બ્રેડનો ટુકડો
બ્રેડનો ટુકડો
“ચાલો છૂટયા, નહીંતર રોજરોજની કચકચથી હું તો ત્રાસી ગઈ હતી.” રાધા તેના પતિ મનોજને કહી રહી હતી, “હવે આ નવા ઘરમાં રહેવાની મજા આવશે. ન કોઈની રોકટોક, ન કોઈની રકઝક. નકામી કોઈ મગજમારી નહીં અને બીજા કોઈની ઉપાધિ આપણા માથે નહીં. આપણે બે અને આપણો દીકરો રાજુ. બસ ત્રણ જણનો સુખી સંસાર. કોઈએ ખૂબ જ સાચું કહ્યું છે કે, નાનું કુટુંબ એ સુખી કુટુંબ.”
“રાધા, ત્રેવડ નહોતી તો પણ તારા કહેવાથી આ નવું ઘર હપ્તેથી લીધું છે.” મનોજે હિસાબ કરતા આગળ કહ્યું, “હવે હપ્તા ભર્યા બાદ બચેલા પૈસાથી ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ પડશે. વળી મહિનાના બે હજાર રૂપિયા પણ મોકલવા પડશે ને.”
“અરે બે ના બદલે ત્રણ હજાર મોકલો.” રાધા છણકો કરતા બોલી, “તમે કોઈ ચિંતા કરશો નહીં હું બધું સંભાળી લઈશ. સૂકી રોટલી ખાઈને મોજમાં તો રહીશું. મુઈ કોઈની ખોટી હેરાનગતિ તો હવે સહેવી નહીં પડે.”
મનોજ હિસાબ કરવામાં અને મહિનાના દિવસો કેવી રીતે કાઢવાના તેની ગણતરી કરવામાં ખોવાઈ ગયો.
રાધા વહાલથી બોલી, “હું શું કહું છું સાંભળો છો ?”
“સાંભળી રહ્યો છું.”
“આખો દિવસ ઘરની સાફસફાઈ કરવામાં જ ગયો.”
“ઘર તો સાફસુથરું જ હતું. તેમાં વળી તેં શું વધારાની સાફસફાઈ કરી.”
“તમને શું લાગે છે કે આ બધા રાચરચીલાની ગોઠવણ આપમેળે થઈ ગઈ ?”
“કેમ એ માટે મજૂરો રાખ્યા હતા ને !”
“મુઆ એ મજૂરો. તેમને ઓરડામાં ગોઠવણ કેવી રીતે કરવી તેની શી ગતાગમ પડે. તેમને સમજાવવા પાછળ મારો આખો દા’ડો બગડ્યો.”
“તો તારે શું કહેવું છે ?”
“ચાલોને આજે આપણે બહાર ખાવા જઈએ.”
મનોજની આંખો પહોળી થઈ ગઈ. બચેલા પૈસામાંથી માંડ મહિનો નીકળવાનો હતો. તેમાં આ વધારાનો ખર્ચ તેને પોસાય તેમ નહોતો. પરંતુ પત્ની સામે જીભ ઉપાડવાની તેની હિંમત ચાલી નહીં. મને કમને તે બોલ્યો, “ઠીક છે નજીકની કોઈ હોટેલમાં જઈએ.”
“હોટેલ બોટેલ આજે રહેવા દો. કાલે જઈશું.”
મનોજના કપાળે પરસેવો બાઝ્યો, “કેમ ?”
“હવે આવા કપડા પહેરીને ક્યાં હોટેલમાં જવાનું ?”
“તો ફટાફટ તૈયાર થઈ જા ને.”
“મારા ડીઅર પતિદેવ, હોટલમાં જવાનું હોય તો સાજ શણગાર કરવા પડે. અને આટલો સમય મારી પાસે નથી. મને કકડીને ભૂખ લાગી છે.”
“ઠીક છે નજીકમાં જ ક્યાંક ચાઈનીઝ ખાઈ લઈએ.”
“ચાઈનીઝ કાલે તો ખાધું હતું.”
મનોજના દિલમાં આ વાત પહેલા જ આવી હતી કે કાલે જ તો આપણે બહાર ખાધું હતું અને આજે પાછુ બહાર ખાવા જવાનું ? પણ જીભ ઉપડે ત્યારે બોલે એ ને.
“તો પછી તું જ બોલ શું ખાવું છે.”
“આજે પાંઉભાજી ખાવાની ઈચ્છા છે.”
“ઠીક છે તું તૈયાર થઈ જા. હું રાજુને પણ તૈયાર થવાનું કહી દઉં છું.”
