વ્હાલ
વ્હાલ
“મમ્મી મારે ચોકલેટ ખાવી છે” પાંચ વર્ષની નાનકડી ઈશુએ મમ્મીનો પાલવ પકડતા જીદ કરી.
“ઈશુ ચોકલેટની તને બહુ ખરાબ આદત પડી છે. રોજ ચોકલેટ ખાવાની ? દાંત સડી જવાના છે તારા” સીમાએ એને સમજાવતા કહ્યું.
“પ્લીઝ મમ્મી પ્લીઝ.” ઈશુએ હઠાગ્રહ કરતા સીમાએ મીઠું મ્હેણું મારતા કહ્યું “આ તારા રાહુલ ભાઈએ તને ચોકલેટની આદત પાડી છે તે જા એમને જ કહે તને લાવી આપે.”
“મમ્મી રાહુલ ભાઈ નથી આજે કોલેજથી મોડા આવાના છે એમના મમ્મી એ કહ્યું.
રાહુલ એમના પડોશમાં રહેતોને ઈશુ સાથે એને પહેલીથી બહુજ લગાવ એની માંગતી વસ્તુ પણ લાવી આપતો અને ચોક્લેટ તો રોજ એણે ખાવાનીજ રાહુલના મમ્મીને છોકરી બહુજ ગમતી પણ રાહુલ જ એકમાત્ર સંતાન એટલે એ ઈશુને નાન
પણથીજ રમાડવા લઈ જતા ઈશુને એમના ઘરની ખુબ માયા. મોટા ભાગે ત્યાં જમી પણ લેતી
ઈશુની જીદ સામે જુકી મમ્મી એ એને ચોકલેટ લાવી આપી. એણે ખાતા જોઈ પોતે હરખાઈ પણ ખરી.
“મમ્મી તું મને વ્હાલ નથી કરતી હો.” ઈશુએ ચોકલેટ ખાતા ખાતા ફરિયાદ કરી.
સીમાએ પોતાની મીઠુંડીને ખોળામાં બેસાડતા ગળે ચૂમી ભરી.
“બસ આટલુંજ રાહુલ ભાઈ તો મને બહુ વ્હાલ કરે.”
“એમ ! કેવું વ્હાલ કરે તારા રાહુલ ભાઈ.” સીમાએ હસતા હસતા પૂછ્યું
“રાહુલ ભાઈ મને ચોકલેટ આપે ત્યારે એમના રૂમમાં લઇ જાય પછી મારા કપડા ઉતારે અને મને બહુજ બધી બચીઓ કરે... અને... ” સીમના પગ તળેથી જમીન સરકી ગઈ એની આંખો પહોળી થઈ ગઈ.. એણે દીકરીને પોતાની છાતી સરસી ચાંપી દીધી.