DIPIKA CHAVDA

Romance

4  

DIPIKA CHAVDA

Romance

ચાલને વહાલ વરસાવીએ

ચાલને વહાલ વરસાવીએ

5 mins
178


સ્નેહલ અને સ્નેહા સુંદર કોલેજમાં આવ્યા ત્યારથી એકબીજામાં મન હૃદયથી સમાઈ ગયેલા, બંનેના વિચારો સરખા, શોખ સરખા અને બંનેને સાહિત્યનો શોખ એટલે મન મળી ગયેલા અને એથી વિશેષ એક શોખ હતો વરસાદમાં ભીંજાવાનો. બંને હાથમાં હાથ લઈ વરસાદમાં ભીંજાતા વ્હાલ વરસાવતા ચાલ્યા જાય. આ બંને કોલેજના બીજા વર્ષમાં આવ્યા અને એટલી હદે એકબીજાના થઈ ગયા કે એકબીજા વગર રહી જ ના શકે. અને બંનેએ નક્કી કરી લીધેલું કે આપણે પ્રભુતામાં પગલાં પાડી સંસાર સાથે માંડશું. સ્નેહાના સંજોગો એવા થયા કે એને બીજા વર્ષ પછી કોલેજ છોડવી પડી. પણ બંનેએ મળવાનું તો ચાલુ જ રાખ્યું. સ્નેહલ ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી સતત મળતા રહ્યા.

સ્નેહલ જયારે નાનો હતો ત્યારે જ એની માતાનું જીવલેણ બીમારીને કારણે અવસાન થયેલું અને ત્યારથી એના પિતા દિનુભાઈએ માતા પિતા બંનેની ફરજ નિભાવેલી. દિનુભાઈ બેંકમાં પટાવાળા હતા એટલે સ્નેહલ કોલેજમાં આવ્યો ત્યારથી એ એવા પ્રયત્નોમાં હતા કે દીકરો કોલેજ કરી લે પછી બેન્કની પરીક્ષામાં સફળ થાય એટલે સાહેબોને કહી એને બેંકમાં નોકરીએ લગાડી દઈશ. એટલે સ્નેહલ ગ્રેજ્યુએટ થયો કે તરત એની બેન્કની પરીક્ષા માટે તૈયારી કરાવી અને એ સરસ રીતે પાસ પણ થઈ ગયો. દિનુભાઈના સ્વભાવને કારણે બધા સાહેબોની એમની પર રહેમ નજર બધાને એમના માટે માન, દિનુભાઈએ કોઈ દિવસ કોઈ કામ માટે ના ના પાડી હોય, કોઈ દિવસ મોઢું ના બગાડ્યું હોય. દરેકને માન આપ્યું હોય અને ક્યારેય ખોટી રજા ના પાડી હોય કે કોઈ માગણી ના કરી હોય એટલે પહેલી વાર એમણે મોટા સાહેબ (કે જે નાના પદથી મોટા પદ સુધી દિનુભાઈની સામે જ પહોંચ્યા હતા)ને વિનંતી કરી અને ઝડપથી સ્નેહલની નોકરી બેંકમાં નક્કી થઈ ગઈ.  

સ્નેહાના પિતા મેરૂભાઈ મેરાઈ નાનું મોટું દરજીકામ કરતા હતા, એમને ત્રણ દીકરીઓ જ હતી, એમાં સ્નેહા સૌથી મોટી મેરૂભાઈની સીમિત આવકને કારણે માત્ર સ્નેહા જ કોલેજ સુધી પહોંચી હતી અને બીજી બે દીકરીઓ એસ એસ સી પછી આગળ નહોતી ભણી એ બે બહેનો કોલેજમાં ના જઈ શકી એનું બહેનો પર દેખાતું દુઃખ સ્નેહા પારખી ગયેલી એટલે કોલેજનું એક જ વર્ષ કરી ભણવાનું છોડી દીધું અને પિતાને મદદ કરવા લાગી લેડીઝ ગાર્મેન્ટ્સ સીવવા લાગી અને બંને બહેનોને પણ એમાં તૈયાર કરી દીધી !

