બીજી કાળી બિલાડી
બીજી કાળી બિલાડી


જશોદાબેન સ્વભાવે એટલા પ્રેમાળ હતા કે જયારે તેમની પાળેલી કાળી બિલાડી મરી ગઈ ત્યારે તેઓ ખૂબ દુઃખી દુઃખી થઈ ગયા હતા. તેમના પુત્ર સુહાસે જયારે તેમને બીજી કાળી બિલાડી લાવી આપવાની સાંત્વના આપી ત્યારે તેઓ દુઃખને વિસરી શક્યા હતા. શરૂઆતમાં જશોદાબેનને તેમની વિદેશી વહુ “સેન્ડી” દીઠી ગમતી નહોતી પરંતુ સમય જતા બંને વચ્ચે મૈત્રીનો સંબંધ સર્જાયો હતો.
શ્રીમંત એવા જશોદાબેનનો “શ્રીકુંજ” સોસાયટીમાં આલીશાન બંગલો હતો પરંતુ હાલ તેનું નવીનીકરણનું કાર્ય ચાલતું હોવાથી જશોદાબેનને “વિદ્યાપાર્ક” સોસાયટીના એક મકાનમાં ભાડેથી રહેવા જવું પડ્યું હતું. વિદ્યાપાર્ક સો. તેમની શ્રીકુંજ સો.ની પડોશમાં જ આવેલી હોવાથી સ્વાભાવિકપણે ત્યાંના સહુ રહેવાસી જશોદાબેનથી પરિચિત હતા. અહીં તેમની પડોશમાં મકાનમાલિક ગોવર્ધનભાઈ અને ઉપરના માળે કમલાબેન નામના ગૃહિણી રહેતા હતા. કમલાબેન અને તેમની વહુ ચંપા વચ્ચે છત્રીસનો આંકડો હતો. ટીવી સીરીયલો જોઈ જોઇને કમલાબેનના મનમાં એક એવી ગ્રંથી બંધાઈ ગઈ હતી કે ઈશ્વરે વહુને, સાસુને અને તેના વર્ચસ્વને હણવા માટે જ ધરતી પર મોકલી છે! આમ, જયારે નીચલા માળે રહેતા સેન્ડી અને જશોદાબેન વચ્ચે મીઠો સબંધ હતો ત્યારે ઉપલા માળે રહેતા ચંપા અને કમલાબેન વચ્ચે કડવો સબંધ હતો.
દરેક ઘરમાં સાસુ વહુ વચ્ચેનો સંબધ અલગ અલગ હોય છે.
કોઈક ઘરમાં એ બેજવાબ તો કોઈક ઘરમાં લાજવાબ હોય છે.
બાલ્કનીમાં ઉભેલી ચંપાનો ઉઘડો લેતા કમલાબેન બોલ્યા, “જોયું? આપણા નીચેના માળે જે સેન્ડી રહેવા આવી છે તેને જોઈ? કેવું આખું ઘર સંભાળી લીધું છે? વિદેશી છે, પણ એટલી હોશિયાર કે હવે તારા કરતાંય ફાંકડું ગુજરાતી બોલે છે.”
ચંપાએ નારાજગીથી પૂછ્યું, “ચમ? મેં સુ કરયુ સ?”
કમલાબેન બોલ્યા, “ચંપા, તને મૂંગી મરી રહેવાનું કહીએ છીએ તો પણ ચાર લોકો વચ્ચે મોઢું ખોલી મારી આબરૂના લીરેલીરાં ઉડાવી દે છે. બીજું તને બોલતી વખતે નાનામોટાનું પણ ભાન રહેતું નથી. પેલી સેન્ડી જો તેની સાસુનો કેટલો આદર કરે છે. બધા સાથે કેવી પ્રેમાળ વાતો કરે છે. તેં ક્યારેય સેન્ડીને મોટા અવાજે વાત કરતાં જોઈ છે?”
ચંપા શરમથી નીચું જોઈ ગઈ.
