Swati Silhar

Crime Thriller Children

1.7  

Swati Silhar

Crime Thriller Children

છોકરીની જાત

છોકરીની જાત

7 mins
14.4K


એક્ટીવા ઘરના જાંપા સાથે અથડાતા અથડાતા રહી ગયું....શોર્ટ બ્રેક મારી... બપોરનો ૧ વાગેલો. થોડા દિવસોથી ઠંડીનું જોર બરાબર જામેલું. માહ મહિનાનો ઠંડો પવન ફૂંકાઈ રહેલો. ખુલ્લા રાખેલા વાળ બધાજ વીંખાઈ ગયેલા. એના કપડા અને ચહેરો પરસેવાથી નીતરી રહેલા. શ્વાસ ચડી ગયો હોય એમ રીતસરની હાંફી રહેલી, આખુ શરીર ધ્રુજી રહેલું. હાંફળી ફાંફળી થતી એકટીવાને સાઈડ સ્ટેન્ડ પર લગાવી જાંપા ની સામેજ વચોવચ મૂકી જાંપો વાખ્યા વિનાજ પ્રિયાંશી ઝડપથી અંદર પ્રવેશી. આંગણામાં હિંચકા પર બેઠેલા તેના દાદી બોલતા રહ્યા “પીયુ ગાડી તો ઠેકાણે મુક. કેમ આજ આટલી વહેલી ! દરવાજોય ખુલ્લો ખટાક મુક્યો.” આ સાંભળી દેવિકાબેન બહાર આવ્યા “પીયુ !” કોઈનેય જવાબ આપ્યા વીના એ દોડતી પુરપાટ વેગે સીધી દાદરા ચઢી પોતાના રૂમમાં જતી રહી અને ધડામ કરતો રૂમનો દરવાજો જોરથી બંધ કર્યો.. 

“બા શું થયું આ છોકરીને કેમ આમ કંઈ બોલ્યા વીના ઉપર જતી રહી !” જમીને શાલ ઓઢી બપોરે તડકો ખાવા બેઠેલા બાને દેવીકાબેને આશ્ચર્ય સાથે પૂછ્યો “શી ખબર જોને બધું એમનું એમ મુકીને ચાલી ગઈ અંદર. આજે કાળા ચશ્માં નહોતા પહેર્યા ને મોંઢે ઓઢણી પણ નથી બાંધી.” દેવિકાબેન થોડા ચિંતાતુર ચહેરે ઉપર તરફ જોયું અને દાદરો ચઢવા લાગ્યા 

“પીયુ શું થયું બેટા, કાંઈક કહે તો ખરા. કેમ આજ વહેલી આવી ગઈ. તબિયત સારી નથી ?” દેવિકાબેન બંધ દરવાજાને ખખડાવતા પૂછી રહ્યા.પણ એમની વાત પ્રિયાંશીને સંભળાતી જ ન હતી, એ શૂન્ય મનસ્ક બની બેડ પાછળની દીવાલને ટેકે ટુંટીયુ વાળી બેઠેલી. થોડી વાર સુધી દેવિકાબેન બહારથી બોલતા રહ્યા પણ પ્રિયાંશીએ દરવાજો ના ખોલ્યો અને થાકીને તે પાછા નીચે આવ્યા. 

“બા જોવોને પીયુ બારણું નથી ખોલતી, શું થયું હશે ?” 

“અરે ઝઘડી હશે એની બહેનપણી જોડે બીજું શું થાય. તું જાણે જ છે ને એનો મિજાજ. નાકે નગર વસે છે મારી છોડીને. હમણાં થોડીવારમાં આવશે બહાર. તું તારે ચિંતા કર્યા વિના સુઇજા ઘડીક જા.” બાની વાતથી મન મનાવી દેવિકાબેન પણ રૂમમાં જઈ આડા પડ્યા.

પ્રિયાંશી વળેલા પગે હાથને વીંટાળીને બેઠેલી એ હજી ધ્રુજી રહેલી એની ડઘાઈ ગયેલી આંખોમાં જાણે કંઈક ચાલી રહેલું હોય એમ વારંવાર એના હાવભાવ બદલાઈ જતા. એ કાંઈ જોવા ન માંગતી હોય એમ વારંવાર આંખોને જોરથી ભીંસી દેતી. બેડની સામે રહેલા વોર્ડરોબના કાચના દરવાજામાં પોતાનું પ્રતિબિંબ જોયું. પોતાની અને પ્રતિબિંબની આંખો એક થઈ અને પોતાનાથી જ જાણે ધ્રુણા થઈ. એને બાજુમાં પડેલા તકીયામાં પોતાનું મોં છુપાવી દીધું. તકિયા ઉપર મોંઢા નીચે રાખેલા હાથ પર પોતાના ગરમ શ્વાસ અથડાતા. પોતાનીજ ગંધથી તેને સુગ ચડવા લાગી. સફાળી ઉભી થઈ તે બાથરૂમમાં ગઈ. ફુવારો ચાલુ કરી પહેરે કપડે ભીંજાવા લાગી. ઉનાળામાં પણ હુંફાળા પાણીએ નાહવા ટેવાયેલી પ્રિયાંશી પર ઠંડીનું ટાઢુંબોળ પાણી વરસવા લાગ્યું, તોય એનું રૂવાડુંય ઉભું ના થયું. જમણીબાજુ લગાવેલા દર્પણ તરફ નજર ગઈ પોતાને જોઈ અને ફરી એકવાર એને શક્ય એટલા દબાણપૂર્વક આંખો ભીંસી દીધી. એને ઝડપભેર પોતાના વસ્ત્રો ઉતાર્યા અને ત્યાંજ ફુવારા નીચે બેઠી. સાબુદાનીની બાજુમાં લટકાવેલ વાયરનું ગૂંચળું હાથમાં લઇ જાણે કંઈક ભૂંસવાનો પ્રયત્ન કરતી હોય એમ પોતાના શરીર પર ભાર દઈને ઘસવા લાગી.

દેવિકાબેનને પડખા ફેરવતા લગભગ અડધો કલાક નીકળી ગયો. મનને કળ નહોતી વળતી.. પ્રિયાંશીને શું થયું હશે એ વિચારોમાં મન ગૂંચવાયેલું હતું. બેડ પરથી ઉભા થઈ સાડીનો છેડો વ્યવસ્થિત કર્યો અને બહાર આવ્યા. બા આંગણામાંજ ખાટલા પર સુઈ ગયેલા. ડ્રોઈંગ રૂમમાં આવી અને ફોન જોઈ વિચાર આવ્યો કે તરત ડ્રોવરમાંથી ફોનની ડાયરી કાઢી અને શેફાલીનો નંબર શોધી એને ફોન લગાડ્યો.

“હેલ્લો” 

“હેલ્લો શેફાલી બેટા, દેવિકા બોલું છું. પ્રિયાંશીની મમ્મી..”

“હા આંટી, બોલો ને કેમ છો?” શેફાલીએ સામેના છેડે જવાબ આપ્યો..

“બેટા કાંઈ થયું છે આજે ? તમે ઝગડ્યા છો ? શેફાલી ઘરે આવી ત્યારની રૂમમાં જઈને બેસી છે. કોઈ જોડે વાતજ નથી કરી. વહેલા પણ આવી ગઈ.” દેવિકાબેને અધીરા અવાજે એકી શ્વાસે મનમાં ચાલતા દરેક પ્રશ્નો પૂછી નાંખ્યા..

“અરે ના ના આંટી આમાંનું કંઈજ થયું નથી. અમે બધા સાથેજ બેઠા હતા અને અચાનક એ ઉભી થઈ તરત ત્યાંથી નીકળી ગઈ અમે પૂછ્યું પણ ખરા કે શું થયું પણ જાણે એણે સાંભળ્યું જ નહી..”

“એમ” દેવિકાબેન જાણે વિચારમાં પડ્યા

“આંટી એની બેગ અને ફોન પણ આહિંયા કોલેજમાંજ મુકીને ગઈ છે. હું છુટીને સાંજે આપી જઇશ ઘરે.” 

“ભલે બેટા, સારું ત્યારે” કહી ફોન પુરો કર્યો અને અવનવા વિચારો શરુ થયા. દેવીકાની કોલેજમાં કાંઈ નથી થયું ના ઘરમાં કંઈ થયું છે, તો શું થયું હશે એને ?ક્યાંક રસ્તામાં તો કંઈ ! ના ના શેફાલીએ કહ્યું કે કોલેજમાંથી આમ નીકળી ગયેલી. .શું હશે ? હવે એનું મન ગભરાવા લાગેલું કંઈક કેટલીયે શક્યતાઓ દિમાગને ઘેરી વળેલી. ઘરમાં આમથી આમ આંટા મારતી તેમની આંખો વારંવાર ઉપર જોયા કરતી. આંચકો લાગ્યો હોય એમ ઠેસ સાથે એનો પગ રોકાયો. કહેવાય છે ને કે મનને ઉડવા ક્યાં પાંખોની જરૂર હોય છે એમ એને યાદ આવી ગયું. 

