અધૂરા સપના
અધૂરા સપના
“અરે સાંભળ્યું કે” સંતોક બહેને ઉત્સાહી અવાજે સૌમિલભાઈ સામે જોઈ કહ્યું
“શું થયું ?” સૌમિલભાઈ એ છાપું વાંચતા વાંચતાજ જવાબ આપ્યો..
“આ નયનભાઈના દીકરાની વહુને એવોર્ડ મળ્યો. સ્ટેટ લેવલે કથક ડાન્સ કોમ્પીટીશનમાં પહેલી આવી છે અને સમાજવાળા સન્માન પણ કરવાના છે એનું. એને તો આખા ખાનદાનનું નામ અજવાળ્યું.” પછી
ચોકડીમાં વાસણ ધસી રહેલી વંદનાની સામે જોઈ કટાક્ષમાં બોલ્યા “વહુ હોય તો આવી, હેં ભગવાન બધાના નસીબ ક્યાં નયનભાઈ જેવા હોય છે.”
વંદના કામ પતાવી પોતાના રૂમમાં આવી.. સાસુના બોલેલા શબ્દો કાનમાં અથડાયા. ઉદાસ મોંએ એણે કબાટનું બંધ ખાનું ખોલ્યું. પોતાની ડાયરી કાઢી સ્વલિખિત કવિતાઓ વાંચવા લાગી. આજે નવી કવિતા લખવા પાનું ખોલ્યું અને પેન ઉપાડી શીર્ષક લખ્યું “અધૂરા સપના”
“વંદના વહુ ૪ વાગી ગયા, આ ચા કેમ ના આવી હજુ. સુઈ ગયા છો કે શું” સંતોક બહેને આંગણામાંથી બુમ પાડી અને વંદનાના હાથમાં રહેલી પેન અટકી ગઈ. આંખમાંથી આંસુ સરી પાના પર પડ્યું. એણે ભીનો થયેલો કાગળ લૂછ્યો અને સાથે આંખો પણ. ડાયરી બંધ કરી ખાનામાં મૂકી કબાટ બંધ કરી દીધું. કવિતા અધૂરી રહી ગઈ એના સપનાની જેમ.