Nilang Rindani

Tragedy

4  

Nilang Rindani

Tragedy

ચગડોળ

ચગડોળ

14 mins
180


ભીમજીપુરા, અમદાવાદમાં આવેલ "મધર ટેરેસા અનાથાલય"માં આજે સવારથી ચહલ પહલ હતી. સહુ કોઈ, એટલે કે ત્યાં ના બાળકો, ત્યાંની પરિચારિકાઓ, સિસ્ટર અને અન્ય કર્મચારીઓ. આજે એક અનાથ બાળકને તેના નાથ મળવાના હતા...હા, તેને અપનાવવા માટે, દત્તક લેવા માટે અમદાવાદના જ મયુર કોટેચા અને તેમના પત્ની કોકિલા કોટેચા આવવાના હતા. મયુર કોટેચા એક ધંધાદારી હતા. સમાજમાં અને બજારમાં પણ તેમની સારી એવી શાખ હતી. લગ્નજીવન ના ૧૨ વર્ષ પૂર્ણ થયા હતા પરંતુ ઈશ્વરની કૃપાદૃષ્ટિ તેમના ઉપર થઈ નહોતી. કદાચ ઈશ્વર ને તેમના મારફત એક અનાથ ને ઘર આપવાનું ઉમદા કાર્ય કરાવવું હશે એટલે મયુર ભાઈ અને કોકિલા બેનનાં મગજ માં આ સુવિચાર આવ્યો અને તેમણે એ વિચાર ત્વરિત પણે અમલમાં પણ મૂક્યો. ઈશ્વર ઈચ્છા ને આધીન મનુષ્ય હંમેશા રહ્યો છે અને તેનાથી વિપરીત કોઈ જઈ નથી શકતું.

ઠીક સવાર ના ૧૧:૦૦ ને ટકોરે મયુર ભાઈ અને કોકિલા બેન તેમની ગાડીમાં આવી પહોંચ્યા. પૈસે ટકે સુખી હતા એટલે અનાથાશ્રમના બાળકો માટે ભેટ સોગાદ, મીઠાઈ અને અનાથાશ્રમને લગતી જરૂરી ચીજ વસ્તુઓ ગાડીની ડિકીમાં થી તેમનો ડ્રાઇવર ઉતારી ને અનાથાશ્રમના પ્રાંગણમાં આવેલ એક મોટા ઓટલા ઉપર ગોઠવી રહ્યો હતો. સહુ બાળકો કુતૂહલવશ આ બધું નિર્દોષ ભાવે નિહાળી રહ્યા હતા. દરેક બાળક શિષ્ટતાથી હરોળમાં ઊભા રહી ગયા હતા. મયુર ભાઈ અને કોકિલા બેન તેમની સાથે આણેલી ભેટ સોગાદો અને મીઠાઈ દરેક બાળક ને વહાલ અને પ્રેમથી આપી રહ્યા હતા. દરેક બાળક ની આંખોમા એક અજબ પ્રકાર ની ખુશી જોઈ શકાતી હતી. મયુર ભાઈ અને કોકિલા બેન આશ્રમની કચેરીમાં પહોંચી ગયા. જરૂરી કાગળિયા ઉપર સહી સિક્કા કરી ને આશ્રમ ની અંદર જ આવેલ ઈસુ ખ્રિસ્ત નું નાનું દેવળ આવેલું હતું, ત્યાં ગયા. એક સિસ્ટર, જેનું નામ ક્રિસ્ટીના હતું, તે બીજા ઓરડામાં થી એક બાળકને લઈને આવી. સહેજે ૩ વર્ષ ની ઉમર હશે તે બાળકની. તેને આજે નવા કપડાં પહેરાવી ને સરસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. પરાણે વ્હાલું લાગે તેવું બાળક હતું. સહુ કોઈની નજર તે બાળક ઉપર હતી. મયુર ભાઈ અને કોકિલા બેન તે બાળક ની નજીક આવ્યા. કોકિલા બેને વ્હાલ થી તે બાળક ને તેડી લીધો. કદાચ આજે ૧૨ વર્ષ પછી તેમના બન્ને હાથ ને કોઈ પ્રકારનું વજન નહોતું લાગતું. કોકિલા બેન ની આંખોમાં થી હર્ષ ના આંસુ નીતરી રહ્યા હતા. મયુર ભાઈ ભલે એક ધંધાદારી વ્યક્તિ હતા પરંતુ આજે તેમની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતા. જે શુભ ઘડી નો વર્ષો થી તેઓ રાહ જોતા હતા તે આજે તેમના હાથમાં હતી. આજે મયુર ભાઈ અને કોકિલા બેન ૧૨ વર્ષે પતિ પત્નીમાંથી માતા પિતા બન્યા હતા. ઈશ્વરે આજે તેમને આજથી માતા પિતા તરીકે ની ફરજ બજાવવાનો મોકો આપ્યો હતો. મયુર ભાઈ એ પણ તે બાળક ને તેડી ને તેના કપાળ ને વ્હાલ થી ચૂમી લીધું. આશ્રમ ની પ્રથા અનુસાર દરેક બાળક એક પછી એક પેલા બાળક ની નજીક આવી ને તેને મળી રહ્યા હતા..કોઈક તેને ભેટતું હતું તો કોઈક તેની ચૂમી લેતું હતું...આજે એ બાળક આ અનાથાશ્રમમાં થી વિદાય લેવાનું હતું..દરેક પરિચારિકા ની આંખો પણ આજે ભીની થઈ ગઈ હતી. જે બાળક ની આજ દિન સુધી સાર સંભાળ રાખી હતી તે બાળક ને સોંપતા તેમનો જીવ કદાચ ચાલતો નહોતો પરંતુ હૃદયના એક ખૂણે પારાવાર આનંદ પણ હતો કે આજે એક અનાથ બાળકને તેના માતા પિતા મળ્યા હતા. મયુર ભાઈ અને કોકિલા બેને તે બાળક નું નામ "કૃપેશ" પાડ્યું. ઈશ્વર ની કૃપા થી આજે તેમના ખાલી જીવનમાં આનંદ અને ખુશી ની છોળો ઊડી રહી હતી. ધીરે ધીરે સહુ કોઈ દેવળમાંથી બહાર આવી રહ્યા હતા. ક્રોસ ઉપર રાખેલા ઈસુ ખ્રિસ્ત નો ચહેરો આજે કદાચ તેમના રક્તથી નહીં પરંતુ તેમના અશ્રુઓથી ભીંજાઈ રહ્યો હતો.

