Komal Deriya

Drama Fantasy

4.7  

Komal Deriya

Drama Fantasy

છેલ્લી મુલાકાત

છેલ્લી મુલાકાત

9 mins
194


'અનંત' બગીચાના એક ખૂણામાં બેસીને રોજ નિહાળતો રહેતો ત્યાં આવતા લોકોને, ક્યારેક કોઈ ડોસા ડોસી ભેગા મળીને અનુભવો વાગોળતાં હોય કે પછી ઘરનો કંકાશ ઠાલવતા હોય, તો ક્યાંક ખૂણામાં વળી નવા બનેલા એકમેકના જીવનસાથી આ પળોને માણતા માણતા ભવિષ્યનો વિચાર કરતાં હોય ને એક બાજુ નાના નાના બાળકો દોડાદોડી કરતાં હોય ને ખુબ ઉત્સાહથી રમતાં હોય અને વળી કોઈ કામથી કંટાળીને આવીને બેઠુ હોય 'ને કો'ક તો આમ નવરાશની ક્ષણો વિતાવવા ય આવ્યું હોય, આમ આ બગીચો જુદાં જુદાં લોકોથી ભરચક હોય ને સાંજ આખી કોલાહલમાં ડૂબેલી હોય. 

આૅફિસથી ઘરે પરત જતાં પહેલાં અનંતનો આ રોજનો ક્રમ. બસ ત્યાં બેસીને બધુ જોયા કરે અને પછી જ ઘરે જાય, ઘરમાં એ એકલો જ રહે બાજુવાળા માસી સાંજે જમવાનું મોકલી આપે, જમીને કામ પતાવી સુઈ જવાનું એવી એકલતાં ભરેલી જિંદગી.

ખિસ્સામાં મોબાઈલ ખરો ! પણ મિત્રો કોઈ નહીં કે જેની સાથે વાત કરી શકાય, પોતાનું કહી શકાય એવો એક મિત્ર પણ એ ખાલી આૅફિસ પુરતો જ, એવું નથી કે અનંત આમ અલગ પ્રકૃતિનો છે પણ નવા અને આટલા મોટાં શહેરમાં મિત્રો બનાવવા થોડું તો મુશ્કેલ હશે !

ગામડાંમાં કાકા કાકી સાથે રહેતો પણ એ લોકો તો જાણે એને શહેરમાં મોકલીને છુટકારો મેળવવા અધીરા હતા એટલે એમનાથી તો કોઈ વાત કરાય જ ના, બે ભાઈબંધ પણ ખરાં ! પણ ગામડે એમની પાસે મોબાઈલ નથી એટલે કો'ક વાર ટેલિફોન થાય.

આમ રોજ ચાલ્યા કરે થોડોક સમય વીત્યો એટલે અનંતની ઓળખાણ નવા લોકો સાથે થવા લાગી, રોજ સાંજે બગીચામાં બેસવાની એની આદતને કારણે એક ખુબ સરસ મિત્ર સાથે મુલાકાત થઈ.

એ દિવસે પણ રોજની માફક એ પાટલી પર બેઠો હતો, બધા પોતાના અંગત કામોમાં કે વાતોમાં વ્યસ્ત હતા, અનંત બગીચાના એક ખૂણામાં બેઠેલાં પંખીઓને એકીટશે જોઈ રહ્યો હતો અને અચાનક કોઈકે પુછ્યું, "પ્રકૃતિથી પ્રેમ છે કે ઘરે જવુ ગમતું નથી, આમ રોજ કામ પરથી સીધા અહીં આવી જાઓ છો. " એકાએક કાનને ગમી જાય એવો મધુર અને કોમળ અવાજ સાંભળી અનંત તો એકદમ ચોંકી ગયો, એને થયું આ બગીચામાં એને કોઈ ઓળખતું નથી તો કોણ આવુ પૂછે છે? 

