STORYMIRROR

Swati Silhar

Inspirational Children

3  

Swati Silhar

Inspirational Children

સાચા સાંતા ક્લોઝ

સાચા સાંતા ક્લોઝ

7 mins
7.8K


શહેરના બજારોમાં ભારે ધૂમધામ હતી બધીયે દુકાનો અને મોલ પર કરાયેલ લાઈટીંગથી આખું શહેર ઝગમગી રહેલું,લગભગ બધે સેલ ના પાટિયા નજરે ચઢી રહેલા, હોટેલો અને રેસ્ટોરન્ટ પણ ફુગ્ગા અને વિવિધ ડેકોરેટીવ મટીરીયલથી સજાવાયેલી, મોલમાં ક્રિસમસ ટ્રી શણગારીને વચ્ચે મુકેલા, પચ્ચીસમી ડિસેમ્બરે રજાનો અને તહેવાર નો ઉત્સાહ માણવા લોકો ભારે સંખ્યામાં ઉમટી પડેલા, સૌ આનંદિત દેખાઈ રહેલા. ખાસ કરીને બાળકોના ચહેરા આ બધી રોનકથી વધુ ખુશ દેખાઈ રહેલા.

એક મોટા એવા મોલમાં સફેદ લાંબી દાઢી અને જાડી મૂછ, માથે લાલ ટોપી અને લાલ કપડામાં આગળ વધેલી ફાંદ વાળો સાંતા પોતાના દેખાવ અને અવનવી રમૂજથી ત્યાં હાજર બાળકોને મોજ કરાવી રહેલો, બાળકોને ગેમ્સ રમાડતો ને જે જીતે એને જુદી-જુદી ભેટ આપી રહેલો, પાછું દરેક બાળકને બિસ્કિટનું પેકેટ અને ફાઈવ સ્ટાર ચોકલેટ તો મેરી ક્રિસમસ વીશ કરીને સ્યોર ગીફ્ટની જેમ ખરાજ. મોલની દીવાલ પારદર્શક કાચની હોવાથી બહાર ઉભેલા લોકો પણ આનંદ ઉઠાવી રહેલા, આજુબાજુ બધેજ ખુશખુશાલ વાતાવરણ.

મોલની સામે રોડ પર થોડે દુર બેઠેલો છ વર્ષનો લાલુ આ જોઈ રહેલો. તે મોલ તરફ આવ્યો અને અંદર તરફ જવા લાગ્યો. જુના અને સહેજ ફાટેલા ટી-શર્ટ. નીચે પેન્ટ કાપીને બનાવેલ ચડ્ડો, વિખરાયેલા વાળ, ચપ્પલ વિનાના પગ, ચહેરો પણ સાફ નહી, શરીર તેમજ વસ્ત્રોથી મેલા તેમજ માંગણ દેખાતા એ લાલુને મોલના ચોકીદારે અટકાવ્યો.

“એય...ય...ક્યાં જાય છે ? ઉભો રે...”

“કાકા, સાંતા ક્લોઝ પાસે ” લાલુએ વિનંતીના ભાવ સાથે જવાબ આપ્યો.

“ક્યાંય નથી જવાનું. સાંતા ક્લોઝવાળી. ચાલ નીકળ અહીંથી “ ચોકીદારે કડક શબ્દોમાં કહેતા લાકડી બતાવી.

“જવાદોને કાકા, જુઓંને એ બધાને બિસ્કીટ આપી રહ્યા છે મને બહુ ભુખ લાગી છે એકજ પેકેટ લેવા દોને“ આ વખતે લાલુના આવજમાં આજીજી ભળી ગયેલી.

“ભાગ અહિયાથી .હવે જાય છે કે ઝૂડી પાડું.” ચોકીદારે ગુસ્સામાં લાકડી ઉંચી કરી સહેજ ડગલું આગળ ભરી ઉંચાઅવાજે બોલ્યા ત્યાં તો બીકનો માર્યો નાનકડો લાલુ દુર ચાલી નીકળ્યો..