સમય ના ચગડોળ ને ફરવા માટે કોઈ ની પરવાનગી ની જરૂર હોતી નથી. તે તો બસ..તેની ગતી થી ફરે જ રાખે છે..મયુર ભાઈ અને કોકિલા બેન ના આવાસ "હર્ષ"માં હવે ખરા અર્થમાં હર્ષ અને આનંદ ની છોળો ઉડી રહી હતી. જ્યાં અત્યાર સુધી મયુર ભાઈ ના ધંધા ને લગતા પુસ્તકો કે સામયિકો નો ઢગલો રહેતો ત્યાં હવે રમકડાઓ નો ઢગલો જોવા મળી રહ્યો હતો. ક્રૂપેશ પણ ઝડપથી મોટો થવા લાગ્યો હતો. અમદાવાદ ની એક ખૂબ પ્રતિષ્ઠિત શાળામાં તેને ભણવા મૂક્યો હતો. નાનો હતો એટલે તેને તેનો ભૂતકાળ યાદ નહોતો અને મયુર ભાઈ અને કોકિલા બેન પણ જાણે કે તેમની જ કુખે અવતર્યો હોય તેવી સાર સંભાળ અને પ્રેમ વરસાવી રહ્યા હતા. કૃપેશે મયુર ભાઈ અને કોકિલા બેન ના પાછલા ૧૨ વર્ષ ની એકલતા નું સાટુ ૩-૪ વર્ષમાં જ વાળી લીધું હતું. ભણવામાં પણ અવ્વલ રહેતો હતો ક્રૃપેશ. શાળામાં પણ એક વિદ્યાર્થી તરીકે ખૂબ જ સારું નામ હતું તેનું. મયુર ભાઈ અને કોકિલા બેન તેમની જિંદગી નો આ સુવર્ણકાળ આનંદ અને મોજ થી માણી રહ્યા હતા. તેમને માટે તો ઈશ્વર નો જેટલો પાડ માને તેટલું ઓછું હતું. એમ કરતાં કરતાં કૃપેશ ૧૦માં ધોરણમાં આવી ગયો. કેન્દ્રીય બોર્ડની પરીક્ષાઓ પણ તેણે ખૂબ જ સારા ટકાથી ઉતીર્ણ કરી. મયુર ભાઈ અને કોકિલા બેન ની છાતી તો જાણે ગજગજ ફૂલતી હતી. ૧૧મા ધોરણમાં વિજ્ઞાન નો મુખ્ય વિષય ક્રૂપેશે લીધો હતો. તેને ડૉક્ટર થવાની ઈચ્છા હતી અને મયુર ભાઈ પણ પૈસે ટકે ખૂબ સક્ષમ હતા એટલે તેને ઉચ્ચ શિક્ષણ આપવામાં પાછી પાની નહોતી કરી.

