીને જોયું તો અંદર નીચે ઉતારવા એક સીડી હતી. તે કઈ વિચાર્યા વગર ઉતરી ગયો અને અંદર આવતા થોડા અજવાળામાં એક સ્વિચ શોધી અને નીચોનો ઓરડો પ્રકાશમાં નહાઈ ગયો.


તેણે જોયું કે તે ઓરડાની વચ્ચોવચ એક મશીન મૂકેલું હતું જે ડાયરીની વાત સાચી હોવાનો સબુત હતો. તેના પિતાએ ખરેખર ટેલીપોર્ટેશન મશીન બનાવ્યું હતું. તેની બાજુમાં મૂકેલું હાથ વડે લખાયેલ મેન્યુઅલ તેણે ઉપાડ્યું અને વાંચવા લાગ્યો. તે મશીનની ઓપરેટિંગ વિધિ સમજવા લાગ્યો. તે મશીનનો આકાર એક ગન જેવો હતો અને તેની સાથે એક કોમ્પ્યુટર જોડાયેલું હતું. તે વિચારવા લાગ્યો કે હવે શું કરવું ? તે ઉપર ગયો અને મમ્મીને ફોન કર્યો કે મમ્મી હું અત્યારે અહીંથી જ શહેર જાઉં છું કાલે આવીશ તેથી તું મારી ચિંતા ન કરતી. કાલે સવારે આવી જઈશ પછી એક બારી ઉઘાડી રાખીને તે રૂમની બહાર ગયો અને તાળું મારીને બારીમાંથી રૂમમાં અંદર ગયો. તે ફરી અંદરના ઓરડામાં ગયો અને પછી તેણે મશીનને ઓન કર્યું. તેના પિતાએ લખેલા મેન્યુઅલના હિસાબે આ ટેલિપોર્ટેશન મશીન તેના પિતાએ ચંદ્ર પર રહેતી પ્રજાતિની આપેલી ટેક્નોલોજીની મદદથી બનાવ્યું હતું. ગન જે  દીવાલ તરફ તકાયેલી હતી ત્યાં એક ગોળાકાર પ્લેટફોર્મ હતું જેના પર એક વ્યક્તિ ઉભી રહી શકે અને તેની સીધમાં ઉપર એક નળાકાર હતો . તેણે મેન્યુઅલમાં લખ્યા પ્રમાણે પહેલા ત્યાં મુકેલો સ્પેસ સૂટ પહેરી લીધો જેમાં એક ઓક્સિજન સિલેન્ડર પણ લાગેલો હતો. પછી હાથમાં એક રિમોટ લઈને તે પ્લેટફોર્મ પર ઉભો રહ્યો અને તેણે રિમોટનું બટન દબાવ્યું અને બેહોશ થતા પહેલા તે ફક્ત એટલુંજ જોઈ શક્યો કે તે ગનમાંથી બે શેરડા નીકળ્યા તેમાંથી એક તે પ્લેટફોર્મ સાથે ટકરાયો અને બીજો ઉપર રહેલા નળાકાર સાથે. તેને પોતાનું શરીર વિભક્ત થતું હોય તેમ લાગ્યું અને તેણે પોતાના હોશ ગુમાવી દીધા.


