STORYMIRROR

Ashok Luhar

Drama Romance Tragedy

5.0  

Ashok Luhar

Drama Romance Tragedy

ભ્રાંતિ

ભ્રાંતિ

5 mins
7.5K


"રાજેશ, બે વાગ્યા છે. ક્યાં છો તમે ?"

ડાઈનીંગ ટેબલ પર જ બેઠી બેઠી સુઈ ગયેલી શાલિનીની આંખ ખૂલી ગઈ. ઘડિયાળ પર નજર નાંખી તો રાતના બે વાગી ગયા હતા અને રાજેશ હજી પણ આવ્યો ન હતો. ટેબલ પર પડેલો મોબાઈલ ફોન ઉપાડી રાજેશને જોડ્યો.

"સોરી શીલુ, હું બપોરે તને ફોન ન કરી શક્યો." રાજેશ બોલ્યો, "આજે મારે અર્જન્ટલિ બોસ સાથે પૂના આવવાનું થયું, એક ક્લાયન્ટ સાથે મિટીંગ હતી. કાલે સાંજ સુધી પાછો આવી જઈશ."

"રાજેશ, તું મને...."

"સોરી શીલુ, પ્લીઝ તું સૂઈ જા. હું અત્યારે જ મિટીંગ પતાવીને આવ્યો છું, ખૂબ થાકી ગયો છું." શાલિની વાત અધવચ્ચેથી કાપીને રાજેશ બોલ્યો, "ગુડ નાઈટ. આઈ વીલ ટોક ટુ યુ ઓન મોર્નિંગ." અને શાલિનીના જવાબની રાહ જોયા વગર ફોન કટ કરી નાંખ્યો. શાલિની અકળાઈને માત્ર ફોનની સ્ક્રીન પર જોઈ રહી.

વિજળીના કડાકાની સાથે બહાર ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. ફોન ટેબલ પર પછાડી શાલિનીએ જમવાનું ફ્રીજમાં મૂકી ડાઈનીંગ ટેબલ સાફ કર્યું.

રસોડામાં જઈ એક કોફી બનાવી. સોફા પર બેઠી બારીની બહાર પડતો વરસાદ જોઈ રહી. કોફીની એક ચૂસ્કી લીધી, કોફી હજી ખૂબ ગરમ હતી. કોફી મગ ટ્રીપોઈ પર મૂકી ફરી વરસાદને જોઈ રહી. પોતાના જ શરીરનો ભાર જાણે વધારે લાગી રહ્યો હોય તેમ સોફા પર અઢેલીને બેસી ગઈ. ઉપર ફરતા પંખાની જેમ તેનું મગજ પણ ચકરાવે ચઢ્યું,

"શું આ એ જ રાજેશ છે, જે મને એક પળ માટે પણ એકલી છોડવા ન માંગતો હતો ? અને જેના માટે મે આટલું મોટું પગલું ભર્યું." શાલિનીને આંખો પર ભાર વરતાવા લાગ્યો, આંખો બંધ કરતાં જ આંસુ ગાલ પર સરકી પડ્યાં. પીડાના ભાવ સાથે શાલિની તંન્દ્રામાં સરી પડી. મુસળધાર વરસાદનો અવિરત ધ્વની પીડામાં ઓર વધારો કરી રહ્યો હતો.

શાલિની અચાનક ઝબકીને જાગી, જાણે ઘરનો દરવાજો કોઈકે જોરથી ખખડાવ્યો હોય. ઘડિયાળ સામે જોયું તો રાતના પોણા ત્રણ વાગ્યા હતા. કોઈક વહેમ હશે એમ માની ફરી સોફા પર માથું અઢેલી સુવાનો પ્રયત્નો કર્યો. ફરી એક વખત દરવાજો ખખડવાનો અવાજ આવ્યો.

"કોણ હશે આટલી રાતના....?" વિચારતી શાલિની સોફા પરથી ઉઠવા ગઈ પણ ફરી સોફા પર ફસળાઈ પડી. મહામહેનતે સોફા પરથી ઊભી થવામાં સફળ તો રહી, પણ પોતાનું જ શરીર જાણે અનેકગણું ભારે થઈ ગયું હોય તેવો અહેસાસ થયો. પડી ન જવાય તેનું ધ્યાન રાખતા ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધી. ફરી પાછો દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. હવે તેના મનમાં એક વિચિત્ર પ્રકારનો ભય ઉત્પન્ન થયો. તેણે દરવાજાની સ્ટ્રોપર ખોલી.

