રોંગસાઈડ
રોંગસાઈડ
મેં મહિનાની ધગ ધગતી બપોરે આખી બસમાં લોકો અકળાઈ રહેલા પણ એને જાણે આજે આ ગરમીની કોઈ અસર જ નોહતી થતી. બારીમાંથી પવન આવતા ચહેરા પર ઉડી રહેલી રેશમી વાળની લટને પણ એને ચહેરા પરથી ના હટાવી. એના સંગેમરમર ચહેરા પર બાજેલા પ્રસ્વેદ બિંદુ તડકો આવતા ઝળહળી ઉઠતા. સુર્ય પ્રકાશ આંખો પર પથરાવા છતાંય એની આંખો એકવાર પણ ઝબકતી નહોતી. એના હોઠ અને ચહેરા પર કોઈ વાતની આતુરતાના ભાવ સ્પષ્ટ દેખાતા હતા,શ્વાસ ઝડપથી ચાલી રહેલા હોય એમ એની છાતી જોરથી ધબકી રહેલી. મનમાં કોઈ ઘમાસાણ યુદ્ધ ચાલી રહેલું જાણે એની નશીલી આંખો અને એ બંને શૂન્યમનસ્ક બની ગયેલા.
“બેન ટીકીટ” કંડકટરે પૂછ્યું પણ એને તો આસપાસની સ્થિતિનો ખ્યાલ જ ક્યાં હતો. જવાબ ના મળતા કંડકટરે ફરી પૂછ્યું “બેન ટીકીટ” અને છેવટે એણે ટીકીટ કાપવાનું પંચ મશીન એના આગળની સીટ પર ખખડાવતા એનું ધ્યાન તૂટ્યું એ ચમકી જોયું તો આસપાસના લોકો એને તાકી રહેલા,“એક લાલચોક” કહી એણે વ્યવસ્થિત બેસી સ્વસ્થ થવાની કોશિષ કરી પણ સવારે અનનોન નંબર પરથી આવેલા એક ફોનમાં સાંભળેલા શબ્દો એના કાનમાં અથડાઈને ફરી એના મન મગજમાં ઘુમવા લાગ્યા.
“હેલ્લો સ્વરા, હું કોણ બોલું છું એ તને નહી કહું. પણ હું તને કોલેજના વર્ષોથી ખુબ ચાહું છું ક્યારેય તને કહી ના શક્યો કદાચ ત્યારે હું તારે લાયક નોહ્તો. થોડા વર્ષો બાદ પગભર થઈ મેં તને મળવાની કોશિશ કરી ત્યારે જાણ્યું કે તારા લગ્ન થઈ ચુક્યા છે. તને ગુમાવવાનું ખુબ દુ:ખ થયેલું પણ તુ મારા નસીબમાં નહી હોય એમ મન મનાવી મેં આગળ વધવાનું નક્કી કર્યું. પણ તારા અલગ તરી આવતા વ્યક્તિત્વ, તારી સાદગી અને તારા સહજ સ્વભાવના કારણે હું તારા ગળાડૂબ પ્રેમમાં ડૂબી ચુકેલો. અને આજ સુધી મારા જીવનમાં રહેલું તારું સ્થાન હું કોઈને આપી શક્યો નથી. હું છેલ્લા દસ વર્ષથી તારી રાહ જોઈ રહ્યો હોય એમ, તારી માટે જીવી રહ્યો છું. હું જાણું છું કે તુ તારા સંસારમાં ખુશ છે. હું તને પરેશાન કરવા નથી માંગતો હું તારા શહેરમાં આવ્યો છું અને તને જીવનમાં પહેલી અને છેલ્લી વાર મળવા માંગું છું. સાંજે ચાર વાગે હું લાલચોકની પર્લ રેસ્ટોરન્ટમાં કોફી પર તારી રાહ જોઈશ અને મને વિશ્વાસ છે કે તુ ચોક્કસ આવીશ.”
“હેલ્લો... હેલ્લો...” સ્વરા બોલતી રહી પણ સામેના છેડે ફોન મુકાઈ ગયેલો. એ સ્તબ્ધ થઈ ગઈ “આવું તો કોણ હશે ? દસ વર્ષ ! આટલા લાંબો સમય !, કોઈ મને આટલી હદ સુધી ચાહી રહ્યું છે ! એના મગજમાં કોલેજના એ દિવસો રીવાઈન્ડ થવા લાગ્યા. કોણ હોઈ શકે એની દરેક શક્યતાઓ એને ઘેરી વળી” એક ફોને એને બત્રીસમાંથી વીસની બનાવી દીધી. પોતાના રૂમમાં જઈ અરીસા સામે ઉભી પોતાને ધારીને જોવા લાગી કોઈ પોતાને આટલી હદ સુધી પસંદ કરી રહ્યું છે એ વાતથી એનું મન રોમાંચિત થઈ ઉઠ્યું. કોઈ પોતાની માટે જીવી રહ્યું છે અને પોતે એને જાણતી પણ નથી અરે એનું નામ સુદ્ધા ખબર નથી,એને મળવા જવું કે નહી ? કોણ હશે એ કેવો હશે ? એકવાર એને જોઈ તો લઉં. એ વિચારોમાં ખોવાઈ ગયેલી.પોતાના રૂમમાં લગાવેલ પોતાના
પતી બિહાગ અને છવર્ષના દીકરા વિહાનના ફોટા સામે નજર જતા એના વિચારો પર બ્રેક લાગી ફોટામાં ઉપસી રહેલા એ ખીલેલા ખુશ ચહેરાને નિહાળતી રહી. હોંઠો પર એક સ્મિત ઘસી આવ્યું મનમાં થયું મારી તો આખી દુનિયા આ બંનેમાં સમાયેલી છે. મારો હસતો ખેલતો, કોઈની નજર લાગે એવો પરિવાર છે. એ જે હોય તે મારે જાણીને હવે શું કરવું છે અને પાછા એ ફોનના પડઘા એના કાનોમાં પડવા લાગ્યા. એને થયું એકવાર દુરથી જોઈ તો લઉં એ કોણ છે. ભલે મળીશ નહી. વિહાનને સ્કુલે મોકલી એ ઝટપટ તૈયાર થઈ નીકળી પડી. નીકળતી વખતે એક વાર એનો પગ રોકાયો પોતાને અત્યંત પ્રેમ કરતા બીહાગને એ અજાણતા દુખી કરી રહી છે. સીધી કે આડકતરી રીતે બીહાગ સાથે દગો તો નથી થઈ રહ્યો ને ? એક તરફ એ વ્યક્તિને જોવાની જીજ્ઞાશા પણ ખુબ થઈ આવેલી. એ ઝડપભેર ચાલવા લાગી.
બસની બારીની બહાર તાકી રહેલી આંખો એણે બંધ કરી. એની એક આંખમાં એ અજાણ્યા અવાજની કાલ્પનિક મુખાકૃતિ રચાયેલી હતી તો બીજી આંખમાં બિહાગ અને વિહાનના હસતા ચહેરા તરવરી રહેલા. એક તરફ એ વ્યક્તિ જે દસ વરસથી એની રાહમાં જીવી રહી છે તો બીજી એવી વ્યક્તિ કે જે દસ વરસથી એની સાથે જીવી રહી છે. એ વ્યક્તિ જે પોતાને અત્યંત ચાહે છે તો બીજી જેના પ્રેમમાં ઈચ્છવા છતાંય ખામી ના નીકળે. એક એ જેની માટે એ જીવનની ચાહના છે તો એક એ જેની માટે એ જીવનનો પર્યાય છે. એક બાજુ કોઈ એવું છે જે એને ખુશ જોવા તડપી રહ્યું છે તો બીજી બાજુ કોઈ એવું કે જેને ક્યારેય પોતાને દુખી નથી થવા દીધી. ક્યારેય એકલી નથી પડવા દીધી, એક તરફ એનું મન એ માણસને જોવા ઈચ્છે છે અને એજ સમયે એનું મન ના કહે છે કે બિહાગની જાણ બહાર એ આવું ના કરી શકે.
“ચલો લાલ ચોક” કંડકટરે બુમ મારી એ બસમાંથી ઉતરી રેસ્ટોરન્ટ તરફ ચાલવા લાગી. એનો એક પગ ઝડપથી પહોંચવા આતુર હતો અને બીજો પગ પાછો વળવા માંગતો હોય એમ ઉપડી નહોતો રહ્યો. હું શું કરી રહી છું ? શું આ યોગ્ય છે ? જઇશ તો બિહાગનું શું ? ના જાઉં તો એનું શું જે રાહ જોઈ રહ્યો હશે ? એ વિચારોમાં ચાલી રહેલી ત્યાંજ “સ્સ્સ્સ...ચચ્ચ...સસ્સ..”કરતી એક ગાડીને બ્રેક લાગી. તે ગાડી સાથે અથડાતા અથડાતા રહી ગઈ. ગાડી વાળા ભાઈએ જોરથી બુમ પાડી “અરે ! અરે ! શું કરો છો બહેન જુઓતો ખરા તમે રોંગસાઈડ પર જઈ રહ્યા છો.” બે કિનારે પહોંચવા ઝઝુમતી મજધારે ડોલતી એના મનની નાવડી જાણે કિનારે પહોંચી ગઈ. એ ગાડીવાળા ભાઈને હાથ જોડી “આપનો ખુબ ખુબ આભાર” કહી પાછા પગલે ઘર તરફ દોડવા લાગી.
દરવાજો ખોલતાજ જોયું તો બિહાગ અને વિહાન બંને રમી રહેલા. એને આવેલી જોઈ વિહાન દોડીને એને મમ્મી મમ્મી કરતો વળગી પડ્યો. તેને છાતી સરસો લગાવી પોતાના વ્હાલમાં નવડાવી દીધો. બિહાગે નજીક આવી તેના ચહેરા પર હાથ ફેરવતા પૂછ્યું “બહુજ થાકેલી લાગે છે, ક્યાં ચાલી ગયેલી ?” સ્વરાએ એની આંખોમાં આંખો પરોવી અને ધીરેથી કહ્યું “થોડીવાર માટે રોંગસાઈડ પર ચાલી ગયેલી” અને પોતાનો ચહેરો બીહાગની છાતીએ લગાડી ક્યાંય સુધી એને વળગી રહી, મનમાંથી એક હાંશકારો સરી પડ્યો.