જયારે મનન હોશમાં આવ્યો ત્યારે તેણે જોયું કે તે એક મોટા હૉલમાં છે. તેણે માથેથી હેલ્મેટ ઉતાર્યું પણ શ્વાસ લેવામાં તકલીફ પડી એટલે તેણે હેલ્મેટ ફરી પહેરી લીધું. એટલામાં તેને એક અવાજ આવ્યો 'વેલકમ મિસ્ટર મનન. આપનું ચંદ્રની ધરતી પર સ્વાગત છે.' તેણે અવાજની દિશામાં જોયું તો એક સાડા સાત ફૂટ ઊંચી વ્યક્તિ તેની તરફ આવી રહી હતી. મનન આશ્ચર્યથી તેની તરફ જોઈ રહ્યો. તેણે નજીક આવીને મનનની તરફ હાથ લંબાવ્યો અને કહ્યું 'હું છું રિબોન અને અને રિબિડીયન્સ તરફથી આપનું ચંદ્ર પર સ્વાગત કરું છું.' મનન બાઘાની જેમ તેની તરફ જોઈ રહ્યો. રીબોને કહ્યું 'હું તમારી મુસીબત સમજી શકું છું , તમને તરત વિશ્વાસ નહિ થાય પણ તમારો ઓક્સિજન સિલેન્ડર પૂરો થાય તે પહેલા તમને ઇન્જેક્શન આપી દઉં જેનાથી તમને શ્વાસ લેવામાં તકલીફ નહિ પડે. મનન હજી અવઢવમાં હતો. તે વ્યક્તિએ તેના સ્પેસ સૂટની ચેન ખોલી અને થોડો નીચે કરીને તેના હાથ પર ઇન્જેક્શન આપ્યું . પાંચ મિનિટ પછી રીબોને કહ્યું 'હવે તમે હેલ્મેટ અને આ સૂટ ઉતારી શકો છો. મનને ડરતા ડરતા હેલ્મેટ ઉતાર્યું પણ હવે પહેલાથી જુદો અનુભવ મળી રહ્યો હતો તે આસાનીથી શ્વાસ લઇ શકતો હતો. મનને રિબોન તરફ જોઈને પૂછ્યું 'હું ખરેખર ચંદ્ર પર છું કે આ મારો ભ્રમ છે ?' 'તમે ચંદ્રની ધરતી પર છો અને તમારા પિતાએ અમને તમારો ફોટો આપીને કહ્યું હતું કે એક દિવસ તમે જરૂર આવશો.' મનને કહ્યું 'હું સમજ્યો નહિ.' રીબોને કહ્યું તમારા સવાલોના જવાબ તમે જયારે રોમડૉર ને મળશે એટલે મળી જશે. મનને કહ્યું પહેલા એ તો સાબિત કરો કે હું ચંદ્ર પર છું. રીબોને પોતાના ખભા ઊંચા કર્યા અને કહ્યું આ તરફ આવો. એમ કહીને બારી પાસે લઇ ગયો અને કહ્યું બહાર જુઓ શું દેખાય છે ? મનન બ્લુ કલરના ગોળાને આકાશમાં જોઈ રહ્યું તેણે નાનપણમાં ભૂગોળમાં વાંચ્યું હતું કે દૂરથી જુઓ તો પૃથ્વી બ્લુ કલરની દેખાય છે. રીબોને કહ્યું તમે જેને જોઈ રહ્યા છો તે પૃથ્વી છે.


મનન આશ્ચર્યથી બહારનું દ્રશ્ય જોઈ રહ્યો. તેને હવે વિશ્વાસ બેસવા લાગ્યો હતો કે તે ચંદ્ર પર છે. મનને કહ્યું જો આપ મારા મનનું સમાધાન કરી શકતા હો હું થોડા પ્રશ્ન પૂછવા માંગુ છું. રિબોન હળવું હસ્યો એટલે મનને પૂછ્યું 'તમે અહીં ચંદ્ર પર રહો છો તેની પૃથ્વી પર ખબર કેમ નથી પડી ? પૃથ્વી પરના વૈજ્ઞાનિકો વર્ષોથી ઇટીને શોધી રહ્યા છે અહીંની હકીકત શું છે ?' રીબોને કહ્યું એટલા બધા સવાલો એક સાથે ! ચાલો અમારા ઇતિહાસ સાથે શરુ કરું.'

