ભયાનક
ભયાનક


મધ્યરાત્રિનું સુમસાન અંધકાર. ભેંકાર વિસ્તારમાં ઉભી પ્રાચીનકાળની વર્ષો જૂની વેરાન હવેલીના પાછળના વિસ્તારમાં બન્ને જુના પ્રેમી એકમેકના ખભે હાથ વીંટાળી દુનિયાથી અત્યંત દૂર પ્રણયના જગતમાં ખોવાઈ ચુક્યા હતા. અચાનક કંઈક ખખડ્યું. બન્ને ચોંક્યા. આ સમયે અહીં કોણ ? ખભા ઉપરથી હાથ નીચે સરક્યા. સચેત થઇ અવાજની દિશામાં બન્ને ચુપચાપ આગળ વધ્યા. અવાજ ધીરે ધીરે ચીસનું સ્વરૂપ ધારણ કરી રહ્યો.
બંધ હવેલીના પ્રાંગણમાં નિહાળેલ એ કાળજું કંપાવનાર દ્રશ્યથી બન્નેના હોંશ ઉડી ગયા. રોમ રોમ ફફડી ઉઠ્યું. દર્દનાક, ભયાનક, ડરામણું, અસહ્ય, અમાનવીય બીજે દિવસે સમાચારપત્ર અને ટીવી ચેનલો ઉપર એકજ સમાચાર છવાયેલા રહ્યા. 'શહેરથી દૂર, ઉજ્જડ, વેરાન હવેલીના પ્રાંગણમાં એક સ્ત્રી ઉપર થયેલો સામુહિક બળાત્કાર.'
એ ભયાનક રાત્રી પછી વર્ષોથી એ હવેલીમાં નિવાસ કરતી બન્ને જુના પ્રેમીની આત્માઓ હવે એ હવેલીની આસપાસ પણ ફરકતી નથી.