Bhajman Nanavaty

Drama Thriller

4  

Bhajman Nanavaty

Drama Thriller

બંટુ

બંટુ

7 mins
378


‘બંટુ‌‌‌.. .. ઓ.. .. ‘બં.. .. ટુ !’

 ‘… .. ‘

‘અભી તક ઊઠા નહિ ક્યા ?’

અને બંટુનું સવાર પડે. બસ, પછી તો હૉસ્ટેલમાં બંટુ જ બંટુ થઈ રહે. બંટુ એટલે અમારી હૉસ્ટેલનો હાથવાટકો ! કોઈપણ ચીજ વસ્તુ લાવવા લઈ જવાની હોય તો તે બંટુનું કામ. પહેલા માળ પર નવ નંબરમાં રહેતા પાટીલને ત્રીજા માળે રહેતા પઠાણ પાસેથી ડ્રોઇંગ બોર્ડ મંગાવવું હોય તો બંટુને નીચે બોલાવે અને પછી કામ સોંપે !

અમારી હૉસ્ટેલને ત્રણ માળ, દરેક માળ પર આઠ-આઠ રૂમ છે. ભોંયતળિયું ગણતાં ત્રીસ રૂમો થાય. ત્રીજા માળની ઉપર અગાસી છે. આ અગાસીના દાદર પરની ઓરડી-બંગલી એટલે બંટુનો ભવ્ય ’રાજ મહેલ.’ એમાં બંટુનું સમગ્ર રાચરચિલું સમાયું હોય. સરસામાનમાં તો એલ્યુમિનિયમના ટીફીનનાં ચાર ખાનાં, ચાર-પાંચ માટીનાં માટલાં (એક સાથે આટલાં માટલાં રાખવાનું રહસ્ય હજુ કોઈ તેની પાસેથી કઢાવી શક્યું નથી !), જેમાં તે વારાફરતી પાણી સંઘરી રાખે., બાકી એકાદ જર્જરિત મેલું ગોદડું અને કોઈ વિદ્યાર્થીનું ફાટેલું, રૂ નીકળી ગયેલું ગાદલું. તેનાં કપડાંમાં બે ફાટેલી ખાખી અર્ધી ચડ્ડી અને ખમીસ કે કોઈએ આપેલું ટીશર્ટ. શર્ટને કે ચડ્ડીને બટન હોવાં જરૂરી નહીં. ચામડાના એક પહોળા પટ્ટાની મદદથી તે ચડ્ડી પર સારો એવો કાબુ રાખી શકતો હતો.

બેઠી દડીના, થોડા ભરાવદાર શરીરવાળા બંટુનો ચહેરો, જમાનાનો માર ખાધેલ હોય, તેવો સખત હતો. તેમાં ગોળ પીળાશ પડતી આંખો વચ્ચે આગળ પડતું ભોલર મરચાં જેવું તેનું નાક વિશેષ ધ્યાન ખેંચતું. ત્રણ ચાર દિવસની વધેલી કાબર ચીતરી દાઢી, માથે સફેદ, ટૂંકા વાળ હોવા છત્તાં તેની ઉંમરનો ક્યાસ કાઢવો મુશ્કેલ હતો.

‘બંટુ‌‌‌.. .. ઓ.. .. ‘બં.. .. ટુ !’

‘… .. ‘

‘અબે બંટુકે બચ્ચે,’ સોળ નંબરવાળો પાટીલ બૂમ પાડવાનો. ‘અબે ! લઉકર યે, લે આ ચા પી જા.’

દરરોજ બંટુને ચા આપવાનો તેનો નિયમ. હજુ હાથમાં ચાનો કપ પકડ્યો, ન પકડ્યો ત્યાં તો ચોવીસ નંબરમાંથી સાયકલવાળાની ઘંટડી રણકે, ’બં..ટુ ! મારાં કપડાં જલદીથી ધોબી કનેઠી લઈ આવની, મારે કોલેજ જવાનું મ્હોડું થાય ચ કે’ની ?’