કમલાબેને ગર્વભેર જશોદાબેનના ઘર તરફ જોયું.
ઓચિંતા જશોદાબેનના ઘરેથી સેન્ડીની ત્રાડ સંભળાઈ, “સાસુમા, હવે હું પણ ચૂપ બેસવાની નથી... સમજ્યા? તમારી હોશિયારી તમારી પાસે જ રાખો.”
કમલાબેને અચરજથી ચંપા તરફ જોયું.
ચંપાએ નીચું નમી ગયેલું માથું ગર્વભેર ઉઠાવ્યું.
કમલાબેન પોતાના વેણ સાચવવા દોષનો ટોપલો સિફતપૂર્વક ચંપા પર ઢોળતા બોલ્યા, “છી.. છી... જબાન સાથે તારી નજર પણ ખરાબ છે. જો બિચારા જશોદાબેનના સુખી સંસારને તરત તારી નજર લાગી ગઈ...”
“મોં બંધ રાખ નહીંતર છુટ્ટું વેલણ મારીશ.” જશોદાબેનની ગર્જના સંભળાઈ ..
કમલાબેનનો પુત્ર ગોવિંદ પણ બાલ્કીનીમાં આવ્યો તેને સંભળાવવા કમલાબેન જાણીજોઈને થોડું મોટેથી બોલ્યા, “સુહાસ ઘરે હોય એમ લાગતો નથી નહીંતર સેન્ડીની જશોદાબેન સામું આમ બોલવાની ક્યારેય હિંમત થાય જ નહીં. ગોવિંદીયા, જશોદાબેનનું કોઈ અપમાન કરે તે સુહાસથી જરાયે સહન થતું નથી. સમજ્યો?”
ગોવિંદે નીચે ડોકિયું કરીને જોયું તો તેને ઘરમાંથી બહાર નીકળતો સુહાસ દેખાયો. કમલાબેન અને ચંપાએ પણ સુહાસને જોવા ડોકિયું લંબાવ્યું. સુહાસ મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. મોબાઈલ પર ટૂંકી વાત કરી તેણે ફોન કટ કર્યો અને ઉપર જોયું. ગોવિંદ, કમલાબેન અને ચંપા ત્રણેયે ઝડપથી માથું ખસેડી લીધું અને દીવાલની તિરાડમાંથી જોવા લાગ્યા. સુહાસે હાથ જોડ્યા અને પછી કંઈક બબડ્યો ત્યારબાદ ઝડપથી બાઈક સ્ટાર્ટ કરીને ઉતાવળે તેને હંકારી મૂકી.
ગોવિંદ કમલાબેન તરફ જોઈ મુસ્કુરાયો અને પાછો અંદરના ઓરડામાં જતો રહ્યો.
ચંપા ગેલમાં આવી જતા બોલી, “ચ્યાં ગ્યો હસે સુહાસ?”
કમલાબેનને કશું સૂઝતું નહોતું, તેઓ ચંપાને બોલ્યા, “માળું આજે આ બધું શું થઇ રહ્યું છે? સુહાસ જરૂર સેન્ડીના બાપાને મળવા ગયો હશે. આજે જશોદાના ઘેર બહુ મોટું લફરું થવાનું છે. ચાલ ત્યાં જઈને જોઈએ.. અને હા તારું મોઢું બંધ રાખજે. એકપણ શબ્દ બોલીશ નહીં.”
ચંપા બોલી, “હારું.”
કમલાબેને ગુસ્સામાં પગથિયાં ઉતરવા માંડ્યા.
કમલાબેન અને ચંપા બંને જશોદાબેનના બારણા પાસે આવી ઊભા રહ્યા અને બારણે કાન માંડી અંદર ચાલી રહેલા વાક્યપ્રહારોનો આનંદ લેવા લાગ્યા.
