ભયનો ભયાનક ખેલ
ભયનો ભયાનક ખેલ


માણસ માત્રને સૌથી વધારે ડર હોય તો તે માંદગી અને મૃત્યુનો. અત્યારે આખી માનવ જાત આ ડર ના ભયાનક ઓથાર નીચે જીવી રહી છે. કોરોનાના નાના શા વાયરસે પોતાને સર્વ શક્તિમાન ગણાવતા માણસને લાચાર બનાવી દીધો છે. આ રોગના અટપટા હુમલાને કેવી રીતે ખાળવો? ખૂબ મુશ્કેલ છે...કંઈક જાદુ કે ભગવાનની કૃપા જલદી થાય તો સારું.
આજે મન થોડું ડહોળાયેલું છે, કારણ મારા જ કોમ્પલેક્સમાં અમે જાણતા હોઇએ એવા જુવાન છોકરાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આખું બિલ્ડીંગ કવોરનટાઇન કર્યું છે. જમ દરવાજો ભાળી ગયો એ કહેવતનો આજે ખરો અર્થ સમજાય છે. આજે ડાયરી સાથે ગુફ્તગુ કરવા ઘણાં વિચાર મનમાં દોડતા હતાં જે અત્યારે સ્તબ્ધ છે!
શ્રી ' ગની' દહીંવાલાની પંક્તિઓ યાદ આવે છે....
માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી
બાધાને પણ બાધ ન આવે,શ્રીફળ શ્રીફળ રમીએ,
અત્યારે ઈશ્વરમાં શ્રધ્ધા જ મોટો સહારો છે. મનને આશાવાદી અને સંતુલિત રાખી, સ્વચ્છતાના બધા જ નિયમો પાળીએ. અત્યારે આપણને એકદંડીયા મહેલની એકલતામાં ભલે બંધ રહીએ. એ આશાવાદ સાથે કે ખૂબ જલદી આપણે બધા તબડક તબડક કરી મુકતપણે મહાલતા આનંદના અશ્વો પર આરૂઢ હશું. આખરે તો
શ્રદ્ધાનાં અણડગ ખડકો પર પાયા રોપ્યા પ્રાણના.