'અમે પણ તમારી જેમ પૃથ્વીવાસીજ છીએ, અમારા પૂર્વજો પૃથ્વી પરથી આવીને અહીં વસ્યા હતા. મારુ ઊંચું અને પહોળું શરીર જોઈને બહારના ગ્રહના હોવાનો અંદાજો બાંધશો નહિ. અમારા પૂર્વજો પૃથ્વી પર જર્મનીમાં વસતા હતા. તેઓ ટેક્નોલોજીમાં બહુ આગળ હતા તેમાંથી એકે એવી ટેક્નોલોજી શોધી કાઢી જેમાં શરીરને પાર્ટિકલ્સમાં કન્વર્ટ કરીને બીજે સ્થળે જઈને તે પાર્ટિકલ્સને ફરી શરીરમાં બદલી શકાય. અમારા પૂર્વજો ચંદ્ર પર વસવા માંગતા હતા પણ તેમાં સૌથી મોટી અડચણ ચંદ્ર પરની પાતળી હવા. તેથી તેમને સૌથી પહેલા એવી દવા શોધી જે જનિનોમાં ફેરફાર કરીને શરીરોની જરૂરત બદલે. ૧૦ વર્ષ લાગ્યા એ વખતે પણ તેમની મહેનત ફળી, યુદ્ધથી કંટાળેલી અમારી પ્રજાતિ અહીં આવીને વસી ગઈ. જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ નવી પેઢીના શરીરમાં વાતાવરણને અનુરૂપ ફેરફાર થતા રહ્યા. અહીં ગુરત્વાકર્ષણ ઓછું હોવાને લીધે અમારા શરીર લાંબા અને પહોળા છે. તમને વિશ્વાસ નહિ થાય કે અમારા અહીંના સમાજમાં હું બટકો ગણાઉં છું. અહીંની સર્વ સામાન્ય ઊંચાઈ સાડા આઠ ફૂટ છે.'

મનન તેના ભીમકાય શરીરને જોઈ રહ્યો અને મનોમન બબડ્યો આ બટકો ! મનને પૂછ્યું 'શું પૃથ્વી પર કોઈને ખબર છે કે તમે અહીં વસો છો ?' રીબોને કહ્યું, બહુ થોડા વૈજ્ઞાનિકોને, અને હવે તમારા સવાલો પુરા થયા હોય તો આપણે મુખ્ય આવાસમાં જઈએ ? તમને મળીને બધાને આનંદ થશે.' મનને પોતાના ખભા ઉલાળ્યા. બંને તે હૉલમાંથી બહાર નીકળ્યા. મનન જીવનથી નિરાશ થઇ ગયો હતો તે હવે ભૂતકાળની વાત હતી. તે ચંદ્ર પર પૃથ્વીના ભૂરા પ્રકાશમાં ચાલી રહ્યો હતો અને તેને કંઈક અલગ પ્રકારની અનુભૂતિ થઇ રહી હતી. થોડું ચાલ્યા પછી તેઓ એક આવાસ નજીક પહોંચ્યા જેનો થોડોજ ભાગ બહાર ડોકાઈ રહ્યો હતો. તેઓ તે આવાસમાં પ્રવેશ્યા અને લિફ્ટ દ્વારા નીચે ગયા. લિફ્ટમાંથી બહાર નીકળીને તેઓ એક વિશાળ સભામંડપમાં પહોંચ્યા જેનો દેખાવ કોઈ રાજાના દરબાર જેવો હતો. સામે એક સિંહાસન હતું જેના પર સાડા નવ ફૂટ ઊંચી વ્યક્તિ બિરાજેલી હતી. પણ જેવી મનનની નજર સિંહાસનની નજીક મુકેલી ખુરસીમાં બેસેલી વ્યક્તિ પર પડી તે થીજી ગયો. તે વ્યક્તિ તેના પિતા ભીષ્મ દવે હતા જેમના તેણે થોડા દિવસ પહેલાજ અંતિમ સંસ્કાર કર્યા હતા.

         

