Vibhuti Desai

Romance

3  

Vibhuti Desai

Romance

બસ સ્ટેન્ડ

બસ સ્ટેન્ડ

2 mins
151


નેહા કોલેજથી નીકળી બસની રાહ જોતી બસ સ્ટેન્ડ પર ઊભી હતી. બસ આવે એ પહેલાં મેઘરાજાની સવારી આવી પહોંચી, પ્રેમિકા પર પ્રેમીને પ્રેમ ઊભરાયો હોય એમ ધોધમાર વરસી પડ્યો. કોઈક કારણસર બસ સમયસર આવી નહીં. આસપાસમાં રીક્ષા પણ નહોતી. વરસાદ અટકવાનું નામ લેતો નહતો. ઘરે પહોંચવા માટે મોડું થવાને કારણે નેહાની ચિંતા વધતી જતી હતી.

તપાસ કરતાં ખબર પડી કે બસ આવવાનો સમય નક્કી ન કહી શકાય, કદાચ ન પણ આવે,આ સાંભળતાં જ નેહાનો ચહેરો રડમસ થઈ ગયો, આંખમાં આંસું ધસી આવ્યા. મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી મદદ માટે.

ભગવાને પ્રાર્થના સાંભળી હોય એમ ત્યાં એક ગાડી આવીને ઊભી રહી. ગાડી ચાલકે નેહાને નમ્રતાથી વિનંતીભર્યા સૂરે કહ્યું," મારું નામ કેતન, હું અહીંથી જઈ રહ્યો હતો તમને એકલાં ઊભેલા જોઈ,

પરિસ્થિતિની ગંભીરતા સમજી તમારે માટે ગાડી ઊભી રાખી, વિશ્વાસ રાખીને બેસી જાવ. તમને હેમખેમ તમારાં ઘરે પહોચાડીશ." નેહા પાસે ગાડીમાં બેસવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. સંકોચાતી સંકોચાતી ઈશ્વર સ્મરણ કરી બેસી ગઈ. નેહાએ આપેલાં સરનામા મુજબ એનાં ઘરે મૂકીને પોતાનાં ઘરે ગયો, નામ પણ ન પૂછ્યું. ઘરે જઈને જોયું તો નેહાનું પર્સ ગાડીમાં જ રહી ગયેલું તરત જ પર્સ આપવા ઘરે ગયો. પર્સ આપતાં સાથે નામ જાણી લીધું.

નેહાનાં બસ સ્ટેન્ડ આગળથી જ કેતનને જવાનું થાય એટલે રોજ મળવાનું થાય. એકબીજાને સ્મિતની આ૫-લેથી શરૂ થયેલી ઓળખ પ્રેમમાં પરિણમી.

આમ પહેલાં વરસાદમાં પાંગરેલો પ્રેમ બંને પક્ષનાં માવતરની સંમતિથી લગ્નગ્રંથીથી જોડાયો.  

લગ્ન પછી પ્રથમ વરસાદમાં બંને એ જ બસ સ્ટેન્ડે ગયાં જ્યાં પહેલી મુલાકાત થયેલી, ત્યાં પહોંચી એક જ છત્રીમાં ભીંજાતા ભીંજાતા ગરમાગરમ મકાઈની મજા લેતાં લેતાં પાંગરેલા પ્રેમને યાદ કરી રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance