ભૂતિયા હવેલી
ભૂતિયા હવેલી
તે બન્ને પોતપોતાની કબરમાંથી બહાર નીકળ્યા અને એકબીજા સામું જોઈ મુસ્કુરાયા.
એકબીજાનો હાથ પકડી હવા સાથે મસ્તીમાં લહેરાતા તેઓ આગળ વધવા માંડ્યા.
અચાનક તેઓ એક હવેલી પાસે આવીને અટક્યા. એક વિચિત્ર ધ્રૂજારી બન્નેની આંખમાં વ્યાપી ગઈ.
હવેલીના કોટ પરથી લહેરાઈને તેઓ હવેલીના દરવાજા પાસે આવ્યા. અચાનક વાદળોના ગડગડાટ અને વીજળીના ઝબકારમાં તે હવેલી ભયાનક દેખાતી હતી.
હવેલીના બંધ દરવાજામાંથી પસાર થઈને તેઓ હવેલીમાં પ્રવેશ્યા. હવેલી વર્ષોથી બંધ હોય તેમ જણાતું હતું. હવે તેઓ હવામાં લહેરાતા જ હવેલીના એક ઓરડામાંથી બીજા ઓરડામાં ફરવા લાગ્યા. બંનેની આંખો કોઈકને શોધી રહી હતી.
નીચેના બધા ઓરડા ફરી લીધા બાદ તેઓ છતમાંથી સીધા ઉપરના માળે પહોંચ્યા. અહિયાં કરોળિયાઓના જાળામાંથી પસાર થઈને તેઓ આગળ વધવા માંડ્યા. ભીંત પર લટકતા ચામાચીડિયા પર તેમની હાજરીની કોઈ અસર જણાઈ નહીં.
આખી હવેલીમાં ફરી લીધા બાદ એકે કંટાળીને બીજાને કહ્યું, “જોયું? તને કહ્યું હતું ને કે લોકો અમસ્તી હવેલીમાં બે ભૂત હોવાની અફવા ફેલાવે છે! કોણ કહેશે આને ભૂતિયા હવેલી!!!”