મનનના આશ્ચર્યની સીમા ન રહી. પિતાને જોઈને તે ઉપરાંત તે યુવાન લાગી રહ્યા હતા. તેના મનમાં પિતાની તે છબી ઉભરાઈ આવી જે તેણે નાનપણમાં જોઈ હતી. તે વિચારવા લાગ્યો કે આ કદાચ તેના પિતાનો હમશકલ હશે અથવા ક્લોન, તેણે વિજ્ઞાનકથામાં તે વાંચ્યું હતું. તેણે મનમાં આવતા વિચાર ખંખેર્યા અને આગળ વધ્યો. ભીષ્મએ આગળ વધીને તેને ગળે વળગાડ્યો અને કહ્યું 'દીકરા તું આવી ગયો, મને ખબર હતી કે તું આવીશ.' તે એક ક્ષણ માટે ચૂપ રહ્યો પણ પછી તેમના શરીરની ઉષ્માથી તેને ખબર પડી ગઈ કે તે તેના પિતાજ છે. તેની આંખમાંથી આંસુ વહી નીકળ્યા. મિલનની ક્ષણો પુરી થયા પછી ભીષ્મએ સિંહાસન પર બેસેલી વ્યક્તિ તરફ ફરીને કહ્યું 'મહામહિમ આ છે મનન, મારો પુત્ર છે અને મનનને કહ્યું આ છે અહીંના રાજા અથવા રાષ્ટ્રપતિ રોમડૉર.' મનન તેમના સમ્માનમાં ઝૂક્યા. મનન તેમની આંખોમાં અજબ ચમક જોઈ રહ્યો હતો. ભીષ્મએ મનનને કહ્યું 'રિબોન તને મારા આવાસમાં લઇ જશે, હું તને થોડીવાર પછી આવીને મળું છું, અહીં એક જરૂરી મંત્રણા ચાલી રહી છે.' રિબોન મનનને તે મહેલના એક કક્ષ તરફ દોરી ગયો. તે કક્ષમાં જઈને તે આભોજ બની ગયો. કોઈ ફાઈવ સ્ટાર હોટેલના સ્યુટને શરમાવે તેવો ભવ્ય કક્ષ હતો. તે એક ખુરસીમાં બેસી ગયો અને પિતાની રાહ જોવા લાગ્યો. થોડીવાર પછી તેના માટે ભોજન આવ્યું, તે ભોજનનો સ્વાદ કંઈક અનેરો હતો, તેની સાથે આવેલા પીણાને પીને તેનું મન પ્રફુલ્લિત થઇ ગયું.


બે કલાકની રાહ જોયા બાદ ભીષ્મનો તે ખંડમાં પ્રવેશ થયો. આવતાજ તેમણે કહ્યું 'શું આશ્ચર્ય અનુભવી રહ્યો છે. આ મારી આખા જીવનની તપશ્ચર્યાનું ફળ છે. આખું જીવન મેં શસ્ત્રની રિસર્ચ કરતા ડિપાર્ટમેન્ટ મેં વિતાવ્યું પણ શરૂઆતથી મારુ લક્ષ્ય ટેલીપોર્ટેશન મશીન બનાવવાનું હતું પણ સરકારે મને ક્યારેય સપોર્ટ નહોતો કર્યો. રિટાયર્ડ થયા પછી હું ગામડે આવી ગયો અને મારી રિસર્ચ આગળ વધાવી. શરીરને પાર્ટિકલ્સમાં કન્વર્ટ કરવા એનર્જાઇઝ્ડ ક્રિસ્ટલની જરૂરત હતી જે પૃથ્વી પર નથી હોતા પણ હું જેટલી એનર્જી જોઈએ તેના પચાસ ટકા સુધી પહોંચવામાં સફળ થયો તેના લીધે ચંદ્રવાસી મારી તરફ આકર્ષિત થયા અને તેઓ મને આવીને મળ્યા. પહેલી વાર મળ્યા ત્યારે હું ડરી ગયો હતો પણ તેમણે મને મદદની ઓફર કરી અને મને એનર્જાઇઝ્ડ ક્રિસ્ટલ આપ્યા જેના લીધે મારુ મશીન પરિપૂર્ણ થયું. જયારે તેમને ખબર પડી કે હું શસ્ત્રને લગતા ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો, તેમણે મને અહીં આવવાની ઓફર કરી.'

મનને પૂછ્યું 'તો પછી પૃથ્વી પર કોના અંતિમ સંસ્કાર કર્યા ?' ભીષ્મએ કહ્યું 'મારા શરીરની પ્રતિકૃતિના જે અહીંની લેબમાં બની હતી અને અત્યારે હું યુવા દેખાઈ રહ્યો છું તેના માટે કારણભૂત અહીંની જેનેટિકલ દવા છે.' મનને પૂછ્યું 'કેવી રીતે ?' ભીષ્મએ કહ્યું 'સાદી ભાષામાં સમજાવું, જયારે આપણે નાના હોઈએ ત્યારે આપણા શરીરમાં કોષો જન્મે વધારે અને મૃત્યુ ઓછા પામે છે તેથી આપણા શરીરનો વિકાસ પણ થાય છે અને એક ઉંમરે પહોંચ્યા પછી નવા કોષો ઓછા જન્મે અને જૂના કોષો મૃત્યુ વધારે પામે જેને આપણે વૃદ્ધત્વ કહીયે છીએ. મારા અહીંયા આવવા પછી તેમને મને એવી દવા આપી જેને લીધે નવા કોષોના જન્મનું પ્રમાણ વધી ગયું અને હું ફરીથી યુવાન બની ગયો.' મનન દિગ્મૂઢ થઈને બધું સાંભળી રહ્યો હતો. 'તમને અહીં આટલું બધું મહત્વ કેમ છે અને તમને કેવી રીતે ખબર કે હું અહીં આવીશ ?'


ભીષ્મએ કહ્યું 'જે ડરથી  જર્મનો અહીં આવીને વસ્યા તે ડર અહીં ઉભો થયો છે, યુદ્ધ. અહીં બે ગુટ પડી ગયા છે એક તરફ છે રોમડૉર જે અહીંના રાજા અને બીજું ગુટ છે ફિનિયનનું. થોડા સમય પહેલા આવું નહોતું બધા શાંતિથી જીવતા હતા પણ રોમડૉરના અમુક નિર્ણયો ફિનિયનને ન ગમ્યા તેથી વિરોધ કર્યો પણ રાજાએ તે વિરોધ ગણકાર્યો નહિ અને શરુ થઇ ગુટબાજી. હવે ફિનિયનને ગમે તે ભોગે સત્તા જોઈએ છે જેના માટે તેણે હથિયારો વિકસાવ્યા જેની અહીંયા મનાઈ છે. તેથી રોમડૉર મને અહીં લઇ આવ્યો તેમના માટે હથિયાર બનાવવા અને મેં મારી ડાયરી એવી રીતે મૂકી હતી કે મને ખબર હતી મારી ગેરહાજરીમાં તનેજ મળશે અને તેમાંની કોડ લેન્ગવેજ તું જ ઉકેલી શકીશ જે હું તું નાનો હતો ત્યારે તેનો ઉપયોગ કરતો'. મનને પૂછ્યું 'ચંદ્ર પર વસ્તી છે , અહીંયા આવાસો બન્યા છે તેની પૃથ્વી પર કેમ ખબર નથી પડી ?'  ભીષ્મએ કહ્યું 'તે ધ્યાન આપ્યું હોય તો અહીંના આવાસોનો ૩/૪  ભાગ જમીનની નીચે છે અને બાકી રહેલો ૧/૪ ભાગ પણ જમીનની અંદર જઈ શકે છે.'


મનને પૂછ્યું 'હવે રોમડૉર શું કરવા માંગે છે ?' ભીષ્મએ કહ્યું 'છેલ્લું યુદ્ધ, હથિયાર તૈયાર થઇ ગયા છે ૧૫ દિવસ પછી ફિનિયનનું અસ્તિત્વ નાબૂદ થઇ જશે અને પછી તારા અને રોમડૉરની દીકરી સિમોનાનાં લગ્ન થઇ જશે.' મનને પૂછ્યું 'શું કહ્યું ?' ભીષ્મએ કહ્યું 'તને જોયા પછી રોમડૉર તેની દીકરીના લગ્ન તારી સાથે કરવા માંગે છે.' મનન વિશાળકાય કન્યાની કલ્પના કરવા લાગ્યો. ભીષ્મએ કહ્યું હવે હું તને સિમોનાને મળવા લઇ જાઉં છે . મનન અહીંના સ્ત્રીઓ કેવી હોય છે તે જિજ્ઞાસા વશ તેમની સાથે ગયો અને સિમોનાને જોઈને દંગ રહી ગયો. સિમોના દેખાવમાં તો રૂપ રૂપનો અંબાર હતી પણ તેની ઊંચાઈ ૮ ફૂટ જેટલી હતી અને શરીર એકદમ પહોળું. મનન વિચારવા લાગ્યો કે અમારી જોડી કેવી લાગશે. તેની તંદ્રા ત્યારે તૂટી જયારે સિમોનાએ જોરથી બૂમ પાડી 'વિની ક્યાં મરી ગઈ ?' મનને જોયું એક એક સાડા પાંચ ફૂટ ઊંચી સુડોળ કાયાવાળી, કામણગારી છોકરી હાથમાં ટ્રે લઈને આવી. સિમોનાએ તેને ટ્રાન્સલેટર રાખીને મનન સાથે વાત કરી કારણ મનનને તેમની ભાષા નોતી આવડતી. પછી સિમોનાએ વિનીને ચપટી વગાડીને ત્યાંથી જવા કહ્યું અને બહુ પ્રેમથી મનનને નિહાળવા લાગી. મનનને આ બધું બહુ અજુગતું લાગતું હતું પણ તે કઈ કરી શકે તેમ નહોતો.


કલાક પછી તે ત્યાંથી નીકળ્યો પણ તેની આંખો વિનીને શોધી રહી હતી. જયારે વિની તેની રાહ આગળની તરફ જોઈ રહી હતી. જેવો મનન ત્યાં પહોંચ્યો તે મનનને વળગી પડી અને રડવા લાગી. મનનની આહ નીકળી ગઈ, કેવો સુંવાળો સ્પર્શ હતો તેનો. તે થોડીવાર સુધી રડતી રહી અને પછી તેણે કહ્યું 'સોરી હું ઘણા સમયથી તકલીફમાં હતી તેથી કંટ્રોલ કરી ન શકી.' મનને પૂછ્યું 'શું તમે અહીંના રહેનારા નથી ?' વિનીએ કહ્યું 'ના હું યુ.એસ.ની નિવાસી છું એક દિવસ પાર્ટીમાંથી પછી ફરી રહી હતી તે વખતે મેદાનમાં એક મોટું વાહન અને પ્રકાશ દેખાયો એટલે હું શું છે તે જોવા ગઈ અને મને મહાકાય વ્યક્તિઓ દેખાયા. હું ડરીને ભાગવા ગઈ એટલે મને એક વ્યક્તિએ પકડી લીધી અને અહીં લઇ આવ્યા, ત્યારથી હું અહીજ છું મારે ઘરે જવું છે, શું તમે મને મદદ કરશો ?' મનને કહ્યું 'હું જરૂર તમને ઘરે પહોંચાડીશ.' ,મનનની વાત સાંભળીને વિનીએ તેના હોઠ પર ચુંબન આપ્યું જે મનનને અંદરથી ડોલાવી ગયું ક્યાં આ રૂપસુંદરી વિની અને ક્યાં રીમા. વિની રીમા કરતા કેટલી સુંદર છે. મનન તેના પ્રેમમાં પડી ગયો. મનને પિતાજીને મળીને વિની વિષે વાત કરી . ભીષ્મે તેની મદદ કરવાનું વચન આપ્યું પણ કોઈ પણ જાતની ઉતાવળ કરવાની ના પડી.


તે પછી મનન રોજ સિમોનાને મળવા જતો અને વળતી વખતે વિની સાથે સમય વિતાવતો અને તેની સાથે કલાકો સુધી વાત કરતો. પાંચ છ દિવસ પછી મનન વિની સાથે બહાર ગયો અને કહ્યું 'હું મારુ આખું જીવન તારી સાથે વિતાવવા માંગુ છું શું તું મારી સાથે લગ્ન કરીશ ?' વિનીએ કહ્યું 'હું પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પણ શું સિમોના એવું થવા દેશે ? તે તારી સાથે લગ્ન કરવા બહુ ઉત્સુક છે.' મનને કહ્યું સિમોના જાય ભાડમાં હું મારા મનનો રાજા છું હું અત્યારેજ તારી સાથે લગ્ન કરીશ. હું અબઘડી ચંદ્ર પર ચંદ્રની સાક્ષીએ તારો પત્ની તરીકે સ્વીકાર કરું છું' એમ કહીને તેણે પોતાની વીંટી પહેરાવી દીધી. વિની શરમાઈ ગઈ તેણે કહ્યું 'મારી પાસે આ મારા રૂમાલ સિવાય આપવા કઈ નથી એક કહીને એક લાલ રંગનો રૂમાલ આપ્યો જે મનને પોતાના ખિસ્સામાં મુક્યો. પછી વિની મનનને વળગી પડી અને ચુંબનોથી નવરાવી દીધો પણ તે બંનેને ખબર નહોતી કે તેમની પાછળ કોઈ ઉભું છે. તેણે એક ખૂંખારો ખાધો અને કહ્યું 'હેલો અર્થીયન્સ, હું છું ફિનિયન અને મને લાગે છે તું પેલા શસ્ત્ર બનાવનારનો પુત્ર છે. સારું થયું તું હાથ લાગી ગયો'. ફિનિયનના હાથમાં એક વિચિત્ર ગન હતી, તેણે કહ્યું 'તારો ફેંસલો પછી કરીશું પહેલા આ બલાને દૂર કરું એમ કહીને તેણે તે ગન વિની તરફ તાકી અર્પણ તમેથી કોઈ કિરણો નીકળે તે પહેલા મનને વિનીને ધક્કો મારીને દૂર ખસેડી દીધી, પણ તે પોતે તે કિરણોની જડમાં આવી ગયો. તેને પોતાનું શરીર ઓગળતું હોય તેમ લાગ્યું અને તે બેહોશ થઇ ગયો. જયારે તે હોશમાં આવ્યો ત્યારે તે પોતાના ખેતરમાં હતો. સુરજ માથે ચડી ગયો હતો. દૂરથી તેના પાડોશી રામુકાકા તેને જોઈને નજીક આવ્યા અને કહ્યું અરે મનનભાઇ ઘરે જલ્દી ચાલો તમારા ઘરે પોલીસ આવી છે. મનન ઘરે આવ્યો ત્યારે ઈન્સ્પેક્ટરે કહ્યું 'હું તમારું અરેસ્ટ વોરંટ લઈને આવ્યો છું. તમે ઘણા દિવસથી ગાયબ હતા. તમારી માટે કહ્યું 'કે તમે શહેર ગયા છો, તમારો મોબાઈલ પણ સ્વિચ ઑફ બતાવતો હતો. તમારી સ્કૅમની સંડોવણી પુરવાર થઇ ગઈ છે તમારે કોર્ટમાં હાજરી આપવાની છે. તમે છેલ્લા કેટલાય દિવસથી ગાયબ હતા ક્યાં હતા આટલા દિવસ ?' મનને સાહજીકતાથી કહ્યું 'ચંદ્ર પર.' ઇન્સ્પેક્ટર નરમાશથી કહ્યું 'સાચી વાત કરશો ?' મનને બનેલી ઘટના વિષે વાત કરી. ઈન્સ્પેક્ટરે કહ્યું 'સારી ચાલ છે પણ ગિરફ્તારીથી બચવા ગાંડપણનું નાટક કરશો અને હું સમજી નહિ શકું એમ સમજતા હો એ તમારી ભૂલ છે એમ કહીને તેને લઈને પોલીસ લોકઅપમાં પુરી દીધો.


મનન લોકઅપમાં બેસીને વિચારવા લાગ્યો કે શું મેં સપનું જોયું હતું. મનને ખિસ્સામાં હાથ નાખ્યો અને તેના હાથમાં લાલ રૂમાલ આવ્યો અને તે હવે આવતીકાલે કોર્ટમાં શું કહેવું તેનો વિચાર કરવા લાગ્યો. હવે તે તૈયાર હતો આ જગત સાથે લડવા.


Rate this content
Log in

Similar gujarati story from Thriller