સ્નેહાએ કોલેજ છોડી દીધી પણ સ્નેહલ સ્નેહાનું મળવાનું તો ચાલુ જ રહ્યું એણે ભણવાનું છોડ્યું પછી બેય ચોમાસા એ લોકો વહાલમાં ભીંજાયા, સ્નેહલને નોકરી પાકી થઈ ગઈ એટલે દિનુભાઈને બહુ મોટી નિરાંત થઈ, હવે દરેક પિતાને થાય એમ એમને વિચાર આવ્યો કે સ્નેહલ માટે સારી કન્યા શોધી એના લગ્ન કરી નાખું એટલે મોટી શાંતિ પછી એ લોકો ઘર વહેવાર અને મને સંભાળશે. સ્નેહલનું એ બધું કરતા હતા નાનો હતો અને સ્કૂલે જતો ત્યારથી બધું અને એ સમજણો થયો એટલે ધીરે ધીરે પોતે બધું કરવા માંડ્યો અને પિતાજીના માથેથી જવાબદારી ઓછી કરતો થયો,એ રસોઈ પણ શીખી ગયો. એક દિવસ સાંજે દિનુભાઈ બેંકથી આવ્યા અને સ્નેહલે કહ્યું કે તમે નહીં ધોઈ ફ્રેશ થાવ પછી આપણે સાથે જમીએ આજે મેં રસોઈ બનાવી છે, દિનુભાઈ જમવા બેઠા અને સરસ મજાના ખીચડી શાક અને ભાખરીનું ભોજન જમતા આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યા "દીકરા બહુ સરસ, તારી માં ના ગયા પછી પહેલી વાર તૈયાર ભાણું જમ્યો અને એય તારી માં બનાવતી હતી એ ખીચડી, શાક અને ભાખરી ગરમ ગરમ. " દિનુભાઈ કહે દીકરા હવે તારા માટે કન્યા શોધવી પડશે જે આપણા બરોબર હોય આપણા જેવા સામાન્ય ઘરની બસ એવું પરિવાર મળી જાય તો સારું,હું આપણા ગોરબાપાને કહી દઈશ એને ધ્યાનમાં હશે." સ્નેહલ કહે પપ્પા તમે ગુસ્સે ના થાવ તો એક વાત કહું ? મારી સાથે કોલેજમાં એક કન્યા હતી સ્નેહા,એના પિતા દરજીકામ કરે છે બહુ જ સામાન્ય કુટુંબ છે. તમે હા પાડો અને તમે એમને મળો અને એ હા પાડે તો અમારે લગ્ન કરવા છે. પપ્પા એ લોકો વહેવાર કે લગ્નમાં ખર્ચો નહીં કરી શકે." દિનુભાઈ કહે મને વાંધો છે જ નહીં,એના પિતા હા પાડે તો આપણે માત્ર કંકુ અને કન્યા જ જોઈએ, આપણે આર્યસમાજ વિધિથી કરશું કોઈ ખર્ચો નહીં". બસ પછી સ્નેહા સ્નેહલના લગ્ન થઈ ગયા. 

સ્નેહા સ્નેહલના લગ્ન થયા ત્યારે વરસાદની જ મોસમ હતી. લગ્નના બીજા દિવસે સ્નેહાએ સસરાજીને કંસાર જમાડ્યો, દિનુભાઈએ આશીર્વાદ રૂપે ઘરેણું આપ્યું એ પછી એ જ સાંજે ઝરમર વરસાદ ચાલુ હતો અને સ્નેહા સ્નેહલ અને દિનુભાઈ બેઠા હતા, દિનુભાઈએ પૂછ્યું એ બંનેને કે તમારે ક્યાં ફરવા જવું છે ? હું ટિકિટ બુક કરાવું મેં એના માટે પૈસા બચાવીને રાખ્યા છે. સ્નેહલ કહે "પપ્પા અમારે બહાર ક્યાંય ફરવા જવું નથી બસ અત્યારે આ વરસાદમાં એકબીજાનો હાથ હાથમાં લઈ વહાલ વરસાવતા ભીંજાવા જવું છે." દિનુભાઈએ કહ્યું તો જાવ મન મૂકીને એકમેકને ભીજવો ભીંજાવ, બસ એ લોકો નીકળી પડ્યા મોજથી અને વહાલથી ભીંજાયા. બસ એ કદાચ મન મૂકીને ભીંજાવાનું છેલ્લું ચોમાસુ હશે.