એણે સ્વસ્થ થઈ અને અવાજની દિશા તરફ જોયું, 

એક ચોવીસેક વર્ષની છોકરી એની સામે ઊભી હતી, એકદમ ભરાવદાર ચહેરો ને એને સજાવતું માસુમ સ્મિત, કદ લગભગ 5 ફુટ 4 ઈંચ જેટલું, ઘાટીલું અંગ, ખુલ્લા કાળાં ને ઘટાદાર વાળ, ને પાછાં પવનથી ઊડી ને વાળ આમ આંખ આગળ આવેલાં એવા લાગે જાણે એ ખુદ જ એની ખુબસુરતી વધારતા હોય, જોતાવેંત ડૂબાડી દે એવી સહેજ ભુરી આંખો, ગુલાબના પાંદડા જેવા કોમળ ગુલાબી ગાલ, ને પૂછેલા પ્રશ્નનો જવાબ સાંભળવા આતુર બનેલી એ રૂપાળી છોકરી, એવી તો એની કાયા અને સુંદરતા કે જોનારની આંખો ક્ષણિક ઝપકવાનું ભૂલી જાય, ચહેરા પર એવી માસુમિયત કે સામે ઊભેલાનો ગુસ્સો પણ છુમંતર થઇ જાય, આંખો ઠારી જાય એવી ઈન્દ્રલોકની પરી જેવી જ અદ્દલ લાગે...

અનંત બે ઘડી તો એને જોઈ જ રહ્યો પછી એને ઉત્તર વાળ્યો, " પ્રેમ એટલે ઘર અને મારે માટે ઘર એટલે આ પ્રકૃતિ. "

આટલો ગંભીર જવાબ સાંભળીને એ હસતાં હસતાં ત્યાંથી જતી રહી. 

અહીં અનંત એને કંઈ કહે કે પૂછે એ પહેલાં તો એ ત્યાંથી અદ્રશ્ય થઇ ગઇ, એવું નહતુ કે એણે પહેલીવાર છોકરી જોઈ હતી પણ પહેલીવાર કોઈ એના આંખોમાં સમાઈ ગઈ હતી, એનો એ અવાજ એના કાનમાં ગૂંજ્યા કરતો હતો, હવે એને એમ થતું હતું કે એ ફરીથી ક્યાંક મળી જાય બસ એના જ વિચારો આવ્યાં કરતાં હતાં. બીજાં દિવસે ફરી એ બગીચામાં ગયો પણ આજે એની આંખો રોજની જેમ લોકમેદની નહોતી નિહાળી રહી પણ ગઈકાલે જે છોકરી જોઈ હતી એને શોધી રહી હતી, આમ એક અઠવાડિયા જેવું થયું હશે ત્યાં એક સાંજે ફરી એ જ અવાજ અનંતના કાને પડ્યો, હાંફાળો ફાંફાળો એ આમતેમ નજર ફેરવવા લાગ્યો, તેની નજર ફરી આજે એ જ વાર્તાની ઢીંગલી જેવી સુંદર છોકરી પર આવીને અટકી ગઈ, એ એકદમ એની પાસે આવેલી જોઈ એ અસમંજસમાં પડી ગયો, મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા ત્યાં પેલી છોકરીએ પૂછ્યું " ઓળખાણ પડી?"

અનંતે જવાબમાં માત્ર હકારમાં ડોકું હલાવ્યું, પેલી છોકરી એની બાજુમાં બેસી ગઈ અને કહેવા લાગી કે એ ઘણાં સમયથી આ બગીચામાં અનંતને જોતી હતી, "આમ રોજ એક જ સમયે આવવું અને એકલા બેસીને સમય વ્યતીત કરવાની આદત મારું તમારી તરફ ધ્યાન ખેંચતી હતી" ,

અનંતે પણ સામે પ્રશ્ન કર્યો "તમે પણ આમ સમયસર આવી ને મને નિહાળો એ આદત પણ એવી જ છે ને?"

તો તેણીએ જણાવ્યું કે એ રોજ બગીચામાં જોવા માટે જ આવે છે કેમકે એ જ એનું કામ છે, એ બગીચાની સારસંભાળ રાખવા માટે પસંદ કરાયેલ કર્મચારી છે, એનું બધાની પર ધ્યાન આપવું ફરજ છે. 

આમ આ સંવાદ ખુબ લાંબો ચાલ્યો, અનંતે રોજ કરતાં વધારે સમય બગીચામાં વિતાવ્યો, અને બસ એ છોકરીના વિચાર કરતાં કરતાં સમય પસાર કર્યો. 