સવારે સાડાસાતે કોલેજ શરૂ થતી હોય ત્યારે અમારા સાયકલવાળા સાહેબ સાડાઆઠે બંટુને ધોબીને ત્યાંથી કપડાં લાવવા માટે, રૂમમાંથી જ મોઢામાં બ્રશ ફેરવતાં ફેરવતાં તાકીદ કરતા હોય ! એક વખત સાયકલવાળાની બૂમ પડે એટલે બંટુજી હાથમાં જે કાંઈ હોય તે પડતું મૂકીને. દોડે. જરા ચૂક થઈતો આવી બન્યું ! ચાનો કપ પડતો મૂકીને બંટુ પહોંચે ધોબીની દુકાને ! કપડાં લાવીને ઊભો રહે એટલે સાયકલવાળા સાહેબ એના હાથમાં તપેલી પકડાવે, ’જા, ડૂધ લઈ આવની !’ બંટુ એક દાદરો ઊતરે ત્યાં વળી ઉપરથી બૂમ પડે. આ વખતે ત્રેવીસ નંબરવાળા જોશીને ખમણ ખાવાનું મન થઈ આવે. વળી બંટુ ઉપર આવે. પણ જોશી મહારાજ રાતના સૂતી વખતે પાકીટ ક્યાં મૂક્યું હતું તે ભૂલી ગયા હોય તેથી તે શોધવા બેસે. પાકીટ મળે અને પૈસા આપે ત્યાં સાયકલવાળાની નજર પડે અને ગર્જના થાય, ’અરે બાવા ! અભી ગયા નહિ ક્યા ? ઈઢર ખડે ખડે ક્યા કરતા હૈ ? જા જા. કોલેજ કોન ટારો ડોહો...’ બચારા બંટુ મહાશય ‘અભી જાતા, અભી જાતા’ બબડતો દાદરો ઊતરી જાય; નહિ તો વચ્ચેથી બીજી એકાદ તપેલી કોઈ પકડાવી દે કે પછી ઈસ્ત્રીનાં કપડાં કે પ્રધાનનું વિલ્સનું પાકીટ લાવવાનું હોય. આમ બધાના આદેશોનું પાલન કરતો તે આખરે સાયકલવાળાને દૂધ, જોશીને ખમણ કે પ્રધાનને વિલ્સ પહોંચાડે. ત્યાં સુધીમાં તો સાયકલવાળાનો કોલેજ જવાનો ‘મૂડ ઑફ’ થઈ ગયો હોય એટલે અઠ્ઠાવીસ નંબરવાળા પરમાર પાસેથી છાપું મંગાવી ‘મૉર્નિંગ શો’ની શોધખોળ કરે !

બંટુ કોણ છે, ક્યાંથી આવ્યો, ક્યારે આવ્યો કે તેની ઉંમર શું છે તે વિષે કોઈને સાચી જાણ નથી. સહુ પોત-પોતાની અટકળો અને સાંભળેલી વાતો દોહરાવે છે. કોઈ કહે છે તેને યુવાનીમાં પ્રેમમાં દગો થયો હતો, કોઈ કહે છે તે લખપતિ બાપનો બેટો હતો, પણ ભાઇઓએ, તે મિલકતમાંથી ભાગ ન પડાવે માટે, પરાણે ગાંડો ઠરાવીને કાઢી મૂક્યો. કોઈ કહે છે તે પ્રેમભગ્ન તેમજ કુટુમ્બભગ્ન બંને છે. પણ એક વાત નક્કી છે તે અમારી હૉસ્ટેલનું એક કાયમી, જીવંત અને ઉપયોગી પાત્ર છે.

