બીપ...બીપ...
બીપ...બીપ...
બી.. . પ.. . બૂ.. . . પ.. . . જેવા તીણા અવાજ સાથે સોફિયાએ પોતાની કાંડાઘડિયાળમાં રહેલાં રીમોટથી પડદો ખસેડી કાચની દીવાલ ખુલ્લી કરી. સામે આકાશને અડતાં બિલ્ડીંગો ઉભરાતા હતાં. રેસ્ટીંગ લેગને અનલોક કર્યો અને હવે રીલેક્સ થતી આરામખુરસી જેવા આ પગ પર બેઠી. શરીર તો આરામ કરતું હતું પણ એનું મન તો ક્યારનું યે રેસ્ટલેસ હતું. કુરી એટલે એનો વર તો રોજની જેમ સવારથી વર્ક સ્ટેશન પર જ હતો અને એની ઓફિસનાં કામમાં લાગેલો હતો. ઓફિસનું કામ ન હોય તો એ પોતાના ફનઝોનમાં જઈ વરચ્યુઅલ (આભાસી) ટૂર લઈ ફરતો હોય કે પછી કોઈ ફ્રેંડ સાથે વીડીયો કોલ પર હોય એટલે એની દુનિયા આ બે વિભાગમાં જ વસતી હતી. હા ! જ્યારે ઈન્ટીમેટ (નજીક-સહવાસ ) થવાનું શીડ્યુલ હોય ત્યારે એ અચૂક સોફિયા પાસે હાજર થાય જ. પણ આ વીકમાં તો એની ઓફિસનું ઓડિટ ચાલતું હતું એટલે કેટલાયે દિવસથી એણે એવો પ્રોગ્રામ જ નહીં બનાવેલો. અને આઈબો. .સોફિયાનો દીકરો તો હવે ટીનએજ પાર કરવા આવ્યો હતો. એતો લેટેસ્ટ ટેકનોલોજી જ પોતાના પ્રોગ્રામીંગમાં વાપરતો એટલે એની તો કેટલીયે વાતો સોફી સમજી જ ન શકતી !
હજી હમણાં જ થોડીવાર પહેલાં એની કાંડા ઘડિયાળ કમ સ્પીકરફોન પર આઈબો સાથે વાત થઈ " હેલો.. હેલો.. મોમ.. " અને પોતેતો સવારથી પહેલીવાર એનો અવાજ સાંભળી જોય (આનંદ) ફીલ કરવા માંડી અને એનું મોઢું જોવા એને વીડીયો ઓન કરવાનું કહેતી જ હતી ત્યાં તો એ જરા ગુસ્સાથી બોલ્યો " મોમ.. તેં કિચનમાં સ્પાયસીસ નાંખી કંઈ ખાવાનું બનાવ્યું છે ? મેં તને કેટલીવાર ઈનફોર્મ કર્યુ છે.. ધીસ ફ્યુમ્સ (ધુમાડો) મારા પ્રોગ્રામને ડીસ્ટર્બ કરે છે. હું મારા સ્ટડી પર કોનસનટ્રેટ (ધ્યાન) નથી આપી શક્તો. . . આજે તો મારો પૂરી ડીસ્ક ખરાબ થઈ ગઈ જલ્દી રીબૂટ પણ નહીં થાય. મારી ગર્લફ્રેન્ડ કેરોલ સાથે પણ મારી મીટીંગ શેડ્યૂલ હતી એ પણ નહીં થાય. હું એની ક્લોઝ નહીં આવું તો ફીઝીકલ કેવી રીતે થઈશ ? યુ આર સ્પોઈલીંગ માય લાઈફ ! " સોફીને ઘણું એ કહેવું હતું.. . ' દીકરા તું નાનો હતો ત્યારે કોઈવાર હું બનાવતી એ બટાટાપૌવા તને ખૂબ ભાવતા. . આજે મને મારી દાદીની જેમ કૂક કરી એકવાર તને એ ખવડાવવાનું મન થયું.. ન થવું જોઈએ પણ થયું ! એ ખાવા તું આવે તો તારી સાથે વાત કરવાનું પણ ખૂબ મન થયું.. ' પણ એના મોઢામાંથી અલગ જ શબ્દો નીકળ્યા " સોરી, હું એકઝોસ્ટ ફેનથી ફ્યૂમ્સ બહાર ફેંકૂં છું. અને હા ! આ ટેન્શનમાં તું તારી ફૂડ ટેબ્લેટ લેવાનું ન ભૂલતો. "
"મમ્ ! ડોન્ટ એક્ટ હ્યુમન " કહેતાં આઈબોએ ફોન મૂકી દીધો.