 ચગડોળ નું ચક્કર ફરતું જતું હતું. આમનેમ કરતાં ધોરણ ૧૨ પણ ખૂબ જ સારા ટકા થી ઉતીર્ણ થઈ ને અમદાવાદ ની મેડિકલ કૉલેજમાં દાખલો લઈ લીધો. મેડિકલ કૉલેજ ના ૫ વર્ષ પૂરા કર્યા અને કૃપેશ હવે ડૉ. કૃપેશ કોટેચા ઓળખાવા લાગ્યો. મયુર ભાઈ અને કોકિલા બેન પણ હવે ઉંમરલાયક થયા હતા. લોહાણા સમાજમાં તેમની સારી શાખ હતી અને કૃપેશ પણ ડૉક્ટર હતો એટલે તેને માટે સારામાં સારી છોકરી અને કુટુંબ ના માગાં આવવા લાગ્યા. આમનેમ કરતાં મયુર ભાઈ અને કોકિલા બેને કૃપેશ ની સહમતીથી ચંદ્રેશ ભાઈ અને સગુણા બેન ઠક્કર ની એક ની એક દીકરી ક્રિણા ઉપર પસંદગી ઉતારી. ક્રિણા પણ ખૂબ ભણેલી ગણેલી છોકરી હતી. એક ખૂબ જ સારી મેનેજમેન્ટ સ્કૂલમાં થી અનુસ્નાતક થઈ હતી. પહેલાં વેવિશાળ અને પછી ઘડિયાં લગ્ન લેવાયાં. ખૂબ જ ધામધૂમ થી તેમના લગ્ન યોજાયા. આખા લોહાણા સમાજ ને આમંત્રણ હતું અને કેમ નહીં..જેમ મયુર ભાઈ અને કોકિલા બેન ને એક નો એક કૃપેશ હતો તેવી જ રીતે ચંદ્રેશ ભાઈ અને સગુણા બેન ની પણ એક ની એક ક્રિણા હતી. સાજન માજન હિલોળે ચડ્યું હતું. ૧૦૦ જાત ના વ્યંજનો અને પકવાનો હતાં. બન્ને વેવાઈ ઓ એ પૈસો પાણી ની જેમ વહાવ્યો હતો. શહેર ની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ લગ્નમાં હાજર હતી. રંગે ચંગે લગ્ન સમારંભ પૂર્ણ થયો. નવયુગલ પણ લગ્ન પછી ના દિવસે મધુરજની મનાવવા માટે યુરોપ ના પ્રવાસે ઉપડી ગયું. અને આ બાજુ મયુર ભાઈ અને કોકિલા બેન તેમના "હર્ષ" બંગલા ના બગીચા ના એક ખૂણે આવેલ હીંચકા નો પ્રવાસ માણી રહ્યા હતા..ચહેરા ઉપર પારાવાર સંતોષ અને આનંદ ની રેખાઓ ઉપસેલી હતી. કદાચ આજે તેમને ઘણા વર્ષો પહેલાં લીધેલ એક નિર્ણય ઉપર ગર્વની લાગણી થતી હતી. અને અનાયાસ જ મયુર ભાઈ અને કોકિલા બેન એક બીજા સમક્ષ મૃદુ હાસ્ય સાથે જોઈ રહ્યા હતા.

