બંધન તોડી ઊડતું પંખી
બંધન તોડી ઊડતું પંખી
ભણેલી ગણેલી માધુરી મોહન સાથે લગ્ન કરીને શહેરમાં મકાન લઈ નોકરી કરવાનાં સપનાં સજાવીને ધામધૂમથી લગ્ન કરીને સાસરીમાં ગામડે ગઈ.
ગામડાના રીત રિવાજોએ તો તેને ખુબ જ અકળાવી દીધી પણ મોહનને પ્રેમ કરતી હોવાથી તમામ રીત રિવાજો સાથેનું બંધન તેને જાતે જ મંજૂર કર્યું હતું. લગ્નની પહેલી રાતે તેને મોહનને કહ્યું,
"મોહન મારે શહેરમાં નોકરીનું નકકી થઈ ગયું છે તે તું જાણે છે અને મારુ શહેરમાં રહેવાનું સપનું પણ પૂરું કરવાનું તે વચન આપ્યું છે તે ભૂલી ન જતો."
મોહન બોલ્યો, "હા તારી ખુશીથી વઘુ કાંઈ જ નથી પણ મા ને આ માટે સમજાવવી બહુ કાઠું કામ છે."
એટલામાં મા મીઠાઈનું બોક્સ લઈને આવ્યાં અને ખોલીને માધુરીના મોઢામાં મૂકતાં બોલ્યાં,
"હવે તો વહુને અહી ગામડામાં મારી પાસે રાખીને બધું જ કામ અને રીતરિવાજો એક વર્ષમાં જ સમજાવી દઈશ."
મોઢામાં લાડુ અટવાયેલો હોવાથી માધુરી બોલવા ગઈ પણ બોલી ન શકી એટલે મોહન મા ને પકડીને બહાર લઈ જઈને ધીમેથી બોલ્યો,
"મા અત્યારે તમારે આવું કહેવાની શું જરૂર છે. આ ખુબ ભણેલી છે એટલે તરત ના પાડી દેશે. તમે જરા સમજો. "
"તો વહુને શું નોકરી કરવાં મોકલવાની, તારામાં તેવડ નથી કમાવાની ?"
બારીમાંથી મોઢામાં લાડુ ભરેલી માધુરી આ બંનેનો સંવાદ સાંભળતી હતી. તે મનમાં બોલી,
"આ મોહન પણ કાંઈક રમત રમે છે કે શું ?"
મોહન મા ને સમજાવતાં બોલ્યો,
"મા તારી ઈચ્છા મુજબ જ કરીશું પણ પહેલાં તેને બે ચાર રાત મારી સાથે રહીને પાકા બંધનમાં તો જોડાઈ જવા દો. કોઈપણ સ્ત્રી જયારે પત્ની બનીને ઘરમાં વસી જાય પછી તેને માટે બંધન છોડવું ખુબ આકરું હોય છે."
"ઓહો, તો તું ભોળવીને લાડ કરીને તેને સમજાવવા માંગે છે એમ ? મારુ માન તો તારી વહુ મને સોંપી દે. એક જ હાકોટે સીધીદોર થઈને શહેરમાં જવાનું ભૂલી જાશે." મા રોફ જમાવતાં બોલ્યાં.
"અરે ધીરે બોલો મા." મોહન બોલ્યો,
"બે ચાર દિવસ તો મને તેને સમજાવી જોવા દો. જો નહીં માને તો પછી તમને સાસુડોન બનવાની છૂટ છે. આવો તમારાં રૂમમાં જઈને બઘી વાત સમજાવું." કહેતાંક તે મા ને હાથ પકડીને લઈને પાછળ જોતો ચાલ્યો ગયો.
માધુરી છૂપાઈ ગઈ અને તેણે ખબર જ ન પડવા દીધી કે તેણે વાતો સાંભળી છે તેમ. માધુરી હવે ખુબ પસ્તાઈ રહી હતી. મોહન પર ભરોસો કર્યોં પણ તે જ ખોટો નીકળ્યો તેવું લાગી રહ્યું હતું. માધુરી હવે આ બંન્ધન અધવચ્ચે જ તોડવા અને પોતાનું ભવિષ્ય સુધારી લેવા પાકો નિર્ણય કરીને જરૂરી સમાન પેક કરવાં લાગી અને પિતાને ફોન કરી દીધો કે ગાડી લઈને હાલ જ મને લેવા આવો હું મોહનનું એક્ટિવા લઈને આવું છું સામે.
એક્ટિવાની ચાવી લઈને બેગ આગળ મૂકીને દુલ્હને એક્ટિવા ચાલુ કરતાં સાસુમા દોડીને આવ્યાં અને નવાઈ પામતાં બોલ્યાં,
"હાય હાય મોહનીયાં જો તો. આ વહુને ભૂત વળગ્યું લાગે છે. સુહાગરાતે ઢોલિયાને બદલે સ્કૂટર પર બેઠી છે.
મોહન દોડતો બારણે આવીને માધુરીને જોઈને બોલ્યો, "અરે અહી શું કરે છે તું ?"
"સાસુમા ભૂત વળગ્યું હતું પ્રેમનું. હવે ઉતરી પણ ગયું હો. હવે તો જાળમાં ફસાતાં પહેલાં બંધન તોડીને પંખી ઊડી ગયું એમ સમજો." કહીને મોહન તરફ નફરતભરી નજર કરીને માધુરીએ એક્ટિવા દોડાવી મૂક્યું.
સાસુમા અને મોહન બંધન તોડીને ઊડતાં પંખીને જોતાં હોય તેમ માધુરીને જોતાં જ રહ્યાં.