બીજાં દિવસે સાજે એ ફરી બગીચામાં આવી ગયો કેમકે એને પેલી છોકરીને આજે પણ મળવું હતું, એ આજે એને શોધવા લાગ્યો અને એ એને મળી પણ ખરાં, આજે પણ બંને વાતો કરવા બેઠાં ત્યાં અનંતે એનું નામ અને એના વિષે જાણકારી આપવા કહ્યું - તો જવાબ મળ્યો કે "મારું નામ કિંજલ છે અને હમણાં બસ આટલી જ ઓળખાણ જરૂરી છે" એમ કહી એ પોતાના કામ માટે ચાલી ગઈ, અનંત પણ ઘર તરફ જવા માટે રવાના થયો, બસ એકજ વિચાર કરતો હતો કે કેવું સુંદર નામ છે કિંજલ, બોલીએ તો હ્દયેથી નિકળે ને મન ઠારી દે એવું ! 

આમ ને આમ હવે આ મુલાકાત વધવા લાગી રોજ મળવું અને ઠગલાબંધ વાતો કરવાની બંને ને આદત પડી ગઈ, કોઈવાર એક પણ જણ મોડું પડે તો રાહ જોનાર તો અધીરુ બની જાય, આ એક મુલાકાતથી શરૂ થયેલો સંબધ હવે ખાસ મિત્રતામાં પરિણમી ચુક્યો હતો, બંને એકબીજાનાં ભૂતકાળને વાગોળતાં અને ભવિષ્યની ચર્ચા કરતાં અને વળી સાથે સાથે બંનેને મળતાં આ સાંજના સમયને ભરપુર માણતાં, આમ ઘણાં મહિનાઓ પસાર થઈ ગયા, હવે બંને એકબીજાનાં જાણે પુરક બની ગયા હતાં, 

હા પણ અનંત આજેય કિંજલ ના નામ સિવાય એના પરિવાર વિશે કંઈ જાણતો ન હતો અને સાચું કહું તો એ હવે જાણવા માંગતો પણ ન હતો, એનાં માટે આખા દિવસમાંથી પણ ફક્ત કિંજલ સાથે વિતાવેલી પળો જ મહત્વની અને કિંમતી હતી, આ અનામી સંબંધ ખુબ ગાઢ બની ગયો હતો, હવે મુલાકાતો વધવા લાગી, સાથે જમવા જવું, ચા પીતાં પીતાં વાતો કરવી અને ક્યારેક ફિલ્મ જોવાનું પણ ઉમેરાયું.

બંને તરફથી લાગણીનો સેતુ રચાયો હતો અને પવિત્ર શ્વાસોની સાક્ષીએ બે મન મળ્યા હતાં, બંને જાણતા નહતા કે આ સંબંધનું કોઈ ભવિષ્ય છે કે નહીં પણ બંનેને એકબીજા સાથે સમય વિતાવવો ખુબ ગમતો, જો એક દિવસ પણ મુલાકાત ના થાય તો મનમાં ગૂંચવણ ઊભી થઈ જતી.

અનંત પોતાના જીવનની બધી ઘટનાઓ કિંજલને કહેતો, ક્યારેક એ પોતાના લખેલા ગીત કિંજલને સંભળાવતો, અનંત માટે કિંજલ જ એનું સર્વસ્વ બની ચુકી હતી આ સમયમાં, અજાણ્યા શહેરમાં હવે એનું પોતાનું કહી શકાય એવું કોઈ મળી ગયું અનંતને અને એ માટે તે ખૂબ ખુશ પણ હતો, હવે એ જિંદગી ને માણવા લાગ્યો હતો. 

હવે થયું એમ કે અનંત કિંજલની મિત્રતા ને સ્વીકારી હતી પણ એ દિવસે એ એની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકવાનો હતો, રોજની જેમ કિંજલ આવી અને બંને ચા પીવા ગયા, અનંત કંઈ બોલે એ પહેલાં કિંજલ બોલી," આ કદાચ આપણી છેલ્લી ચા કે પછી છેલ્લી મુલાકાત હોઈ શકે, મારા લગ્ન થવાના છે અને પછી કદાચ હું આમ તને મળવા ના પણ આવી શકું ".

બસ આટલી વાત જ થઇ અને એ ચા અધુરી મુકીને ત્યાંથી ચાલી ગઇ, અનંત બસ એને જોતો જ રહી ગયો.

અનંતના બધાં સપના એક જ ક્ષણમાં વિખેરાઈ ગયા, એ કંઈજ બોલી ના શક્યો, એનું આખું શરીર ધ્રુજી ઉઠયું, ટાંકણી મારો તો લોહી ના નિકળે એવો ધ્રાસકો પડ્યો.

એને કંઈ સૂઝ પણ ન'તી પડતી કે એ હવે શું કરશે, થોડીવાર એ ત્યાં જ બેસી રહ્યો અને પછી ભારે હૈયે ત્યાંથી ઘરે ગયો.

"આજે કેમ ચા નથી મંગાવી તમે?" એકદમ અજાણ્યો અવાજ અનંતના કાને પડ્યો, તેણે જોયું બાંકડા પર એક યુવાન છોકરી બેઠી હતી, તેણે જવાબ આપતા અનંતે કહ્યું,"આજે બસ ચા પીવાનું મન નથી. "

પેલી છોકરી એ પૂછ્યું અહીં રોજ કોને શોધવા આવો છો? 

"કિંજલને !" અનંતના મોઢેથી શબ્દો સરી પડ્યા. અને પછી જાણે કંઈ ના બોલવાનું બોલાયું હોય એવો ભાસ થતા એ એકદમ જ ચુપ થઇ ગયો. 

પેલી છોકરી પણ અસમંજસમાં મુકાણી તોય એને પુછ્યું "હું કંઈ મદદ કરી શકું ? કેમકે હું અહીં બાજુમાં જ રહું છું અને રોજ અહીં આવું છું " 

અનંતે કહ્યુ "પણ હવે એ અહીં નથી આવતી, હું બસ એ આવે એની રાહ જોઇ રહ્યો છું."

પેલી છોકરીએ કહ્યું તમે ખુબ ગૂંચવણ જેવું બોલો છો મને કંઈક સમજાય એમ કહો ને ! 

અનંતે બધી વાત કરી કે કેવી રીતે એ શહેરમાં આવ્યો પછી એને કિંજલ મળી અને પછી છેલ્લે એ છોડીને ગઈ ત્યાં સુધી બધું કહ્યું. 

પછી છોકરીએ પૂછ્યું કે તમને ખબર છે એ નથી આવતા અહીં તો તમે કેમ એમની રાહ જોવો છો? 

ત્યારે અવાક્ બનેલ અનંત બોલ્યો "છેલ્લાં સાત વર્ષથી હું કિંજલને જે સમયે મળતો એ જ સમયે અહીં આવું છું કેમકે ક્યારેક એ અહીં આવે મને શોધતાં શોધતાં તો હું એને ના મળું તો કદાચ એ ઉદાસ થઈ જાય બસ એટલે રોજ અહીં સમયસર આવું છું અને મોડે સુધી એની રાહ જોઉં છું, એ જો ક્યારેક આવશે તો હું એને કહીશ કે હું એને અનહદ પ્રેમ કરું છું, મે જ્યારે કિંજલને પહેલીવાર જોઈ હું ત્યારથી જ એનામાં ખોવાઈ ગયો છું એ મારો પહેલી નજરનો પ્રેમ છે અને એ હંમેશા મારા માટે સૌ પહેલાં જ રહેશે, હું ત્યારે પણ એને કહેવા માંગતો હતો પણ મને ડર હતો કે પ્રેમ માંગવા જતા હું કદાચ મારી સૌથી ખાસ મિત્ર ના ખોઈ બેસું ! બસ એટલે જ હું ચૂપ હતો અને જ્યારે મે હિંમત કરી અને કહેવાનું નક્કી કર્યું ત્યારે ખુબ મોડુ થઈ ગયું હતું, બસ મારી એક જ છેલ્લી ઈચ્છા છે કે એ આવે અને મને મળે અને મારાં પ્રેમને એકવાર જાણી લે, એ નહીં સ્વીકારે તો પણ નવાઇ નથી બસ મારે એક છેલ્લી વાર એને મળવું છે અને એની આગળ મારું હૃદય ઠાલવવું છે, બસ એક છેલ્લી મુલાકાત. "

આટલું કહીને અનંત રડી પડ્યો. 

