બળ ન ચાલે, ત્યાં કળ ચાલે
બળ ન ચાલે, ત્યાં કળ ચાલે
ભારતને આઝાદી મળી. દેશી રજવાડાંઓનું ભારત સાથે વિલીનીકરણ કરવાનું હતું. ત્યારે જ જામનગરના જામસાહેબ જામનગરને પાકિસ્તાન સાથે જોડવા ઉત્સુક હતા. દેશના ગૃહપ્રધાનને આ વાતની જાણ થઈ. જામનગર પાકિસ્તાન સાથે જોડાય તો ગજબ થઈ જાય. ગૃહપ્રધાનને જાણ તો થઈ ગઈ, પણ જામસાહેબને સમજાવવા કઈ રીતે ? તરત નિર્ણય લેવાનો હતો. જે કામ થાય તે તાત્કાલિક કરવાનું હતું. મોડું કરે તો વિમાન ઊપડી જાય એમ હતું. શું કરવું ? હવે કસોટી હતી ગૃહપ્રધાનની.
ગૃહપ્રધાને તો બોલાવ્યા મેજર જનરલને. આ મેજર જનરલ જામસાહેબના નાના ભાઈ હતા. ગૃહપ્રધાને મેજર જનરલ સાથે પાંચ મિનિટ વાત કરી. મેજર જનરલ બધુ સમજી ગયા. પહેલા તેઓએ પોતાનાં ભાભી અને જામસાહેબનાં માનીતાં રાણીને પણ વાત કરી દીધી હતી. રાણી પણ બધી વાત સમજી ગયાં હતાં. હવે મેજર પહોચ્યા દિલ્હીના એરપોર્ટે. આ એરપોર્ટથી જ જામસાહેબ પાકિસ્તાન જિન્હાને મળવા જવાના હતા. વિમાન ઉપડયા પહેલા તો મેજર જનરલે પોતાના મોટાભાઈ જામનગરના જામસાહેબ સાથે વાત કરી લીધી અને ગૃહપ્રધાને જણાવેલ હકીકત કહી દીધી. રાણીએ પણ જામસાહેબને ઈશારો આપી દીધો હતો.
હવે જામસાહેબ ગૃહપ્રધાન પાસે આવ્યા અને બંને વચ્ચે અડધો કલાક મંત્રણા ચાલી. ગૃહપ્રધાને જામસાહેબને બધી વાત કરી અને સમજાવી દીધા. જામસાહેબે પોતાનો નિર્ણય બદલી લીધો અને જામનગરને પાકિસ્તાન સાથે જોડવાની ઈચ્છા પડતી મૂકી. જામસાહેબને સમજાવવા અઘરા હતા, પણ આપણા ગૃહપ્રધાને તે કરી બતાવ્યું. આ નિર્ણયથી સૌરાષ્ટ્ર કે ભારતનો નકશો જ બદલી ગયો. જામનગર પાકિસ્તાન સાથે જોડાયું હોત તો જામસાહેબની દોરવણીથી બીજાં રજવાડાં પણ આવો નિર્ણય કરત. પણ આપણા ગૃહપ્રધાનની સમજદારી અને ત્વરિત નિર્ણયશક્તિએ આમ થતું અટકાવી દીધું. આવી ત્વરિત નિર્ણયશક્તિવાળા ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા.
કોઈને જીતવા માટે બધે બળ જ ન ચાલે. કયારેક દિલથી દિલને જીતવાનું હોય છે. દિલથી દિલને જીતવાને પ્રેમ કહેવાય છે. કયારેક પ્રેમભરી વાત પણ ખરાબ પરિસ્થિતિને દૂર ભગાવે છે. બળ ન ચાલે ત્યાં કળ વાપરવાની હોય, પ્રેમ દર્શાવવાનો હોય. મુસીબત દૂર થઈ જશે.