‘બંટુ, ડીડ યુ ટેક યોર લંચ ઓર નોટ?’ કાઠિયાવાડનો બારોટ તેની આગવી અંગ્રેજીમાં જ બંટુ સાથે વાતો કરશે. અને હમેશાં અગિયાર વાગે કોલેજ જતાં પહેલાં બંટુને જમવાનું યાદ કરાવશે. બંટુના ખોરાકમાં સુરતી બેકરીની બ્રેડ અને દાળ. અમારા વિસ્તારના એક દયાળુ લોજ માલિક બંટુને વિના મુલ્યે ટીફીનનું ખાનું ભરીને દાળ આપે છે. બંટુ મહાશય બાર વાગે એટલે ટીફીનના ખાનાં લઈને નીકળે. અમારી હૉસ્ટેલથી લોજ દૂર નથી, ફક્ત બે જ મિનિટના અંતરે છે. પણ એ બે મિનિટનું અંતર કાપતાં તેને કલાક થાય. દરેક ડગલે તે ચારે બાજુ જોઇને આગળ વધે. ત્રણ વખત એ રસ્તો ઓળંગે. સામે પાર જઈને આ પાર પાછો આવે અને પાછો સામે પાર જાય. ઘણીવાર લોજથી વિરુદ્ધ દિશામાં જાય ને ત્યાંથી પાછો ફરે, ધીરે પગલે ચાલતાં ચાલતાં આ બધો વખત એનો અસ્ખલિત બબડાટ ચાલુ હોય. આમ શામાટે તે કરે છે તેનું કારણ હજુ સુધી કોઈએ તેને પૂછ્યું નથી. કદાચિત્ કોઈએ પૂછ્યું હશે તો તેના જવાબમાં અસંબદ્ધ બબડાટ જ મળ્યો હશે. આમ રસ્તામાં અટવાતો હોય ત્યાં હૉસ્ટેલનો એકાદ વિદ્યાર્થી કે આજુબાજુના દુકાનદારો તેને ટોકે એટલે ભાઈસાહેબ માંડ એકાદ વાગે લોજમાં પહોંચે. ત્યાંથી દાળનાં ખાનાં ભરીને એજ રીતે રસ્તો કાપતાં કાપતાં બે વાગ્યા સુધીમાં હૉસ્ટેલ પર આવે. વચ્ચે સુરતી પાસેથી બ્રેડનું અર્ધું પેકેટ પણ ટિફિનમાં નાખતો આવે. પછી તેની બંગલીમાં ટીફીનનાં ખાનાં પાથરીને ભોજન શરૂ કરે. ચારેક વાગ્યા સુધી તેનું ભોજન ચાલવાનું કેમકે વચ્ચેથી અનેક વખત કોઈ તેને ઊઠાડી કામે મોકલે. અને નહિ તો તે પોતે જ ખાવાનું પડતું મૂકીને અગાસીના કઠોડા પાસે તેની માનીતી જગ્યા પર જઈને ઊભો ઊભો આજુબાજુના મકાનોની ટોચ સાથે કે દૂર દૂર મંદિરની ફરકતી ધજા સાથે અગમનિગમની વાતો કરે. હું કોલેજથી આવું ત્યારે તેને ખાવાનું સંપેટવા માટે અચૂક ટકોર કરવી પડે.

સાંજ પડે અને હૉસ્ટેલ ભરાય કે પાછું એ જ રટણ; ’બંટુ, તીન કોકાકોલા લે કે આઓ.’ જોશી મહારાજને દીવો કરવાનું ઘી ખૂટી ગયું હોય તો તે મંગાવે. બારોટ જેમ બંટુ સાથે અંગ્રેજીમાં જ વાતો કરે તેમ જોશીજી મરાઠીમાં જ બોલવાનો આગ્રહ રાખે. અને દરેક વાક્યો ત્રણ ત્રણ વાર બંટુ પાસે ગોખાવે ! ‘માલા આતા જ પાહિજે, સત્વર યા, કાય? દેર નકો કરા.’ બંટુ ‘હોવ હોવ’ કરતો આગળ જાય કે પાછો બોલાવે, ‘મી કાય સાંગિતલા ? કીતી પૈસે દિલે તુલા ?’ ફરીવાર આખો સંવાદ તેની પાસે બોલાવડાવે અને કેટલા પૈસા આપ્યા તથા કેટલા પાછા લાવવાના તેની પૂરેપૂરી સમજણ આપે.