સમય નું ચગડોળ તેની ઝડપે ધપી રહ્યું છે. ડો. કૃપશ પણ શહેરમાં સારી એવી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. એક હૃદયરોગ ના નિષ્ણાંત તરીકે સારી એવી શાખ ઊભી કરી હતી. તદુપરાંત ક્રિણા ને પણ સારા દિવસો જતા હતા. "હર્ષ"માં ફરી એક વખત હર્ષ અને આનંદ ની કિલકારીઓ સંભળાવા ની તૈયારી હતી. પૂરા મહિને ક્રિણા એ એક પુત્ર ને જન્મ આપ્યો. અને એક સાથે ૪ વ્યક્તિઓ ની પદવી આજે વધી હતી. કૃપેશ અને ક્રિણા માતા પિતા બન્યા અને મયુર ભાઈ કોકિલા બેન દાદા દાદી. સમય વહેવા લાગ્યો. "હર્ષ" બંગલો આજે ખરેખર હર્ષ નું પ્રતિક બની ને રહ્યો હતો. ચોમેર આનંદ, આનંદ અને ફક્ત આનંદ જ હતો. દાદા દાદી પણ તેમની મૂડી ઉપર ના વ્યાજ જેનું નામ "કંદર્પ" હતું, તેને અતિશય પ્રેમ અને વાત્સલ્ય થી ઉછેરી રહ્યા હતા. કુદરત નો એક વણલખ્યો નિયમ છે. નિશા પછી પ્રભાત અને પ્રભાત પછી નિશા. કોઈ મનુષ્ય આ નિયમ ને હજી સુધી બદલી નથી શક્યું. કાળક્રમે મયુર ભાઈ અને કોકિલા બેન સ્વર્ગવાસી થયા. તેઓ એ તેમનું સ્થાન તસ્વીરમાં લઈ લીધું હતું. ઘરમાં વડીલ ની ખોટ સર્જાણી. દરેક દિવસો સારા નથી જતા અને કુદરત નો પણ નિયમ છે કે સુખ પછી દુઃખ અને તો જ સુખ ની કિંમત છે. "હર્ષ" બંગલામાં પણ દુઃખ નો ઓછાયો પ્રસરી રહ્યો હતો. ક્રિણા ને એક અસાધ્ય રોગ લાગુ પડી ગયો હતો જે કદાચ તેની પ્રસૂતિ વેળા લાગી ગયો હતો, તેવું સ્ત્રીરોગ ના નિષ્ણાંત નું તારણ હતું. કૃપેશ પણ ડૉક્ટર હતો એટલે તેણે પણ કોઈ કસર બાકી નહોતી રાખી ક્રિણા ની સારવાર મા. કંદર્પ હજી ઘણો જ નાનો હતો આ બધું સમજવા માટે. હજી તો તે માં ડ ૧ વર્ષ નો થયો હતો. ક્રિણા નો અસાધ્ય રોગ તેની ફરતે અજગરી ભરડો લઈ રહ્યો હતો. કોઈ ઈલાજ, કોઈ સારવાર કામ નહોતી આવતી. કૃપેશ અતિ ચિંતિત રહેતો હતો. પોતાની ધીકતી પ્રેક્ટિસ અને તે ઉપરાંત ક્રિણા ની બીમારી અને કંદર્પ નો ઉછેર..બધું એક સાથે તેના ખભે આવી ચડ્યું હતું. હોસ્પિટલ ના બિછાને ક્રિણા ના કપાળ ઉપર હાથ ફેરવતો ફેરવતો કૃપેશ તેને અનિમેષ નયને નિહાળી રહ્યો હતો. આંખોમાં પારાવાર વિષાદ હતો. ત્યાં જ ક્રિણા નો અતિ ક્ષીણ અવાજ આવ્યો..."કૃપ, મારી એક વાત માનશો?"..... કૃપેશ હળવે થી તેના માથે હાથ ફેરવી રહ્યો હતો.."કીની, હમણાં તું કઈં જ ના બોલીશ, તારી બધી વાત માનીશ પણ પહેલાં ઘરે જઈ ને..હમણાં તું આરામ કર" કૃપેશ તેની વાત ને કાપી ને તેને શાંત રહેવાનો ઈશારો કર્યો. પરંતુ ક્રિણા આજે નમતું જોખવા ના મૂડમાં નહોતી. કદાચ કોઈ વાત નો અણસાર આવી ગયો હતો તેને. કૃપેશ નો હાથ પોતાના નબળાઈ ભર્યા હાથથી પકડી ને "કૃપ..હું જે કહું છું તે શાંતિ અને ધ્યાન થી સાંભળો..મારું હવે કઈં નક્કી નથી... આપણો કંદર્પ ઘણો જ નાનો છે. તેને તેની માં નો પ્રેમ મળે તે પહેલાં મને આ બીમારી લાગુ પડી...હું નથી ઈચ્છતી કે તે માં ના પ્રેમ થી વંચિત રહે...સાંભળો કૃપ હવે હું જે કહું છું તે...મને જો કઈં થઈ જાય તો મને બાહેંધરી આપો કે તમે બીજા લગ્ન કરી લેશો..મને ઘણી ખુશી થશે"..ક્રિણા આટલું બોલતાં બોલતાં થાકી ગઈ અને શ્વાસ ચડી ગયો. કૃપેશ તરત જ ત્યાં ના સ્થાયી ડૉક્ટર ને બોલાવવા બહાર દોડી ગયો. થોડી વારમાં તે ડૉક્ટર ને લઈ ને ત્યાં પાછો આવ્યો. ક્રિણા શાંત હતી. ડૉક્ટર તેને તપાસી રહ્યા હતા. તેમના ચહેરા ઉપર ની રેખાઓ બદલાવા લાગી હતી..કપાળ ઉપર કરચલીઓ એ સ્થાન લઈ લીધું હતું...બે ત્રણ મિનિટ ની સધન તપાસ પૂર્ણ થયા બાદ એક આછા નિશ્વાસ સાથે ડૉક્ટર કૃપેશ તરફ વળ્યા અને.."ડૉ. કૃપેશ, આઈ એમ સોરી, શી ઇઝ નો મોર". એક મોટો વજ્રઘાત થયો કૃપેશ ના માથા ઉપર. શું પ્રતિભાવ આપવો તે જ તેને સમજ ના પડી. તે એક ડૉક્ટર જરૂર હતો અને આ વાક્યની ગંભીરતાનો ખ્યાલ હતો તેને. પરંતુ આજે તે એક ડૉક્ટર તરીકે નહીં પણ એક પતિ અને એક વર્ષ ના બાળક ના પિતા તરીકે એક લાચાર મુદ્રામાં હતો. તેના પગ તળે થી ધરતી સરકી ગઈ હતી. ચોમેર અંધકાર જ અંધકાર હતો. આજે જીવન ના એવા ત્રિભેટે એ આવી ને ઊભો હતો કે તેને ખબર નહોતી પડતી કે કયો રસ્તો પકડે. તેના મસ્તિષ્કમાં એક તરફ નાના કંદર્પની જવાબદારી તો એક તરફ અફાટ રણ સમી તેની જિંદગી જ્યાં દૂર દૂર સુધી કઈં જ નજર નહોતું આવતું.

