ચારુદાદી
ચારુદાદી


મારી ડાયરીના એક પાના પર એક નામ અંકિત થઈ ગયું.
એક અવિસ્મરણીય અનુભવ કહું.
વર્ષમાં અમે લગભગ સંગીતના પાંચ-છ ચેરીટી કાર્યક્રમ અલગ અલગ વૃધ્ધાશ્રમમાં કરીએ.
ત્રણ વર્ષ પહેલાં જૂનામાં જૂના કહેવાય એવા વૃધ્ધાશ્રમોમાંના એક એવા વૃધ્ધાશ્રમમાં કાર્યક્રમ કર્યો. ચાર થી છનો સમય હંમેશાં રાખીએ. સાડા ત્રણે હું પહોંચી અને હંમેશની જેમ પરિચિત થઈ ગયેલા દાદા-દાદીઓને મળતી હતી ત્યાં એક નવાં દાદી બેઠેલાં જોયાં.
મેં જયશ્રી કૃષ્ણ કહ્યું.
સંચાલક ભાઇએ ઓળખાણ કરાવી કે આ ચારુબેન છે. કેદારનાથમાં જે ભયાનક પૂરની હોનારત થઈ હતી ત્યારે મુંબઇનાં રહેવાસી ચારુબેન સપરિવાર ત્યાં હતાં. પતિ અને સમગ્ર પરિવાર એ કાળમુખી પળનો ભોગ બની ગયા. બેભાન ચારુબેનને સહાયકો અહીયાં લઈ આવ્યા. હોશમાં આવતાં દુનિયા ખોઈ બેઠેલાં ચારુદાદીએ મુંબઈને બદલે આ આશ્રમમાં રહેવાનું પસંદ કર્યું.
અમે કાર્યક્રમ પૂરો કર્યો પછી બધાની રજા લેતાં હતાં ત્યારે ચારુદાદી મારો હાથ પકડીને બોલ્યાં,
“બે મિનિટ બેસ બેટા. મારે કંઇક કહેવું છે. તારો અવાજ બહુ સુંદર છે. હું પણ કલાકાર છું એક જમાનામાં ભરતનાટ્યમ શીખેલી. તને જોઇને આજે આ નિરાશ જિંદગીમાં એક ઇચ્છા પ્રગટી છે. એક વાર તું ગાય અને એના પર મારે નૃત્ય કરવું છે.
હવે તું આવે ત્યારે મારી ફરમાઇશ પર પિયા તોસે નૈના લાગે રે.. ગાજે અને હું ડાન્સ કરીશ.”
અને બે પળ માટે હું શૂન્ય બની ગઈ. એમને વાયદો કરીને નીકળી.
પણ કમનસીબે પછી વર્ષે ફરી એ વૃધ્ધાશ્રમમાં કાર્યક્રમનો વારો આવ્યો ત્યારે ચારુદાદી જગતમાંથી વિદાય લઈ ચૂક્યાં હતાં. અફસોસ થયો.
ખેર!
“દિન જો પખેરુ હોતે, પિંજરેમેં મૈં રખ લેતા..”