દસ વર્ષ પહેલાની વાત. પ્રિયાંશી આઠ વર્ષની હતી. થોડા સમયથી એનું વર્તન બદલાયેલું. એણે ખેંચ આવતીને થોડી વાર એ જમીન પરજ ફસડાઈ પડતી. બે દીકરા પર એક દીકરી અને સૌથી નાની એટલે ઘરમાં ખુબ વ્હાલી. એમાંય એના પપ્પાનો તો જીવ જ જાણે કે એ. ઘરમાં એને લાડથી પીયુ જ કહેતા. બધાજ ચિંતામાં આવી ગયેલા એણે ફેમીલી ડોક્ટર પાસે લઇ ગયા. એણે તપાસ કરી. અને કહ્યું કે આમ તો કંઈ તકલીફ નથી દેખાતી પણ પિયુને બહુજ પ્રશ્નો પૂછવાની આદત. નાની નાની વાતોમાં ખુબ ઊંડા ઉતરવાની જીજ્ઞાશા. અને પાછા એને સપનાઓ પણ બહુ આવતા. તો કદાચ માનસિક તકલીફ હોઈ શકે. આ સાંભળી એના પપ્પા ચિંતમાં પડી ગયેલા ને પીયુ સામે જોવા લાગેલા. એ સમયે પીયુને ક્યાં કંઈ સમજ પડતી પણ તોયે ડોક્ટરની વાત સમજવા મથતી હોય એમ એના પપ્પા સામે જોઈ રહેલી. ”ચિંતા ના કરો એમાં ગભરાવા જેવું કશું નથી પણ જો સમયસર ઇલાજના થાય તો તકલીફ વધી પણ શકે.”: તમે એકવાર પીયુ ને લઈને દેખાડી આવો.. અને સહેજ પણ વિલંબ વિના ડોક્ટરે કહેલા સરનામે મગજના ડોક્ટર પાસે પહોંચી ગયેલા. પીયુ જરૂરત કરતા વધારે વિચારશીલ છે જેના કારણે એ બરાબર સુઈ નથી શક્તિ અને માનસિક તાણ અનુભવે છે. જેથી એને ખેંચ આવવાની તકલીફ છે. એવું નિદાન આવતા એની ટ્રીટમેન્ટ શરુ થઈ. અઠવાડિયાના ત્રણ દિવસ એને દવાખાને લઇ જવી પડતી અને એક એક કલાક એને એ આછી આછી લાઈટવાળા ચિલ્ડ્રન ટ્રીટમેન્ટ રૂમમાં સારવાર અપાતી. એ સમયે બહાર બાંકડા પર બેઠેલા એના પપ્પા એક જ પ્રાર્થના કરતા કે બસ પીયુ જલ્દી સાજી થઈ જાય. દવાઓ પણ સાથે સાથે ચાલુ હતી. લગભગ પાંચ મહિના સુધી આ ચાલેલું અને પીયુ ઠીક થયેલી. ત્યારથી આજે ૧૮ વર્ષની થઈ કોલેજના પહેલા વર્ષમાં આવી ત્યાં સુધી આવી કોઈ તકલીફ નહોતી થઈ એને. પણ માનસિક બિમારી છે ભવિષ્યમાં પાછો ઉથલો મારી શકે એમ ડોક્ટરે એ વખતે કહેલું.

દેવીકાને પરસેવો વળી ગયો સાડીના છેડાને કપાળ પર ફેરવતા એ વિચારવા લાગી મારી પિયુને પાછું એવું કાંઈ તો નહી થયું હોયને. નહીતો એ શું કામ કારણ વગર આમ વર્તન કરે. એના પગ ધ્રુજવા લાગ્યા. અને એ દોડતી પ્રિયાંશીના રૂમ પાસે ગઈ. દરવાજો હજી લોક હતો. એને યાદ આવ્યુ પીયુ નાનપણમાં દરવાજો વાખી દેતી ત્યારે એને ખોલવા લોકની એક ચાવી એ પોતાના કબાટમાં રાખતી જેથી બહારથી બારણું ખોલી શકાય. એ તરત દાદરા ઉતરી પોતાના કબાટમાં ચાવી શોધવા લાગી અને નીચેના ડ્રોઅરમાંથી તેને ચાવી મળી અને લઈ દોડી એણે બારણું ખોલ્યું.

અંદર પ્રવેશતાજ એની આંખો પહોળી થઈ ગઈ. “રૂમમાં બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો, ટાંકીનું પાણી પૂરું થઈ ગયેલું ને ફુવારો એક એક ટીપે ટપકી રહેલો. પ્રિયાંશી બાથરૂમમાં એમની એમ બેઠેલી...હાથમાં એ વાયરનું ગૂંચળું હતું. એ ઘસી ઘસી ને શરીર પર ઉપસી આવેલા ઉજરડા અને ફૂટેલા લોહીના ટશિયા. ખુલ્લા નીતરતા વાળ. રડી રડીને લાલ થયેલી આંખો..દીકરીની હાલત જોઈ એ આખી હચમચી ગયા. એણે બાથરૂમમાં નજર ફેરવી પણ ટુવાલ ના દેખાયો. એણે પલંગ પર પાથરેલી ચાદર ખેંચી અને પ્રિયાંશીને વીંટાળી ઉભી કરી એણે બહાર લાવી પલંગ પર બેસાડી. શું થયું દીકરા. મને કહેજો. માનો હાથ અડતાજ માંના ખોળામાં માંથુ રાખી પ્રિયાંશી છુટ્ટા મોંઢે રડી પડી. દેવીકાની આંખોમાં પણ આંસુ હતા. તે દીકરીને હળવા હાથે પંપાળી રહી. થોડી વાર બાદ એણે માથું ઊંચું કર્યું અને બોલી.

“મમ્મી જ્યારથી કોલેજમાં આવ્યા ત્યારથી ફીઝીકલ રીલેશન, ઇન્ટીમસી અને સેક્સ જેવા શબ્દો વાતે વાતે સાંભળવા મળતા. મુવીમાં આવતા કિસિંગ સીન જોયેલા ક્યારેક એટલે એ ખબર હતી કે છોકરા છોકરી વચ્ચે આવું કંઈ હોય પણ આગળ કંઈ ખબર નહી એટલે જીજ્ઞાશવશ અમે સાત બહેનપણીઓ એ એક પોર્ન મુવી જોવાનું નક્કી કરેલું. દેવિકા અચરજ સાથે એને સાંભળતી રહી. પ્રિયાંશી નજર મિલાવી વાત કહી રહેલી. આજે સલોની એના મોબાઈલમાં એક ક્લીપ લઇ આવેલી. અમે બપોર પછી જોવાનું નક્કી કરેલું પણ આતુરતા એટલી હતી કે બીજો લેક્ચર બંક મારી અમે કોલેજ કમ્પાઉન્ડમાં છેલ્લા ખૂણાના બાંકડે ટોળું વળી બેસી ગયા. ક્લીપ શરુ થઈ બધા જોઈ રહેલા. પણ હું આખી ના જોઈ શકી. જાણે છે કેમ ? કારણકે મને એમાં કશુંય નવું ના લાગ્યું. જે જાણવા હું આટલી અધીરાઈથી રાહ જોઈ રહેલી. એ તો મારી સાથે દસ વર્ષ પહેલા બંધ ટ્રીટમેન્ટ રૂમમાં કેટલીયેવાર થઈ ગયેલું.” 

દેવિકાના પગ તળીયેથી જમીન સરકી ગઈ. આંખો ફાટી પડી. મનમાં એક ઊંડો ધ્રાસકો પડ્યો. એને પ્રિયાંશીના મોં પર હાથ રાખ્યો ને તરતજ એને છાતી સરસી વળગાળી દીધી. હવે બંનેની આંખો લાલ હતી.

વારંવાર વીંખાતી , પળે પળે પીંખાતી,

છોકરીની જાત જાણે આને માટે જ સર્જાતી, 

બની પત્થરની મૂર્તિ, દેવી રૂપે મંદિરોમાં પૂજાતી,

જાણતા-અજાણતા, મને-કમને,

જીવનમાં કેટલીયેવાર એ પાપીઓથી અભડાતી.

(આજ કાલ વધતા જતા શારીરિક છેડછાડ અને બળાત્કારના કેસમાં ભોગ બનનાર પીડીતામાં મોટાભાગે નાની ઉંમરની દીકરીઓ વધુ નોંધયેલ છે. સમાજમાં દુષણ એટલી હદે વધી રહ્યું છે કે દુષ્કર્મોના ભોગ બનનારમાં છોકરાઓ પણ બાકાત નથી એમની ઉમંર એટલી નથી હોતી કે બધું સમજી સમજી શકે. બધું જાણીને બને કે ડરી પણ જાય. પરંતુ સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ શું છે. કોઈનું તમારી સાથે કેવું વર્તન ખરાબ કહેવાય એની સમજ દરેક માં-બાપે તેના સંતાનને આપવી જરૂરી છે જેથી એ અંદાજ મેળવી શકે અને તમને જણાવી શકે કારણકે માસુમ બાળકોને ખબરજ નથી પડતી કે એની સાથે શું થઈ રહ્યું છે.


Rate this content
Log in

Similar gujarati story from Crime