સમય રૂપી ચગડોળ ફરતું જતું હતું. કંદર્પ હવે બે વર્ષ નો થઈ ગયો હતો. માં શું કહેવાય તે તેને ખબર જ નહોતી. તે તો તેની દુનિયામાં રચ્યો પચ્યો હતો. કૃપેશ બનતી બધી જ સંભાળ રાખી રહ્યો હતો. પરંતુ માં જેવી સંભાળ તો ક્યાં કોઈ આજ દિ સુધી કોઈ રાખી શક્યું છે ? ઈશ્વર ના ઉત્તરાધિકારી તરીકે આ ધરતી ઉપર મા ની નિમણુક થઈ છે એવું કહેવાય છે, એટલે તેનો બીજો કોઈ વિકલ્પ હોય જ ના શકે. કૃપેશ ને રહી રહી ને ક્રિણા ના અંતિમ વાક્યો યાદ આવી રહ્યા હતા. ખૂબ જ મનોમંથન બાદ એક નિર્ણય ઉપર પહોંચ્યો કૃપેશ. મન ના એક ખૂણે દુઃખ અને એક ખૂણે સંતોષની લાગણી અનુભવી રહ્યો હતો કૃપેશ. પરંતુ હવે તેની પાસે પણ આજ એક વિકલ્પ બચ્યો હતો. 

લોહાણા સમાજમાં વાત વાયુ વેગે પ્રસરી ગઈ હતી. ડૉ. કૃપેશ કોટેચા પુનઃલગ્ન કરવાના છે તેવા સમાચાર મળતા જ ઈચ્છુક માતા પિતા તેમનો સંપર્ક સાધવા લાગ્યા. કૃપેશ પણ ખૂબ નાની ઉંમરમાં વિધુર થયો હતો એટલે તેને બીજી કન્યા મળવામાં એટલી તકલીફ ના પડી. ડૉ. વ્યોમા ઉનડકટ, જે પોતે સ્ત્રીરોગની નિષ્ણાંત હતી અને શહેર ની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં ડૉક્ટર ની પેનલ ઉપર હતી. ડૉ. કૃપેશ ફરી એકવાર લગ્ન ગ્રંથીથી જોડાયો, પરંતુ આ વખતે ડૉ. વ્યોમા સાથે. "હર્ષ" બંગલોમાં ફરી પાછી રોનક છવાઈ ગઈ. કૃપેશ ને તેની જીવન સંગિની અને કંદર્પ ને તેની નવી મા મળી ગઈ. લગ્ન પહેલાં જ કૃપેશ એ આ વાત ની ચોખવટ વ્યોમા સાથે કરી લીધી હતી. દિવસો વીતવા લાગ્યા. કૃપેશ ના જીવનમાં ફરી પાછો ખુશીનો સંચાર થયો હતો. કંદર્પ તેનું બાળપણ માણી રહ્યો હતો. વ્યોમા પણ એક ડૉક્ટર હોવાને નાતે અતિ વ્યસ્ત રહેતી હતી. પણ સરવાળે ભાગાકાર તેવી રીતે દરેક જણે પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો હતો એવું અત્યારે તો લાગી રહ્યું હતું. 