જશોદાબેને સોફા પર પડેલો કાગળ ઉઠાવ્યો અને તેના ઊપર નજર ફેંકી ચહેરા પર ગુસ્સો લાવવાનો પ્રયત્ન કરતાં બોલ્યા, “વાંદરી.. આ.. આ.. તારા ખર્ચાઓ તો જો... ફેસિયલ... બ્લીચીંગ... વેક્સિંગ... હેર ટ્રીટમેન્ટ... આ શું લખ્યું છે?”
સેન્ડીએ નજીક આવી જશોદાબેનના હાથમાંના કાગળમાં જોઈ કહ્યું, “મેનીક્યોર અને પેડીક્યોર”
જશોદાબેન, “હા... મેનીક્યોર અને પેડીક્યોર. તારી માઁનો...”
સેન્ડી, “માઁ પરની ગાળ નહીં...”
જશોદાબેન, “ઓ હરખપદુડી પૂરું સાંભળ.. અમે તારી જેમ અછકલા નથી કે અપશબ્દો બોલીએ.”
સેન્ડી, “હા, તો બોલો શું કહેતા હતા?”
જશોદાબેન, “તારી માઁનો ઉડાઉ સ્વભાવ તને વારસામાં મળ્યો છે. તેના ઘરે રહેતી હતી ત્યારે પણ ચહેરાને આવા જ લીપાપોતી કરતી હતી કે શું? આ બધું કરીને પણ શો ફાયદો? દેખાય છે તો તું વાંદરી જ ને. મારી તરફ જરા જો. હું આજેપણ ફક્ત ચણાનો લોટ જ ચહેરા પર લગાઉં છું.”
સેન્ડી, “પહેલાં હું પણ ચણાનો લોટ જ ચહેરા પર લગાવતી હતી પણ જ્યારથી તમને જોયા ત્યારથી મેં તે લગાવવાનો બંધ કરી દીધો.”
જશોદાબેન. “લાગે છે તારા માઁ બાપે તને આમ સામું બોલવાના જ સંસ્કાર આપ્યા છે.”
સેન્ડી, “મારા માતાપિતાએ મને કોઈની પીઠ પાછળ નહીં બોલવાના સંસ્કાર આપ્યા છે.”
જશોદાબેન, “મારા દીકરાને પણ શું કુબુદ્ધિ સુઝી કે તારા જેવી ગામડિયણને ઘરમાં લઇ આવ્યો.”
સેન્ડી, “એ તો મારી મતી મારી ગઈ હતી કે હું તમારા દીકરા પર વારી ગઈ નહીંતર પચ્ચાસ છોકરાઓ મારા બારણે લાઈન લગાવીને ઉભા રહેતા.”
જશોદાબેન, “હા તારો બાપો દૂધવાળો જે હતો.”
સેન્ડી, “સાસુમા, બાપા સુધી ન જાઓ. નહીંતર.....” સેન્ડી અચાનક બોલતા અટકી અને બોલી, “ટાઈમપ્લીઝ.... મોટે મોટેથી બોલીને મારું ગળું સુકાંઈ ગયું. થોડું પાણી પીને આવું.”
જશોદાબેન બોલ્યા, “મારા માટે પણ લેતી આવજે.”
સેન્ડી, “ઠંડુ?”
જશોદાબેન, “મિક્સ.”
સેન્ડી ઝડપથી અંદર ગઈ અને પાણી લઈને પાછી આવી. પાણીનો ગલાસ જશોદાબેનને આપતા બોલી, “બાપા સુધી ન જાઓ નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય.”
જશોદાબેને પાણી ગટગટાવી ગ્લાસને ટેબલ પર મુકતા કહ્યું, “આટલા જ મરચા લાગતા હોય તો જતી રહે તારા બાપને ઘેર પાછી. આમ મારા ઘરમાં કેમ પડી રહી છું?”
સેન્ડી, “સાસુમા, આ ઘર પર જેટલો તમારો અધિકાર છે એટલો જ મારો પણ અધિકાર છે.”