આ સાંભળી સોફીના મગજમાં ઝબકારો થયો. 'બે-ત્રણ દિવસથી એને લોકો સાથે લાગણીભરી વાતો કરવાનું મન થતું હતું. મનમાં પણ કંઈક લાગણી જેવું અનુભવાતુ હતું ! આ બધું કંઈ બરાબર તો નથી ' પોતાની જ ચિંતામાંથી છૂટકારો મેળવવા એ બીઝી થઈ ગઈ. હાઉસ ક્લીન હતું તો પણ સફાઈ માટે નાના રોબોને ચાલુ કરી દીધો. ઓનલાઈન જઈ નવા-નવા ફ્લેવરની ફૂડ ટેબ્લેટ, કપડાં, નવા ગેઝેટ્સ વગેરે ઓર્ડર કરી દીધાં. એક-બે ફ્રેન્ડસ સાથે ચેટ કર્યું. સીસ્ટમ ક્લીનીંગ સોલ્યૂશન મંગાવ્યું. આ અનુભવાતી લાગણીઓને સાફ કરવા જ તો ! ત્યાં સાંજ પડી.
કુરી કંઈક વહેલો ફ્રી થયો તે એના રૂમમાં આવી બોલ્યો. " હાય ! સોફી મને અહીં જોઈ તને નવાઈ લાગશે પણ ટાઈમ મળે તો આજે તને મળવાનો આ મારો સેકંડ લાઈન પ્રોગ્રામ હતો. " સોફી તો એને જોઈ ખુશ થઈ એને મન થયું કુરીને વળગી પડે. એના માથામાં હાથ ફેરવે, ખૂબ ખૂબ વાતો કરે.. . એ ઝડપથી એને ભેટવા ઘસી એવો જ કુરી બોલ્યો '' લેટ મી ટેક એ લવ પીલ. પછી દસ મીનીટે આપણે પ્રેમ કરીએ " સોફી માટે પણ આ બધું સામાન્ય હતું. પણ આજે તબિયતની ગડબડને કારણે એને વિચાર આવ્યો ' આ પ્રેમ પણ માપી-તોલી -નિયત કરેલા ટાઈમે જ કરવાનો !? ' ખબર નહીં કેમ એની આંખની પાંપણો હલીને આંસુનાં બે ટીપાં સરી પડ્યાં !
એ આંસુ જોઈ કુરી તો ઘાંઘો થઈ ગયો " ઓહ ! ટીયર્સ ! એટલે તારા જીન્સ માણસ જેવી લાગણી તારા શરીરમાં ઉત્પન્ન કરી રહ્યાં છે.. . નો ! યોર બોડી ઈઝ કરપ્ટેડ !! " એની બૂમ સાંભળી આઈબો દોડી આવ્યો મમાની હાલત જોઈ, એના રોગનાં ચિન્હો જોઈ એ એકદમ ટેન્શનથી બોલ્યો " પા, મને લાગે છે મમ્ પર વાયરસે એટેક કર્યો છે. એના ડીએનએ કરપ્ટ થઈ જૂના માણસો જેવા થઈ રહ્યાં છે.. તમે ન્યૂઝમાં જોયું આ નવા વાયરસ ખતરનાક ચેપી છે ! મમાં ને આઈસોલેટ કરવી પડશે. નહીં તો આપણને પણ ચેપ લાગશે ! "
કુરી તરત જ સોફીથી દૂર ખસી બોલ્યો " યસ યસ આ વાયરસનાં જ ચિન્હો છે. સોફી તું આ રુમથી બહાર ન નીકળતી. આરામ કરી તને રીબુટ કર.. . તારી પાસે ત્રણ દિવસ છે. નહીં તો પછી હોસ્પિરીપેર ( હોસ્પિટલ રીપેર )માં એડમીટ થવું પડશે. "
સોફીને રુમમાં લોક કરી બાપ-દીકરો બહાર નીકળ્યાં કે તરત જ આઈબો બોલ્યો " પા.. આ બહુ જ ખતરનાક વાયરસ છે. મમ્ ની કરપ્ટ સીસ્ટમ ઠીક ન થાય તો મમાને સ્ક્રેપ કરવી પડશે. અને આપણે તરત જ ઘર સેનેટાઈઝ કરીએ નહીંતો આ ચેપ લાગશે તો આપણે પણ આટલા સ્માર્ટ રોબો-મેનને બદલે સ્ક્રેપ ( ભંગાર ) થઈ જશું."
બે મિનિટ પછી.. . સોફીમાં ઘૂસેલા જૂના માણસના વાયરસ પ્રાર્થના કરી રહ્યાં હતાં ' ભગવાન, મારા પતિ અને દીકરાને ચેપ ન લાગે. એમને સલામત રાખજે '
અને બહાર પેલા બંને ફોન કરી રહ્યાં હતાં " બી.. . પ બૂ.. . પ. હે.. લ્લો.. . સેનેટાઈઝેશન ડિપાર્ટમેન્ટ ? અમારા ઘરમાં જૂના માણસનાં ખતરનાક વાયરસ ઘૂસી ગયાં છે. પ્લીઝ, આવીને અમારું ઘર ફ્યુમીગેટ કરી જાઓ. . "
