બટમોગરો
બટમોગરો
સાયબો મારો ફૂલ મોગરો, એની મહેકથી મહેકે ઘર મારું.
હું તો નાનકડો બટમોગરો, એની ફરતે ઘમ્મરવલોણું કરતી.
પોયણી ગીત ગાતી ગાતી ઘરનું કામ કરી રહી હતી. ત્યાં તો પાછળથી આવી પિયુષે એને જકડી લીધી. "અરે ! મારો બટમોગરો, કેટલી વાર ? હું ક્યારથી તારી રાહ જોઉં છું."
"છોડ, છોડ, કોણ છે ? તારી હિંમત કેમ થઈ મને હાથ લગાવવાની ? હું જોઈ નથી શકતી પણ હાથનો સ્પર્શ તો ઓળખું છું. તું મારો સાયબો નથી. હેમલ, હેમલ, ક્યાં છે તું ?"
"પોયણી, હું હેમલ જ છું. કેમ આમ કરે છે ?"
"ના,તું હેમલ નથી. મોગરાની મહેકથી મહેકતા મારા સાયબાને હું બરાબર ઓળખું છું. છોડ, છોડ, મને, નહિતર આ કટાર તારી સગી નહિ થાય." એટલું બોલતાં પોયણીએ એક જ ઝાટકે પોતાની જાતને પિયુષથી છોડાવી અને એક છરકો એના હાથ પર મારી જ દીધો. પ્રજ્ઞાચક્ષુ પોયણીની છઠ્ઠી ઈન્દ્રિય ખૂબ જ સતેજ હતી.
"ઓ મા…" કરતો પિયુષ ત્યાંથી નાસવા ગયો તેવો જ દરવાજામાં હેમલ સાથે અથડાયો.
"કેમ, પિયુષ આટલી ઉતાવળે ક્યાં જાય છે ? અરે ! આ હાથમાં શું થયું ?"
"કંઈ નહિ એમ જ." કરતો પિયુષ ત્યાંથી જીવ લઈને નાઠો.
"અરે ! મારો બટમોગરો કેમ ગુસ્સામાં છે અને આ કટાર કેમ લોહીવાળી છે ?"
"આ તારા પિયુષને ચેતવણી આપી દેજે ફરી મને હાથ લગાડવાની હિંમત ન કરે. મારી આંખ નથી પણ મારી ચામડીના એક એક અણુમાં આંખ છે. આજે તો ખાલી છરકો જ કર્યો છે બીજીવાર ગરદન કાપતાં વાર નહિ લાગે."
"અરે ! મારી લક્ષ્મીબાઈ, તારી હિંમતને સો સો વંદન. મારો બટમોગરો તો બહુ બહાદુર છે." એણે પોતાના પ્રેમ પોયણીને છાતી સરસી ચાંપી દીધી.
"સાયબો મારો મોગરો, હું બટમોગરો." કહી પોયણીએ એની છાતીમાં મોઢું છૂપાવી ઊંડો શ્વાસ લઈ એની સુગંધને પોતાના હૃદયમાં સમાવી દીધી.