બંટુ, અમારો બંટુ. દરેકનો હુકમ માથે ચડાવીને તેનો શાંતિથી અમલ કરે. અમે તેની મશ્કરી કરવામાં કાંઈ જ બાકી ન રાખીએ. સહુના મનોરંજનનું હાથવગું સાધન ! વગર હોળીએ પણ કોઈને મૂડ આવે તો બંટુનું મોઢું રંગાય જાય કે માથા પર એક-બે બાલદી પાણી રેડાય જાય. કોઈવાર તેના ટીફીનનાં ખાનાં ગુમ થઈ જાય તો કોઈવાર બ્રેડનું પેકેટ શોધતાં પાંચ વાગી જાય.

પણ મહિનો થાય કે દરેક વિદ્યાર્થી બંટુને દસ વીસ રૂપિયા આપી જ દે. દુરાનીને મટકામાં સારો તડાકો પડ્યો હોય તો લીલી નોટ પણ પકડાવી દે. ન્હાવા માટે લક્સની આખી ગોટી સામાન્ય રીતે મળી રહે. દાઢી માટે કોઈની પણ રૂમમાં જઈને નવી બ્લેડ લઈ આવે. અને કોઈ ના પણ ન પાડે. બંટુને શિયાળામાં ઠંડો પવન ન લાગે તે માટે જૂની ડ્રોઇંગ શીટ્સ તેની બંગલીના બારી-દરવાજા પર લગાવવા માટે મળી રહે. બંટુને શરદી થઈ હોય તો માધવાણી તેને બામની ડબ્બી વગર બોલે આપી દેવાનો. દશેરા કે દિવાળીમાં તેનું ભોજન મીઠાઈ વિનાનું ન હોય. બંટુનું શર્ટ ફાટવા માંડ્યું હોય તો કોઈ ને કોઈ વિદ્યાર્થી તેને માટે જૂનું શર્ટ કે ટીશર્ટ કાઢી આપે. બંટુનો એકાકી બબડાટ કોઈવાર વધે ત્યારે તેને બોલાવીને ટપારે પણ એ જ વિદ્યાર્થીઓ. બંટુ પણ અમારી પરીક્ષા વખતે શુભેચ્છા આપે કે સામે મળે તો અમારા પેપરો કેવા જાય છે તે પૂછવાનું ન ભૂલે.

ગમે તેમ હોય, બંટુ અમારી હૉસ્ટેલનો આત્મા છે. અનેક વિદ્યાર્થીઓ આટલા વર્ષોમાં આવ્યા ને ગયા, પણ બંટુના જીવનક્રમમાં કોઈ ફેર નથી પડ્યો. પાટીલ નહિ તો પટેલ સવારની ચા તેને મળી જ રહે છે. માધવાણી જશે તો મોદી આવશે પણ બંટુને બામ મળી રહેવાનો. આ હૉસ્ટેલમાં તેના વાળ કાળા મટી સફેદ થયા. પણ હા ! મોંઢામાંથી ઘણીવાર નિઃશ્વાસ સરી પડે છે. આખી હૉસ્ટેલમાં એકચક્રી કામ કરતી કામવાળી બાઈ લક્ષ્મી, રોજ એકાદ રૂમમાં પાણી ભરવામાં ગુલ્લો મારે જ; અને ત્યારે ભોંતળિયાના નળેથી પીવાનું પાણી ભરવાનું કામ બંટુનું જ. પરંતુ હવે તે અર્ધું માટલું પાણી લઈને દાદરો ચઢતાં હાંફી જાય છે. ઘણીવાર તેના મોઢામાંથી શબ્દો સરી પડતા હોય છે, ‘અબ મેં થક ગયા હૂં ! ભઇ, અબ થક ગયા હૂં !’