“એ તો તૈયાર જ છે. મેં તેને સાંજનું કહેલું છે કે આજે આપણે પાંઉભાજી ખાવા બહાર જવાના છીએ. મને વિશ્વાસ હતો કે તમે મને ના નહીં પાડો.” આમ કહી રાધા તૈયાર થવા અંદર ઓરડામાં જતી રહી. મનોજ પાકીટમાં પડેલા રૂપિયા ગણવામાં વ્યસ્ત થઈ ગયો.
રાધાએ તૈયાર થવામાં ખાસ્સો સમય લીધો. પુરા સાજ શણગાર કરી તે બહાર આવી. “લે તમે હજુ તૈયાર નથી થયા.”
મનોજ બોલ્યો, “અરે! હું તો તૈયાર જ છું ને.”
રાધા ખીલખીલાટ હસતા બોલી, “આ ફાટેલી બંડી પહેરી અમારી સાથે આવશો.”
મનોજે ખુંટી પર લટકાવેલું શર્ટ પહેરી લેતા કહ્યું, “લે થઈ ગયો તૈયાર.”
થોડીવારમાં જ તેઓ નજીકની પાંઉભાજીની લારી પાસે ઊભા હતા. મનોજે ત્રણ પ્લેટ પાંઉભાજીનો ઓર્ડર આપ્યો અને રાધા અને રાજુ જે ટેબલ પાસે બેઠા હતા ત્યાં આવ્યો.
“અહીંનો તવા પુલાવ ખૂબ વખણાય છે.” રાધા બોલી.
“મને ખાસ ભૂખ નથી.” મનોજનો હાથ અનાયાસે ખિસ્સામાં મુકેલા પાકીટ પર ગયો.
“ઠીક છે તો પછી તમે રહેવા દો અને મારા માટે એક પ્લેટ તવા પુલાવનો પણ ઓર્ડર આપો. રાજુ તારે પાંઉભાજી સિવાય બીજું કશું ખાવું છે ? નહીંતર ઘરે જઈને પાછો ખાવા માંગીશ.”
રાજુ મેનુ જોઈને બોલ્યો, “મને બટર તવા પુલાવ જોઈએ.”
રાધા બોલી, “ઓહો ! અહીં બટર તવા પુલાવ પણ મળે છે ? ક્યાં બાત હૈ ! તો તમે એક કામ કરો બે પ્લેટ બટર તવા પુલાવનો જ ઓર્ડર કરી દો. અને હા એક્સ્ટ્રા બ્રેડ પણ મંગાવી જ લેજો.”
મનોજ ધીમા પગલે લારી પર ગયો અને ઓર્ડર આપી પાછો આવ્યો.
થોડીવારમાં વેઈટર બે પ્લેટ પાંઉભાજી અને બે પ્લેટ બટર તવા પુલાવની લઈ આવ્યો. અને સાથે એક્સ્ટ્રા ડીશ બ્રેડ પણ મૂકી ગયો.
રાધા બોલી, “કેમ બે જ પ્લેટ પાંઉભાજી ? તમારા પાંઉભાજીની પ્લેટ ક્યાં છે ?”
મનોજે કહ્યું, “મેં કહ્યું ને મને ભૂખ નથી.”
રાધા ગુસ્સામાં બોલી, “ભૂખ નહોતી તો ઘરે જ કહેવાનું હતું ને ? ખોટા અહીં સુધી લાંબા થયા. મેં રાજુ અને મારા માટે ઘરે જ કંઈક બનાવી લીધું હોત. અમે આમ ખાઈશું અને તમે જોયા કરશો એ સારું લાગશે ?”
“ઠીક છે બાબા હું મારા માટે પણ એક પ્લેટ પાંઉભાજીની મંગાવી લઉં છું.”
“હવે પાંઉભાજીનો ઓર્ડર આપવા જાઓ છો તો સાથે કોલ્ડ ડ્રીંક પણ મંગાવી જ લો. પાંઉભાજી સાથે કોલ્ડ ડ્રીંક પીવાની અનેરી જ મજા આવતી હોય છે.”
મનોજે પાસે ઊભેલા વેઈટરને ઓર્ડર આપ્યો.
થોડીવારમાં વેઈટર તેમના ટેબલ પર એક પ્લેટ પાંઉભાજી અને બે કોલ્ડ ડ્રીંકની બોટલ મૂકતો ગયો.
પાંઉભાજી સાથે કોલ્ડ ડ્રીંકનો ઘૂંટડો પીતા રાધા બોલી, “અહા ! આને કહેવાય જિંદગી. મનમાં આવે તેમ કરવાનું. ન કોઈની રોક, ન કોઈની ટોક”
અચાનક રાજુ ખાતા ખાતા રોકાઈ ગયો.
“શું થયું રાજુ ? ખાતો કેમ નથી ?” મનોજે પૂછ્યું.