દરવાજો ખોલતાની સાથે જ શાલિનીની આંખો પહોળી થઈ ગઈ. તેના મોઢામાંથી ત્રુટક ત્રુટક શબ્દો સરી પડ્યા, "નવિન....! તમે...?" ભય અને આશ્ચર્યના મિશ્રિત ભાવ સાથે શલિની માત્ર એટલું જ બોલી શકી.

અંધારામાં દરવાજાથી થોડે અંતરે ઊભેલા નવિનની માત્ર આકૃતિ જ દેખાતી હતી.

"નવિન, આ તમે જ છો ને ? અંદર આવી જાઓ. ક્યાં હતા આટલા દિવસો ?"

"નહીં શાલુ, હું તને ફક્ત એક વાર જોવા આવ્યો છું." ધીમા સ્વરે નવિન બોલી રહ્યો, તેના અવાજમાં પીડા હતી, "તું ખુશ તો છે ને...?"

"નવિન, અંદર આવી જાઓ પ્લીઝ. તમારી હાલત ઠીક નથી લાગતી." બોલતાની સાથે શાલિનીની આંખોમાંથી આંસુ સરી પડ્યા.

"શાલુ, તું મારી ચિંતા ન કર. મારા સવાલનો જવાબ સાંભળી હું જતો રહીશ"

"નવિન પ્લીઝ, હવે કશે ન જતા. કેટલાય મહિનાઓથી અમે તમને શોધી રહ્યાં હતાં. તમે અચાનક ક્યાં ?" શાલિનીના હોંઠ કાંપી રહ્યાં હતાં.

"સાચે જ શાલુ ! તને તો હજી પણ જુઠ્ઠું બોલતાં આવડતું નથી." નવિન પીડા સાથે બોલી રહ્યો હતો.

"આવું કેમ બોલો છો નવિન ?" શાલિનીનાનું ગળું જાણે રૂંધાવા માંડ્યું.

"શાલુ, જો તું રાજેશને પ્રેમ કરતી હતી અને તારે રાજેશ સાથે જ લગ્ન કરવા હતા તો મારી સાથે વાત તો કરી હોત....! આમ મારી સાથે શા માટે ?"

"નવિન, આ તમે શું બોલો છો? હું રાજેશ સાથે અને લગ્ન....."

"તો આટલા મહિનાઓથી તમે કેમ સાથે રહો છો ?" શાલિનીની વાત અધવચ્ચેથી કાપતા નવિન બોલ્યો, "કેમ મારા ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નહિ આપી ? કેમ મને શોધવાનો પ્રયત્ન ન કર્યો?"

"નવિન, રાજેશ તમારો મિત્ર છે, હું એકલી ન પડી જાઊં એટલા માટે રાજેશ અહીં રહે છે, બસ બીજું કોઈ કારણ નથી." શાલિની નવિનને સમજાવતી હોય તેમ બોલી.

"....પણ એક જ બેડરૂમમાં સૂવું જરૂરી તો નથી ?"

શાલિનીના શરીરમાં એક કંપારી છુટી ગઈ.

"નવિન...." શાલિની ભયની લાગણી સાથે બોલી, "નવિન... એવું કશું જ નથી..."

"શાલિની, હવે જુઠ્ઠું બોલવાનું કશું જ કારણ નથી." નવિનનો અવાજ જાણે વધું તિક્ષ્ણ બની ગયેલો માલૂમ પડ્યો.

"આપણે લોનોવાલા જઈએ એ તારી મરજી હતી કે રાજેશે બનાવેલો પ્લાન ?" નવિનનો અવાજ વધુ ઘેરો બન્યો, હવે તેના અવાજમાં કોઈ પીડા ન હતી.

"એ મારી જ મરજી હતી નવિન. આપણા બંને વચ્ચે બધું બરાબર નહોતું એટલે જ આપણે થોડા દિવસ માટે લોનોવાલા જઈએ." શાલિનીની આંખો હવે સૂકાઈ રહી હતી.

"....તો પછી રાજેશનું ત્યાં શું કામ હતું ?" હવે નવિનનો અવાજ કરડો થઈ રહ્યો હતો.

"મને નથી ખબર કે રાજેશ પણ ત્યાં !" શાલિનીના ચહેરાના ભાવ બદલાઈ રહ્યાં હતાં.

"તો પછી તને એ પણ ખબર નહીં હોય કે રાજેશ આપણી જ હોટલમાં રૂમ નંબર 804માં રોકાયો હતો, અને તું તેના રૂમમાં પણ ગઈ હતી. મોડી રાત્રે... મારા સૂઈ ગયા પછી..." નવિનના અવાજનો સ્વર હવે વધું તિક્ષ્ણ થયો.

"ન..વિ..ન....!" શાલિની આ બધું સાંભળીને જાણે હેબતાઈ ગઈ, "તમને... આ... બધું.. કોણે.. કહ્યું ?..." ત્રૂટક ત્રૂટક શબ્દોમાં શાલિની બોલી.

"પાંચમી ડિસેમ્બર, સવારે સાડા છ વાગ્યે, હું લોનાવાલા હીલ પર મોર્નિંગ વોક પર નિકળ્યો." નવિનના અવાજમાં હવે ભારોભાર ગુસ્સો હતો. "...તે વખતે ગાઢ ઘુમ્મસનો ફાયદો ઉઠાવી રાજેશે મને ખીણમાં ધક્કો...."

"નહીં, રાજેશ તે વખતે હોટલના રૂમમાં હતો." શાલિની એક ચીસ સાથે બોલી ગઈ.

"રાજેશ રૂમમાં હતો, તો શું મને ધક્કો મારનાર તું હતી શાલુ ?" નવિન ગુસ્સા અને ચીસ સાથે બોલી રહ્યો હતો.

શાલિની જાણે ફસડાઈ પડી, "મને માફ કરી દો નવિન." ઘૂંટણીએ પડી બંને હાથે પોતાનો ચહેરો ઢાંકી પોંક મૂકી રડવા માંડી.

"તને ખબર છે શાલુ... ખીણમાં પડતાની સાથે મારી શું હાલત થઈ ? તું જોઈ શકીશ ? તો જો !"

શાલિનીએ નવિન તરફ નજર નાંખી. વિજળીની ચમકારા સાથે નવિનનો ચહેરો જોઈ શાલિની ભયથી ધ્રુજવા લાગી. મોઢા પર કેટલાય ઘાના નિશાન, એક આંખ અરધી તો બીજી સંપૂર્ણ રીતે ઘવાયેલી, માથા પરથી ગાલ પર સરકતી લોહીની ધાર, કરડાયેલા હોંઠ, અસંતૂલિત ખભા જાણે એક હાથ શરીર પર માત્ર લટકતો હોય, એક તરફ નમી ગયેલું શરીર જાણે એક જ પગ પર શરીરનો બધો ભાર હોય અને બીજો પગ પાછળની તરફ કરડાયેલો. નવિનનું આ બિહામણું રૂપ જોઈ શાલિની રીતસરની ચીસ પાડી ઉઠી.

"નહીં....." શાલિની ઝબકીને સોફા પર બેઠી થઈ, શરીર આખું પરસેવાથી રેબઝેબ હતું, શ્વાસોચ્છવાસ તીવ્ર ગતિએ ચાલતો હતો. કંઈક વિચિત્ર ભ્રાંતિ મનમાં ઉત્પન્ન થઈ. હોલમાં ચારે તરફ નજર નાંખી, કોઈ ન દેખાયું.

બહાર હજી પણ મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો. શાલિની ઊભી થઈ, ફ્રીજમાંથી પાણીની બોટલ લઈ એકી શ્વાસે અડધી બોટલ પાણી પી ગઈ, બોટલ મુકી ફ્રીજ બંધ કર્યું. ફરી આખા હોલમાં નજર નાંખી પણ આ વખતે શાલિની નજર દરવાજા પર અટકી, તેના આખા શરીરમાં કંપારી છૂટી ગઈ ને શ્વાસ રૂંધાવા લાગ્યો. દરવાજાની સ્ટ્રોપર ખૂલ્લી હતી.

***


Rate this content
Log in

Similar gujarati story from Drama