આ સાંભળી પડોશમાં રહેતા મકાનમાલિક ગોવર્ધનભાઈને ઝાટકો લાગ્યો હોય તેમ તેઓ ખુરશી પરથી ઉભા થઇ ગયા. હાથમાં આવ્યું તે ખમીશ પહેરી તેને બટન લગાવતા લગાવતા ઘરમાંથી બહાર નીકળ્યા. બહાર આવી તેમણે જોયું તો જશોદાબેનના ઘરમાંથી વહેતા વાણીપ્રવાહનો આનંદ લેવા લોકોની ભીડ જામી હતી.
કોઈક કમલાબેનને બોલ્યું, “ઓ બેન, બારણા પર ચોંટીને હજુ કેટલું સાંભળશો? ખસો.. જરા અમને પણ સાંભળવા દો.”
આ સાંભળી કમલાબેન તાડૂક્યા, “મુઆ મૂંગો મરને.. બહેરો છું? અંદર આટલા મોટેથી બોલી રહ્યા છે તે તને સંભળાતું નથી?”
આમ બોલી કમલાબેને ફરી બારણાને કાન અડાડયા.
અંદરથી જશોદાબેનનો અવાજ આવતો હતો, “હે ઈશ્વર! કાશ! લગ્ન પહેલા મારા દીકરાની કુંડળી કરતાં મારી કુંડળીને આની કુંડળી સાથે મેળવી જોઈ હોત! એકે લક્ષણ આમાં સારા દેખાતા નથી.”
સેન્ડી બોલી, “તો તો.. કુંડળી જોયા વગર જ હું કહી શકું કે આપણા છત્રીસે છત્રીસ ગુણ મળતા આવતા હશે.”
જશોદાબેન, “કાશ! તારા માઁ બાપે તને સંસ્કાર આપ્યા હોત.”
સેન્ડી, “કાશ! મારા માઁ બાપે તમને દહેજમાં કાર ન આપી હોત”
કમલાબેને ચંપાને ચુંટણી ખણતા ધીમેથી કહ્યું, “સાંભળ્યું?”
જશોદાબેન, “એ ખટારો, લાવ્યા ત્યારથી જ બારણામાં પડી રહ્યો છે.”
સેન્ડી, “તેમાં ડીઝલ ભરવાની તમારી ત્રેવડ ન હોય ત્યારે એમ પડી જ રહે ને.”
જશોદાબેન અકળાઈને બોલ્યા, “આવવા દે મારા દીકરાને, આજે તેને તારા સઘળા કારનામાં કહી સંભળાવીશ.”
કમલાબેને ચંપાને કોણી મારી કહ્યું, “જોયું? સુહાસને કશી જાણ નથી.”
સેન્ડીએ બાજુમાં પડેલી છડી ઊઠાવતા કહ્યું, “આવવા દો તમારા દીકરાને આજે હું પણ તેને મારો ચમકારો દેખાડીશ.”
ચંપા બોલી, “હાંભળ્યું.”
કમલાબેન ગુસ્સે થઇ બોલ્યા, “ચૂપ બેસ ચાંપલી, સાંભળવા દે.”
જશોદાબેન, “હાય... હાય.. મારા નસીબ ફૂટ્યા કે મને તારા જેવી વહુ મળી.”
સેન્ડી, “નસીબ તો મારા ફૂટ્યા કે મને તમારા જેવી સાસુ મળી.”
જશોદાબેન, “વહુએ દીકરી બનીને રહેવું પડે.”
કમલાબેને ચંપા તરફ દ્રષ્ટિથી વાર કર્યો.
સેન્ડી, “એ માટે સાસુએ પણ માતા જેવું વર્તન કરવું પડે.”
ચંપાએ કમલાબેન તરફ નજરોથી પ્રહાર કર્યો.
જશોદાબેન, “બસ બહુ થયું હમણાં ને હમણાં આ ઘરમાંથી ચાલતી થા.”
સેન્ડી, “એકવાર જો મેં આ ઘરની બહાર પગ મુક્યો કે પછી પગે પડશો તોય પાછી નહીં આવું.”
