Manoj Joshi

Classics

5.0  

Manoj Joshi

Classics

બહુશ્રુત ગ્રંથસંપુટ

બહુશ્રુત ગ્રંથસંપુટ

2 mins
7.3K




બહુશ્રુત ગ્રંથસંપુટ




કૈલાસ ગુરુકુળની નયનરમ્ય, મનોગમ્ય, પાવન તપોભુમિ પર યોજાતા સંસ્કૃત સત્રનો સમયગાળો વર્ષાઋતુ દરમિયાન આવે છે. ભાદરવા માસના શુકલ પક્ષની કેવડા ત્રીજ, ગણેશ ચતુર્થી અને ઋષિપંચમી દરમિયાન યોજાતું આ સત્ર જયારે ચાલુ હોય ત્યારે બહુધા મહુવાની માલણનદી જલસભર હોય છે. વર્ષાઋતુ, ધર્મોત્સવના દિવસો, માલણ તટે સ્થિત કૈલાસ ગુરુકુળની પ્રાકૃતિક રમ્યતા, ગુરુકુળમાં વહેતી પવિત્ર વાયુ-લહેરો અને સુક્ષ્મ આધ્યાત્મિક તરંગો, ગુરુકુળને સ્પર્શીને હર્ષથી લહેરાતા માલણના જળ-તરંગો......આનું માત્ર દર્શન હોય, અનુભૂતિ હોય, વર્ણન નહીં બહુશ્રુતના સંપાદકિયમાં શ્રી વિજયભાઈ પંડ્યા નોંધે છે તેમ. “માલણ નદીના તટ પરથી વાતી લેરખીઓમાં પ્રસરતા ‘બહુશ્રુત’પર્ણ મર્મરોના તરંગો ઉઠે છે, પ્રસરે છે અને શમી જાય છે અને ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ રચાય છે.” મહાન શાયર નીદા ફાઝલી કહે છે- “પ્રત્યેક ક્ષણ ઇતિહાસ બનાવવાની ક્ષણ હોય છે.” કૈલાસ ગુરુકુળમાં જાણે પ્રત્યેક કાર્યક્રમ, પ્રત્યેક પ્રકલ્પ, પ્રત્યેક ઘટના માત્ર ગુજરાતના જ નહી, ભારતીય સંસ્કૃતિના એક નવા ઇતિહાસના સર્જનની ક્ષણ બની રહે છે.

‘બહુશ્રુત’ એટલે બહુ જનોથી સંભળાયેલું. સંસ્કૃત સત્રને પ્રત્યક્ષ રીતે સેંકડો અને વીજાણું માધ્યમો દ્વારા લાખો લોકો સાંભળે છે તેથી આ લેખ સંગ્રહ “બહુશ્રુત” છે. બીજી રીતે જોઈએ તો બહુજન જેને સાંભળે છે (કથા મંડપમાં હજારો અને‘આસ્થા’ના માધ્યમથી ૧૭૦ દેશોના લાખો શ્રાવકો) એવા પૂજ્ય બાપુ જેના શ્રોતા છે તે વકતવ્યોનું મુદ્રીત સ્વરૂપ એટલે “બહુશ્રુત”.

વક્તવ્યોનાં સંપાદનનું કાર્ય કઠીન છે. મૂળ વાત તો એ છે કે વર્તમાન કદી લેખનમાં ઝીલી શકાતો નથી. કારણ કે લખાય અને મુદ્રીત થઈ, ગ્રંથ સ્વરૂપે ભાવકના હાથમાં આવે ત્યાં સુધીમાં તે ભૂતકાળ બની ચૂક્યો હોય છે. વર્તમાનમાં દર્શન-શ્રવણ જ થઇ શકે. એટલે જ પ્રાચીન ભારતીય સાહિત્યની આધારપીઠિકા મૌખિક પરંપરા રહી છે. તેનો સંકેત પણ “બહુશ્રુત” શીર્ષક દ્વારા મળે છે.

સત્રનો એક અર્થ યજ્ઞ થાય છે. યજ્ઞમાં સમીધ અર્પણ કરતી વખતે બોલાય છે- “ઇદમ્ અગ્નયે, ઇદમ ન મમ્”. આ ‘ન મમ’ ની ભાવના વિશ્વમાં સંદેશરૂપે ફેલાય એ દિશામાં એક નાનકડું પગલું ‘બહુશ્રુત’ ગ્રંથ સંપુટ છે એમ સંપાદક શ્રી વિજયભાઈ પંડ્યા કહે છે.

આદરણીય શ્રી વિજયભાઈ પંડ્યા, બહેન શ્રી રાજવી ઓઝા અને એમની સાથે પરામર્શક-પથપ્રદર્શક ટીમના સર્વ શ્રી ગૌતમભાઈ પટેલ, શ્રી વસંતભાઈ પરીખ, શ્રી હરીશભાઈ જોષી વગેરે સહુના શ્રેષ્ઠ પુરુષાર્થ બદલ અભિનંદન અને અભિવાદન.(આ પત્રિકામાં અહીં પણ જે લેખન, સંકલન અને સંપાદન થયું છે એમાં મારું કશું નથી- “ઇદમ ન મમ”)

સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા ૧૯૯૮માં અમરેલી ખાતે “ભગવાન શ્રી રામ” શિર્ષક અંતર્ગત યોજાયેલ પરિસંવાદ અને ત્યારબાદ ૧૯૯૯માં કૈલાસ ગુરુકુળ ખાતે ‘ભગવાન શિવ’ શિર્ષક અંતર્ગત યોજાયેલ સંસ્કૃતસત્ર-૧ ના વક્તવ્યોનું સંપાદન સાહિત્ય અકાદમી દ્વારા જ કરવામાં આવ્યું છે. જે પુસ્તક સ્વરૂપે પ્રાપ્ય છે. વર્ષ ૨૦૦૦ના સંસ્કૃતસત્ર-૨ ના કેન્દ્રીય વિષય “શ્રીમદ્દ ભાગવત પરિશીલન” નું સંપાદન ડૉ.એ.કે.સિંઘ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું પ્રકાશન ડી.એ.પ્રિન્ટ વર્લ્ડ, દિલ્હી દ્વારા કરવામાં આવ્યું છે. એ જ રીતે વર્ષ ૨૦૦૬માં યોજાયેલ “પ્રાદેશિક રામાયણો” (સંસ્કૃતસત્ર-૭) સંપાદિત પુસ્તક વડોદરાની શ્રી ઓરિએન્ટલ ઇન્સ્ટીટયુટ દ્વારા પ્રકાશિત થયું છે. સત્ર ૩ થી ૧૩ નું ‘બહુશ્રુત’ મા સંપાદન થયું છે.


વાચસ્પતિ પુરસ્કાર


Rate this content
Log in

Similar gujarati story from Classics