આવતી કાલે હું પણ હૉસ્ટેલ છોડી જઇશ પરંતુ મારા માનસપટ પરથી બંટુ નહિ ખસે. અને કદાચ હૉસ્ટેલનો દરેક વિદ્યાર્થી જ્યારે જ્યારે હૉસ્ટેલને યાદ કરશે ત્યારે બંટુને યાદ કરશે જ.

ઉપસંહાર :

વર્ષો પછી અચાનક મને સિંગાપુર એરપોર્ટ પર નયન મળી ગયો. નયન, ડૉ.સબનીસનો પુત્ર. અમારી હૉસ્ટેલના માલિક ડૉ. સબનીસ ફીઝીશીયન હતા. અને તેમનાં પત્ની ગાયનેકોલોજીસ્ટ. તેઓનું નર્સિંગ હોમ-કમ-નિવાસસ્થાન હૉસ્ટેલની પાસે જ હતું. અમે સારા મિત્રો હતા. અવારનવાર નયન મારી રૂમ પર તો હું તેના ઘરે વાંચવા કે ટર્મવર્ક કમ્પલીટ કરવા ભેગા થતા. મારા હૉસ્ટેલના નિવાસ દરમ્યાન ક્યારે પણ નયન પાસેથી મને બંટુનો પૂર્વ ઈતિહાસ જાણવા મળ્યો ન હતો.

એરપોર્ટ પર અમારે ત્રણ કલાક ગાળવાના હતા. વાતો વાતોમાં મેં બંટુના સમાચાર પૂછ્યા. તેણે ગંભીર સ્વરે કહ્યું, ‘વેલ, બંટુ ઈઝ નો મોર !’ થોડીવાર અમે બંને મૂક બની ગયા.

‘તું હમેશાં બંટુ વિષે મને પૂછ્યા કરતો હતો, અને હું કાયમ વાત ટાળતો હતો. કેમ કે મને પણ ત્યારે કશી ખબર ન હતી. નાવ આઇ વિલ ટેલ યુ. ડૉ. સબનીસે બંટુના મૃત્યુ સમયે મને આ વાત કરી હતી. એક સાલ નર્મદામાં ભયાનક પૂર આવ્યાં.

ડૉ. સબનીસ ત્યારે મેડિકલ ટીમ સાથે રાહત કેમ્પમાં હતા. લશ્કરની બચાવ ટીમને બંટુ, અર્ધ બેભાન અવસ્થામાં, હાથમાં દોઢ વર્ષના પુત્રને જકડીને, એક ઝાડ પર વળગેલો મળ્યો હતો. લશ્કરના જવાનો જ્યારે તેને લાવ્યા ત્યારે તે તદ્દન મૂઢ, અવાક થયેલી હાલતમાં હતો. પૂરમાં જાણે તેની વાચા તણાઈ ગઈ હતી. ડો. સબનીસ બંટુને લઈ વડોદરા આવ્યા. છ મહિનાની અથાગ મહેનત પછી છોકરો બચી ગયો. બહુ તપાસ કર્યા પછી જાણવા મળેલું કે એક નાનકડા ગામનો એક નાનકડો ખેડૂત હતો બંટુ. વિધવા મા, પત્ની, એક પુત્રી અને એક પુત્ર સાથે ખેતરમાં જ કાચું ઘર કરીને રહેતો હતો. બંટુની સ્મૃતિભ્રમ અવસ્થાનો ગેરલાભ તેના સગાં-કુટુમ્બીઓએ તેની જમીન પચાવી પાડી હતી.

એંડ યુ નો, ડૉ, સબનીસ દમ્પતીને કોઈ બાળક ન હતું.’


Rate this content
Log in

Similar gujarati story from Drama