થોડીવાર પછી એ ત્યાંથી જવા માટે ઊભો થયો ત્યાં પેલી છોકરી બોલી, "હું એ બગીચામાં મળેલાં શખ્સને અમારી મુલાકાત કરતાં પણ પહેલાથી પ્રેમ કરું છું, હું સંપૂર્ણ રીતે એને જ મારુ સર્વસ્વ માનું છું, મે ખુબ રાહ જોઈ છે એ વ્યક્તિનો પ્રેમ મેળવવા માટે, અંત સુધી પ્રયત્ન પણ કરતી રહી, મને એમ કે હું જવાની વાત કરીશ તો એ મને રોકી લેશે પણ ! ! ! એ દિવસે પણ એ ચૂપ હતા, મને એમ કે કદાચ હું પ્રેમની માગણી કરીશ તો કદાચ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું એવું લાગશે, કેમકે હું છોકરી છું પણ મે અંતિમ ક્ષણ સુધી રાહ જોઈ હતી કે એને કદાચ મારાથી પ્રેમ થઈ જાય પણ એને તો મારા હંમેશા માટે છોડી જવા પર પણ કંઈ વાંધો નહતો બસ એટલે જ એ છેલ્લી મુલાકાત પણ હું યાદ રાખીશ કે મે જે પ્રેમની રાહ ૩ વર્ષ સુધી જોઈ એ મારા ભાગ્યમાં જ નથી... લિ. તારી એક માત્ર મિત્ર કિંજલ "...

અનંત આ સાંભળીને ઝંખવાળો પડી ગયો અને પેલી છોકરીનાં હાથમાં પત્ર જોઈ અધિરો થઇને પૂછવા લાગ્યો "આ પત્ર તમને કોણે આપ્યો?"

"જેની સાથે કિંજલના લગ્ન થવાના હતા એ મારા ભાઈ હતા એક અકસ્માતમાં એમનું લગ્નના દિવસે જ મૃત્યુ થયું અને આ લગ્ન અધૂરા રહી ગયાં જ્યારે અમે કિંજલને મળવા ગયા ત્યારે આ પત્ર મને મળ્યો હતો, એ સમયે મને એમ થયું કે એમને મારા ભાઈ સાથે વિશ્વાસઘાત કર્યો પણ પછીથી ખબર પડી કે એ તદ્દન નિર્દોષ છે બસ એટલે મે તમને શોધવાની કવાયત શરૂ કરી અને પછી મને એકવાર કિંજલ પાસેથી આ બગીચાની વાત ખબર પડી એટલે હું અહીં આવી અને એમના કહ્યા મુજબ તમે અદ્દલ એવા જ છો, હું ઘણા દિવસથી તમને કહેવા માટે પ્રયત્ન કરતી હતી કે કિંજલ આજ પણ તમારી રાહ જોઇ રહી છે બસ એને એ છેલ્લી મુલાકાત ફરી આપી દો. "

(બંને ત્યાંથી કિંજલના ઘેર ગયા)

કિંજલને જોઈને અનંતની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા, જે છોકરીને પહેલીવાર જોઈને ઘાયલ થયો હતો એ આજે આટલા વર્ષો બાદ પણ એવી જ રૂપાળી લાગતી હતી, આજેય એની એ આંખો પહેલાં જેવી જ ચમકતી હતી, એ પળવાર તો જોઈ જ રહ્યો, પછી કિંજલને ભેટી પડ્યો અને માફી માંગવા લાગ્યો.

કિંજલે એને માફ પણ કરી દિધો અને કહ્યું,"મે આ મુલાકાતની ખુબ રાહ જોઈ છે આ દિવસની રાહમાં મે મારાં જીવનની દરેક ક્ષણ થંભાવી રાખી હતી આજે મારો વિશ્વાસ, આસ્થા અને આપણો પ્રેમ ખરો સાબિત થયો."

અનંતની છેલ્લી મુલાકાતમાં એને કિંજલ અનંતકાળ માટે મળી ગઈ, જેમ નદી સાથે કિનારો બસ એમ અનંત સાથે કિંજલ... 

તદ્દન ખુશનુમા અને પ્રેમભરી એ છેલ્લી મુલાકાત જન્મારાનો સાથ આપી ગઈ.


કિંજલ= નદીનો કિનારો

અનંત=જેનો અંત નથી તે


Rate this content
Log in

Similar gujarati story from Drama