લાલુ થોડે દુર જઈ મોલની દીવાલના કાચ પાસે ઉભો થોડીવાર સુધી અંદરનું દ્રશ્ય જોઈ રહ્યો. સારા કહેવાતા ઘરના બાળકો અવનવા પહેરવેશ અને ડ્રેસિંગમા સજ્જ એ સાંતા ક્લોઝ સાથે મજા કરી રહેલા.આનંદિત વર્તાઈ રહેલા લાલુ આ જોઈ મનમાં ને મનમાં દુખી થઈ રહેલો.એણે ફરી એકવાર આશાભરી નજરે દરવાજા સામે જોયું... હટ્ટીકટ્ટી ક્દકાઠી, જાડી લાંબી મૂછો ગ્રે કલરના કપડામાં ઉભેલા ચોકીદારે લાલ ચોળ મોઢે આંખો કાઢી લાકડી બતાવી. એ છ વર્ષના લાલુને જાણે આ ઈશારાની ભાષા બરોબર સમજાઈ ગઈ હોય એમ ચોકીદારનો અંતિમ નિર્ણય સમજી એની ના સ્વીકારી નિરાશ હ્રદયે ફરી અંદર જોવા લાગ્યો.

લાલુની મા લાલી આ જોઈ ગઈ. એક બિસ્કીટના પડીકા માટે તરફડી રહેલા પોતાના દીકરાને જોઈ હ્રદય અને આંખો ભરાઈ આવ્યા. એક ઊંડા શ્વાસ લઇ હ્રદયને સ્વસ્થ કર્યું અને આંખોને કોરી કરી લાલુ પાસે પહોંચી

“લાલુ..”

“મા..” કહી લાલુ દોડીને લાલીને વળગી પડ્યો.

મોલની બહાર પાળી પર બેસી લાલીએ પ્રેમથી તેના કપાળે ચૂમી કરીને ,વ્હાલથી પોતાના ઝર્ઝરિત થઈ ગયેલા પાલવમાં લાલુને ઢાંકી છાતી સરસો ચાંપી દીધો.

ના લાલુ કંઈ બોલ્યો ના લાલી. જાણે જીવનમાં ખૂટતી જરૂરીયાતોની પૂર્તિ એકબીજાની હૂંફથી કરતા હોય એમ બંને એકબીજાના વ્હાલમાં એકબીજાને વળગી રહેલા. લાલી દીકરાનો હાથ પકડી ત્યાંથી ચાલવા માંડી. થોડેક દુર પોતાના રહેણાંક સ્થાને કે જે જૂની ચાદરોમાંથી બનાવેલ તંબુ જેવું હતું ત્યાં પહોંચ્યા. પહોંચતાની સાથેજ લાલુએ કહ્યું..

“મા, બહુજ ભુખ લાગી છે ..”

લાલી ઉભી થઈ અને પાણીનો ગ્લાસ લાલુને પીવડાવ્યો અને કહ્યું,”ચાલ બેટા તને સુવડાવું”

એક ચાદર પાથરી એક છેડે એ બેઠી અને પોતાના ખોળામાં લાલુનું માથું રાખી સુવરાવી માથે હાથ ફેરવવા લાગી.”

ઘણો સમય થઈ ગયેલો પણ લાલુની આંખો હજી ખુલ્લીજ હતી. ભૂખ્યા પેટે ઉંઘ ના આવે એ વાતનો અનુભવતો એ પોતે રોજ કરતી જ હતીને. અને એમાંયવળી આ તો સાવ નાનું બાળ.” ભૂખની ફરિયાદ મીટાવા તરસ છીપાવવાનું પીણું આપી બાળકને ઊંઘાડી રહેલી મા લાલુ સામે જોઈ રહી. વધુ ભુખ લાગવાના ડરથી નિંદરને આંખોમાં આવકારતો લાલુ સાવ નિરાશ ચહેરે. માંની ઓઢણી ઓઢી ટુંટયું વાળી પડી રહેલો.

“મા આજે દિવાળી છે ?” ગઈકાલની સાંજે રહેણાકે પાછા ફરતા લાલુએ ચારે તરફ રોશની અને શહેરની રોનક જોઈને માને પૂછેલું..

“અરે ના, આવતી કાલે ક્રિસમસ છે. ”મા એ પોતાના નાનકડા દીકરાના ભોળાભાવે પુછેલા પ્રશ્નના જવાબમાં હસતા કહેલું

“એટલે”

“એટલે જેમ આપણે હિંદુ ધર્મમાં દિવાળી હોય એમ ક્રિશ્ચન ધર્મમાં નવું વર્ષ” 

“આપણી જેમ જ ? 

“હા” લાલીએ ટૂંકમાં જવાબ આપ્યો પણ એ નાનકા લાલુને કંઈ આશ્ચર્ય થયું એમ એણે પુછીજ નાંખ્યું. 

