ઢળેલી આંખો
ઢળેલી આંખો
શ્રેયાએ ઘડિયાળમાં જોયું સાંજના સાડાછ થયેલા. એણે ઝડપથી બાથરૂમમાં જઈ નાઈટ ગાઉન પહેર્યું. તૈયાર થઈ વાળ થોડા વીંખી નાંખી ખુલ્લા કરી દીધા. ડ્રોઈંગ રૂમમાં પડેલ ટીપોઈ પર પીવાઈ ગયેલ કોફીના બે એંઠા મગ મુક્યા અને સોફાના તકિયા થોડા અસ્ત વ્યસ્ત કરી નાંખ્યા. ત્યાંજ ડોરબેલ વાગી. એણે ઝડપથી બેડરૂમમાં જઈ બેડની ચાદર પર કરચલી પાડી. અને બ્લેન્કેટ ખોલીને અવ્યવસ્થિત હાલતમાં બેડ પર મૂકી દીધું.
દરવાજો ખોલતાજ સાહિલે શ્રેયાને જોઈ અને એને અજુગતું લાગ્યું. સાડીમાં સજ્જ રહેનાર શ્રેયા આજે આ સમયે નાઈટ ગાઉનમાં એ વિચારતા ઘરમાં પ્રવેશ્યો. સોફા પર બેસી બુટ કાઢતા ટીપોઈ સામે નજર પડી બાજુમાં સોફા તરફ ધ્યાન ગયું. “કોણ આવ્યું હતું ઘરે ?” એણે પૂછ્યું પણ શ્રેયાં જવાબ આપ્યા વિના કોફીના મગ લઈ રસોડામાં ચાલી. શર્ટના બટન ખોલતો એ બેડરૂમમાં પહોંચ્યો અને વી
ંખાયેલી પથારી જોઈ કંઈ કેટલાય વિચારો એના મગજમાં ફરી વળ્યા. લાલઘુમ ચહેરે એણે બુમ પાડી “શ્રેયા...આ..” પણ શ્રેયાએ જાણે સાંભળ્યું જ ના હોય એમ રસોડામાં કામ કરતી રહી. સાહિલ ગુસ્સામાં આગ જારતો લાલ આંખો સાથે શ્રેયા પાસે જઈ એનો હાથ જોરથી પકડ્યો અને તાડુક્યો “કોણ હતો એ બોલ.. મારી ગેર હાજરીમાં આ બધું... તને શરમ ના આવી”
શ્રેયા શાંત ચિતે એની નજરોમાં નજર મિલાવી બોલી. “સૌથી પહેલાતો તમારો આ ગુસ્સો ખંખેરી નાંખો અને ધોઈ આવો તમારી આ લાલઘૂમ આંખો”
સાહિલના કપાળ પર કરચલીઓ ઉપસી આવી લાલ આંખો વધુ લાલ થઈ “લોહી ઉકળી રહ્યું છે મારું કેવી રીતે ખંખેરુ ગુસ્સો ?”
શ્રેયા મક્કમ અવાજે બોલી “ એવીજ રીતે જેવી રીતે ઓફિસથી આવ્યા બાદ તમારા શર્ટ પરથી લાંબા વાળ ખંખેરી લીપસ્ટીકના ડાઘ હું છેલ્લા બે વર્ષથી ધોવું છું” લાલઘુમ આંખો શરમથી ઢળી પડી.