જશોદાબેન. “ઓહોહો... ના જોઈ હોય તે મોટી ફૂલકુંવર, અમે કાંઈ પાગલ થઇ ગયા છીએ કે તને ઘરે પાછી બોલાવવા તારા પગે પડીએ.”
સેન્ડી, “હું જાઉં છું અને હવે પાછી આ ઘરમાં ક્યારેય પગ નહીં મુકું.”
જશોદાબેન, “જા.. જા. અને જો તારો પેલો ખટારો ચાલુ થતો હોય તો તેને પણ સાથે લઇ જા.”
કમલાબેન અને ચંપા ફટાફટ બારણા પાસેથી આઘા થયા.
બહાર જામેલું ટોળું ઉત્સુકતાથી સેન્ડીના બહાર આવવાની ઈંતેજારી કરવા લાગ્યું. પરંતુ સેન્ડી બહાર ન આવી.
લોકોમાં ખુસર પુસર થવા લાગી.
ત્યાં તે સહુના કાને જશોદાબેનનો સ્વર સંભળાયો. “આવી ગઈ પાછી? કેમ બધી ચરબી ઉતરી ગઈ ને?”
સેન્ડી, “મારી ભૂલ થઇ ગઈ સાસુમાં...”
કમલાબેનને કોઈ ગેડ ન બેસતાં તેઓએ પરિસ્થિતિને સમજવા બારણાને કાન અડાડયા. તેમની પાછળ પાછળ ચંપાએ અને ત્યારબાદ ભેગા થયેલા ટોળાએ.. આ હડકંપમાં કમલાબેને સંતુલન ખોયું, તેમના ધકકાથી બારણું ખુલી ગયું અને એ સાથે આખી ભીડ ઓરડામાં ઢગલો થઇ પડી.
‘મને માફ કરો સાસુમા... આજ પછી હું આવું નહીં કરું.” ગબડી પડેલી કમલાબેને જોયું તો સોફા પર બેસી આરામથી સફરજન ખાતા ખાતા સેન્ડી બોલી રહી હતી, “મને માફ કરી દો...”
કમલાબેન કણસતા કણસતા જમીન પરથી ઉભા થતા કહ્યું, “જશોદા, વહુ એ ઘરની લક્ષ્મી હોય તેને આમ...”
ઘરમાં અચાનક આમ ધાડું ગબડી આવેલું જોઈ જશોદાબેનનો પારો સાતમા આસમાને પહોંચ્યો, “ઓહ! દયાની દેવી... ઉપદેશ આપવાના બંધ કર... અને એ કહે કે તમે લોકોએ આ શું તમાશો માંડ્યો છે?”
હાલમાં જ ચિત્રપટ જોઈ આવેલા ગોવર્ધનભાઈ વાળથી ચહેરો ઢંકાય એ રીતે થોડા નમીને ઘરમાં પ્રવેશતા બોલ્યા, “જશોદાબેન, તમાશો અમે માંડ્યો છે કે તમે?”
જશોદાબેન બોલ્યા, “ઓહ! ગોરધનિયા સીધો ઉભો રહે નહીંતર એવું છુટું વેલણ મારીશ કે જિંદગીભર આમ જ નમી નમીને ચાલીશ.”
ગોવર્ધનભાઈ તરત સીધા ઊભા થતા બોલ્યો, “‘ૐ હરિ નમો નમઃ જશોદાબેન, આ શું તમાશો માંડ્યો છે?”
જશોદાબેન, “તમાશો નહીં... નાટક... બોલો નાટક...”
ચંપા, “નોટક??? ચમનું નોટક???”
કમલાબેન તેને કોણી મારતા કહ્યું, “ચોંપલી બોલવાની નો પાડીસે તોય બોલેસે.” અચાનક પોતે શું બોલ્યા તેનું ભાન થતા કમલાબેન અકળાઈને આગળ બોલ્યા, “મૂંગી મર, તું તો નહીં સુધરે પણ હું બગડી જઈશ.”
જશોદાબેન, “અરે! આ વખતે ગણપતીમાં અમારી શ્રીકુંજ સોસાયટીમાં નાટક રાખેલું છે જેમાં અમારી આ વહુએ ભાગ લીધો છે.”
ગોવર્ધનભાઈ, “એટલે તમે લોકો નાટક કરી રહ્યા હતા?”
સેન્ડી, “અંકલ, નાટક નહીં... નાટકની પ્રેકટીસ... મારા સાસુમા મારા ડાયલોગની પ્રેકટીસ લઇ રહ્યા હતા..”
જશોદાબેન, “હા, હજી અમુક ગુજરાતી ઉચ્ચારણમાં સેન્ડીને ફાવટ નથી તેથી હું એની પ્રેકટીસ લઇ રહી હતી. પહેલો નંબર તો મારી વહુનો જ આવવો જોઈએ. છોડો એ વાત પણ અને એ કહો કે તમે શું કામ આવ્યા??”
ગોવર્ધનભાઈ, “શું કામ આવ્યા!!! જરા બહાર આવીને જુઓ તો ખબર પડશે કે લોકોની કેવી ભીડ જામી છે તે.”
જશોદાબેને બહાર જોયું. બહાર લોકોના ધાડેધાડાં ઉમટી પડ્યા હતા.
જશોદાબેન, “આ બધા?”
ગોવર્ધનભાઈ, “તમારું નાટક સાંભળવા ભેગા થયા છે?”
સેન્ડી, “ઓહોહો.. સાંભળવા માટે આટલી ભીડ? માતાજી આપણે અહીં બાલ્કીનીમાં જ આગળની પ્રેકટીસ કરીએ તો? આમને નાટક જોવાયે મળશે અને યુ નો મારો સ્ટેજ ફીયર પણ ઓછો થઇ જશે.”
રસોડામાં રોટલી વણી રહેલા કામવાળી કાંતામાસી બોલ્યા, “હેં... જશોદાબેન, આ સુહાસભાઈ ગાંડાની ઈસ્પિતાલને તો વિદેશ નહીં સમજતા હોય ને?”
જશોદાબેન, “કાંતા, તું તારા કામમાં ધ્યાન આપ.” ત્યારબાદ તેઓ ગોવર્ધનભાઈને બોલ્યા, “ગોવર્ધનભાઈ, પ્રેકટીસમાં અમે એવા ઓતપ્રોત થઇ ગયા હતા કે અમને કશું ભાન જ રહ્યું નહીં જેમાં આ લોકો સમજ્યા કે અમે ઝઘડી રહ્યા છીએ. જોકે એમાં આ બિચારાઓનો પણ કોઈ વાંક નથી. આજકાલ સાસુ વહુના સંબંધો એવા બદનામ થઇ ગયા છે કે કોઈ કલ્પના સુદ્ધાં કરી શકે નહીં કે અમે નાટકની પ્રેકટીસ કરી રહ્યા હતા. તમે કૃપા કરી બધાને આ હકીકત સમજાવી અહીંથી રવાના કરો..”
ગોવર્ધનભાઈ બોલ્યા, “જશોદાબેન તમે કલ્પનાની કયા વાત કરો છો? હું લોકોને આ હકીકત કહી સંભળાવીશ તોયે તેઓ વિશ્વાસ નહીં કરે.”
કલમાબેન, “ઓ દોઢડાહ્યા, તેમને કહેજે શ્રીકુંજ સોસાયટીમાં ગણપતિના ચોથા દિવસે જે નાટક થવાનું છે તેની પ્રેકટીસ ચાલી રહી છે પછી તો વિશ્વાસ કરશે ને?”
ગોવર્ધનભાઈ માથું ખંજવાળતા બોલ્યા, “તમે બિલકુલ ચિંતા ન કરતા. હું મારી રીતે આ બધાને સમજાવી અહીંથી રવાના કરું છું.”
કમલાબેન અને ચંપા ત્યાં જ ઊભા રહ્યા એમને જોઈ જશોદાબેન બોલ્યા, “આ કમલા અને ચંપાને પણ...”
કમલાબેન બોલ્યા, “ગોવર્ધનભાઈ, તમે જાઓ મારે જશોદાને કશુંક કહેવું છે.”
ગોવર્ધનભાઈ બહાર જઇને ટોળાને બોલ્યા, “ચાલો.. ચાલો.. નીકળો બધા.. અંદર નાટક ચાલતું હતું.. નાટક...”
જશોદાબેને દરવાજો બંધ કર્યો અને કમલાબેન પાસે આવીને બોલ્યા, “કમલા, ખાંડ છે? ઘી છે? જેવા પ્રશ્નો પૂછ્યા સિવાય જે કઈ પૂછવું હોય તે પૂછ.”
કમલાબેનની આંખમાં આંસુ હતા. જશોદાબેન તે જોઈ બોલ્યા, “કમલા તારી આંખમાં આંસુ? કેમ શું થયું?”
કમલાબેન બોલ્યા, “જશોદા, આજનું તારું આ નાટક... મતલબ નાટકના પ્રેકટીસની આ ઘટનાએ મારી આંખો ખોલી નાખી. તું તારી વહુને દીકરીની જેમ જ રાખે છે નહીંતર હું આ ચંપાને...” આમ બોલી કમલાબેને ચંપાને પીઠ પર ધબ્બો માર્યો. ચંપા, “ઓહ! માડી.” આમ ચીસ પાડી અને પીઠ પંપાળતી પંપાળતી આઘી ખસી.
કમલાબેન બોલ્યા, “જશોદા, આજ પછી હું મારી ચંપાને પણ મારી દીકરીની જેમ જ રાખીશ. હવે હું તેને તેના ગામડિયા લઢણ માટે ક્યારેય મ્હેણાં ટોણા નહીં મારું.”
અંદરથી કાંતાબેન બોલ્યા, “ના.. નાં. મારો .. એ તો એજ લાગની છે...”
જશોદા, “કાંતા... હવે બોલીશ તો છુટ્ટું વેલણ મારીશ... હા કમલા, આગળ બોલ.”
કમલાબેન અચરજથી બોલ્યા, “જશોદા, તારા હાથમાં વેલણ તો નથી?”
જશોદા, “કાંતા ચૂપ થઇ ગઈને? તું નકામી પંચાત છોડ અને આગળ બોલ.”
કમલાબેન, “હવે મને ભાન થયું કે મારી વહુ હજુ સુધી સુધરી નહીં તેમાં વાંક તેનો નહીં પણ મારો છે. તારી વિદેશી વહુને પણ ગુજરાતી બરાબર બોલતા આવડતું નહોતું પણ તેં એ બાબતે ક્યારેય તેને મ્હેણાં ટોણા માર્યા નહીં, પણ પ્રેમથી તેને સમજાવી ધીમે ધીમે ગુજરાતી બોલતી કરી દીધી.”
સેન્ડી બોલી, “હા, કમલામાસી, મારી સાસુમાના ગુસ્સામાં પણ પ્રેમ છલકાતો હોય છે.”
જશોદાબેન, “કમલા, બધા દરેક વાતમાં કાંઈ નિપુણ નથી હોતા. આપણી વહુઓને કદાચ કોઈ કામ આવડતું ન પણ હોય ત્યારે તેની માઁને ગાળો ભાંડવી કેટલે અંશે વ્યાજબી છે? શું આપણે સાસુઓ વહુઓની માઁ બની તેમને પ્રેમથી શીખવાડી હોંશિયાર ન બનાવી શકીએ?”
કમલાબેન, “જશોદા આજ પછી હું પણ મારી ચંપાને પ્રેમપૂર્વક સમજાવી તેની ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરીશ.”
ચંપા, “હાચું???”
કમલાબેને પ્રેમથી કહ્યું, “બેટા, હાચું નહીં.. સાચું..”
ચંપા. “સાહચુ???
કમલાબેને કહ્યું, “ચંપા, સાહચુ નહીં.. સાચું”
ચંપા, “સાવચુ...”
કમલાબેન આગળ બોલવા જતા હતા ત્યાં જશોદાબેન બોલ્યા, “એ ઘરે જઈને સાચું બોલશે.. પણ તે માટે તારે ધીરજ રાખવી પડશે...”
કમલાબેન હતાશ થતા બોલ્યા, “હા, મારે કદાચ ખૂબ ધીરજ રાખવી પડશે.”
ચંપા બોલી, “સાચું???”
ચારેયજણા આ સાંભળી ખડખડાટ હસી પડ્યા.
ચંપા, કમલાબેનને અને સેન્ડી, જશોદાબેનને આનંદથી ભેટી પડ્યા.
ત્યાંજ પીઠ પાછળ હાથ રાખી સુહાસે ઘરમાં પ્રવેશ કર્યો.
તેને જોઈ સેન્ડી ટીખળમાં બોલી “લો.. ઠાકુર પણ આવી ગયા...”
કમલાબેન સુહાસને જોતાવેંત ત્રાડ પાડી ઉઠ્યા, “આ... આ.. સુહાસીયાને કારણે જ બધી ગરબડ થઇ છે. સુહાસીયા તેં ફોન પર વાતો કર્યા પછી ઉતાવળમાં બાઈકને કેમ હંકારી મૂકી હતી?”
સુહાસ, “બા, આજે કેટલાય દિવસોથી હું એક કાર્ય પૂર્ણ કરવા અથાગ પ્રયત્નો કરી રહ્યો હતો પરંતુ મારો કોઈ મેળ જ પડતો નહોતો. આજે જયારે મારા એક દોસ્તે મને ફોન કરીને કહ્યું કે વ્યવસ્થા થઇ ગઈ છે ત્યારે સહુ પહેલા મેં ઈશ્વરનો પાડ માન્યો અને પછી તરત તેના ઘર તરફ મારું બાઈક હંકારી મુક્યું હતું.”
સેન્ડી, “પણ કેવું કાર્ય?”
સુહાસે કહ્યું, “સેન્ડી, તું વારેઘડીયે મને જે બાબતે ટોકતી રહેતીને? એ કાર્ય.”
જશોદાબેન બોલ્યા, “નાટક ન કર, જલ્દી બોલ.. નહીંતર...”
ત્યાં હાજર કમલાબેને વાક્ય પૂર્ણ કર્યું, “વેલણ છુટું મારીશ..”
જશોદાબેને કમલા અને ચંપા તરફ જોઈ કહ્યું, “આવો ત્યારે.. જતી વેળાએ દરવાજો બંધ કરી જજો..”
કમલાબેન નફફટની જેમ ત્યાંજ અડીખમ ઊભા રહેતા બોલ્યા, “જશોદા, તું જરાયે ચિંતા ન કરતી અમે જતી વેળાએ દરવાજાને ચોક્કસ બંધ કરી દઈશું. એ સુહાસીયા જલ્દી કહે ને..”
સુહાસે જશોદાબેનને કહ્યું, “બા, પહેલા આંખો બંધ કરો તો.”
જશોદાબેને સુહાસ તરફ હાથ લંબાવ્યા. જે જોઈ સુહાસ બોલ્યો, “બા, મારી નહીં તમારી આંખો.”
જશોદાબેને તેમની આંખો બંધ કરી.
ત્યારબાદ સુહાસે જે કહ્યું તે સાંભળી તેઓ ગદગદિત થઇ ગયા, “બા, ઘણી મથામણ પછી તને આપેલું વચન પાળવામાં હું સફળ થયો છું. આંખ ઉઘાડી જુઓ આખરે તમારા માટે હું લઇ જ આવ્યો...”
આંખ ઉઘાડતાંની સાથે જ જશોદાબેન હર્ષભેર બોલ્યા, “વાહ! અદ્દલ અગાઉ જેવી જ બીજી કાળી બિલાડી”
(સમાપ્ત)