ચહેરો
ચહેરો




ઓટલે ઉભી હું એની રાહ જોઈ રહી હતી. પંદર મિનિટ ઉપર થઇ ગઈ હતી. હજી આવ્યો નહીં ? આવતોજ હશે. આજ સમયની વાત થઇ હતી. શહેરના ટ્રાફિકમાં કદાચ ગાડી ફસાઈ હશે. મારી અધીરી નજર સામેના મકાનના ઓટલે આવી થોભી.
વસુંધરા ત્યાં ઉભી હતી. સાથે એનો યુવાન દીકરો પણ ઉભો હતો. એના ખભા ઉપર ટેકાયેલા વસુંધરાના હાથમાં ગર્વ અને સ્નેહ છલોછલ હતા. મારી નજર વસુંધરાની નજર જોડે ભીડાઈ. મારા મનની વ્યાકુળતા પામી ગઈ હોય એ રીતે દયનીય હાવભાવો જોડે એ મને તાકી રહી. એ નજરોનો સામનો કરતા હું જાણે હજાર મોત મરી રહી.
એના યુવાન દીકરાનો ચહેરો આજે વરસો પછી હું ધ્યાનથી નિહાળી રહી. આજે એ મને કેવો મોહક , સુંદર અને માસુમ દીસી રહ્યો. આ ચહેરાને આજ સુધી હું સતત અવગણતી રહી. ૨૫ વર્ષ પહેલા જયારે હું ગર્ભવતી હતી ત્યારની આ વાત. મારી ગોદ ભરાઈનો પ્રસંગ હતો. મહોલ્લામાં રહેતી દરેક સ્ત્રીને અચૂક આમંત્રણ મળ્યું હતું.ફક્ત વસુંધરાને આમંત્રણ મળ્યું ન હતું. મારી ગોદભરાઈનો પ્રસંગ વસુંધરા અને એના બાળક વિનાજ સુરક્ષિત રીતે પાર પડ્યો હતો. બધાએ જ મારા નિર્ણયની સરાહના કરી હતી. " સારું કર્યું..." " હું પણ તને એજ કહેવા ઇચ્છતી હતી..." " ગર્ભવતી મહિલાએ સુંદર ચહેરાઓજ નિહાળવા જોઈએ.." મારા ઘરની દીવાલો પણ સુંદર ચહેરાઓથી મઢી દેવામાં આવી હતી. નવ મહિના સુધી હું વસુંધરા અને એના બાળકના ચહેરાથી અછડતી જ રહી હતી. ભૂલ માટે કોઈ અવકાશજ ન હતો. આખરે મારે ત્યાં દીકરો જન્મ્યો. એના ચહેરાની સુંદરતા નિહાળી મારુ માતૃ હૃદય સંતુષ્ટિનો શ્વાસ ભરી શક્યું.
એ સુંદરતાને કોઈની નજર ન લાગે એ હેતુથી હું સતત આજ સુધી વસુંધરા અને એના દીકરાનો ચહેરો જોવાનું ટાળતી. પણ આજે.... એમ્બ્યુલન્સના અવાજથી આખો મહોલ્લો ગુંજી ઉઠ્યો. મારી નજર વસુંધરા અને એના વિકલાંગ બાળક ઉપરથી ખસી ગઈ. સફેદ ચાદરમાં લપેટાયેલું મારા યુવાન દીકરાનું શબ એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢવામાં આવ્યું. હોસ્પિટલ અને પુલિસના કાર્યકરોએ દરેક ઔપચારિકતા ત્વરાથી નિપટાવી. પોસમાર્ટમનો રિપોર્ટ એમને મળી ગયો હતો. મને એ જોવામાં કોઈ રસ ન હતો.
અંતિમયાત્રા માટે ભેગા થયેલા લોકોએ બધીજ તૈયારીઓ ઝડપથી સમેટી લીધી. મને આશ્વાસન આપવા માટે કોઈ હાથ ન ખભે આવ્યો, ન મને એની કોઈ આશ હતી. બસ બધુજ જાણે એક ઔપચારિકતા જેમ સમાપ્ત થયું. "એક અંતિમ વાર ચહેરો જોઈ લો..." આખરે એક અંતિમવાર મારા દીકરાનો ચહેરો જોયો. પણ મને તો ભારોભાર કદ્રુપતા જ નજરે ચઢી. આંખો સામે વારેઘડીએ ફક્ત વસુંધરાના દીકરાનો ચ્હેરો આવી ઉભો થઇ રહ્યો. સુંદર , મોહક, નિર્દોષ. ગર્ભ દરમિયાન કાશ એ ચહેરાને વારંવાર નિહાળ્યો હોત તો મારો દીકરો પણ એવોજ હોત. સુંદર, મોહક, નિર્દોષ. ન એ કોઈ સામુહિક બળાત્કારનો હિસ્સો બન્યો હોત, ન એની ધરપકડ થઈ હોત, ન પુલિસની પકડથી ભાગી છૂટવાના પ્રયાસમાં એનું એન્કાઉન્ટર.....