છલકે મોસમ પ્રેમની
છલકે મોસમ પ્રેમની


શિયાળો અને ઉનાળાની ઋતુના આઠ મહિના પછી આકાશને ધરતીની યાદ આવી. કાળા ભમ્મર વાદળો, ધૂળની ઉડતી ડમરી, અને ઠંડો પવન ફૂં કાયોઅને વરસાદ મુશળધાર તૂટી પડ્યો. ઝરણાઓ પહાડો ને ખૂંદી ધરતી ને મળવા દોડ્યા, સરિતા તો ગાંડીતૂર બની સાગરને મળવા દોડી.
આવામાં આકાશ પણ ધરતીને આલિંગવા નો મોકો કેમ ચૂકે?
ધરતી હરિયાળી લીલી ઓઢણીનો ઘૂંઘટ ઓઢી નવોઢા બની હતી. પવનના સુસવાટાથી ઓઢણી ઉડી અને આકાશ ધરતી ને ચૂમવા થોડો નીચે ઝૂક્યો. ધરતી શરમાઈ.
આહા... પહેલો વરસાદ, પહેલો પ્રેમ ને આકાશ ધરતીનું આહલાદક મિલન...
પાણીથી તરબતર થયેલા રસ્તાઓ ધરતી અને આકાશના મિલનની ગવાહી પુરતા હતા. વરસાદી બુંદોનો અવાજ સંગીતની સુરાવલીથી આ કુદરતના અનોખા પ્રેમ મિલનને વધાવી રહ્યો હતો..