ચેકમેટ
ચેકમેટ


એકવાર નેતા દત્ત સત્તા અને નશામાં મદહોશ થઈને સડક પર એક સ્ત્રીની છેડતી કરી રહ્યો હતો. ત્યાંથી પસાર થઇ રહેલા તેની જ પાર્ટીના સજ્જન નેતા નાથને જયારે આ જોયું ત્યારે તેઓ સમસમી ગયા. ગાડીમાંથી નીચે ઉતરી તેઓ સ્ત્રીને બચાવી તેની માફી માંગી અને તેને ત્યાંથી જતા રહેવાનું કહ્યું, સ્ત્રીના ત્યાંથી ગયા બાદ નાથને દત્તને ખખડાવતા કહ્યું, “તને આમ શરાબ પીને જાહેરમાં ધમાલ કરતા શરમ નથી આવતી? તારી આવી વર્તણુકને કારણે પાર્ટીનું નામ ખરડાઈ રહ્યું છે. જો તું સુધરીશ નહીં તો મારે તારા આ અભદ્ર વ્યવહારની પાર્ટીના ઉપરી અધિકારીઓને જાણ કરવી પડશે. યાદ રાખ પવિત્ર કુરાને શરીફમાં લખ્યું છે કે અસત્ય વદો, મદ્યપાન કરો, વ્યભિચારી બનો એટલે તમે તમારો વિનાશ નોતરશો.”
દત્તને કે તેના ચેલાઓને તેમનું આ અપમાન જરાયે ગમ્યું નહીં. દત્ત ગુસ્સાથી નાથનને સામો જવાબ આપવા જઈ જ રહ્યા હતા ત્યાં તેમના એક ચેલાએ તેમને રોક્યો અને પોતાનો મોબાઈલ દેખાડ્યો. ઈશારોમાં બંને વચ્ચે કંઇક વાત થઇ અને દત્ત કશું પણ બોલ્યા વગર ચુપચાપ ત્યાંથી નીકળી ગયા. નાથનને દત્તનો આ વ્યવહાર અજુગતો લાગ્યો. તેઓ અસમંજસમાં દત્તને જતો જોઈ રહ્યા.
બીજા દિવસે જ નાથનને પાર્ટી કાર્યાલયમાંથી ફોન આવ્યો. “નાથન, સોશ્યલ મિડિયા પર અપલોડ થયેલા તમારા ઉશ્કેરણીજનક વિડિયોને કારણે આખા શહેરમાં કોમી હુલ્લડ ફાટી નીકળ્યા છે. તમારી આવી વર્તણુકને કારણે પાર્ટીનું નામ ખરડાઈ રહ્યું છે તેથી ઉપરી અધિકારીઓએ તમને તાત્કાલિક તમારા હોદ્દા પરથી હટાવી દેવાનો નિર્ણય લીધો છે.”
નાથને અચંબો પામી કહ્યું, “મારા ઉશ્કેરણીજનક સંવાદનો વિડિયો!!!”
સામે છેડેથી અવાજ આવ્યો, “હવે ખોટું બોલશો નહીં કે વિડિયોમાં તમે નથી એમ! ટીકટોકની લીંક તમને સેન્ડ કરી છે તમે તે જોઈ લો.”
નાથનને કશું સમજાયું નહીં તેઓએ ઝડપથી ટીકટોકનો એ વિડિયો શોધીને જોયો તો તેઓ દંગ રહી ગયા! એ વિડિયો ક્લિપ્સમાં નાથન કહી રહ્યા હતા કે, “કુરાને શરીફમાં લખ્યું છે કે અસત્ય વદો, મદ્યપાન કરો, વ્યભિચારી બનો.”
દત્તની કપટનીતિ સામે ચેકમેટ થયેલા નાથન હતાશ થઈને સોફા પર ઢળી પડ્યા. તેઓ જાણી ગયા હતા કે કાલ રાતવાળી ઘટનાની એડીટીંગ કરેલી વિડિયો ક્લિપ્સ સોશ્યલ મીડિયા પર વહેતી કરી દત્તે સિફતપૂર્વક તેની સાથે રમી હતી રાજકારણની રમત !