ભૂત બંગલો
ભૂત બંગલો
અદસોદ ગામમાં આવેલ એ બંગલો, ભૂતિયા બંગલા તરીકે કુખ્યાત હતો. ગાઢ જંગલમાં આવેલ આ બંગલો દેખાવે ખૂબ ભયંકર લાગતો હતો. આજ કારણ હતું કે તે બંગલોમાં કોઈ રહેતું નહોતું કે તેને કોઈ ખરીદવાની હિંમત કરતું નહોતું. બંગલાના માલિક હરિહર આ બાબતે કાયમ ચિંતામાં રહેતા. ભૂતકાળમાં એક બે જણે આ બંગલાને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો. એ માટે તે ગ્રાહકોએ બે દિવસ બંગલામાં રોકાણ કરવાનું પણ વિચાર્યું હતું. પરંતુ પહેલી રાતે જ કોઈ અજાણી શક્તિ તેમનું ગળું દબાવી રહી હોય તેવો અનુભવ થતા તેઓએ બંગલો ખરીદવાનો વિચાર માંડી વાળ્યો હતો.
“હવે બંગલો વેચવો કેવી રીતે ?” હરિહરના મનમાં આ સવાલ કાયમ ઉદભવતો.
આખરે એક દિવસ તેમને આનો ઊપાય મળી ગયો. તેમનો બંગલો ન વેચાવાનું કારણ તેમાં વસતા ભૂતપ્રેત હતા. જો એ બંગલામાં ભૂતપ્રેત જ ન હોય તો ! આમ વિચારી તેઓએ વર્તમાનપત્રમાં જાહેરાત આપી કે, “જે કોઈ બંગલામાં વસતા ભૂતપ્રેતને ભગાવી આપશે તેમને પુરા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે.”
કરોડોના એ બંગલા માટે આટલું ઇનામ આપવું હરિહરને પોસાય તેમ હતું. જાહેરાત વાંચીને કંઈ કેટલાય તાંત્રિકો અને ભૂવાઓ તે બંગલામાં ગયા પરંતુ ભૂતને ભગાવવાને બદલે તેઓ પોતે જ એ બંગલો છોડીને ભાગ્યા હતા. તેઓ એક રાત પણ બંગલામાં રોકાઈ શક્યા નહોતા. ત્યાં ગયેલા તમામનું કહેવું એક જ હતું કે બંગલામાં જરૂર ભૂતપ્રેતનો વાસ છે. કારણ તે બધાને રાતના સમયે કોઈ અજાણી શક્તિ ગળું દબાવી રહ્યું હોય તેવો આભાસ થયો હતો.
હવે જાહેરાત આપીને ઉલટાના હરિહર ફસાયા હતા ! હવે તેમના એ બંગલાની બધામાં એવી ધાક પેસી ગઈ હતી કે કોઈ હવે તેને મફતમાં લેવા પણ તૈયાર નહોતું. હરિહરે ઇનામની રકમ વધારીને દસ લાખ રૂપિયા કરી.
પરંતુ રૂપિયા માટે કોણ પોતાનો જીવને જોખમમાં મુકે ?
એકદિવસ એક યુવાન કેશવ આવ્યો અને તેણે બંગલામાંથી ભૂત ભગાવવાનું બીડું ઝડપ્યું. જોકે હરિહરને કેશવ પર કોઈ ખાસ આશા નહોતી. જ્યાં ભલભલા તાંત્રિકો અને ભૂવાઓ નિષ્ફળ ગયા હોય ત્યાં આ લબરમૂછિયો કેશવ શું કરી શકવાનો હતો ? પરંતુ કેશવ પર વિશ્વાસ મુકવા સિવાય હરિહર પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. વળી કેશવનો ઉસ્તાહ જોઇને હરિહરને થોડી ઘણી આશા બંધાઈ હતી.
જે રાતે કેશવ બંગલામાં ગયો તે રાતે હરિહરે ભગવાન સામે દીવો કરી તેની સફળતાની મનોકામના કરી હતી. પરંતુ આ શું તેમની સઘળી આશા ઠગારી નીવડી. કેશવ પણ બીજાઓની જેમ જ એક રાતમાં બંગલો છોડીને ભાગી ગયો હતો. જોકે બીજા દિવસે સવારે કેશવ પાછો હરિહર પાસે આવીને બોલ્યો,
“સાહેબ, તમારા બંગલામાં વસતા ભૂતની તપાસ મેં લગાવી લીધી છે.”
આ સાંભળી હરિહરે નિરાશાથી કહ્યું, “પરંતુ માત્ર ભૂતનો તપાસ લગાવવાનો શો અર્થ, તારી પાસે તેને ભગાવવાનો કોઈ ઉપાય છે ?”
“હા ઊપાય છે. અને તે પણ એકદમ સરળ.”
હરિહર ખુશીથી ઝૂમી ઉઠ્યા. “જલદીથી કહે શો ઊપાય છે ?”
“પરંતુ મારું ઇનામ ?”
“તે તને મળી જશે. વિશ્વાસ ન આવતો હોય તો હમણાં જ તને દસ લાખનો ચેક લખી આપું છું.”
કેશવે કહ્યું, “લખી આપો તો સારું. કારણ ગરજ સરી તો વૈધ વેરી આ માનવજાતનો સ્વભાવ છે.”
હરિહરે તરત દસ લાખનો ચેક લખીને કેશવના હાથમાં મુક્યો, “હવે મને ઉપાય બતાવ.”
કેશવે કહ્યું, “ચાલો મારી સાથે.”
“ક્યાં ?”
“તમારા બંગલામાં.”
“પરંતુ...”
“ગભરાવવાની કોઈ જરૂર નથી. હું તમારી સાથે જ છું.”
હરિહરે તરત ડ્રાઈવરને બોલાવી બંગલામાં જવાની સુચના આપી. સુચના સાંભળી ડ્રાઈવરના મોતિયા મરી ગયા પરંતુ માલિકના આદેશનું પાલન કર્યા સિવાય તેનો છૂટકો નહોતો. બપોરે જ તેઓ બંગલામાં જઈ પહોંચ્યા. હરિહરે ડ્રાઈવરને ગેટ પાસે જ ઊભા રહેવાની સુચના આપ્યા બાદ કેશવને કહ્યું, “ચાલ આપણે બંગલામાં જઈએ.”
“સાહેબ, બંગલામાં જવાની કોઈ જરૂર નથી. તમારો ભૂત આ બંગલામાં નહીં પરંતુ તમારા બંગલાની બહાર જ છે.”
“હું કંઈ સમજ્યો નહીં !”
“સાહેબ, તમારા બંગલાની આસપાસ નજર ફેરવો. તમને કશું દેખાય છે ?”
હરિહરે બંગલાની આસપાસ નજર ફેરવીને કહ્યું, “ના, મને તો કશું દેખાતું નથી.”
પવનની લહેરખીથી આસપાસના વૃક્ષોના પાંદડા ધ્રુજી ઉઠ્યા.
“ધ્યાનથી જુઓ સાહેબ.”
હરિહરે કપાળે બાઝેલા પરસેવાને લૂછતાં કહ્યું, “ના મને કશું દેખાઈ રહ્યું નથી.”
હરિહરે હસીને કહ્યું, “સાહેબ, તમને બંગલાની આસપાસ ઊગી નીકળેલા આ વૃક્ષો દેખાતા નથી ? તમારા હવેલીમાં ભૂત હોવાનું કારણ આ વૃક્ષો જ છે.”
“એટલે ?”
“જુઓ અહીં રોકાયેલા દરેકજણને શો અનુભવ થાય છે ?”
“કોઈક અજાણી શક્તિ તેમનું ગળું દબાવી રહી હોય તેવો તેમને અનુભવ થાય છે.”
“હવે કંઈ સમજ્યા ? સાહેબ, વૃક્ષો દિવસ દરમિયાન પ્રાણવાયું આપે છે પરંતુ રાતના સમયે તે કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરે છે. બંગલામાં રહેતા લોકોનું આ કાર્બન ડાયોક્સાઈડને લીધે જ જીવ ગૂંગળાય છે.”
“હે ભગવાન. આ તો મેં વિચાર્યું જ નહોતું. બેટા, તારો ખૂબ ખૂબ ધન્યવાદ હું આજે મારા નોકરો દ્વારા બંગલાના આસપાસના વૃક્ષોની કટાઈ કરાવી દઉં છું.”
“આ શું બોલ્યા સાહેબ ? વૃક્ષો તો આપણી અમુલ્ય પ્રાકૃતિક ધરોહર છે. તેની આમ કટાઈ કરવી ન જોઈએ.”
“તો પછી તેનો શો ઊપાય છે?”
“વૃક્ષોની કટાઈને બદલે તેની દર વર્ષે છટાઈ કરો. તમે વૃક્ષોની કાળજી લેશો તો તે પણ તમારી કાળજી લેશે. વૃક્ષોની છટાઈને કારણે તમારા બંગલાનું પરિસર સુશોભિત થશે અને તે લાગે નહીં ભૂત બંગલો.”