રાજુએ આંખના ઈશારે તેની સામે જોવાનું કહ્યું. મનોજે પાછળ વળીને જોયું તો ત્યાં દસેક વર્ષનો બાળક ઊભો હતો. તેની લઘરવઘર હાલત અને ફાટેલા કપડા તે ગરીબ હોવાની ચાડી ખાઈ રહ્યા હતા. એ બાળક ભૂખી નજરે તેઓની થાળીમાં જ જોઈ રહ્યો હતો.
“પપ્પા, એ છોકરો ક્યારનો આપણી થાળીમાં જોયા કરે છે. એટલે મને ખાવાની ઈચ્છા જ થતી નથી.”
“તેના પર ધ્યાન આપીશ નહીં. આ લોકોને આવી જ આદત હોય છે. જોજે હમણાં આપણી પાસે આવીને કહેશે કે હું બે દિવસનો ભૂખ્યો છું. મને ખબર નહીં પડતી કે આ લોકો બે દિવસના જ ભૂખ્યા કેમ હોય છે !” આમ બોલી રાધા ખીલખીલાટ હસી પડી.
મનોજને એ બાળક પર દયા આવી. તેના પેટનો ખાડો ઊંડે સુધી ઊતરી ગયો હતો.
મનોજે હાથના ઈશારો કરી તે બાળકને બોલાવ્યો.
બાળક ધીમે પગલે તેમની પાસે આવ્યો.
મનોજે પૂછ્યું, “ભૂખ લાગી છે ?”
બાળકે હકારમાં માથું હલાવ્યું.
મનોજ થાળીમાં પડેલી બ્રેડ ઉઠાવી તેના હાથમાં મૂકવા જતો જ હતો ત્યાં રાધા વિફરી, “આ શું કરો છો ?”
“રાધા, આ બિચારાને બ્રેડ ખાવા આપી રહ્યો છું.”
“તો પછી અમે શું ખાઈશું ?”
“હું બીજા મંગાવી લઈશ.”
રાધા ક્રોધથી બોલી, “એ છોકરા, ચાલ ભાગ અહીંથી.”
મનોજે શાંતિથી કહ્યું, “રાધા, બિચારો કેટલો ભૂખ્યો દેખાય છે.”
રાધા બોલી, “આ લોકોના આવા જ નાટક હોય છે.”
મનોજ, “કરતા હશે. પરંતુ આ છોકરો ખરેખર ભૂખ્યો છે. લે બેટા બ્રેડ લઈ લે.”
રાધા તાડૂકી, “આ આખી બ્રેડ ક્યાં આપી રહ્યા છો ? આ ટુકડો પડ્યો છે તે આપો.”
મનોજે મને કમને થાળીમાંથી બ્રેડનો ટુકડો ઊઠાવી બાળકના હાથમાં મુક્યો.
હવે મનોજ પાંઉભાજીનો કોળીયો મોંમાં મુકવા જતો જ હતો, ત્યાં તેની નજર પાછી એ બાળક પર ગઈ. એ બાળક બ્રેડના ટુકડાને તેના શર્ટના ફાટેલા ગજવામાં મુકવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ જોઈ મનોજને નવાઈ લાગી, “બેટા, બ્રેડ અહીં જ ખાઈ લે. તને કોઈ નહીં વઢે. તને ભૂખ નથી લાગી ?”
બાળક નિર્દોષભાવે બોલ્યો, “ભૂખ તો ખૂબ લાગી છે. પણ ઘરે મા પણ ભૂખી છે. તેને એકલીને મૂકીને હું કેવી રીતે ખાઉં ? મારા સિવાય તેનું આ દુનિયામાં બીજું કોઈ નથી.”
આ સાંભળી મનોજના હાથમાંનો કોળીયો છટકી ગયો. તેની આંખ સામે રોતી કકળતી તેના માતાનો ચહેરો ઊપસી આવ્યો. આજે સવારે જ તેની વૃદ્ધ માતાએ કહેલા શબ્દો તેના મસ્તિષ્કમાં ભમવા લાગ્યા, “બેટા, મને આમ છોડીને ન જા. તારા સિવાય મારું આ દુનિયામાં બીજું કોણ છે ?”
મનોજની આંખમાં પસ્તાવાના અશ્રુ આવી ગયા.
“શું વિચારો છો ?” રાધા બોલી.
“રાધા, કાલે જ આપણે આપણા જુના ઘરે જઈશું ?”
“કેમ ?”
“મારી માતાની માફી માંગવા. હવે આપણે આ નવા ઘરમાં નહીં પરંતુ તેની જોડે જ રહીશું.”
“પણ...”
“પણ બણ મારે કશું સાંભળવું નથી. મારો નિર્ણય આખરી છે.” મનોજ પહેલીવાર રોષમાં બોલ્યો.
મનોજને માતાપિતાનું મૂલ્ય સમજાવવામાં ખરેખર સફળ થયો હતો એ બ્રેડનો ટુકડો.
