બકરવાલ જૂથ
બકરવાલ જૂથ


નામ એમનું મંદોદરભાઈ. કાંઠા વિસ્તાર ના લોકોને આટલું મોટું બોલતાં ફાવે નહિ કે પછી આટલા મોટા નામમાં એ લોકો વ્હાલ વરસાવી શકતા નહિ હોય એટલે ગામના બધા એને મદો કહીને બોલાવતા.
મદો વિધુર, ને એમાય બે દીકરી હતી એ પરણીને એમના ઘેર. હવે મદાને જવાબદારી કો કે જીવાદોરી એ એની ત્રણ બકરીઓ હતી.
આ બકરીઓની આસપાસ મદા ની રોજિંદી કામગીરી રહેતી. સવારે ઊઠીને બકરીઓ ચરાવવા જાવું, બરાબર તડકો તપે એટલે સરગવાની સાંગરીઓ અને બકરીઓ લઈને ઘેર આવવું. મદાની લાવેલી સાંગરીઓ તો ઘણીવાર આડોશી પાડોશીને પણ મળતી. કેટલીક વાર વધારે પ્રમાણમાં આવી જાય તો એ સુકવી નાખવાની ને પછી જ્યારે કોઈ શાક ન હોય તો એમાં બકરીના દૂધની છાશ નાખીને બાજરીના રોટલા સાથે ખાવાની.
ગામના શેઠ મદાની સાંગરીઓ લઈ જતા તો એ છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ કરી ને રાજસી ભોજન જમતા.
મદો જયારે એની બકરીઓ લઈને ચરાવવા માટે ગામમાંથી બહાર નીકળીતો ત્યારે ગામની નવી પેઢીના યુવાનો તેની મજાક ઉડાવતા અને કહેતા જુઓ જુઓ "બકારવાલ"જૂથ નીકળ્યું.
ઉદ્યોગ જગતમાં જેમ ઔધોગિક જૂથ હોય એમ આ ગામડાના ગરીબની મજાક ઉડાવતા.
મદાના બધા જ જીવન વ્યવહાર આ બકરીઓ ઉપર ચાલતા. બકરીઓ દોઈ ને ઘણી વાર મદો ઘમ્મર વલોણું પર કરતો. ઘી ખાતો થોડું અને એની વાંકડી મૂછોને વધારે લાગવતો.
મદાના પાડોશીઓ બે બે ભેંસોવાળા હતા પણ ઇમરજન્સી માં ચા બનાવવો હોય તો મદાની બકરીઓનું દૂધ જ કામ આવતું.
પૈસાદાર લોકો એમની દીકરીઓને ભેંસ હકાવતા(ભેટમાં આપતા), એ રીતે મદાએ એની બન્ને દીકરીઓને એક એક બકરી હકાવેલી.
હવે મદા પાસે એક જ બકરી રહેલી. એક સાંજે થાક્યો પાક્યો મદો આરામની ઊંઘ લઈ રહ્યો હતો ત્યારે ચોર ઝાળો માંથી એક વરુ (નાર) આવ્યો અને બકરી નું દોરડું એના તિક્ષણ દાંતથી કાપીને બકરી મારીને પાછી ચોર ઝાળોમાં જતો રહ્યો.
મદો સવારે ઉઠ્યો,નિરાશા ના ઓળા ઉતરી ગયા.
બાજુના ઘેર રેડિયા પર સવારના સમાચાર આવી રહ્યા હતા કે દેશનું મોટું ઔદ્યોગિક જૂથ "ઝફરવાલ" આર્થિક મંદી ના લીધે ઉઠી ગયું છે.
સમાચાર સાંભળવા વાળાઓને ખબર ન હતી કે આજે એના ગામનું પણ બકરવાલ જૂથ સાવ ઉઠી ગયું હતું.