છેલ્લો મુકામ
છેલ્લો મુકામ




આખા દેશમાં કોવિડનો ભય ફેલાઇ ગયો હતો. શહેરનાં રોડ-રસ્તાઓ, વાહન- વ્યવહાર,અને માનવ વસ્તી વિના સુનકાર. . ભૂતાવળ લાગતા હતા.
ધુમાડો ઓકતા વાહનોની નહિવત અવર-જવર વચ્ચે, શેરીનાં કુતરાઓ રોડ પર આધિપત્ય જમાવી નિરાંતે આરામ ફરમાવી રહયાં હતા.
પોલીસવાનને આવતા જોઈને શાકવાળા મારની બીકે ગલી ખાંચામા ભરાય જતા હતા. .
ઘરે ઘરે એક જ વાત. "આ લોકડાઉન કેટલું લંબાશે?
કોરોના જલ્દી જાય તો સારું" પણ પરિસ્થિતિ વણસતી જતા. જાહેરાત થઇ. . હવેથી પાકુ લોકડાઉન
સરકારી હુકમનો, ફરજ બજાવતાં પોલીસકર્મીઓ વધારે કડક પગલાં લેવામાં સફળ થયા. અને રસ્તા પર કહેવાયને "ચકલુય ફરકતું નથી" એવી પરિસ્થિતિમાં એક ભિખારી ભર બપોરે ફૂટપાથ પર દિવાલના ટેકે બેસેલો લઘરવઘર હાલ હવાલમા બેઠો હતો.
પોલીસની જીપ નજીક આવી ને નીચે લાકડી ફટકારતા. "એય ડોશા. આમ ઘર ભેગો થા. અત્યારે રોડ પર કોણ તને ભીખ આપવા આવશે?ચાલ ભાગ. "
એ ડોશો, ધ્રુજતા સ્વરે. . " ઇન્સપેક્ટર સાહેબ. . મારી પાસે ઘર હોત તો. . હું આ ધોમધખતાં તાપમાં શું લેવા બેસતો?
લગભગ બધાં આડાઅવળા ભાગી ગયા છે. પણ હું ક્યાં જાવ નથી ઘર કે બાર. "
"તો અત્યાર સુધી ક્યાં હતો?" ગુસ્સામાં ઇન્સ્પેક્ટર બોલ્યા.
"સાઇબ. જેનાં માટે બધું વેઠયું એ મારા ન રયા ને ભગવાન ભરોસે જીવન નભતું હતું. પણ આ રોગે ભગવાનના દ્વાર પણ બંધ કરાવ્યા, હવે ક્યાં જાવું?"
"પણ આમ રોડ ઉપરથી ક્યાંક પુલ નીચે ભરાઈ જાવ. . "
"હા સાહેબ હંધીય સાચી વાત, પણ રોડ પર કોઈ હરીનો દાસ રોટલો આપે તો ખાવાનું મળે એ આશાએ આંય બેઠો છું બાપ. બાકી મારે તો જ્યા ત્યાં પયળુ રે'વું છે ને"
ઇન્સ્પેક્ટરને હવે એ ભિખારી પર દયા આવી ગઈ.
તંત્ર દ્વારા એની મદદ કરવાનું મનોમન નિશ્ચય કર્યો અને ત્યાંથી નીકળી ગયાં.
ડોશો મીટ માંડીને ભોજન વિતરણવાળાની કાગડોળે રાહ જોવા લાગ્યો. ઘણાં સમય પછી કોઈ મદદ ના મળી, એટલે દૂર ફરકતી મંદિરની ધજા સામે જોયું. અને નિસાસો મૂકતા. " હે રાજા રામ તું પણ રુઠયો. . ? તારા આશરે જિંદગીનો, છેલ્લા મુકામની રાહ હતી. આજ એ પણ તે છીનવી લીધી? અને ડોસાને ગળે ડૂમો બાઝ્યો.