બીજારોપણ
બીજારોપણ
સૂકી ધરાને એકીટશે રમા જોઈ રહી હતી, જીવનમાં ભગવાને મનખાનો મીત, સારું સાસરિયું બધું જ આપ્યું હતું તો પછી શેર માટીની ખોટ કેમ રાખી દીધી હશે ! નસીબમાં લખાયેલાં લેખમાં મેખ કોણ મારી શક્યું છે ! છતાં પણ રમા અને રવજીએ અંતરમાં એક આશ ધરી રાખી હતી. બબ્બે વરસથી વર્ષાની રાહ નિહાળતી સૂકી ધરાની વેદનાં રમાને હવે પોતાનાં સમી લાગતી હતી. એ તેની શૂષ્કતાની વેદનાને પોતાનાં વિચારોથી સ્પર્શી રહી હતી એવામાં સાસુ મૂળીબેનનાં મોઢેથી નિકળેલાં મેણાંએ રમાનાં વિચારોની તંદ્રા તોડવાની સાથે તેનું હૈયું પણ છોલી નાખ્યું.
મૂળીબેનનાં હૈયેય તે આગ લાગી હતી, ગામની વાતો સાંભળી સાંભળી તેઓમાં આ પરિવર્તન આવ્યું હતું, બાકી સ્વભાવનાં બહું સારાં હતાં. રમાને કોઈ દિ' ઓછું નોહતું આવવાં દીધું પણ પૌત્રનું મોઢું જોવાં વલખા મારતાં મૂળીબેનની ધીરજ ખૂટી ગઈ હતી જાણે આજ કારણે રમા પ્રત્યેનો તેનો વ્યવહાર બદલાઈ ગયો હતો.
લગ્નનાં બંધનમાં બંધાઈ ગયાં પછી રમા અને રવજીનાં જીવન પ્રેમની લાગણીથી લથબથ થઈ નીતરી ગયાં હતાં. આમને આમ મહિનાઓ વીત્યાં, મહિનાઓ વર્ષમાં. લગ્નનાં પંદર વર્ષે પણ રમાનો ખોળો ખાલી હતો આજ વાતે હવે રમા ઉદાસ રહેતી હતી, માનતાઓ, બાધાઓ, ડેરી, ફકિરો, દોરા, ધાગા, વ્રતો, ઉપવાસો અને પૂજાઓ ન જાણે કેટકેટલાંય પ્રયત્નોનાં બદલામાં મળેલી નિરાશાએ રમાનાં હ્રદયમાં હતાશાનો વ્યાપ વ્યાપક થઈ રહ્યો હતો. રમાની આ વેદનાને જો કોઈ સારી રીતે સમજી શકતો હોય તો એ તેનો જીવનસાથી, તેનો ધણી રવજી હતો. આખરે બંનેનાં દરદતો સરખાં જ હતાં ને ! પણ રવજીએ હજું પણ આશાનો છેડો પકડી રાખ્યો હતો, ભગવાન પરની તેની અતૂટ શ્રદ્ધા હજું પણ યથાવત જ હતી.
જીવનનાં મોટાં દરદ સાથે લડી રહેલાં રવજીને પણ હવે સૂકી ધરા, બબ્બે વરસથી વાવણી વિહોણી ખેતી બધું જોઈ જીવ બળતો હતો એ પણ ધરાની સાથે આકાશમાં પોતાની આંખોમાં આશ લઈ અનિમેષ તાકતો રહેતો, ઓણ મેહુલિયો નહીં વરસે તો શું કરશું ? પરિસ્થિતિ કપરી બની રહેશે.
પોતાની ચિંતાને સંકોરી એ રમા સામે તો હંમેશાં હળવો રહી હસતો રહે, મજાક મસ્તી કરતો રહેતો. ખેતરે કોઈ કામ ન હોવાથી એનું મન પણ અકળાઈ જતું હતું છતાં પણ તે નિત્યક્રમ મુજબ વહેલાં પરોઢે ખેતરની મુલાકાતે તો જાયજ. આજે રાતનું વાળું પતાવી ઢોલિયે બેઠેલાં રવજીએ રમાનો હાથ પકડી બાજુમાં બેસાડી પૂછવાં લાગ્યો, " મારી પ્યારી મને કહે તો, શું આટલાં વિચારોમાં ખોવાયેલી રહે છે ?" રમાએ રવજીનાં ખભે માથું ઢાળતાં કહ્યું, " વરસાદ ન આવવાથી સહું કોઈને ખેતીની, રોજગારની, ખાવા પીવાની ચિંતાઓ થઈ રહી છે તે હું સમજી શકું છું પણ વરસાદને તરસતી આ સૂકી ધરાની વેદનાંને બીજું કોઈ સમજી નહીં શકે. મારી અને તેની વેદનાં છે તો આખરે સરખી જ એ પણ નવાં બીજારોપણને તરસી રહી છે અને મારી કોરી, સૂની પડેલી કોખ પણ બીજને પામવાં તરસી રહી છે". આટલું બોલતાં રમાથી ડૂસકો ભરાઈ ગયો, રવજીએ તેને બાથમાં લેતાં કહ્યું," ચિંતા ન કર વ્હાલી, ઉપરવાળો સહું સારાં વાનાં કરશે મને ભરોસો છે, આ સૂકી ધરા પર ઓણ અમીનાં છાંટણાં જરૂર થાશે ,તારી ને એની કૂખે બીજારોપણ જરૂર થશે". ગોખલિયામાં સળવળતો દીવો ઓલવાઈ ગયો, રવજીએ રમાને પોતાની બાહુંપાશમાં સંકોરતાં તેને અઢળક વ્હાલથી ભીંજવી દીધી.
વહેલી પરોઢે રમાને સ્વપ્નમાં મેહુલિયાનાં આગમનનાં એંધાણ દેખાયા, એક તેજ પ્રકાશપૂંજમાંથી ભવિષ્યવાણી થઈ, આવતી પૂનમનાં બીજા દિવસે મેહુલિયાની વધામણી હારે તારી કૂખે બીજ રોપાશે. રમા જબકી ઊઠી ગઈ, તેણે રવજીને સપનાની વાત કહી, રવજીની આશ હવે વધું મજબૂત બની. રમા આંગળિનાં ટેરવે દિવસો ગણવાં લાગી, જ્યાં એ દિવસ આવ્યો તો એ કામમાં ને કામમાં ભૂલી જ ગઈ, ફળિયામાં કચરો વાળતી રમાને અચાનક કોયલ, મોરનાં ટહુંકા સંભળાવાં લાગ્યાં, તેણે દોડીને તારીખીયું જોયું ને યાદ આવ્યું, પોતાનાં માસિકની તારીખ તો દિવસ કરતાં ઉપર જતી રહી છે એ ખેતર ભણી દોડી ગઈ, વડલાની ઓથે ઊભી રહી એ આકાશને એકીટશે જોઈ રહી હતી, આકાશ તો ચોખ્ખું હતું, વાદળનું તો નામોનિશાન નહોતું. રમાને થયું આ બધો મારો વ્હેમ જ હશે, હુંય તે સપનાને હાચું માની બેઠી બાવરી. આવું વિચારી એ ઘર તરફ જવાં વળતી જ હતી કે રવજીએ તેનો હાથ ઝાલી તેને રોકી લીધી. એ સાથે જ આકાશમાં અચાનક કાળાં ડિંબાગ વાદળોની સવારી આવી પહોંચી, બબ્બે વરસથી તરસી ધરતી પર આખરે મેહુલિયાનું આગમન થઈ જ ગયું. રમાને પોતાનાં સપનામાં મળેલાં એંધાણોનાં પૂરાવાઓ મળી ગયાં. વરસાદની હેલી સંગે રમા આજે ઘેલી થઈ રવજીને શરમાતાં શરમાતાં બસ એટલું જ કહ્યું, ધરણીની હારે મારી કૂખે પણ બીજારોપણ થયું છે. વરસોની તપસ્પાની અગ્નિમાં બળતાં જીવનને આજે મેહુલિયાનાં આગમને ઠંડકથી ભરી દીધું.
