બિગડે શહેજાદે !
બિગડે શહેજાદે !
“વાહ બેટા...! આજે સવારમાં વહેલા ઊઠીને ગાડી ધોવાની સર્વિસ ચાલે છે એમ ? સરસ સરસ...” પિતાજીએ નવાઈ પામતા અવાજે ખુશ થયા.
“યસ ડેડ...” કહીને તરત જ તેણે હેડલાઇટ પર ભીનું કપડું મૂકી ગઈકાલ રાત્રે કરેલી ભયંકર ભૂલ સંતાડી દીધી.
ત્રાંસી આંખે તે ડેડ સામે જોઈ લઈ જુઠ્ઠું હસી પડ્યો. પિતાજી ત્યાંથી ગયા ત્યારે તેના જીવમાં જીવ આવ્યો. ગઈ રાત્રે દારૂના નશામાં ધૂત થઈ સડક કિનારે ચાલતા ઘરડા ડોસાને હડફેટમાં લઈને તેણે તરત જ ગાડી મારી મૂકી હતી. ટાયર નીચે ચગદાઈ ગયેલા ડોસાનું જામી ગયેલું લોહી તેણે ઝટપટ ભીના કપડાથી દબાઈને લૂછી લીધું. પાણીની આખી ડોલ ટાયર અને હેડલાઇટ પર રેડી તરત જ સાવરણાથી પાણી ગટરમાં વાળી દીધું. ગટરમાં જતું લાલ લોહી કોઈ જોઈ તો નથી ગયું ને ! – એ તપાસી લેવા તેણે ધડકતા હ્રદયે ત્રાંસી આંખે ચારેબાજુ નજર ફેરવી લીધી.
* * *