બ્રેકઅપ
બ્રેકઅપ
"મમ્મી -પપ્પા હું નીતાંતને બે મહીનામાં આઠ-દસ વાર મળી. મને તો તરત જ ખ્યાલ આવી ગયો હતો કે પત્નીને પોતાની મિલ્કત સમજનાર આ માણસ સાથે હું જીવી જ ન શકું ! પણ તમારો ખ્યાલ કરીને અને મને પોતાને પણ પ્રોપર ક્લોઝર મળે ત્યાં સુધી મેં સંબંધ ટકાવવા ખૂબ કોશિષ કરી. પણ નાવ આય એમ શ્યોર મારે આ સગાઈ તોડી નાંખવી છે. " દીકરી નિયતિનાં આ શબ્દો સાંભળી શુભાએ આંખે છેડો દાબ્યો અને પપ્પા જરા ગુસ્સાથી બોલ્યાં " અરે ! એમ થોડું કરાય ? પૈસાદાર કુટુંબનો, સાજો-સારો, કમાતો છોકરો છે. જીવવા માટે બીજું શું જોઈએ. આપણા કુટુંબમાં આવું ન ચાલે. " પતિના શબ્દો સાંભળી શુભાએ ધ્રુસકુ મૂક્યું. નિયતિ થોડી ક્ષણ મા-બાપ સામે જોઈ રહી ને પછી મક્કમતાથી બોલી " નીતાંત સાથે મેં ઓલરેડી બ્રેકઅપ કરી નાંખ્યું છે. તમારી સંમતિ નથી લેતી. . . તમને ફક્ત જણાવું છું. "
બોમ્બ ફોડી નિયતિતો પોતાના રૂમમાં ભરાઈ ગઈ. હવે લોકો ને શું જવાબ આપશું ? ને બધાં શું કહેશેનો કકળાટ કરતાં સુબોધભાઈ શુભા પર જ ઉકળી ઉઠયા " આ તમારા જ લાડના પ્રતાપ ! જરાય દાબ ન રાખતાં છોકરીને ફટવી દીધી. ભોગવો હવે. "
જેને જે કહેવું હતું તે કહી નિશ્ચિંત થઈ ગયા. પણ શુભાની ઊંઘ વેરણ થઈ ગઈ. 'હવે સગાવહાલાને કેવી રીતે મોં બતાવશું ? નિયતિનું શું થશે ? એ તો પાછી છે બહુજ આળા સ્વભાવની. આ બ્રેકઅપથી એનું એ દીલ તો દુભાયું જ હોય ને ? એને યાદ આવ્યું પોતાની એક સખીની, સગાઈ તૂટી પછી એ કેવી ઉદાસ થઈ ગઈ હતી. દિવસો સુધી ઘરની બહાર ન નીકળતી. રડ્યા કરતી. ક્યારેક મરી જવાની વાત પણ કરતી. એ તો બધાં મિત્રો ને એના મા-સમજદાર તે એને સંભાળી લીધેલી. ને પછી બે-ચાર વર્ષે માંડ-માંડ એનું લગ્ન ગોઠવાયેલું. ના ના જે પણ કારણથી સગાઈ તૂટે સહન તો છોકરીએ જ કરવું પડે. અરે ! ભગવાન હવે શું થશે ? હું આ છોકરીને કેમ સંભાળીશ. આજકાલનાં છોકરાં તો પાછા ડિપ્રેશનમાં જતા રહે ! '
માંડ-માંડ આંખ મળી ને સવારે ઝબકીને જાગી ગયાં. નિયતિને હવે સંભાળવી પડશે. રોજ કરતાં નિયતિ મોડી ઊઠી તો ચિંતા થઈ ગઈ. પણ એણે તો ઊઠતાં વેંત "મમ્મી આજે મસ્ત બટટાપૌંવા બનાવજે " એમ ફરમાઈશ કરી નાસ્તો કરી, તૈયાર થઈ જોબ પર જવા નીકળી ગઈ. સુબોધભાઈ હજી દુનિયાને જવાબ દેવાના મૂડમાં નહોતા તે કામ પર ન ગયાં. પણ દુનિયા એમ કંઈ ચૂપ થોડી રહે. સામેવાળા તરફથી વાત વહેતી થઈ હતી તે ભાઈ-કાકા-મામા-બ્હેન-ભાણેજ અરે ! પેલા દૂરના ફુઆએ પણ ફોન કરી-કરી સગાઈ તૂટવાનો ખરખરો કરી લીધો-દીકરીના મા-બાપને ઠપકો આપી દીધો કે પછી સલાહ-સૂચન અને શુભેચ્છકો તરીકે હવે દીકરીને ઠેકાણે પાડતાં દમ નીકળશે એમ ચેતવી પણ દીધાં. સાંજ સુધીમાં તો બંને જણ જાણે પોતે જ ડિપ્રેશનમાં આવી ગયાં. સાંજે જોબ પરથી આવતાં જ નિયતિને વાતાવરણની ગંધ આવી ગઈ. એણે ફોન કરી પીત્ઝા ઓર્ડર કર્યાં ને પોતાની બે સહેલીઓને બોલાવી એક સરસ હિન્દી મૂવી શરુ કરી દીધું જેથી મમ્મી -પપ્પા જરા મૂડમાં આવે. શુભાએ જોયેલું -જાણેલું એ કરતાં અહીં તો રોલની અદલાબદલી થઈ ગઈ. ભવિષ્ય અને સમાજની ચિંતા ઉપરાંત પોતાની પેઢીનાં સજ્જડ વિચારોને કારણે મમ્મી -પપ્પા દુ:ખી દુ:ખી અને દીકરી એમને સધિયારો આપે ! દીકરીને મજબૂત જોઈ હવે બંને સ્વસ્થ તો થયા પણ એના લગ્ન હવે કેમ થશે નો સંશય તો રહ્યા કર્યો. ચાર મહીના પછી નિયતિ એક છોકરાને લઈ ઘરે આવી અને ઓળખાણ આપી કે આ બિલ્વ, મારી સાથે જ જોબ કરે છે. મારો બોસ છે. અમને બંનેને એકબીજાનો સ્વભાવ ખૂબ ગમે છે. અમે લગ્ન કરવા માંગીએ છીએ. એનાં મમ્મી -પપ્પા કાલે તમને મળવા માંગે છે. . . . .
અને પછી એક રાહતનો ભાવ બંનેનાં ચહેરા પર જોઈ બોલી "તમને ખબર છે ? તમારી પેઢી હરએક સંબંધની રેખા જાણે પથ્થર પર જ આંકે જેને મીટાવવા જાઓ તોયે ઘસરકા તો પડે જ. જ્યારે અમે ખાત્રી ન થાય ત્યાં સુધી સંબંધોની રેખા પાણીમાં આંકીએ એટલે બ્રેકઅપની તડ પડે તોયે તરત જ સંધાય જાય અને ઉઝરડાં પણ ન રહે. બોલો છે ને સ્માર્ટ અમારી પેઢી ? "