“મા આપણી જેમ નહી હો, આપણી દિવાળીમાં ક્યાંય મેં આ લાલ કપડામાં સફેદ દાઢી અને મૂછ વાળા દાદાન

ા ફોટા નથી જોયા કોણ છે એ !એમના ભગવાન છે ?”

“બેટા સાંતા કલોઝ છે એમના સંત.”

“એ શું કરે ?” લાલુને જાણે આ બધું જાણવામાં વધુ રસ પડી રહેલો. 

“એ જરૂરિયાત મંદ લોકોની મદદ કરતા અને કહેવાય છે કે ક્રિસમસની રાતે એની ઉજવણી બાદ બાળકો પાર્થના કરી ઘરની બહાર મોજું લટકાવે અને રાતે સાંતા આવીને એમાં ભેટ મૂકી જાય”

“હેં, મા એ લોકો ઉજવણીમા શું કરે ? આપણી જેમ રોટલી-શાક બંને બનાવે ?” પોતે જોયેલી ઉજવણી મુજબ એ નાદાને સહજ રીતે પૂછ્યું.

“કેઈક કાપે” લાલીએ પણ ક્યાં કોઈ'દી આવું કાંઈ જોયેલું કે ખબર હોય પણ કામના ઠેકાણે આવતા મોટા મોટા સાહેબોની ઓફિસોમાં ઉજાણી થતી હોય એટલે સાંભળેલું એ કહી દીધું

વાત સાંભળી લાલુના મનમાં ન જાણે શું વિચાર ઝબક્યો હશે કે તે તરત ઉત્સુકતાથી બોલ્યો 

“મા..કેઈક તો મને ખબર નથી પણ શું તું મને કાલે સમોસું ખવડાવીશ ? મારે પણ ઉજવવી છે ક્રિસમસ અને પછી હું પણ ભગવાનને પ્રાથના કરી મોજું મુકીશ. મારે પણ ભેટ જોઇએ છે સાંતા પાસેથી.” લાલી એ નાદાન ચહેરાને જોતીજ રહી..

“બોલને મા તું ખવડાવીશને મને સમોસું ?”

“હા બેટા” લાલીએ પ્રેમથી કહેલું.

“મા, ખુબજ ભુખ લાગી છે.” ઠંડીના કારણે લપાઈ ને સુતેલો લાલુ પાછો બોલ્યો. લાલી એ માયુસ ચહેરાને જોઈ રહી ને એને જુઠું સાચું મનાવવા મથામણ કરતી હોય તેમ બોલી 

“દીકરા તને ખબર નથી પડી રહી, તને ભુખ નથી લાગી તને પેટમાં દુ:ખી રહ્યું છે તું પાણી પી લે અને સુઈ જા એટલે મટી જાય.”

પોતાના બાળકને સમોસા ખવડાવવાના વાયદા સામે આજે એને પાણી આપી પરાણે સુવડાવી રહી છે. આખો દિવસ દાળીએ કાળી-મજુરી કરી મળેલ વેતનના પેસા લઇ કેવી ખુશ થતી ઘરે આવી હતી. કે આજે પોતાના દીકરાને એણે માંગેલ સમોસા ખવરાવશે પણ ઘરે પહોંચતાજ પૈસાની રાહ જોઈને બેઠેલો વર બધાય પૈસા લઇ ગયો. પોતે ઘણી ના પાડી ને કોશીશ પણ કરી સમોસા જેટલા પૈસા બચવાની. પણ એ નરાધમ મારીઝૂડી જબરદસ્તીથી બધાય પૈસા પડાવી ગયો દારૂ ઢીંચવા.

લાચાર અને મજબુર માની આંખોમાંથી વહી રહેલા આંસુ એના પાલવમાંથી ગળાઈને લાલુના ગાલને ભીજવી રહ્યા.ભીનાશ જેવું લાગતાજ લાલુ સફાળો ઉભો થયો લાલીની આંખોમાં જોવા લાગ્યો ભગવાન ગરીબીની સાથે કદાચ સમજણ પણ વહેલી આપતા હશે લાલુ જાણે માની આંખોમાંથી વહી રહેલા એ ખારા ગરમ પાણીનું કારણ સમજી ગયો હોય એમ લાલીના ગાલ પર હાથ ફેરવી આંસુ લૂછતાં કહેવા લાગ્યો:

“માં મને બહુ નથી દુખતું તું ચિંતા ના કર અને ભુખ પણ જરાયે નથી, તે કહ્યું ને એમ સુઈ જઇશ એટલે સારું થઈ જશે. મને કંઈ નહી થાય મા તું રડ નહી.”

એક નિરાશ નાનકડું બાળક પોતે ભૂખે પીડાતું હોવા છતાંય માનું દુઃખ ઓછું કરવા પ્રયત્ન કરી રહેલો. આ જોઈ લાલીએ પોતાના દીકરાને છાતી સરસો વળગાળી દીધો એની આંખો જે ટીપે ટીપે વરસી રહેલી એ હવે અશ્રુ ધારાઓ વરસાવવા માંડી. લાલી આકાશ તરફ જોઈ મનમાં બોલી, ”હેં ભગવાન આ તે તારી કેવી કરુણા.”

ત્યાંજ એક કાળા રંગની ગાડી આવીને પાસે ઉભી રહી એમાંથી એક ભાઈ ઉતર્યા સાદા શર્ટ-પેન્ટ પેહેરેલા રાત્રી નો સમય અને સ્ટ્રીટ લાઈટ સિવાય બીજા કશાયનો પ્રકાશ નહી એટલે ચોખ્ખું તો ના દેખાયું. પણ લગભગ ૩૭-૩૮ વર્ષનો એ યુવાન હશે. ચહેરા પર તેજ દેખાતું હતું, કદમાં લાંબો અને સપ્રમાણ શરીર. એને ગાડીની ડેકી ખોલી અને એક મોટું બોક્સ કાઢી તેમની પાસે આવ્યો અને માત્ર મેરી ક્રિસમસ કહી એ ખોખું લાલુ પાસે મુક્યું. એક હળવું સ્મિત ફરકાવી એ ચાલી નીકળ્યો. લાલુ તરતજ ઉભો થઈ જીજ્ઞાશા સાથે એ બોક્સ ખોલવા લાગયો . અંદર ઘણા ફૂડ પેકેટ્સ હતા, થોડા કપડા, સ્વેટર, થોડા રમકડા, અને એક બ્લેન્કેટ પણ હતું.અને સૌથી ઉપર એક બોક્સમાં કેક હતી જેની ઉપર લખેલું “મેરી ક્રિસમસ- ભગવાન તમારી સાથેજ છે” લાલુતો આ જોઈને રાજી રાજી થઈ ગયો. એક પછી એક બધું એ બોક્સમાંથી કાઢી માને બતાવવા લાગ્યો..

આનંદિત થઈ ઉઠેલા લાલુએ માને પૂછવા લાગેલું “મા આ કોણ હતું ?” 

લાલીની નજર તો હજી એ રસ્તા પર જ હતી. એને સ્મિત સાથે જવાબ આપતા કહ્યું : “સાંતા ક્લોઝ” 

લાલુ જરાક થોભ્યો. જાણે કાંઈ વિચારમા પડ્યો હોય એમ, નવાઈ ના ભાવ સાથે પાછું પૂછ્યું: “માં, પણ આને ક્યાં લાલ કપડા પહેર્યા હતા ! 

“બેટા લાલ ક્પડાતો મોલના સાંતા પહેરે. આ તો આપણા સાચા સાંતા હતા.” આટલું કહી લાલી જાણે ભગવાનો આભાર માનતી હોય એમ ફરી આકાશ તરફ જોવા લાગી

મા નો જવાબ સાંભળી દિવસભર તરસતો રહેલો લાલુ સાંતા ક્લોઝ તરફથી પોતાની મળેલ ભેટો જોઈને સંતોષ પામતો એ કેઈક ખાવા લાગ્યો. એની ઉપર લખેલું વાક્ય એને ક્યાં સમજાવાનું હતું.પણ લાલી વિચારી રહેલી કે “ભલે કોઈ કનેક્શન નથી પણ સાચા દિલથી કરેલી પ્રાર્થનાઓ ભગવાન સુધી પહોંચીજ જાય છે.”

“ના સફેદ દાઢી-મૂછ,ના લાલ વાઘા,

 ના પહેરતા ભગવો, ના એ કેસરિયા...

 પ્રાથના સાંભળી ઈશ્વર દોડી જ આવતા,

 બનતા ક્યારેક સાંઈ તો કદી સાંતા....”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational