એક જીવન, બે જીદંગી
એક જીવન, બે જીદંગી
“ એક જીવન..... બે જીંદગી”
એજ પાણીદાર આંખો, એજ નાકની નમણાશ, એજ મનમોહક સ્મિત ફરકાવતા હોંઠ, એજ નિર્દોષ ચહેરો,એજ આકર્ષક વ્યક્તિત્વ,એનું ખડખડાટ હાસ્ય,જિંદગીને મનભરીને જીવી લેવાની એની ચાહ, જીવનની પ્રત્યેક્ષ ક્ષણને જીવતી રાખતી એની વાતો, અને એમાં રણકતો એનો અવાજ...જેની રાજવીરસિંહ જાડેજાને ત્રીસ વર્ષથી આદત પડી ગયેલી એ ચહેરો અને એના અવાજથી જ રાજવીરના દરેક દિવસની શરૂઆત થતી. રાધિકાનો એ ચહેરો આજે પણ એટલોજ મનમોહક અને જીવંત લાગી રહેલો સુખડનો હાર ચડાવેલ તસ્વીરમાં,એ રણકતા અવાજને મૌન થયાને આજે પંદર દિવસ થઈ ગયા.રાજવીર એકચિત્તે તસ્વીરને નિહાળી રહેલો જાણેકે એ રાધિકાની સાથે મૌન સંવાદ રચી રહેલો અને કેમ નહીં આજે પુરા પંદર દિવસે એને રાધિકા સાથે એકાંતની પળ મળેલી..તને ખબર છે રાધિકા? દીકરા વહુએ ખુબ આગ્રહ કરેલો કે ચાલો પપ્પા અમારી સાથે કેનેડા હવે તમે અહીં એકલા ના રહો,દીકરી જમાઈએ પણતો ખુબ કહેલું કે પપ્પા આમ એકલા તમને મૂકીને કેમ જઈ શકીએ તમે પ્લીઝ થોડા દિવસ માટે અમારી સાથે ચાલો પણ હું ના ગયો..હું જાણું છું તું અહીંજ છે મારી આસપાસ તને આમ એકલી મૂકીને હું કઈ રીતે ક્યાંય જઈ શકું? આ ઘર જેની માટે તે તારા જીવનના ત્રીસ વર્ષ રેડી દીધા છે, આ ઘરના એકે એક ખૂણામાં, આ ઘરની એકે એક વસ્તુમાં તારો સ્પર્શ મહેકે છે. આ ઘરની હવામાં અને મારા શ્વાસ માં તું અહીં શ્વસે છે અને પોતાના શ્વાસને છોડીને કોઈ કેવી રીતે જઈ શકે? રાધિકા અહીંયા પળેપળ મને તારા હોવાનો અહેસાસ થાય છે એ જગ્યા જ્યાં તારી સાથે જીવનની શરૂઆત કરેલી, જિંદગીને મનભરીને જીવ્યા,એકબીજાની સાથે એકબીજાના પ્રેમમાં અને એકબીજાના સાનિંધ્યમાં,મારી અંતિમક્ષણ સુધી હું તારી સાથેજ રહેવા માંગુ છું બોલ તું સાથ આપીશને ?" રાજવીરની આંખોમાં ભેજ ઉતરી આવ્યો તસ્વીર ઝાંખી દેખાવા લાગી રાજવીરે પોતાની આંખો લૂછી અને થોડા સ્વસ્થ થયા..
બેડરુમમાં જઈ રાધિકાનો કબાટ ખોલ્યો બધાજ કલર એના કબાટમાં જોઈ શકાતા એને રંગો ખુબજ પ્રિય હતા એ વારંવાર કહ્યા કરતી કે "રંગો વિના જિંદગી પણ બેરંગ જ લાગે"..આખો કબાટ એકદમ વ્યવસ્થિત અને સ્વચ્છ રીતે ગોઠવાયેલો હતો બિલકુલ એના વ્યક્તિત્વની જેમ. ઘરને પણ એ કેટલું સ્વચ્છ સુંદર રીતે સજાવીને રાખતી. બિલકુલ વચ્ચેના ખાનામાં આલ્બમ પડેલા રાજવીરે એમાંથી પોતાના લગ્નનું આલ્બમ હાથમાં લીધું અને ત્યાં બેડ પરજ જોવા બેસી ગયો... લાલ કલરના પાનેતરમાં વિસ વર્ષની રાધિકા અદ્દલ અપ્સરા લાગી રહેલી જેને મેં પામેલી,જેટલી સુંદર એ હતી એટલુંજ સુંદર જીવન એણે મને આપ્યું, રાજવીરની સામે એના ત્રીસ વર્ષનો જીવનકાળ રિવાઇન્ડ થવા લાગ્યો।. રાધિકાનો ગૃહપ્રવેશ એની સાથેનું જીવન એની સાથે વિતાવેલી દરેક સુંદર ક્ષણો..ખરેખર રાધિકા તે મને જીવનમાં હમેશા આપ્યુંજ છે મઁદિર જેવું ઘર,બે બાળકો, અઢળક પ્રેમ અને બાગ જેવું મહેકતું આખું જીવન,દુનિયાનો દરેક પુરુષ ઈચ્છે છે એવી આદર્શ પત્ની, એક સાથી કે જેની સાથે જીવનનો પ્રવાસ સરળ અને સુંદર લાગે, એવી સંગીની જેની સાથે ઉગતો દરેક દિવસ નવો અને મજેદાર બની જાય, તું ઘરમાં હોય તો આખું ઘર ભરેલું લાગે તું થોડીવાર માટે પણ બહાર જતી તો મને લાગતું કે જાણે ઘરમાં કોઈ છે જ નહી,દરેક વાતનો,દરેક તહેવારનો દરેક વ્યવહારનો, ખુબજ શોખ, ક્યારેય કોઈ પણ ફરિયાદ તે કરી નહીં, જિંદગીને તું મનભરીને જીવતી, તું ઘણીવાર કહેતી "કે મુત્યુ પછી શું છે એ તો કોઈને ખબર નથી પણ જીવન સત્ય છે જે મારે ગુમાવવું નથી અને મને પણ સદાય ધબકતો રાખતી, તારી મ્હેકથી તે મારા આખા જીવનને તરબતર કરી દીધું છે રાધિકા. તું ઘણી વાર કવિતાઓ કહેતી એમાં તે એકવાર મને કહેલું "તું આવે। .. ને જયારે જયારે મને અડકે।.. મને આ જીવન જીવવા માટે ઓછું પડે..."ખરેખર રાધિકા મને આ જીવન તારી સાથે જીવવા માટે ઓંછુંજ પડ્યું છે...ખુબ જલ્દી ચાલી ગઈ તું..
રાજવીરે મનમાં એક નિઃશાસો નાંખ્યો અને આલ્બમ પાછો એના ખાનામાં મુક્યો,એના ઉપરના ખાનામાં બધાજ કાર્ડ પડેલા જે રાધિકાએ જાતે રાજવીરમાટે બનાવેલા રાધિકાને ખુબ ગમતું આ બધું, એકવાર મેં એને કહેલુ"શું કામ આટલી મહેનત કરે છે?આજકાલ બધું માર્કેટમાં સારામાં સારું મળેજ છે ને"અને એણે કહેલું"એમ? તો ખરીદી આપો મને થોડી લાગણી થોડો પ્રેમ? તમારી માટે આ કાર્ડ હશે પણ મારી માટે મારી લાગણી છે પ્રેમ છે તમારા પ્રત્યેનો, પૈસાથી ખરીદેલી વસ્તુમાં આવું કંઈ થોડું મળે, અને પોતાની વ્યક્તિ માટે દિલથી કંઈ કરીએ ને તો એનો થાક લાગે નહીં પણ લાગેલો થાક ઉતરી જાય" એની આવી વાતોથી એના પ્રત્યેનો મારો પ્રેમ બમળો થઈ જતો. હું તરતજ એને પોતાની તરફ ખેંચી આલિંગનમાં જકડી લેતો અને એ પણ જાણે એમાં ઓગળતી જતી...રાજવીરે એ બધાજ કાર્ડ હાથમાં લીધા અને એની નજર લાલ કવરવાળી ડાયરી પર પડી..અરે આ તો એજ ડાયરી જે રાધિકા ક્યારેક ક્યારેક લખતી...એક વાર હું ઓફિસથી આવ્યો ત્યારે એ બાલ્કનીમાં બેસીને કંઈક લખી રહેલી મેં એની પાસે જઈને પૂછેલુ
"આ તું આમા શું લખ્યાં કરે છે રાધિકા?" અને
એને હસીને કહેલું "જિંદગી"
"અરે પાગલ જિંદગી જીવવાની હોય લખવાની નહીં"
એ હસીને રસોડામાં ચ્હા બનાવવા ચાલી ગયેલી. શું લખ્યું હશે આમા રાધિકાએ? ક્યારેય પોતે વાંચી નથી એની ડાયરી,રાધિકાએ ક્યારેય એની માટે ના નોહતી પાડી કે ના એને ક્યારેય લોકર માં રાખેલી પણ એવી કોઈ ઈચ્છાજ નહોતી થઈ આજ સુધી,રાજવીર કાર્ડ બાજુ પર મૂકી એની ડાયરી લઇ બાલ્કનીમાં હિંચકા પર ગોઠવાયો.
રાજવીરે ડાયરી ખોલી પહેલાજ પન્ના પર લખેલું “જિંદગી”,એક સ્મિત ચહેરા પર રેલાઈ ગયું એને પાનું ફેરવ્યું...“આજે રાજ લીવીંગ રૂમમાં બેઠા બેઠા ગીત ગાઈ રહેલા રાજવીરના ચહેરા પર ફરી એક સ્મિત છલકાયું“મારી રાધિકા, એક તુજ મને રાજ કહેતી” ફરી ડાયરીમાં નજર કરી..“તેરા મુઝસે હે પહેલે કા નાતા કોઈ યુહી નહિ દિલ લુભાતા કોઈ... જાને તું...યા જાને ના..,માને તું...યા માને ના...”માધવની યાદ આવી ગઈ.
“માધવ?” રાજવીરે પ્રશ્નાર્થ ભરી દ્રષ્ટિ ડાયરીની બહાર ફેંકી..આ કોણ આ નામ તો મેં પહેલા ક્યારેય સાંભળ્યું નથી..રાજવીરે આગળ વાંચવાનું શરુ કર્યું.
“કોલેજમાંથી પ્રવાસ ગયેલા ત્યારે રાતના ફાયરકેમ્પ વખતે તેણે આ ગીત ગાયેલું અને જીગીષા મારી સામે જોઈ હસી રહેલી,રાત્રે જીગું એ કહેલું..“રાધિકા આ ગીત તારી માટેજ ગાયું છે માધવે.”
“અચ્છા? તને એની બધી બહુ ખબર”
“હા એણે જ કહેલું કે “જીગુ હું જયારે આ ગીત સાંભળું છું ત્યારે એવું લાગે છે કે જાણે આ ગીત મારી અને રાધિકા માટેજ બન્યું છે..ખરેખર કંઈક તો એવું છે જે મને એના તરફ ખેંચી જાય છે”
જીગીષાને એ બહેન માનતો અને એની મિત્ર પણ,બન્ને વચ્ચે ગાઢ મૈત્રી હતી બંને એકબીજા સાથે લગભગ બધીજ વાત વહેંચતા પછી એ ઘરની હોય,બહારની હોય કે મનની હોય. જીગીષા મારી પણ તો બેસ્ટ ફ્રેન્ડ હતી બધા એને વ્હાલથી જીગુ જ કહેતા.માધવે જીગુને આ વાત કરી હશે એ વાતે મને કોઈ શંકા નહોતી અને કદાચ જીગુએ મને ના પણ કહ્યું હોત તો પણ હું જાણતીજ હતી કે આ ગીત મારી માટે જ ગવાયુ હતું. પણ મારે એને સ્વીકારવાનું નહોતું..
“હશે...હ્મ્મ્ન” ચેહરા અને મન પર છવાયેલી ખુશી છુપાવવા મોં મચકોડીને હું ચાદર માથે ઓઢી ગયેલી.
રાજવીર ને કંઈજ સમજાતું નહોતું આ શું હતું?અને વિશ્વાસ નોહોતો આવી રહેલો હા જીગીશાને એ ઓળખતો પણ આવું કશું?...પોતાના આશ્ચર્ય વચ્ચે એને આગળ વાંચવાનું શરુ કર્યું ડાયરીના એક પછી એક પાના ખુલતા ગયા..
***********
ગુડ્ડુની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે રોજ એની ફ્રેન્ડ આવે છે વાંચવા ઘરે..હું પણ તો જતી હતી જીગુને ત્યાં દશમાની પરીક્ષા વખતે..વાંચીને કંટાળીએ એટલે વાતે ચડીએ અને વાત વાતમાં જીગું મને રોજ એકવાર તો કહીજ દેતી “રાધિકા માધવ તને ખુબ પસંદ કરે છે અને દિલથી કરે છે ટાઈમપાસ માટે નહી,એની આંખોમાં મેં તારી માટે પ્રેમ જોયો છે. અને એક તું છે જે હમેશા એની અવગણના કરે છે,તને અકળાતી જોઈ એ ક્યારેય તારી હાજરીમાં વધુ સમય અહિયાં રોકાતો નથી. બિચારો ખરેખર બહુ દુખી થઈ જાય છે..અને હું ચુપ જ રહેતી,..હું પોતે પણ તો જાણતી જ હતી ને કે મારા આવા વર્તનથી એ દુખી થાય છે પણ એને પસંદ કરવાની મને પરવાનગી ક્યાં હતી? કારણકે હું માત્ર રાધિકા નહી “રાધિકા રાજપૂત” હતી. એવા ઘરમાં ઉછરેલી જ્યાં સ્ત્રીની સ્વતંત્રતા માત્ર સ્વપ્નમાં જ શક્ય હતી..હું બાપુજીને ખુબ વ્હાલી પણ પોતાની આબરૂ,પોતાના રૂઆબ,પોતાની ખાનદાનીથી વધુ તો નહીજ..એમને મન એમની ઈચ્છા,એમનો નિર્ણય,અને ખાનદાનની પરંપરા જ હમેશા પ્રથમ સ્થાને રહેતા.એમનું જ અંશ છું હું એમના સ્વભાવને રગે રગ જાણું છું. જો એમની દીકરી પર કોઈ વાત આવશે તો એ શું કરશે એ વિચાર માત્રથી હું ધ્રુજી જતી અને ગમે તે હોય એ મારા પિતા હતા એમના પ્રત્યે પ્રેમ ખુબ હતો એમને પણ હું ક્યારેય દુખી કરવા નહોતી માંગતી..એટલેજ તો હું હમેશા માધવને મારી નજીક આવતા રોકતી. મને માધવની કોઈ વાત ગમે તો પણ હું મારા હાવભાવમાં ગુસ્સો, અણગમો, નારાજગી જ વ્યક્ત કરતી, જો હું આવું ના કરું તો હું રાજી છું એમ માની માધવ મારી તરફ વધુ આકર્ષાય,અને એને ખોટા રસ્તે વાળી દુખી કરવા મારું મન મંજુરી નહોતું આપતું...
********
એકવાર બારમાં ધોરણમાં એક છોકરાએ મને હેરાન કરેલી અને હું ખુબ રડી હતી બસ આ વાતની જાણ માધવને થઈ અને એને શું કર્યું એ તો મને હજી પણ ખબર નથી પણ પછી ક્યારેય કોઈ મારી સામે આંખ ઉઠાવીને જોતું નહી..માધવે એકવાર કહેલું પણ ખરા “હવે કોઈ તને હેરાન નહી કરે, અને આમ આવી વાતોમાં આટલુંતો રડાતું હશે.?” મને ખુબ સારું લાગેલું એ દિવસે પણ હું રોજની જેમ ચુપ જ રહેલી અને એ જતો રહ્યો
..
*******
આજે ઘણા વર્ષો બાદ સી.ટી. બસમાં મુસાફરી કરી..બપોરનો સમય હતો એટલે ખાસ ભીડ નોહતી..અને માધવ પણ ક્યાં હતો? એકવાર કોલેજ થી આવતા બસમાં ખુબ ભીડ મને જ્ગ્યાતો મળી પણ વિન્ડોસીટની બાજુની અને વચ્ચેથી પસાર થતા બધા લોકો મારા ખભે અથડાતા..હું અકળાઈ રહેલી અને ત્યાંજ માધવ મારી સીટની બાજુમાં આવીને ઉભો રહો ગયેલો..એને જોઇને હું તરતજ ઉભી થઈ ગઈ...એને મારો હાથ પકડ્યો અને ગુસ્સામાં કહ્યું”ચુપચાપ બેસીજા જગ્યા પર”એનો અવાજ અને હાવભાવ એટલા મક્કમ હતાકે હું આગળ કઈ બોલ્યા વિના ત્યાંજ બેસી ગઈ..આજે એનો ગુસ્સો મને ખુબ ગમેલો,આખી બસમાં લોકો અકળાઈ રહેલા પણ હું શાંતિથી બેઠેલી સુરક્ષિત એના પડછાયામાં. એવું થતું હતું બસ આમજ આ પડછાયામાં જીવન પસાર થઈ જાય...
હું અને જીગુ બસમાં કોલેજ આવતા.જયારે જીગું ના આવવાની હોય એ એને ખબર હોય,ત્યારે માધવ ખાસ બસમાં આવતો..એકવાર યુથ ફેસ્ટીવલની પ્રેક્ટીસ ચાલી રહેલી અને મારે મોડું થઈ ગયેલું,શિયાળાનો સમય એટલે અંધારું થઈ ગયેલું...માધવ જાણતો હતો કે હું એની બાઈક પાછળ ક્યારેય નહી બેસું એટલે એ એનું બાઈક કોલેજમાં પાર્ક કરી મારી સાથે બસમાં આવેલો..એ હમેશા આમ કરતો હું જાણતી હતી પણ એ ક્યારેય એવું લાગવા દેતો નહી...ના મારી સાથે વાત કરતો,ના મારી પાસે ઉભો રહેતો,મારી આસપાસ હાજર રહેતો અને હું જે બસમાં બેસું એમા ચડી જતો...સાંજની બસમાં ભીડ નોહતી એટલે એ મારી સામેની સીટ પર બેઠેલો પણ જેવી ભીડ વધવા લાગી એ મારી બાજુની સીટ પર આવીને બેસી ગયેલો..ના કોઈ વાત-ચિત, ના કોઈ હલચલ, બારીમાંથી ઠંડો પવન આવી રહેલો એવું લાગી રહેલું કે બસ આમ જ ચાલતી રહે,અને ઘર ક્યારેય આવેજ નહી...
એ રાત્રે આખી રાત એકજ નામ વિચારે ચડેલું “માધવ, માધવ અને માધવ”. છેલ્લા ત્રણ વર્ષથી મેં એકપણ વાર એની સાથે વાત નથી કરી,હમેશા ઇગ્નોર કર્યો છે,મારા વર્તનમાં મારી વાતોમાં હમેશા નફરતની નજર જ મેં એને બતાવી છે...અને છતાય એ માણસ સહેજ પણ ડગ્યો નથી. એનો પ્રેમ નીભ્વ્યા કરે છે,મારી આસપાસ રહીને મારું ધ્યાન રાખે છે,,મને એકલી નથી પડવા દેતો, મારી ચિંતા કરે છે,મારી માટેની લાગણી એના દરેક વર્તનમાં દેખાય છે..કેવો પ્રેમ છે આ જેમાં કોઈ વાત ચિત નથી,પ્રેમની અભિવ્યક્તિ નથી,પ્રેમભ્રર્યા મિલનની ક્ષણો નથી,પ્રેમી-પ્રેમિકા નથી,અને છતાંય પ્રેમ તો છે..નિસ્વાર્થ,અપેક્ષાવીનાનો...પવિત્ર...
*************
આજે અમે પીકનીક ગયેલા, ખુબ મજા કરી, તળાવમાં બોટિંગ પણ કર્યું, બોટમાં બેસતા મારો પગ સહેજ લપસ્યો પણ રાજે તરતજ હાથ પકડી લીધો એવીજ રીતે જેવી રીતે ક્યારેક માધવે... કોલેજમાંથી સાપુતારા પીકનીક ગયેલા માએ ઘરેથી નીકળતા જ સૂચના આપી દીધેલી કે ટેકરીઓ અને પાણીથી દૂર રહેજો ,પણ બધા મિત્રો બોટિંગ કરી રહેલા એટલે હું અને જીગુ પણ ગયા બધાજ લોકો મસ્તીમાં હતા,હું બોટમાં બેસવા ગઈ કે મારો પગ બોટની ધાર પરથી છટક્યો અને હું સીધી તળાવમાં પડી બધાએ ચીસાચીસ કરી મૂકી અને ક્ષણ ભરના વિલંબ વિના કોઈ મારી પાછળ તળાવમાં કૂદયું મારો હાથ પકડી મને તળિયેથી ખેંચી અને ઉપર લઇ આવ્યું ત્યાં હાજર બોટ વાળા ભાઈઓએ રિંગ નાંખી મને કિનારે ખેંચી લીધેલી,તળાવ ખુબ મોટું હતું અને અંદર સાપ પણ હતા ક્ષણભર તો મને લાગેલું કે એ મારા છેલ્લા શ્વાસ છે, ખુબ ગભરાઈ ગયેલી, બધા મિત્રો અને પ્રોફેસરોની ભીડ મને ઘેરી વળેલી, શ્વાસ થોડા નોર્મલ થયા એટલે મેં જીગુને પૂછ્યું એ કોણ હતું જે મારી પાછળ આવા તળાવમાં કૂદયું... "બીજું કોણ હોઈ શકે, માધવ શિવાય ?"
"માધવ।..!" હું ભીડથી બહાર આવી,થોડા દૂર એક બેન્ચ પાસે માધવ ટોવેલથી પોતાના વાળ અને શરીર કોરા કરી રહેલો હું એની તરફ આગળ વધવા લાગી,ત્રણ વર્ષમાં પહેલીવાર એવું બનેલું કે હું સામેથી એની પાસે કોઈ વાત કરવા જઈ રહેલી ,
"માધવ આ શું કરે છે તું?આવા ભયાનક તળાવમાં તું કૂદી પડ્યો તને ખબર છે?તારો જીવ પણ જઈ શકતો હતો"
એને મારી આંખો સાથે આંખો મિલાવી "હા જઈ શકતો હતો, અને જો ના કૂદયો હોતને તો મારો જીવ જતોજ રહ્યો હોત..."
હું કંઈ બોલી ના શકી કેટલો પ્રેમ હતો એ આંખોમાં, એવું થતું હતું જાણે ડૂબી જાવ એ આંખોમાં અને માધવ એની આંખો બન્ધ કરી મને હમેશા માટે એમાં સમાવી લે... આખા રસ્તે એક મનોમંથન ચાલતું રહેલું કે માધવથી દૂર થઈ કેમ રહી શકાશે, પણ બાપુજી?, ગમેતેમ તોય હું એમનું સંતાન છું,એ ચોકક્સ માની જશે, ઘરે પહોંચી પહેલા બા ને વાત કરીશ કે પોતાના જીવથી વધારે પોતાને ચાહવા વાળો રાજકુમાર મળી ગયો છે તારી દીકરીને...માધવ" ઉભી થઈ પાછળ નજર કરી છેલ્લેથી ત્રીજી સીટ પર બેઠેલો માધવ સુઈ ગયેલો. એને જોતાજ એક મુસ્કાન ચહેરાને સ્પર્શી ગઈ...આજે માધવ પર કઁઇ વધુજ પ્રેમ ઉભરાઈ રહેલો.
પુરા ત્રણ દિવસબાદ હું ઘરે પહોંચી,ખુબ ખુશ હતી હુ પણ ઘરે પહોંચ્તાજ એ ખુશી રોળાઈ ગઈ..આ શું ?ઘરે કુટુંબના બધા સભ્યો હાજર હતા અવનદીદીનાં ફોટા પર હાર ચડાવેલો, બ્રાહ્મણ કંઈ મંત્રો વાંચી રહેલા બધાના ચહેરા ગંભીર હતા...હું રડતા રડતા સીધી માં તરફ દોડી "માં અવનીદીદીને શું થઈ ગયું?"ખબરદાર જો કોઈએ આજ પછી એ હરામખોરનું નામ પણ આ ઘરમાં લીધું છે તો?" મોટા બાપુ સિંહ ગરજે તેમ ગરજી પડેલા, અવનીદીદી મોટા બાપુની દીકરી...બા એ કહ્યું અવની કોઈ બીજી ન્યાતના છોકરાને પસન્દ કરતી હતી અને મોટા બાપુએ વિરોધ કરેલો, એ બન્ને ગઈકાલે ભાગી ગયા છે. "શું?"..."એ છોડી આપણી માટે આજથી મરી ગઈ છે" એમ કહી બાપૂજી એ એમના જીવતા જીવ એમનું શ્રાદ્ધ કરી દીધેલું.હું તો હેબતાઈ ગયેલી નજરે આ બધું જોઈજ રહેલી,શ્રાદ્ધ પતાવી બાપુજી ઉભા થયાકે ત્યાં હાજર દરેક ભાઈઓને તલવાર આપી અને કહ્યું બન્નેજણા જ્યાં દેખાય ત્યા એમના ચિંથડા ઉડાળી દેવા." "માધવ પર પણ ક્યારેક તલવાર ઉઠી શકે એ વિચાર માત્રથીજ"નહિઈઈઈ...."મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ...ત્યારેજ મેં નક્કી કરી લીધેલું કે ના હું માધવને ક્યારેય નહીં કહું કે હું એને ખુબ ચાહું છું ક્યારેય મારી નજીક નહીં આવવા દઉં, હું એને મોતની ભેટ નાજ આપી શકું"...
"મારા હાથમાં રેખાઓ તો છે.... પણ,એમાં તારું નામ નથી,
મારી જિંદગીમાં તો તું છે,... પણ,નસીબમાં તારો સાથ નથી.."
“માધવ મને માફ કરજે મેં તને દુઃખીજ કર્યો છે તે મને ખુબ પ્રેમ આપ્યો પણ બદલામાં હું તને….” હું માધવને ક્યારેય મળી નહીં એને ઘણીવાર મળવાની કોશિશ કરી મને કંઈ કહેવા ઈચ્છતો હતો પણ હું મક્કમ હતી.
***********
શું નથી મારી પાસે?એક સ્ત્રી ને જોઈએ એ બધુજ એક પ્રેમ કરનારો પતિ,બે બાળકો,ઘર,પરિવાર,સંપત્તિ,માન મોભો,સ્વતંત્રતા,પણ કેમ? કેમ મને સતત મનના ઊંડેથી કંઈ ડંખ્યા કરે છે..કેમ કંઈક ખૂટ્યા કરે છે.
સુખ સઘળું સમાણુ પાલવમાં મારા ,
તોય ના જાણે એ શું છે?
જે ખૂટે છે,
નથી દુઃખનો વાસમાત્ર, જીવનપ્રદેશમાં મારા,
એ શું છે?
જે ખુશીઓનો મહાસાગર લૂંટે છે,
ચિત્ર, જીવનનું સુંદર મજાનું,લાગ્યા કરે અધૂરું મુજને,
એ કયો રંગ છે?
જે ભરવાનો છૂટે છે,
જિંદગી રહી જાય છે અધૂરી,
એ શ્વાસ કોઈ નામનો,આજે પણ તૂટે છે.
પૂજા કરતા માને એકવાર પૂછેલું કે માં ક્રષ્ણ પણ તો રાધાને પ્રેમ કરતા હતાને તો એમને લગ્ન કેમ નહોતા કર્યા એમની સાથે, ત્યારે માં એ કહેલું "બેટા પ્રેમમાં કોઇતો તાકાત જરૂર છે તન જુદા થઈ શકે પણ મન નહીં, ક્રષ્ણ વૃંદાવન છોડીને ગયા પછી ક્યારેય રાધાજીને નથી મળ્યા પણ એમની અંતિમક્ષણ સુધી મનમાં રાધાજી જ વસેલા હતા, બાકી જે મહાભારતમાં પાંડવોને જીતાડી શકે, જે ભરીસભામાં દ્રૌપદીના ચીર પુરી શકે,જે સોળ હજાર ગોપીઓને રાણી બનાવી શકે, તો શું એ ઈચ્છે તો રાધા સાથે લગ્ન ના કરી શકે?" કૃષ્ણને જાણતો હતી કે રાધાજી પણ એમને પ્રેમ કરે છે કાશ હું પણ માધવ ને કહી શકી હોત કે હું તને પ્રેમ કરું છું, ખુબજ કરું છું.
*********
ડાયરીનું છેલ્લું પાનું પૂરું થયું,રાજવીરની આંખો ભીની થઈ, અરે રાધિકા,તું મન ભરીને નહીં મનમાં ભરીને જીવતી હતી અને હું પાગલ આજ સુધી તને જાણી ના શક્યો,તે દિલખોલીને પ્રેમ આપ્યો અને હું તારા દિલને ના પરખી શક્યો,,તારી અધૂરપને ના કળી શક્યો, રાજવીરે તરતજ ઉભા થઈ ટેલિફોન ડાયરીમાંથી નમ્બર લગાડ્યો "હેલો જિગીષા,વધુ વાત કરવાનો સમય નથી તું પ્લીઝ મને જલ્દી માધવનું ઍડ્રેસ્સ આપ "
રાજવીરસિંહ તરતજ ગાડી લઈને નીકળી પડ્યા એક ઘર સામે ગાડી પાર્ક કરીને અંદર ગયા ભીડ હતી ઘરમાં,એક બહેનને પૂછ્યું માધવભાઈ ને મળવાનું છે ,"અરે તમેં નથી જાણતા એમના સ્વર્ગવાસને તો આજે પંદર દિવસ થયા "
"શું?"
"એમનો પરિવાર ક્યાં છે?"
"લાગે છે પહેલીવાર આવ્યા છો મળવા મધવરાયેતો લગનજ નથી કર્યા એ એકલાજ રહેતા"
રાજવીરને ઊંડે નિઃશાસો પડ્યો રાધા અને કૃષ્ણ ક્યારેય નહોતા મળ્યા, એમજ રાધિકા અને માધવ પણ... એ ગાડી તરફ જવા નીકળ્યો હાથમાં રાધિકાની ડાયરી લઈને...જે એ માધવને આપવા આવેલો,.. રાજવીરે પેન લઈ ડાયરીમાં જ્યાં જિંદગી લખેલું એની આગળ લખ્યું "એક જીવન બે..." હા,બે જિંદગી તો હતી એક જે એને જીવી ભરપૂર મારી સાથે,અને બીજી જે એ નહોતી જીવી માધવ સાથે,..."એક જીવન..... બે જીંદગી"
-સ્વાતિ સીલહર