થોડા સમયમાં સ્નેહા સ્નેહલ જવાબદારીઓમાં પરોવાઈ ગયા. માત્ર પિતાજીની જવાબદારી નહીં સ્નેહલના સ્વભાવને કારણે બંને પરિવારોની જવાબદારીમાં પરોવાયા. સ્નેહાની બંને બ્હેનોના લગ્ન પણ આ બંનેએ ઉકેલ્યા, એ દરમ્યાન એમને બે દીકરીઓ જન્મી એ દીકરીઓની બધી જવાબદારી સ્નેહાના માતાપિતાની પણ જવાબદારી સંભાળી, આ સમયગાળામાં સ્નેહા સ્નેહલની દીકરીઓ મોટી થવા માંડી, સ્નેહલ બેંકમાં હતો એટલે બદલી થાય, એ પરિવારને અહીં રાખીને જ બધે રહેતો શનિ રવિમાં જ આવતો એ દરમ્યાન જ દિનુભાઈનું અવસાન થયું. એ પછી સ્નેહાના માતાપિતાનું કાળક્રમે અવસાન થયું. અને આ બધા વહેવારીક કામ સ્નેહલ બહારગામથી આવી પુરા કરતો. એ સ્નેહાને કહેતો કે તું દીકરીઓને જો હું નોકરી જોઉં. આ દીકરીઓને સરસ ભણાવશું, કાંઈક બનાવશું તો એમને યોગ્ય છોકરાઓ મળશે. એ ક્યાંય પાછી નહીં પડે.

બસ આમને આમ કેટલાય ચોમાસા કોરા ગયા. દીકરીઓ મોટી થઈ ગઈ બહુ જ ભણી અને જુઓ તો ખરા એવું ભણી કે બેંકમાં સીધી ઊંચા હોદ્દા પર નિમાણી. બસ નિવૃત્તિના સમયની નજીક હતો એટલે સ્નેહલને એના શહેરની જ શાખામાં બદલી થઈ. એ દરમ્યાન જ એ બંને દીકરીઓ માટે સરસ ઘર પરિવાર અને યુવક જોઈ લગ્ન કરી નાખ્યા. બંને ગામમાં જ હતી. એ દીકરીઓના લગ્નના બીજા વર્ષે જ સ્નેહલ નિવૃત્ત થયો.

બસ હવે ભર ચોમાસે સ્નેહલ સ્નેહા ઘરમાં એકલા જ હતા. બધી જ જવાબદારીઓમાંથી મુક્ત અને મેઘો મંડાણો હતો, બંનેના મન હૃદયમાં એક જ વાત હતી કે આજે ઘણા વર્ષે ભીંજવા ભીંજાવાની તક મળી છે, બંને વરસાદને જોતા હતા આ વિચારતા અને બંને એ એકબીજા સામે જોયું અને સ્મિત વેર્યું, સ્નેહલ બોલ્યો "ચાલ આજે ઘણા વર્ષે વરસાદમાં હાથમાં હાથ લઈ ચાલ્યા જઈએ, ભીંજીએ ભીંજાઈએ,મન મૂકીને વહાલ વરસાવીએ. "

આજે વરસાદ પણ મન મૂકીને વરસ્યો કારણ વ્હાલમા ભીંજાનારા ઘણા વર્ષે આવ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Romance