અને એવામાં એક દિવસ...કંદર્પ ને થોડો તાવ આવી રહ્યો હતો. બે અઢી વર્ષનું બાળક એટલે ઝીણો તાવ પણ તેમને માટે અસહ્ય. કૃપેશ ને આજે એક સર્જરી હતી એટલે તેનું ઘરે રહેવું અશક્ય હતું...એટલે તેણે વ્યોમા ને કહ્યું "વ્યોમા.. આજે તું ઘરે રહેજે... કંદર્પ ને તાવ છે તો કોઈ ધ્યાન રાખવા માટે ઘરે હોય તો સારું....મારે એક બહુ અગત્યની સર્જરી છે એટલે જવું જ પડશે". વ્યોમા કદાચ આ વ્યવસ્થા માટે તૈયાર નહોતી, તેણે વળતો પ્રતિભાવ આપ્યો..."કૃપેશ...સો સોરી, બટ ટુ ડે ઈવન આઈ કાન્ત બી એબલ ટુ મેક ઇટ..પ્લીઝ ત્રાય ટુ અંડરસ્ટેન્ડ, બટ મારું પણ આજે હોસ્પિટલ જવું જરૂરી છે. ત્રણ ચાર અપોઇન્ટમેન્ટ છે જેને મારે ઍટન્ડ કરવી પડશે" વ્યોમા એ નનૈયો ભણી દીધો. હવે ધર્મસંકટ આવ્યું કૃપેશ માથે. બન્ને ડૉક્ટર હતા એટલે પોતપોતાની જવાબદારી સમજતા હતા, પરંતુ કંદર્પ તો આ પરિસ્થિતિથી તદ્દન અજાણ હતો. કૃપેશ એ કોઈક વચલો રસ્તો કાઢ્યો. તેમને ત્યાં આવતી એક કામવાળી ને આખા દિવસ માટે રોકાવાનું ગોઠવી ને બન્ને પતિ પત્ની ઘરેથી નીકળી ગયા. દિવસ પૂરો થયો. કૃપેશ અને વ્યોમા પરત ઘરે આવી ગયા હતા. કંદર્પ ને થોડો તાવ હજી પણ હતો. જરૂરી દવાઓ આપી ને કૃપેશ અને વ્યોમા આડા પડ્યા. આજે કોઈ ખાસ વાતચીત ના થઈ.....પરંતુ કદાચ અજાણતા જ ક્યાંક ઝીણી તડ પડી ચૂકી હતી. જેની કૃપેશ અને વ્યોમા ને જાણ નહોતી. પરંતુ એ તડનું શું પરિણામ આવવાનું હતું તે તો સમય જ કહેશે.

દિવસો વીતતા ચાલ્યા...ચગડોળ ફરી રહ્યું હતું. ધીરે ધીરે કૃપેશ અને વ્યોમાની વચ્ચે અજાણતા જ કંદર્પ આવી ગયો હતો. કોઈક ને કોઈક નજીવા કારણોસર કૃપેશ અને વ્યોમા વચ્ચે ખટરાગ ઉત્પન્ન થવા લાગ્યો..અને તેનું મુખ્ય કારણ બિચારો કંદર્પ જ રહેતો. બન્ને ની વ્યાવસાયિક જિંદગી ઉપર પણ તેની અસર થવા લાગી. કૃપેશ હવે એક પિતા સાથે એક પતિ પણ હતો. પિતા તો હતો પરંતુ તેને પહેલી પત્ની થી થયેલ બાળક નો અને પતિ હતો જેનું હજી સુધી કોઈ બાળક નહોતું. ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો કૃપેશ. દિવસે ને દિવસે ઘરમાં કંકાસ વધતો ચાલ્યો. "હર્ષ" બંગલા નું નામ ફક્ત નામ પૂરતું જ રહ્યું એમ કહીએ તો ચાલે. અને એક દિવસ સવારે નાસ્તા ના ટેબલ ઉપર વ્યોમા એ પોતાની રજૂઆત કરી.."કૃપેશ, મને લાગે છે કે આપણા વચ્ચે ના સંબંધો વધુ વણસે તે પહેલાં એક નિર્ણય કરી લઈએ..હું કંદર્પ ને અપનાવી નથી શકતી.. મેં ભલે લગ્ન પહેલાં કહ્યું હતું પરંતુ જ્યારે હકીકત સામે આવી ત્યારે ખબર પડી કે હું નહીં કરી શકું. 

અને કંદર્પ પણ હજી સમજણો નથી એટલે વાંધો નહીં આવે. તારે એક નક્કી કરવું પડશે..કંદર્પ અથવા હું. અને બીજી એક વાત...તું ફરી પાછો પિતા બનવાનો છે.... આપણા આવનારા બાળક નો"... કૃપેશ ના કાનમાં તો જાણે કે ગરમ સીસું રેડાયું હોય તેવો ભાસ થયો. કોઈ શબ્દો નહોતા સૂઝતા તેને. તેમ છતાં જેમતેમ કરી ને શબ્દો ગોઠવી ને કૃપેશ બોલ્યો.."વ્યોમા, આ શું કહે છે તું ? આર યુ ઈન યોર સેન્સિસ ? વી મ્યુચ્યુઅલી એગ્રીડ અપોન સરટાઇન ટર્મ્સ એન્ડ યુ વેરી વેલ રીમેમ્બર ધેટ ..ઇ એમ હેપ્પી ધેટ યુ આર ઓલસો એકસપેક્તિંગ.બટ એમાં કંદર્પનો શું વાંક ?" પરંતુ વ્યોમા કોઈ જ સમાધાનનાં મૂડમાં નહોતી...તે ટેબલ ઉપર થી ઊભી થઈ ગઈ અને એટલું જ બોલી..." એનીવેઝ ... મને જે લાગ્યું તે કહી દીધું..હવે તારે વિચારવાનું છે..હું નીકળું છું, મારે મોડું થાય છે"..વ્યોમા સડસડાટ ત્યાંથી નીકળી ગઈ અને કૃપેશ ને વિચારોના વમળમાં અટવાતો મૂકી ગઈ. વિચારોનો ઝંઝાવાત સર્જાઈ ગયો હતો કૃપેશનાં મગજમાં. બન્ને હાથે માથું પકડી ને બેસી રહ્યો...બેસી જ રહ્યો..સમય ની કોઈ મર્યાદા આજે તેને નહોતી નડતી. આજે તે હોસ્પિટલે નહોતો ગયો. સાંજ ની રાત પણ પડી ગઈ..વ્યોમા આવી ચૂકી હતી પણ કઈં જ બોલ્યા વગર શયનખંડમાં જતી રહી હતી..."હર્ષ" બંગલા ઉપર અંધકાર ના અને દુઃખ ના ઓળા ઉતરી આવ્યા હતા.

બીજા દિવસ ની સવાર...વ્યોમા ઊઠી..જોયું તો કૃપેશ બાજુમાં નહોતો. કદાચ વહેલો ઊઠી ને બહાર બેઠો હશે તેવું વિચારી ને વ્યોમા શયનખંડની બહાર આવી, પરંતુ કૃપેશ બહાર પણ નહોતો. કંદર્પ પણ નહોતો દેખાતો...તેને થયું કે ક્યાંક તેને બહાર ફરવા લઈ ગયો હશે, તેવું વિચારી ને વ્યોમા તેના પ્રાતઃકાર્યોમાં વ્યસ્ત થઈ ગઈ. 

"મધર ટેરેસા અનાથાલય" નું પ્રાંગણ.... કૃપેશ તેની ગાડીમાંથી નીચે ઊતર્યો..અને બીજા દરવાજેથી કંદર્પ...તેના નાના નાના પગલાં આજે અનાથાશ્રમની ભૂમિ ઉપર પડ્યા. કૃપેશ એ અનાથાશ્રમ ની મુખ્ય કચેરીમાં પ્રવેશ કર્યો અને સાથે સાથે બાળસહજ કુતૂહલથી કંદર્પ પણ તેની પાછળ પાછળ આવ્યો. અનાથાશ્રમની મુખ્ય સંચાલિકા જેની ઉમર લગભગ ૫૦-૬૦ વર્ષ ની વચ્ચે હશે, તેણે કૃપેશ ને આવકાર્યો અને પોતાનો પરિચય આપ્યો..."પ્લીઝ વેલકમ સર... મારું નામ ક્રિસ્ટીના છે અને હું અહીં ની મુખ્ય સંચાલિકા છું..હાઉ કેન આઈ હેલ્પ યુ ?" તેના પ્રત્યુત્તરમાં ક્રૃપેશે તેની સઘળી આપવીતી કહી. ક્રિસ્ટીનાથી એક નિ:શ્વાસ નખાઈ ગયો...પરંતુ તે તો આ બધા અનુભવોથી વાકેફ હતી.. તેણે કૃપેશ ને આશ્રમની જરૂરી પ્રક્રિયા કરવાનું જણાવી દીધું. તેની એક સહાયીકા આવી ને કૃપેશ ને એક ફોર્મ ભરવાનું પકડાવી ને જતી રહી. કૃપેશ તેમાં પૂછેલી વિગતો ભરી ને આશ્રમની કચેરીમાં ફોર્મ આપી ને ભારે પગલે બહાર નીકળી ગયો. 

થોડીવાર પછી આશ્રમ ની મુખ્ય સંચાલિકા ક્રિસ્ટીના પોતાની બેઠક ઉપર આવી ને બેઠી. આવી ને પોતાના ટેબલ ઉપર ના બિન જરૂરી કાગળોનો નિકાલ કર્યો અને ત્યાંજ તેનું ધ્યાન એક ભરેલા ફોર્મ ઉપર પડ્યું...ફોર્મ તેણે હાથમાં લીધું અને તેમાં ભરેલી વિગતો ધ્યાનપૂર્વક વાંચવા લાગી...અને ત્યાંજ એક વિગત ઉપર તેની નજર અટકી અને તેના ચહેરાના હાવભાવ પલટાઈ ગયા...પિતાના નામની સામે ની વિગત હતી....કૃપેશ મયુર કોટેચા.. તેની આંખો ને વિશ્વાસ નહોતો આવતો...તે ફરી પાછી બધી વિગતો ધ્યાનપૂર્વક વાંચી ગઈ...સરનામું પણ જોયું...હજી વિશ્વાસ નહોતો બેસતો...એટલે તેણે વર્ષો પહેલા ની એક ફાઈલ મગાવી અને તેમાં રહેલું મયુર કોટેચા નું ફોર્મ કાઢ્યું...તેનું સરનામું અને આજ ના ફોર્મ નું સરનામું, બન્ને એક જ હતા. તેને ખ્યાલ આવી ગયો હતો કે જે બાળક ને પોતે સંભાળ્યો હતો અને જે મયુર ભાઈ અને કોકિલા બેનને સોંપ્યો હતો તે આ કૃપેશ જ હતો જે પોતાના દીકરા ને અહીં મૂકવા આવ્યો હતો..તેના હાથ અક્કડ થઈ ગયા. થોડી વાર બેસી ને ક્રિસ્ટીના તેની ખુરશી ઉપર થી ઊઠીને આશ્રમના પ્રાંગણમાં આવેલ દેવળમાં ગઈ. બે હાથ જોડી ને ઈસુની પ્રતિમા સમક્ષ જોઈ રહી..મનોમન બોલી ઊઠી..."હે પ્રભુ...આને તારો ન્યાય ગણું કે અન્યાય ? તેં જેને આપ્યો તેની પાસેથી તેં પરત તારી શરણમાં લીધો...પ્રભુ..તારી આ લીલા ને સમજવા માટે હું અસક્ષમ છું...છતાં પણ તારી લીલા ઉપર પ્રશ્ન ઉપજવા બદલ માફી માગું છું...મને માફ કરી દે"...ક્રિસ્ટીના ધીરે પગલે દેવળની બહાર નીકળી અને ત્યાંજ દેવળ ઉપર લાગેલ ઘંટનો ઘંટારવ થયો.

ચગડોળમાં સમયની સાથે સાથે મનુષ્ય પણ ફરતો રહે છે. ક્યારેક ઉપર તો ક્યારેક નીચે. પરંતુ તેનું સંચાલન કરનારો ઈશ્વર તો એક જગ્યા એ બેઠો બેઠો આ બધું નિહાળી રહ્યો હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy